Maaro Darvajo Bandh - Free-verse | RekhtaGujarati

મારો દરવાજો બંધ

Maaro Darvajo Bandh

સંસ્કૃતિરાણી દેસાઈ સંસ્કૃતિરાણી દેસાઈ
મારો દરવાજો બંધ
સંસ્કૃતિરાણી દેસાઈ

હું મારી બહાર નીકળી હતી

ને દિવસને અંતે પાછી ફરી

ત્યાં તો મારો દરવાજો બંધ.

બેસી ગયા હતા સહુ, બધું જડબેસલાખ બંધ કરીને.

બારીઓ દરવાજા...

ઘેરા પડદા પણ ઢાળી દીધેલા.

હું મારી બહાર રહી ગઈ!

કેટલી બૂમો પાડી બારણું ખોલી મને અંદર લઈ લેવા માટેની

પણ, કેવી રીતે સંભળાય અંદર

સાગના ડબલ બારણા બંધ કરીને બેઠા હોય તો!

રાતના નીકળે છે શયતાન

કોઈને પણ પકડીને આરોગી જવા.

સજ્જડ બંધ કરી દીધા છે

બધાએ પોતાના બારીબારણાં

શયતાનની બીકથી.

કોઈનેય સંભળાતું નથી, બૂમો પાડું છું તોય.

નક્કર પત્થરનું ટાવર લાગે છે મારું ઘર.

દરબારગઢનું રક્ષણ કરવા પાણીની ખાઈ બનાવી હોય

તેની ફરતે

અને પછી પૂલ ઉપાડી લે...

કેવી રીતે મારા દરબારગઢ સુધી વાત પહોંચાડું કે

હું તો બહાર રહી ગઈ છું

સાંકડી ગલીઓમાંથી ગમે ત્યારે

આવી જશે શયતાન, આગ ઑકતો.

શિકારની શોધમાં...

આગ ભભૂકવાનો અવાજ સંભળાવા માંડ્યો છે મને

આવતો હશે હમણાં...

સાંકડી ગલીઓમાંથી ફરતો ફરતો...

સ્રોત

  • પુસ્તક : શબ્દદાબડીઓ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : સંસ્કૃતિરાણી દેસાઈ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2020