Famous Gujarati Free-verse on Padchhayo | RekhtaGujarati

પડછાયો પર અછાંદસ

કોઈ પણ પ્રકાશને અવરોધતા

તેનો ઓળો પડે એ. પડછાયો મૂળ પદાર્થ કે વ્યક્તિ સાથે જોડાયેલો જ રહે છે, માટે સતત સાથે રહેનાર વ્યક્તિ માટે પડછાયાનું વિશેષણ છે. જેમકે : “સુરેશ મોટા શેઠનો પડછાયો હતો. શેઠ સવારે ઉઠે ત્યારથી માંડીને રાતે પથારી ભેગા થાય ત્યાં સુધી એ અચૂક મોટા શેઠ સાથે જ હોય.” આ સિવાય કોઈનો પીછો કરવો એ માટે પણ પડછાયાને સાંકળતો રૂઢિપ્રયોગ છે કે, ‘પડછાયાની જેમ પીછો કરવો’ જેમ પડછાયો સતત વ્યક્તિની સાથે હોય છે તેમ એક ક્ષણ માટે પણ જે તે વ્યક્તિને નજર બહાર ન જવા દેવું એટલે પડછાયાની જેમ પીછો કરવો. પડછાયો જાણે આપણા શરીરનો હિસ્સો હોય એમ સતત સાથે હોવાથી આપણી સાહિત્યકૃતિમાં પણ દેખાતો રહે છે. જુઓ કાવ્યના અંશ : હિંદુ બનું બુદ્ધ બનું મુસલમાન બનું આ પડછાયો કપાતો નથી, મારાથી. કુલડી ગઈ સાવરણી ગઈ આ પડછાયો છૂટતો નથી મારાથી. (પડછાયો / પ્રવીણ ગઢવી) *** શીશીમાંથી સરકતી રેતી જેવા સમયને સૂરજ એકીટશે જોઈ રહ્યો છે કોઈ મને પણ જોઈ રહ્યું છે જેમ ખજૂરીનો પડછાયો પોતાના પડછાયાને જુએ એકાદ બે ઊંટ હતા તે પણ હીજરત કરીને જતા રહ્યા (શિલ્પકાર / અનિલ જોશી) *** “...ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે : દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂકતાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો...” (જનાન્તિકે / પડછાયો / સુરેશ જોષી) ** દિનકર જોશીએ ગાંધીજીના પુત્ર હરિલાલના જીવન પર આધારિત લખેલી નવલકથાનું નામ ‘પ્રકાશનો પડછાયો’ છે. પિતાના પ્રભાવતેજ તળે પુત્રના દબાઈ ગયેલા વ્યક્તિત્વ માટે કેટલું સૂચક શીર્ષક!

.....વધુ વાંચો