પ્રેમમાં ઘાયલ થયેલા હૈયાની એકોક્તિ, યાને બેવફાઈના નેપથ્યમાં થતો શાંત કોલાહલ
Prem Ma Ghayal Thayela Haiya Ni Aekokti, Yane Bewafai Na Nepathya Ma Thato Kolahal


અને આખરે મારી ઇચ્છાનું પતંગિયું
પ્લાસ્ટિકના ફૂલ પર બેસીને ભોંઠું પડ્યું.
રાતના અંધકારમાં તારાઓની વેદના
ઝાંખો પ્રકાશ બનીને પથરાઈ રહી છે.
હું પણ વિજાણંદ છું, ઇચ્છાનાં કેટલાંય હરાયાં ઢોરને
ડાહ્યાંડમરાં બનાવી તારે આંગણે લાવીને ઊભો છું.
તારા હોઠની ચુપકીદી
મારા હૃદયની ફર્શ પર કાચની કરચો બનીને
વેરાઈ રહી છે. તારા આંગણાના આસોપાલવને
પાંદડે પાંદડે આપણી કથા કલબલી રહી છે,
ને તું મરસિયા ગાતી બેઠી છે ઘરમાં...
આટલા દુર્ગમ સ્થાન કાપીનેય મારે થોરને
ભેટવાનું હોય! તો ક્યાં ગઈ તારા નામની
લીલકાતી કેળ! ઠંડી ઠંડી લ્હેરોમાં
પવનની લટો સંવારી સંવારીને કરેલી પ્રણયગોષ્ટી
હતી કે; હવાના જર્જરિત ખંડેરમાં પ્રેતાત્મનું તાંડવ.
આજની હવાએ ઓઢી લીધો છે, બેવફાઈનો અંચળો...
ઊડી ગયેલા બલ્બ જેવી જિંદગી નીચે બેઠો છું હું.
અંધકાર ને દૂઝતા ઘામાં રહી રહીને અટકતું દર્દ.
રોજ રોજ તૂટતી, ખસતી અને વધતી શહેરની દીવાલોએ
હજી સાચવ્યાં છે, તારા નામનાં પોસ્ટરો–
ફેમીલી રૂમના પડદાએ સાચવ્યા છે ડૂસકાના ડાઘ.
વ્હેલી સવારના ગૂંથેલી માળામાંથી
ઝાકળનાં બિંદુ સરકી જાય છે.
ફૂલોની પથારીમાં ક્યાંથી ઊગી નીકળ્યું
આ જંગલી ઘાસ...
ખેર, ઝાંઝવા પાછળ દોડીને હોમાઈ જતા
મનને મેં જ હરણ બનાવ્યું હતું... મેં જ... મેં જ



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ