Famous Gujarati Free-verse on Ichchha | RekhtaGujarati

ઇચ્છા પર અછાંદસ

મરજી. અભિલાષા. કામના.

ઇચ્છા વ્યક્તિગત બાબત હોવા છતાં વિશાળ ફલક પર અસર, પરિવર્તન કરી શકે છે. રાજા ભર્તૃહરિને ગુરુ ગોરખનાથે જેના સેવનથી યૌવન સદા રહે એવું અમરફળ આપ્યું. જે એમણે પોતાની પત્નીને આપી દીધું. પત્ની રાજ્યના કોટવાળ પર આસક્ત હતી તેથી તે ફળ તેણે કોટવાળને આપી દીધું. કોટવાળ એક વેશ્યાને ચાહતો હતો, આથી એણે એ ફળ વેશ્યાને આપી દીધું. વેશ્યાએ વિચાર્યું કે રાજા સદા યુવાન રહે એ રાજ્ય માટે બહેતર છે. તેથી એ ફળ એણે રાજા ભર્તૃહરિને આપ્યું. રાજા ભર્તૃહરિને ફળ જોઈને ખૂબ નવાઈ લાગી કે એમણે તો આ ફળ રાણીને આપ્યું હતું. તે વેશ્યા પાસેથી કેમ મળ્યું! જ્યારે રાજાએ ફળની લેવડદેવડની સમગ્ર વાત જાણી ત્યારે એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો અને એમણે ‘વૈરાગ્યશતક’ નામનો ગ્રંથ લખ્યો. અહીં ઉક્ત ઘટનામાં સંચાલક તત્ત્વ ઇચ્છા છે! સહુ કશુંક ઇચ્છી રહ્યા છે જે આખરે વૈરાગ્ય દર્શન સુધી વાત લઈ જાય છે. આમ તો આ એક દંતકથા છે, પણ વિશ્વના મોટા મોટા યુદ્ધની પાછળ જોઈશું તો કોઈ એક જણની પ્રબળ કે મામૂલી ઇચ્છા મૂળ રૂપે જડી આવશે. કૈકેયીની પોતાના પુત્રને રાજગાદી અપાવવાની ઇચ્છા, રાવણની સીતાને પામવાની ઇચ્છા અને સીતાની સોનાનું હરણ મેળવવાની ઇચ્છા – આ ત્રણ ઇચ્છા પર આખું રામાયણ સર્જાયું છે. મહાભારત આખું વિવિધ પાત્રોની નાની મોટી ઇચ્છાનું પરિણામ છે. વિશ્વ વિખ્યાત અમેરિકી નવલકથા ‘ફાઉન્ટન હેડ’ એના આર્કિટેક નાયકની મૌલિક ડિઝાઇનની ઇમારતો રચવાની ઇચ્છાના કેન્દ્રીય વિચાર પર લખાઈ છે.

.....વધુ વાંચો