dekhne mein kaisi bholi bhali - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દેખને મેં કૈસી ભોલી ભાલી

dekhne mein kaisi bholi bhali

ભરત ત્રિવેદી ભરત ત્રિવેદી
દેખને મેં કૈસી ભોલી ભાલી
ભરત ત્રિવેદી

કોઈ

દૂધવાળી નથી કે

સવારે સમયસર બારણે આવીને

હાંક મારે

તે તો આવે અડધી રાતે

અગાશી કે પછી બારી વાટે

પાણીની પાઇપ ઝાલીને

એવી તો સડસડાટ ઉપર

આવતી રહે કે

અડધી ઊંઘમાં ઘેરાયેલી

ખિસકોલી પણ આંખો ચોળતી

જોતી રહે!

શું કરે છે અલ્યા ડોબા?

કહીને તમારા હાથમાં

કાગળ-પેન પકડાવી દે

અને લખાવે.

તમે લખો એક તો તે લખાવે બે

તમે લખો દિવસ તો તે લખાવે રાત

તમે લખો પ્રેમ તો તે લખાવે વહેમ!

હુંસાતુંસીમાં રાત નીકળી જાય

ને અખબારવાળો આવે

તે પહેલાં તો તે કાછડો બાંધીને

એવી તો પાઇપ ઝાલીને નીચે

ઉતરી જાય કે

તમે આખો દિવસ

રાત પડે તેનાં સપનાં જોતાં રહો

તે આવે ખરી?

એમ રોજરોજ આવે તે

વાતમાં માલ ક્યાં છે!

લો, તમે બારી વાસવાનું ભૂલી ગયા ને

તે આવીને તમારી રજાઈ ખેંચે!

તમારા ચશ્માં સાફ કરીને

પહેરાવી પણ દે

ખુરશીમાં સામે બેસીને કહે

લખ ડોબા :

બાગો મેં બહાર હૈ? ફૂલોં મેં નિખાર હૈ?

કહે ચાલ હવે આગળ વધ

તમે લખી નાખો : હમકો તુમસે પ્યાર હૈ

ક્યાં ગઈ પેલી નખરેવાલી

આવજે હવે...

સ્રોત

  • પુસ્તક : મનસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 229)
  • સર્જક : ભરત ત્રિવેદી
  • વર્ષ : 2022