રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગૂઢ પર અછાંદસ
ન સમજાય એવું. ગુપ્ત.
ગહન. ઇન્દ્રિયાતીત, રહસ્યમય. અસરળ. ગૂઢવાદનું કળામાં વિશેષ સ્થાન છે. ગૂઢવાદ આધારિત કલાકૃતિઓ જેમકે ચિત્રો, સંગીત, નૃત્ય અને સાહિત્યમાં રચાઈ છે. ગૂઢવાદ અથવા રહસ્યવાદની વ્યાખ્યાઓ બાબત અનેક મતમતાંતર છે. કેટલાક વિચારકો એમાં ઈશ્વરની અનુભૂતિનો પ્રયાસ પણ જુએ છે અને કેટલાક અતિનિદ્રિય અનુભવ સાથે ગૂઢવાદને ભેળવી દે છે પણ ગૂઢવાદ અને ઈશ્વર, ધર્મ કે ઇન્દ્રિયાતીત અનુભવને કોઈ સંબંધ નથી. ગૂઢ અને ગૂઢવાદ સમાન નથી. ગૂઢ એટલે ઇન્દ્રિયાતીત કે જે તત્ત્વને શબ્દોથી કે તર્ક કે વિચારોથી પામી શકાતું નથી એવો અર્થ હોઈ શકે પણ ગૂઢવાદ એવા અનુભવોને આધારે કરવામાં આવતું કળાવિધાન છે જેને શબ્દોથી કે તર્ક કે વિચારોથી પામી શકાય. વિશ્વસાહિત્યમાં ગૂઢવાદ પ્રેરિત પુષ્કળ લખાયું છે. વિદેશમાં હ્યુઝમેન, ઇમર્સન અથવા ગોથેના લખાણોમાં ગૂઢવાદના તત્ત્વ જણાય છે. ગૂઢવાદને પ્રારંભિક તબક્કામાં ઈશ્વરકે ઈશ્વરીય તત્ત્વ જોડે સાંકળી લેવાયું હતું. તાજેતરના ભૂતકાળ સુધી ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકાઓ ઓછી અને વિશ્વાસ વધુ હતો. ઈશ્વરના અસ્તિત્વ સામે શંકાઓ દ્રઢ બનતા ગૂઢવાદ વધુ ગૂઢ બન્યો છે. અઢારમી સદીના બ્રિટિશ લેખકો વિલિયમ લૉ અને વિલિયમ બ્લેક, બ્રાઉનિંગ, વર્ડ્સવર્થ, શેલી, રોસેટી, કિટ્સ, બર્ક કાર્લાઈલથી માંડીને એની ડિલાર્ડ (અમેરિકન), એલિઝાબેથ જોહ્ન્સન (અમેરિકન), બિલ પ્લોટકિન (અમેરિકન) અને બેલ્ડન લેન(અમેરિકન)ના ગૂઢવાદ પ્રેરિત લખાણોનો અભ્યાસ થયો છે. ભારતીય સાહિત્યમાં ગૂઢવાદ - આ વિષય પર તલસ્પર્શી અભ્યાસ થવો બાકી છે. ભારતીય કાવ્યોમાં ગૂઢવાદ પર સંશોધન થયું છે પણ એમ દૈવી તત્ત્વ તરફના સાહિત્યસર્જન તરફનો ઝોક છે. રવીન્દ્રનાથ ઠાકુરના ‘ગીતાંજલિ’ કાવ્યમાં રહસ્યવાદ પર અભ્યાસ થયો છે પણ રવીન્દ્રનાથ ઠાકુર અને સત્યજીત રાયના ગદ્યમાં ગૂઢવાદ વિશે જે કામ થયું છે એની યોગ્ય નોંધ હજી લેવાની બાકી છે. રવીન્દ્રનાથ ઠાકુરની વાર્તા ‘ક્ષુધિત પાષાણ’માં ગૂઢવાદ જોઈ શકાય છે અને સત્યજીત રાયની ગૂઢવાદ પર આધારિત ઢગલો વાર્તાઓ મોજૂદ છે. ગુજરાતીમાં મધ્યકાલીન ભક્તિકાવ્યોમાં ગૂઢવાદ મળે છે. કેટલાક ઉદાહરણ : નરસિંહ મહેતાના ભજનના પદ : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અ૦ ૧ અને વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અ૦ ૩ (નરસિંહ મહેતા) અને આ ભજનના અન્ય પદ પણ. મીરાંના ભજન ‘તમે સમુદ્ર સરીખા’ની આ પંક્તિઓ જુઓ : આ રે કાયામાં છે વાડીઓ રે હો જી. માંહે મોર કરે છે ઝીંગોરા રે. મારા. આ રે કાયામાં છે સરોવર રે હો જી, માંહી હંસ તો કરે છે કલ્લોલા રે. મારા૦ આ રે કાયામાં છે હાટડાં રે હો જી, તમે વણજવેપાર કરો ને અપરંપાર રે. મારા૦ (મીરાંબાઈ) પંડિત યુગના કવિ હરજીવન કુબેરજી ત્રવાડી(ઋષિરાજ)ની ‘અવળ વાણી’ શીર્ષકવાળી રચનાની કેટલીક પંક્તિઓ જુઓ : ઘાંચીને બાંધીને ફેરવે ઘાણી, જલ અગ્નિ તપાવે, હાં રે હરિ જલo: ધોબીને જલ વિણ ધોતિયું ધોવે, અન્ન મનુષ્ય ખાવે, સોનારને સુવર્ણ તાવે : આ દશાo ૧ દેખાય નિત્ય વદનમાંહ્ય દર્પણ, જનનીને પુત્ર ઝુલાવે, હાં કે હરિ જનo: ગોવાળને ચારવા જાય ગોધો, સાપ ગરુડને ડરાવે, ઉડૈ બાળકને ઉડાવે : આ દશાo ૨ (હરજીવન કુબેરજી ત્રવાડી (ઋષિરાજ)) આધુનિક યુગ સુધી આવતા ગુજરાતી સાહિત્યમાં ગૂઢવાદ કે રહસ્યવાદ અને વિસંગતિ (ઍબ્સર્ડ) અને જાદુઈ વાસ્તવ (મેજિક રિયાલિઝમ) એવા ભેળવાઈ જાય છે કે એમને ચીપિયા વડે જુદા પાડી ચકાસવા કે સમજવા મુશ્કેલ થઈ પડે છે. સિતાંશુ યશશ્ચંદ્ર અને લાભશંકર ઠાકરના કાવ્યોમાં ગૂઢવાદ મુખરિત થાય છે. કિશોર જાદવ અને સુરેશ જોશીની વાર્તાઓ અને અન્ય ગદ્યમાં ગૂઢવાદના લક્ષણો છે. ભૂપેશ અધ્વર્યુની વાર્તા ‘હનુમાન લવકુશ મિલન’, મધુ રાયની ‘સરલ અને શમ્પા’ વાર્તા અને ‘હરિયો’ શ્રેણીની વાર્તાઓ, બાબુ સુથારની કેટલીક વાર્તાઓથી માંડીને તાજેતરના વાર્તાકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની વાર્તાઓમાં ગૂઢવાદ પ્રેરિત કામ થયું છે.