ઘટના
Ghatna
ઝિગનેવ હર્બર્ટ
Zbigniew Herbert
ઝિગનેવ હર્બર્ટ
Zbigniew Herbert
આપણે દરિયાકિનારે ચાલીએ છીએ
એક પુરાણા સંવાદના બન્ને છેડાઓને
મજબૂત રીતે હાથમાં પકડીને, જકડીને –
– તું મને ચાહે છે?
– હું તને ચાહું છું.
ભવાં ચડાવીને
હું બન્ને ટેસ્ટામેન્ટ
જોશીઓ અને પયગંબરો
બગીચાના તત્ત્વડહોળુંઓ
અને મઠવાસી તત્ત્વજ્ઞાનીઓના
ડહાપણનો સાર તારવું છું
અને એ કંઈક આવું લાગે છે
– રડો નહિ
– બહાદુર બનો
– જુઓ બધા કેવા
તમે તમારા હોઠ કરડો છો અને કહો છો
– તમારે પાદરી થવું જોઈએ
અને ગળે આવી જઈને તમે જતા રહો છો.
કોઈને ધર્મોપદેશકો ગમતા નથી.
નાનકડા નિર્જીવ દરિયાને કિનારે
મારે શું કહેવું
પાણી ધીરે ધીરે
ભૂંસાઈ ગયેલા પગલાના આકારને ભરી દે છે.
(અનુ. જશવંતી દવે)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
