amdawad 1981 - Free-verse | RekhtaGujarati

અમદાવાદ-1981

amdawad 1981

મંગળ રાઠોડ મંગળ રાઠોડ
અમદાવાદ-1981
મંગળ રાઠોડ

લોકોએ

ગાંધીજીની આંખો પર

પાટા બાંધી દીધા

અને આપણામાંના

કો’ક કો’કને

થોડું થોડું દેખાતું હતું

તે સૌ કોઈ અંધ થયા.

લોકોએ

ગાંધીજીના કાનમાં

રૂના પૂમડાં ખોસી દીધાં

અને આપણામાંના

કો’ક કો’કને

જે કંઈ થોડું થોડું સંભળાતું હતું

તે સૌ કોઈ બધિર બન્યા.

લોકોએ

ગાંધીજીના મોઢામાં ડૂચો મારી દીધો

અને આપણામાંના

કોઈકને કંઈક સત્ય ઉચ્ચારવું હતું

તે મૂંગા મર્યા.

લોકો

કંગાળ હતા કે સમૃદ્ધ હતા?

લોકો

(તબીબી) વિદ્યાર્થી હતા કે હિંસાર્થી હતા?

લોકો ક્રાંતિકારી હતા કે રૂઢિચુસ્ત હતા?

લોકો તેજસ્વી હતા કે મેદસ્વી હતા?

એક મૃત મહાત્માથી ગભરાતા–

લોકો

કેટલા ટકા સુવર્ણ હતા?

કે પિત્તળ હતા?

એક અંધ, બધિર ને મૂક નગર

સદીઓ સુધી હવે કરશે અગર મગર...!

સ્રોત

  • પુસ્તક : કાવ્યોપનિષદ દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : કેસર મકવાણા, ભરત વિંઝુડા
  • પ્રકાશક : પાશ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2022