kem hun? - Free-verse | RekhtaGujarati

Officeમાં

આજે કામ કર્યું હોત તો

મનના કોઈ ખુણે

ભય હોય કે

જો ક્યારેક

કદાચ કોઈ ભૂલ થઈ હશે તો

આવતી કાલે staff સામે

હમણાં

કૉલેજમાંથી નવી

Graduate થઈને આવેલ

પેલી છોકરી જુલિયા

બધા વચ્ચે ખખડાવી નાખશે પણ

મેં તો કામને Filesના ઢગલા વચ્ચે મૂકી

દિવસ આખો

મિત્રો જોડે

ન્યૂયોર્ક, બોસ્ટન અને શિકાગો,

ફોન પર વાતોના વડાં કરતા...

બપોરે નિરાંતે

ઓફિસની બેચાર અમેરિકન કન્યા જોડે

Lunchમાં

ઈટાલિયન રેસ્ટોરન્ટમાં જઈને

Cold Beer ગટગટાવ્યાં

આવતા Weekમાં

મારો Birthday છે

અને હું Vacation પર છું

એટલે રોજ મારી

આંખ સામેથી

નાકનું ટેરવું ચઢાવીને ચાલી જતી

નંદિતા મહેતા

ઘરેથી Cake બનાવી લાવી હતી

એટલે બધાએ

હોંશેહોંશે

Happy Birthday to youનું song લલકાર્યું...

સાંજે હજુ મેં

Driveમાં

Car park કરી કરી ત્યાં તો

આંગણાના

દિ'આખો મેપલ વૃક્ષ તળે

ચૂપચાપ બેસી

એક ચકલીઓનું ટોળું ચી..ચી કરતું

મને આવકારતું

મારી car પર ફરી વળ્યું..

મને જોઈ સવારથી બેસીને

હીંચકા ખાતા પવનને તગેડી

મને સાદ પાડતા

હીંચકે

નિરાંતનો થાક ખંખેરીને

બેસવા જાઉં છું ત્યાં તો

એક પતંગિયું

મારા ખભે બેસી

દિવસે પૂંછડી પટપટાવતી

ફળિયાને માથે લઈને

ફરતી ખિસકોલી બાઈને

કેવી મૂર્ખ બનાવી

તેની વાત કહેવા માંડ્યું

દીકરીએ હાથમાં

ઠંડા પાણીનો ગ્લાસ મૂકી

મને તેને મેડિકલમાં એડમિશન મળી ગયું

તેના ખુશી સમાચાર આપ્યા...

આજે Mailમાં

આવેલ બેચાર

આમંત્રણ પત્ર મારી સમક્ષ મૂકી

દીકરાએ કહ્યું ડેડી,

હું High Courtમાં કેસ જીતી ગયો...

અને રોજ સાંજે

બૂમ મારીને મરી જાઉં ત્યારે

તપેલી પછાડીને ચા ચૂલે મૂકતી

પત્નીએ હસીને

ગરમ પૌવા બટેટાના નાસ્તા સાથે

હાથમાં ચાનો કપ આપ્યો...

આજે દિવસની એવી

કોઈ એકાદ પળ નહીં હોય

કે મેં ખુશી સિવાય

કશું અનુભવ્યું હોય...

તેમ છતાં સલૂણી

સાંજે હું મને

પૂછી શકું છું પણ

કહી શકતો નથી કે

હું કેમ ઉદાસ છું

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.