શય્યા જેમાં સૂર્યપ્રકાશની ગંધ આવે છે
Shayya Jema Suryaprakash Ni Gandh Aave Chhe


આ માણસ પાસેથી મને બહુ પ્રેમ મળતો નથી.
પણ પુષ્કળ બાળકો : છોકરી! છોકરો! છોકરો! છોકરી.
કોઈ પણ હિસાબે એક તો વધારે જ.
જે મોડું સૂએ તેને માટે દહીં બિલકુલ નહીં.
અને ટી.વી.ના સમયે, એક જણે તો લાકડા પર બેસવું પડે.
ઓહ, તેને મારી ચાદરો ગમે છે : પોતાના પેટ પર પડ્યો પડ્યો
સૂંઘે છે : “અરે, અંધારામાં પણ
તેમાં સૂર્યપ્રકાશની ગંધ આવે છે.” કરડે છે મારી
આંગળીને, લગ્નની વીંટીને અને બધાયને. નથી પહોંચતી
ઈજા (તમને થશે કે તે આંગળી તો પ્રત્યાઘાત
દર્શાવશે) મને ગમે પણ છે. નગ્ન શરીરોમાં
હોય છે ધાગા. અમે અમારા ગૂંચવીએ છીએ,
રણઝણાવીને છૂટા પાડીએ છીએ. પછીથી
એને અંધારામાં સિગારેટ પીતો જોવો મને ગમે છે.
આછા અજવાળામાં તે બદમાશ લાગે છે.
હું એને વિશે ને એની ખાનગી બાબતો વિશે બધું જાણું છું.
સેક્સી સામયિકો (હવે તે ઑફિસમાં
રાખતો હશે), સંભાળથી વીંટાળેલાં
ગંદાં ચિત્રો. આવા પતિ પર તમારે નજર
રાખવી જોઈએ. એ મને જરાક ભૂખી
રાખવા ઇચ્છે છે. ફટ રે એને.
(અનુ. જયા મહેતા)



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ