alasiyun - Free-verse | RekhtaGujarati

1

અળળળળસિયાને

ટેબલ પર મૂક્યું

ખચ્ એક

ખચ્ બે

ને એમ ફૂટપટ્ટીના

કપાયેલા ત્રણ અલગ અલગ ઈંચ

યરલવ કક્કો વલવલતા,

અલેવલે થઈ

એમ રહી ગયા.

2

વળી અળસિયાની વેંત લઈને

તારી હથેળીને

માપવા મથું છું

પણ અળિસયું તો

વળી વળીને

વર્તુળ થઈ જાય છે વળી!

3

‘ળ’એ અળસિયાને મોંમાં મૂકી

મોં બંધ કર્યુ : અળસિયું મોંઢામાં મીડું.

ક્ષણ પછી એણે

થર્મોમીટર કાઢીને

ટેબલ પરની પાણી ભરેલી બરણીમાં

પેન્સિલ મૂકી.

4

એક અળસિયું લીધું

બીજું અળસિયું લીધું

ત્રીજું અળસિયું લીધું

ને એમ કોરા કાગળ ઉપર

ત્રિકોણની માંડણી કરું છું

પણ અળળળ અળસિયાં તો અળવીતરાં!

ભૂમિતિ કે વ્યાકરણ

કાગળ પરથી લસરક લસરી

પડે છે ત્યાં!

5

તારા છૂટા કેશરાશિને

તેં બાંધી દેવાની હઠ લીધી.

એક અળસિયાની ગાંઠ દઈને

એને બાંધી દેતાં

મારાં

દશ અળસિયાં હવે

એમાં અવળસવળ.

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988