રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરતન એકદમ જંગલમાં આવી પડ્યો. તે જંગલમાં કેવી રીતે આવ્યો તેની કંઈ જ ખબર તેને નથી. તે શું કામ આવ્યો? તેની જાણ પણ તેને નથી.
તે એટલું જ જાણતો હતો કે તે એકાએક જંગલમા આવી પડ્યો છે અને વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. તે નીકળવાનો પ્રયત્ન કરે છતાં નીકળી શકતો નથી. જાણે નવું જંગલ તેની સામે ઊભું રહી ગયું છે.
બાવરો બેબાકળો બનીને તે દોડાદોડ કરતો હતો ત્યાં જ તેની સામે કોઈક ઊભું રહી ગયું છે.
ડરી જઈને રતને પૂછ્યું : ‘ક-કોણ છે તું?’
‘તું કોણ છે?’
‘હું...હું રતન છું. જંગલનો રસ્તો ભૂલી ગયો છું.’
‘તું રસ્તો ભૂલ્યો નથી.’ પેલા અજાણ્યા માનવીએ કહ્યું : પણ તું મારી જાળમાં ફસાઈ ગયો છે. કેટલા દિવસથી હું તારી રાહ જોતો હતો. હવે કેવી રીતે તું અહીંથી છટકી શકશે?’
‘કોણ છે? કોણ છે?’ તું રતને કંપી જતાં પૂછ્યું.
‘મને ન ઓળખ્યો?’ એ માનવીએ મોઢા પરનું કપડું દૂર કરતાં કહ્યું : ‘હું માળી છું. તારી નિશાળની પાસેની વાડીનો માળી. યાદ છે? પથરાઓ મારીને, ચોરીછૂપીથી પેસી જઈને, છોકરાંઓને ઘુસાડી દઈ, તું હંમેશાં મારાં ફળ ચોરી જતો હતો. મારો શેઠ રોજ મારાં ફળોનો હિસાબ પૂછતો હતો. છેવટે એને મારી પર જ શક ગયો. એને થયું કે હું જ ફળ વેચી મારતો હોઈશ. એણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. ઓહ...!’
માળી પોતાની વાત કહેતો હતો. રતનને બધી વાતો યાદ આવવા લાગી. બધું સાચું હતું. અક્ષરેઅક્ષર સાચું હતું.
માળી આગળ બોલતો ગયો : ‘ત્યાર બાદ મારા કેવા મુશ્કેલીના દિવસો પસાર થયા તે હું જ જાણું છું.
મારો ભૂખમરો, મારી બેકારી, મારી લાચારી. જવા દે. છેલ્લા કેટલાય વખતથી અહીં જંગલમાં લાકડાં કાપી જીવન વિતાવું છું. પણ હું તને નથી ભૂલ્યો. મારી આ વલે કરનાર તું જ છે. મેં તને કહ્યું હતું કે તારા હાથ ભાંગી નાખીશ. ચોરી કરનારના હાથ ભાગવા જ જોઈએ. આજે હું મારું એ વચન પૂરું કરીશ.’
માળીએ તેની કુહાડી ઉગામી. રતન આજીજી-વિનંતી કરતો હતો પણ માળી કોઈ રીતે માનવા તૈયાર ન હતો.
ત્યાંથી બે ઋષિઓ પસાર થયા. તેમનાં નામ શંખ અને લિખિત હતાં. રતને તેમની પાછળ દોડીને કહ્યું : ‘મને બચાવો.’
‘તેં ઝાડ પરથી ફળ ચોર્યાં?’
રતને માથું હલાવી હા કહી.
શંખઋષિ કહે : અમે બંને ભાઈઓ છીએ. એનાં વૃક્ષો હું સાચવતો હતો. મારા આ ભાઈ યાત્રાએ ગયા હતા. એક વખત લાલચવશ મેં એમના વૃક્ષનાં ફળ ખાધાં. એ ચોરી જ હતી. અને ચોરીની સજા...’ તેણે હાથ આગળ કર્યા.
રતન ધ્રૂજી ઊઠ્યો. શંખઋષિના બંને હાથ કપાયેલા હતા.
બંને ઋષિ ત્યાંથી પસાર થઈ ગયા તો કોઈક વિજ્ઞાની ત્યાંથી નીકળ્યા. ભારે પ્રભાવશાળી ચહેરો, આંખ પર ગોળ ચશ્માં. હાથમાં પુસ્તક.
‘સાંભળો છો?’ રતને પૂછ્યું : ‘આપ.... આપ કોણ છો?’
‘હું જગદીશચંદ્ર બોઝ છું.’
‘આપ મને બચાવી શકો છો?’
‘શું કર્યું છે તેં?’
‘મેં થોડાંક ઝાડ.... થોડાંક ફળ....’
‘હું માનું છું કે વનસ્પતિમાં પણ જીવે છે. માનવીની જેમ તે પણ જીવંત છે. તેઓ પણ આપણા જેવા જ ભાવ અને ભાવના ધરાવે છે. વૃક્ષો તેમનો વિકાસ તેમની પરિસ્થિતિ પ્રમાણેનો પ્રભાવ વગેરે વાતો જણાવે છે કે તેમનામાં જીવન છે. માનવીનાં અંગો કાપવાથી જે વેદના માનવીને થાય છે એ જ વેદના ડાળી અને પાંદડાં કપાવાથી વૃક્ષોને થાય છે. પથરા મારીને પડાતાં ફળ, ઝાટકા મારીને નિર્દયી રીતે તોડી નખાતી ડાળીઓ... ના, એ ગુનાઓ માફ કરવા યોગ્ય નથી.’
રતન તેમની પાછળ દોડતો રહ્યો. વિજ્ઞાની બોઝ ન થોભ્યા. હાથમાં તીક્ષ્ણ કુહાડી લઈ માળી કહે : ‘નાહક ફાંફાં ન માર. તને અહીં કોઈ જ નહિ બચાવે.’
ખચ્ચ! તેણે પ્રહાર કરી જ દીધો. ઓ....! અપાર વેદનાની ચીસ રતનના મોઢામાંથી નીકળી ગઈ. તેના બંને હાથ કાંડાં આગળથી કપાઈ ગયા.
હા-હા-હા-હા! માળી હસતો રહ્યો અને રતન લોહી ટપકતા હાથે દોડાદોડ કરવા લાગ્યો. પારાવાર પીડાથી તે ત્રાસી જતો હતો. અસહ્ય જુઃખ-દર્દથી તે આકુળવ્યાકુળ બની જતો હતો.‘ઓહ! અરે! અરરર! આ કરુણ કષ્ટમાંથી કોણ બચાવે મને?’
‘હું બચાવી શકું છું.’ એક મીઠો સુરીલો અવાજ આવ્યો. એ શબ્દમાં માની મમતા હતી. બહેનના લાડ હતા. કોઈક પરી જેવી એ મનોહર સ્ત્રી હતી. અત્યંત મોહક મીઠી ઠાવકી અને સુંદર. એ જરૂર કોઈક વનપરી હોવી જોઈએ.
‘બચાવો મને.... બચાવો....!’
‘મારી પાસે બીજો ઉપાય નથી પણ હું તને વૃક્ષ બનાવી શકું છું.’
‘વૃક્ષ? હું વૃક્ષ બનીને શું કરું?’
‘વૃક્ષ બની જવાથી તારી આ હાથની પીડા જતી રહેશે.’
‘પણ વૃક્ષ બની હું જીવીશ કેવી રીતે?’
‘જેવી રીતે બીજાં વૃક્ષ જીવે છે એવી રીતે.’
‘ઓહ! આ જીવલેણ પીડા.... ભલે વનદેવી! મને વૃક્ષ બનાવી દો, પણ બચાવો મને અસહ્ય વેદનામાંથી....!’
જંગલમાં થઈને સરસ મજાનો પવન વાયો. જાણે સુરીલો પાવો વાગ્યો. વૃક્ષો હાલી ઊઠ્યાં. તડકો અને છાંયડો ડોલી ઊઠ્યાં. કોઈ અદ્ભુત કર્ણપ્રિય સંગીતથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. વનમાતાના એ સૂર હતા કે શ્લોકો? જાદુ એવી રીતે ફેલાતો ગયો કે રતનને ખબર જ નહિ. તેનું ધીરે ધીરે વૃક્ષમાં રૂપાંતર થઈ ગયું. તે સાચેસાચ એક ઝાડમાં ફેરવાઈ ગયો.
મૂળિયાં, થડ, ડાળી, પાંદડાં, ફળ બધું જ. અરે! પણ પેલી બે ડાળીઓ? હા, એ બંને ડાળીઓ તેના ઠૂંઠા હાથ જેવી ઠૂંઠી જ હતી.
‘હવે તો વેદના નથી ને?’
‘ના. જરાય નથી. હું તો જુઓ કેવો વૃક્ષ જેવો લાગું છું!’
‘વૃક્ષ જ છે તું અને પાછું બોલતું વૃક્ષ,’ વનદેવીએ કહ્યું : ‘પણ તું માત્ર મારી સાથે વાત કરી શકીશ. હું જ તારી વાત સાંભળી શકીશ.’
એકદમ ઝાડ-પાન-વલ્કલ પહેરેલી એ પરીને જોઈને રતન વૃક્ષના સ્વરૂપમાં પણ ખુશ થઈ ગયો. વનપરી ખરેખર તેને હવે વધુ સુંદર લાગતી હતી. તેણે વનમાતાનાં ખૂબ વખાણ કર્યાં. તે કહે : ‘મા! શું તમે મને હાથ નહિ આપી શકો?’
‘હાથ તો તારે જાતે જ મેળવવા રહ્યા.’
‘તે વળી કેવી રીતે?’
‘પહેલાં એ તો કહે કે કપાયા કેવી રીતે?’
‘માળીએ કાપી નાખ્યા.’
‘કારણ?’
‘કારણ વળી શું? એ દુષ્ટ હતો, ઘાતકી.’
વનદેવી કહે : ‘રતન! વૃક્ષ બનીને જૂઠું જ બોલશે કે? માનવી જુઠું બોલે છે, વૃક્ષ નહિ. આ બીજાં ઝાડ સાંભળશે તો તારી દોસ્તી નહિ રાખે, હં!’
રતને બધી સાચી વાત કહી સંભળાવી.
વનપરી કહે : એક રીતે સારું જ થયું. ચોરી કરનારા હાથની એ જ સજા હોઈ શકે. એ કપાવા જ જોઈએ. હવે તું કદી ચોરી નહિ કરી શકે.
રડમસ સ્વરમાં રતન કહે : ‘પણ સજા ઘણી આકરી થઈ છે.’
‘ઘણીબધી ચોરીઓની સજા છે, રતન!’ વનદેવી જાણે આજ સુધી રતનની તમામ ચોરી જાણતી હોય તેમ કહેવા લાગી : ‘એ હિસાબે તો સજા ઘણી નાની જ કહેવાય.’
‘હા.’ રતન પોતાની એક-એક ચોરી યાદ કરવા લાગ્યો. હાથ તો આજે પહેલી વાર જ કપાયા હતા.
તેણે એકાએક પરીની હાજરીનો લાભ લઈ પૂછ્યું, ‘પણ મા! તમે કહેતાં હતાં કે મારે મારા કપાયેલા હાથ જાતે જ મેળવવા પડશે, એ કેવી રીતે?’
‘આજ સુધી તેં જેટલી ચોરીઓ કરી છે,’ ભલી સ્ત્રીએ કહ્યું, ‘એટલાં જ ભલાં કામ તું કરજે. ગણતરી એની મેળે જ થતી રહેશે. જે દિવસે તારાં સારાં કામ તારી ચોરી જેટલાં થઈ જશે, તે દિવસે એની મેળે તારા હાથ તને પાછા મળી જશે.’
વનમાતા જવા લાગી. રતન કહે : ‘મા! હું તો વૃક્ષ છું. એક જગાએ ઊભો ઊભો હું કામ કેવી રીતે કરી શકું?’
પરીએ રતન-વૃક્ષને પોતાની સાથે દોરતાં કહ્યું : ‘લે.’ ચાલતા વૃક્ષના સ્વરૂપે તે દોડવા લાગ્યો. પણ પરી તો પછી પાંખો ફેલાવી ઊડવા લાગી. વૃક્ષ ત્યાંનું ત્યાં જ રહી ગયું. અલબત્ત, એ વૃક્ષ નવી જાતનું હતું. એ જ્યાં જવા ધારે ત્યાં જઈ શકતું હતું.
એ વૃક્ષની ખુશીનો પાર ન હતો. ઘડીમાં તે નદીકિનારે જતું. ઘડીમાં મેદાનમાં, ઘડીમાં ગામમાં, ઘડીમાં ડામરની સડકની પાસે.
વૃક્ષને ભલાઈ તથા પરોપકાર સિવાય બીજું શું સૂઝે? રતનવૃક્ષે તો દોડી દોડીને ભલાઈ શરૂ કરી.
એક ઘરડો પ્રવાસી મેદાન પસાર કરતો હતો. તાપનો પાર નહિ. તાપથી કંટાળી તે થાકી જતો હતો. રતનવૃક્ષ છત્રી ઓઢાડી એ પ્રવાસીને દૂર મૂકી આવ્યું. પ્રવાસીના આનંદનો પાર નહિ.
એક ભિખારણ ડામરની સડક પર ભીખ માગતી હતી. તરફડતી હતી. રતનવૃક્ષે તેને છાંયડો કરી દીધો. લોકો પણ એ છાંયડામાં આવીને ઊભા રહેવા લાગ્યા. ભિખારણના વાડકામાં ખનન ખનન પૈસા પડવા લાગ્યા.
રતનને થયું કે એકાદ ડાળી ઝુકાવી એમાંથી તે થોડાક પૈસા લઈ લે.
પણ તરત જ તેને પેલી બે કપાયેલી ડાળીઓ નજરે પડી. એ તેના કપાયેલા હાથ હતા.
એક પિતા-પુત્રી ઝૂંપડીમાં રગરગતાં હતાં. પિતા કહે : ‘આજે પણ કામ નહિ મળ્યું.’
‘થોડાક લોટ જેટલા પૈસા તો મળ્યા હશે ને?’ પુત્રીએ પૂછ્યું.
‘કામ જ નથી મળ્યું,’ ડોસાએ કહ્યું : ‘ત્યાં વળી પૈસા કેવા? આજે પણ ભૂખે જ મરવું પડશે.’
રતનવૃક્ષ ત્યાં પહોંચ્યું... ખનન ભિખારણના પાત્રમાં પૈસા પડતા હોય તેમ તેણે ફળ ખંખેરવા માંડ્યાં.
ફળ ફળ ફળ! જોતજોતામાં મીઠા ફળના ઢગલા થઈ ગયા. પિતાપુત્રી તો ઘેલાં અને ગાંડાં બનીને ફળ ખાવા લાગ્યાં.
એક ઉઘાડપગી સ્ત્રી દાઝતી હતી. દોડતી હતી. રતનવૃક્ષે તેને પાંદડાંનાં પગરખાં પગે બાંધી આપ્યાં.
વૈદે દર્દીને તપાસીને કહ્યું : ‘અશક્તિ વધારે છે. ફળ ખાવાનું રાખો.’
દર્દી કહે : ‘ફળ? મારા જેવો ગરીબ વળી ફળ ક્યાંથી....?’
હજી તે આગળ બોલે તે પહેલાં રતનવૃક્ષે તેની સામે ફળ ધરી દીધાં અને ત્યાર પછી એ દર્દીને ફળ મળતાં જ રહ્યાં.
પતંગ ફાટ્યો. છોકરો બોલી ઊઠ્યો : ‘હઠ! અહીં વળી સાંધવા માટે ગુંદર ક્યાંથી....?’
હજી તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ રતનવૃક્ષે ગુંદર હાજર કરી દીધો.
‘લાકડાં પણ કેવાં લીલાં છે.’ ચૂલો ફૂંકતી એક ગૃહિણી બોલી ઊઠી. તેની આંખમાં ધુમાડો પેસી ગયો હતો. શ્વાસમાં ધુમાડો પેસતાં તેને ખાંસી ચડી હતી.
‘લો, વૃક્ષની સૂકી છાલ.’ રતનવૃક્ષે પોતાના થડ પરની સૂકી છાલનો ઢગલો કરી દેતાં કહ્યું.
ચૂલો ભડભડ સળગવા લાગ્યો.
ચિકિત્સક કહે : ‘ઔષધમાં ઝાડના મૂળનો રસ....
‘લો, મૂળિયાં હાજર.’
શહેરથી ગામ સુધી, નદીથી નહેર સુધી, રતનવૃક્ષે દોડી દોડીને બધાંને મદદ કરવા માંડી. એ વૃક્ષ જાણે કલ્પવૃક્ષ બની ગયું હતું. તેની પાસે હરેક ફરિયાદનો ઉપાય હતો. દરેક રોગની દવા હતી. કોઈ પણ માગણીની ચીજ તેની પાસેથી મળી શકતી હતી. નવો બંધ બંધાતો હોય કે પુલનું કામ ચાલતું હોય, ગાડીના પાટા નખાતા હોય કે ડામરની સડક નવી બનતી હોય, રતનવૃક્ષ એ બધી જગાએ પહોંચી જતું. મહેનતમજૂરી કરતાં મજૂરોને તે શીળી છાંય અને મીઠાં ફળ આપતું. પોતાની ડાળી પર ઝૂલતાં મજૂર-સ્ત્રીઓનાં બાળકોને તે હીંચકા નાંખીને સુવડાવતું.
કિશોર-કિશોરીઓને તે ડાળીઓ પર ચઢાવી આમલી-પીપળી રમાડતું.
વાંદરા, ખિસકોલી, પક્ષીઓને તે પાંદડાં, મહોર કૂંપળ, ફળ ખાવા દેતું ને પંખીઓને માળા પણ બાંધવા દેતું.
રતનવૃક્ષે ન દિવસ જોયો, ન રાત. તેણે તો દોડાદોડ કરી મૂકી. ભલાઈ ભલાઈ ભલાઈ! આપ્યા સિવાય બીજું કામ નહિ. કષ્ટ નજરે પડ્યું નથી કે રતનવૃક્ષની કૃપા ઊતરી નથી.
કંઈ કેટલાય દિવસો સુધી આ ભલાઈનું કામ ચાલ્યું. અરે દિવસોની, મહિનાઓની તો ગણતરી જ રહી નહિ. પછી તો ભલાઈની ગણતરી પણ ભુલાઈ ગઈ. ઉપકાર જીવનમાં વણાઈ ગયો. જાણે એકમાત્ર સારા કામ માટે જ રતનવૃક્ષનો જન્મ થયો એમ ભલાઈ હાડમાં જ વસી ગઈ.
પેલી બે ઠૂંઠી ડાળીઓ પર ક્યારે આંગળાં જેવી ડાંખળીઓ ફૂટી, પલ્લવ જેવા સુશોભિત પાંદડાં ક્યારે આકાર પામ્યાં, એની પણ રતનવૃક્ષને ખબર રહી નહિ. નવાં રૂપરંગવાળી એ બે ડાળી હવે પહેલાં જેવી બોદી કે કઢંગી લાગતી ન હતી. તેની રમણીયતા જોવી ગમે તેવી હતી.
એક દિવસ તો રતનવૃક્ષે અપરંપાર દોડાદોડી કરી મૂકી. ભલાઈ માટેની એની એ દોડ પછી એનેય થાક લાગ્યો.
‘બહુ થાક લાગ્યો છે, ખરું?’ લાંબે સમયે વનપરીનું આગમન થયું. એ વનમાતા તેને ભૂલી ગઈ હતી કે શું?
‘હા’, રતનવૃક્ષે કહ્યું : ‘આજે તો મારે દૂર દૂર સુધી જવું પડ્યું, દુનિયા ખરેખર જ દુઃખી છે. ભલાઈ ગમે તેટલી કરો તોપણ ઓછી જ પડવાની. ઓહ!’ તેને બગાસું આવ્યું. ભારે ઊંઘ ચઢી.
‘સૂઈ જા,’ વનદેવીએ કહ્યું : ‘જાગશે ત્યાર એક ચમત્કાર જોઈને તું રાજી થઈ જશે.’
‘કેવો ચમત્કાર?’
‘તારી જાતે જ જોઈ લે જે.’
હસતી-હસતી વનપરી વિદાય થઈ ગઈ.
રતન જ્યારે જાગ્યો ત્યારે એકદમ સફાળો બેઠો થઈ ગયો. તે અતિ ઉત્સાહમાં આનંદની ઉત્તેજનામાં બોલતો હતો : ‘મારા હાથ મને પાછા મળી ગયા...હાથ... હું પાછો છોકરો બની ગયો છું. માણસ....’
પોતાના હાથને તે વારંવાર નિહાળતો હતો. પોતે વૃક્ષ નથી તેની ફરીફરીને ખાતરી કરતો હતો. ઓહ! આજે તેને કેટલી જબરી ઊંઘ ચઢી ગઈ હતી! અને સપનુંય કેવું ગજબનું!
તેને એકદમ ઊઠવાનું ગમ્યું નહિ. આંખ બંધ કરી દોડતા વૃક્ષનું એ સપનું વાગોળવાનું ગમ્યું. તે પોતાના ઘરમાં હતો, પોતાની પથારીમાં જ હતો. છતાં તેણે પ્રતિજ્ઞા કરી કે હવે માળીનાં વૃક્ષ નહિ ચોરું, આ હાથે તો હરગીઝ નહિ. અને ભલાઈનાં કામ....? હા, આ હાથનો હવે એક જ ઉપયોગ : ભલાઈ, ભલાઈ અને ભલાઈ.
તેની બંધ આંખો સામે જાણે વનદેવી કૃપા વરસાવતી હસતી હતી.
સ્રોત
- પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014