
રાત પડી ગઈ હતી; તોપણ કેટલાંક ઝાડ અંદર અંદર વાત કરતાં હતાં. આંબાનું ઝાડ પોતાની આસપાસનાં ઝાડને કહેતું હતું, “બોલો, પેલા તાડભાઈએ મને ગઈ કાલે શું કહ્યું ખબર છે?”
“હા, હા, ખબર છે,” બાજુમાં ઊભેલા નાના પપૈયાએ કહ્યું, “તને એમ કહેતા હશે, કે ગડબડ કરશે તો તારી કેરીની જેમ તારા દાંત પણ ખાટ્ટા કરી નાખીશ!” આ સાંભળીને લીમડો, કેસૂડો અને ચંપો ખડખડાટ હસી પડ્યા.
“ના, ના,” આંબો બોલ્યો, “મને તાડભાઈએ કીધું કે તું આંબો, છે, તો હું લાંબો છું!” એમ કહીને એણે નાના પપૈયાના ખબે ધબ્બો માર્યો. આંબાના ઝાડને જોક્સ કહેવાની બહુ આદત. થોડી વાર પછી એ કહેવા લાગ્યું, “એક ઉખાણું પૂછું? નારિયેળીના પડોશી બાવળને સ્ટ્રૅપ્સિલ્સની ગોળી કેમ ખાવી પડી?” કોઈને આવડ્યું નહીં. એટલે આંબાએ કહ્યું, “નારિયેળી સાથે વાત કરવા ઠિંગુ બાવળને રાડારાડ કરવી પડે, એટલે પછી અવાજ બેસી જ જાય ને!” એમ કહીને આંબો હસવા લાગ્યો.
ત્યાં તો વડદાદાની બૂમ સંભળાઈ, “એ...ઈ! કોણ રાતના ગડબડ કરે છે? બધાં સૂઈ જાઓ, ચાલો!” ડરના માર્યા પપૈયો, આંબો, ચંપો – બધા સૂઈ ગયા.
એ રાત્રે સખત વરસાદ પડ્યો. બીજે દિવસે પણ ગાજવીજ ને વરસાદ ચાલુ રહ્યાં. સાંજે બધાં ઝાડ ગુપચુપ ઊભાં હતાં, કારણ કે વડદાદાની તબિયત સાવ બગડી ગઈ હતી. એક તો એ ઘરડા હતા. તેમાં આ કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, એટલે જૂના દમના રોગે ઊથલો માર્યો. બન્ને બાજુથી એમને ટેકો આપીને પીપળો ને લીમડો ઊભા હતા. પંખીઓ તો વડદાદાનાં જૂનાં દોસ્તદારો હતાં. કોયલ, હોલા, કાબર, બગલા, ખેરખટ્ટા – બધાં તેમને ખબે ને પડખે આવીને બેસી ગયાં હતાં.
વડદાદાની છાતીમાં દુખતું હતું. તો પણ એમણે આસપાસનાં સૌ ઝાડને માથે હાથ ફેરવ્યો અને કહ્યું, “બધાં સંભાળજો.”
નાના પપૈયાથી ડૂસકું મુકાઈ ગયું. વડદાદા બોલ્યા, “પપૈયા, દીકરા, તું તો બહાદુર છે ને... જલદી જલદી મોટો થઈ જજે. આ પંખીઓને ફળ આપજે, છાંયો આપજે. હવા સાથે વાતચીત કરજે. એક દિવસ મરવાનું તો બધાંએ છે, એમાં ડરવાનું શું?
તે રાત્રે વરસતા વરસાદમાં વડદાદા ગોઠણ ઉપર ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા.
ત્યાર પછી કેટલાય દિવસો સુધી વૃક્ષોને અંદર અંદર વાતચીત કરવાનું પણ મન થયું નહોતું; પણ નાના પપૈયાને સૌથી વધારે આઘાત લાગ્યો હતો. એણે તો સદંતર ખાવાપીવાનું જ બંધ કરી દીધું.
રાત પડે ને પપૈયાને લાગે કે વરસાદમાં હું પડી જઈશ, મરી જઈશ. અને બીકથી એ થરથર ધ્રૂજે.
આંબાએ ભાતભાતની વાતો કરી જોઈ, પણ પપૈયો હસવાનું નામ જ ન લે. બધાં ઝાડ એને કહેના લાગ્યાં, “પપૈયા, તું કેટલો દૂબળો થઈ ગયો.” તારાં પાંદડાં ખરવા લાગ્યાં છે, હવે તારા ઉપવાસ બંધ કર, ભાઈ!” પણ પપૈયાએ નનૈયો જ ભણ્યો.
શહેરથી એક કાગડો ઊડીને આવ્યો હતો. એ પપૈયામાં જ રહેતો હતો. એણે કહ્યું, “પપૈયા, હું તારા ઘરમાં રહું છું એટલે તારો ભાડૂત કહેવાઉં, અને તારો દોસ્ત તો છું જ. એટલે મારું સાંભળ. વડદાદા તને મોટો ને મજબૂત થવાનું કહી ગયા છે. માટે હવે હસવાનું. ગાવાનં ને ખાવાનું ચાલુ કર.”
કાગડાએ પપૈયાને સમજાવ્યું કે આપણે વરસાદમાં તૂટી પડવાની કે મરવાની બીક રાખવાની નહીં હવા સાથે ગેલગમ્મત કરવાની, આજુબાજુનાં ઝાડને જોક્સ કહેવાના. રાત્રે રાતરાણીની સુગંધ લેવાની. સવારે ઝાકળથી મોઢું લૂછવાનું, પંખીઓને દૂર મલકના સમાચાર પૂછવાના. પપૈયાએ કાગડાની શિખામણ માની લીધી.
પછી કાગડાએ પોતાનું પરાક્રમ સંભળાવ્યું. એણે શહેરમાં એક મોટી શેતાન સમડી સાથે કુસ્તી કરી હતી!
એક દિવસ પપૈયાએ જોયું તો બે બુલબુલ ઊડતાં ઊડતાં જતાં હતાં. એણે પોતાના હાથ ઊંચાં કરીને કહ્યું, “ભલાં બુલબુલો! આગળ જવા કરતાં અહીં આવો ને... મારામાં માળો બાંધો. એ બહાને આપણી ઓળખાણ થશે.”
બુલબુલો ખૂબ ખુશ થયાં ને નાનેરો માળો બનાવ્યો. એક વહેલી સવારે, બીજાં બધાં ઝાડ ઊંઘતાં હતાં ત્યારે, પપૈયાની પાંપણો ખૂલી ગઈ. બુલબુલોના હળવા શ્વાસ સંભળાતા હતા. જમીન પરનું ઘાસ પણ લાંબુ થઈને સૂતું હતું. સામેના ડુંગરથી પડતો ધોધ અરીસાની જેમ ચમકતો હતો. બાજુના ઝાડમાંથી ચંપાનાં ફૂલ થોડી થોડી વારે ખરતાં હતાં. પપૈયાને કોણ જાણે કેમ વડદાદા યાદ આવ્યા. એણે વિચાર્યું, “આમ ખેતરો વચ્ચે ઊગવાની ને રહેવાની કેટલી મજા પડે છે! તમને પણ આવી જ મજા પડતી હતી ને, વડદાદા?”



સ્રોત
- પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : સાંકળચંદ પટેલ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012