રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો ઉંદર. ચૂંચૂં ઉંદર. ઘણો સુંદર. તેને પૂંછડીઓ હતી : એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તે સાતપૂંછડિયો ઉંદર હતો.
સાતપૂંછડિયો ઉંદર મોટો થયો.
તેના બા કહે, ‘દીકરા! ભણવા જા.’
ઉંદર કહે, ‘ભલે. મને નિશાળમાં મૂક. હું ભણીશ.’
ઉંદરની બાએ ઉંદરને નિશાળમાં મૂક્યો.
નિશાળમાં છોકરા અને છોકરીઓ ભણે.
છોકરા-છોકરીઓ ભેગો ઉંદર પણ ભણવા બેઠો.
નિશાળમાં સાહેબે બધાંને ભણાવ્યાં.
ટન ટન ટન ઘંટ વાગ્યો. સાહેબે ભણાવવાનું પૂરું કર્યું.
છોકરાંઓએ દફ્તર ઉપાડ્યાં. બધાં બહાર નીકળ્યાં.
છોકરાંમાંથી એકની નજર ઉંદર ઉપર પડી. જુએ તો ઉંદરની ચડ્ડીમાંથી પૂંછડીઓ બહાર નીકળેલી. એણે પૂંછડીઓ ગણી જોઈ : એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત.
છોકરાંએ ઉંદરની ખીજ પાડી :
ઉંદર સાતપૂંછડિયો!
બીજાં છોકરાઓએ ઝીલી લીધું :
ઉંદર સાતપૂંછડિયો!
પછી તો શરૂ થયું :
ઉંદર સાતપૂંછડિયો!
ઉંદર સાતપૂંછડિયો!
ઉંદર રડમસ થઈ ગયો. જેમતેમ રડવું દબાવી રાખ્યું.
ઘેર પહોંચ્યો એવો જ બાને જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.
બાએ એનો છાનો રાખ્યો. પછી પૂછ્યું, ‘કેમ રડવું આવ્યું, દીકરા? નિશાળમાં શું થયું?’
ઉંદર બોલ્યો, ‘એં, એં, એં! બા! બા! બધાં મને ઉંદર સાતપૂંછડિયો, ઉંદર સાતપૂંછડિયો કહીને ચીડવે છે.’
બા બોલી, ‘બેટા! વાળંદને ત્યાં જઈ એક પૂંછડી કપાવી આવ.’
ઉંદરે તો વાળંદને ત્યાં તઈ એક પૂંછડી કપાવી નાખી.
ઉંદરને છ પૂંછડીઓ રહી.
બીજે દિવસ ઉંદર નિશાળે ગયો.
ત્યાં તો એની છ પૂંછડીઓ છોકરાંઓએ જોઈ. છોકરાંઓએ તાળી પાડીને કહેવા માંડ્યું :
ઉંદર છપૂંછડિયો!
ઉંદર છપૂંછડિયો!
ઉંદર તો ઊં ઊં ઊં કરતો ઘેર આવ્યો. રિસાઈને ઘરમાં ખાટલા પાછળ ભરાઈ પેઠો.
બાએ કહ્યું ‘ક્યાં છે મારો લાડકો? દીકરા, જમવા ચાલ. ભૂખ નથી લાગી?’
ઉંદરે કહ્યું, ‘એં, એં, એં! અમે નહિ જમીએ. બધાં અમને ઉંદર છપૂંછડિયો એમ કહીને ચીડવે છે.’
બાએ કહ્યું, ‘બેટા! વાળંદને ત્યાં જઈ એક પૂંછડી કપાવી આવ.’
ઉંદરભાઈ વાળંદને ત્યાં ગયા. વળી એક પૂંછડી કપાવી નાખી.
ઉંદરને હવે પાંચ પૂંછડીઓ રહી.
બીજે દિવસે ઉંદરભાઈ નિશાળે ગયા. જતાં વાર જ બધાં છોકરાં બોલી ઊઠ્યાં :
ઉંદર પાંચપૂછડિયો!
ઉંદર પાંચપૂંછડિયો!
ઉંદરભાઈ તો ભેંકડો તાણતા ઘેર આવ્યા. ઘરમાં ખુરશી પાછળ સંતાયા.
બાએ કહ્યું, ‘ક્યાં છે મારો લાડકો? દીકરા, જમવા ચાલ. થાળી પીરસી છે.’
ઉંદર કહ્યું, ‘એં, એં, એં! ઊંહું મારે નથી જમવું. બધાં મને ઉંદર પાંચપૂંછડિયો ઉંદર પાંચપૂંછડિયો એમ કહીને ચીડવે છે.’
બાઓ કહ્યું, ‘બેટા! વાળંદને ત્યાં જઈ એક પૂંછડી કપાવી આવ.’
ઉંદરભાઈ તો વાળંદને ત્યાં ગયા. વળી એક પૂંછડી કપાવી નાખી.
ઉંદરને હવે ચાર પૂંછડીઓ રહી.
બીજે દિવસે ઉંદરભાઈ નિશાળે ગયા. ત્યાં તો બધાં છોકરાં બોલી ઊઠ્યાં
ઉંદર ચારપૂંછડિયો!
ઉંદર ચાર પૂંછડિયો!
ઉંદરભાઈ તો રાગડો તાણતા ઘેર આવ્યા. ઘરમાં ઉપર ઓરડીમાં સંતાયા.
બાએ કહ્યું, ‘ક્યાં છે મારો બચલો? દીકરા, ખાવા ચાલ તો!’
ઉંદરે કહ્યું, ‘એં, એં, એં! મારે નથી ખાવું, બધાં મને ઉંદર ચારપૂંછડિયો ઉંદર ચારપૂંછડિયો એમ કહીને ચીડવે છે.’
બાએ કહ્યું, ‘બેટા! બાળંદને ત્યાં જઈ એક પૂંછડી કપાવી આવ.’
ઉંદરભાઈએ પાછી એક પૂંછડી કપાવી નાખી.
ઉંદરને હવે ત્રણ પૂંછડીઓ રહી.
પેન, પાટી ને ચોપટીઓ બૅગમાં નાખી ઉંદરભાઈ નિશાળે ગયા. છોકરાંઓએ એમને દૂરથી જોયા ને બોલવા માંડ્યું :
ઉંદર ત્રણપૂંછડિયો!
ઉંદર ત્રણપૂંછડિયો!
ઉંદરભાઈ વર્ગમાં જ ન ગયા. બહારથી જ ઘેર પાછા આવ્યા.
બાને જોઈ કે મોં ચઢાવીને બેઠકખંડમાં બેઠા.
બાએ કહ્યું, ‘ખાઈ લે, દીકરા! મોં ચઢાવીને કેમ બેઠો છે?’
ઉંદરે કહ્યું, ‘એં, એં, એં! હજુ બધાં મને ઉંદર ત્રણપૂંછડિયો ઉંદર ત્રણપૂંછડિયો એમ કહીને ચીડવે છે.’
બાએ કહ્યું, ‘બેટા! વાળંદને ત્યાં જઈ એક પૂંછડી કપાવી આવ.’
ઉંદરે તેમ કર્યું.
ઉંદરને બે પૂંછડી રહી.
બની-ઠની ઉંદરભાઈ નિશાળે ગયા. છોકરાંએ એમને વર્ગ સુધી આવવા દીધા. વર્ગમાં આવ્યા કે બધાંએ બોલવા માંડ્યું :
ઉંદર બેપૂંછડિયો!
ઉંદર બેપૂંછડિયો!
ઉંદરભાઈ પાટલી ઉપર જ ન બેઠા. વર્ગમાંથી નીકળી ગયા. આવ્યા સીધા ઘેર. ઘેર આવી નાહવાના ખંડમાં સંતાયા. અંદર રહ્યા રહ્યા એં એં કરવા લાગ્યા.
બાએ કહ્યું, ‘રડ નહિ, દીકરા! શું થયું તને પાછું?’
ઉંદરે બહાર નીકળી કહ્યું, ‘હજુ બધાં મને ઉંદર બેપૂંછડિયો ઉંદર બેપૂંછડિયો એમ કહીને ચીડવે છે.’
બાએ કહ્યું, ‘બેટા! વાળંદને ત્યાં જઈ એક પૂંછડી કપાવી આવ.’
ઉંદરે તેમ કર્યું.
ઉંદરને એક પૂંછડી રહી.
નિશાળનો વખત થયો. એટલે ચડ્ડી પહેરી. ચડ્ડીમાં પેલી પૂંછડી સંતાડી ઉંદરભાઈ નિશાળમાં દાખલ થયા.
બધાં છોકરાં એમની સામે જોઈ રહ્યાં. ત્યાં તો એક છોકરાએ ચડ્ડીની બહાર પૂંછડીનો છેડો નીકળેળો શોધી કાઢ્યો. બદાં છોકરાંઓ બોલી ઊઠ્યાં :
ઉંદર એકપૂંછડિયો!
ઉંદર એકપૂંછડિયો!
ઉંદર તો પાછો પોક મૂકતો ઘેર આવ્યો.
રસોઈ કરતી બાના ખોળામાં ભરાયો.
બાએ કહ્યું, ‘હજુય રોતો રોતો કેમ આવ્યો, દીકરા?’
ઉંદરે કહ્યું, ‘હજુ બધાં મને ઉંદર એકપૂંછડિયો ઉંદર એકપૂંછડિયો એમ કહીને ચીડવે છે.’
બા તો ખૂબ ખીજવાઈને બોલી, ‘જા વાંળંદને કહે કે એ એક પૂંછડી પણ કાપી નાખે.’
દર તો વાળંદને ત્યાં ગયો ને બોલ્યો, ‘આ એક પૂંછડી પણ કાપી નાખો.’
વાળંદે તેમ કર્યું. ઉંદરભાઈની છેલ્લી પૂંછડી પણ કાપી નાખી.
ઉંદરભાઈને હવે એકે પૂંછડી ન રહી.
બીજે દિવસે ઉંદરભાઈ ખુશ થતા નિશાલે ગયા. એમના મનમાં કે હવે પૂંછડી જ ક્યાં રહી છે કે છોકરાં મને ચીડવશે!
પણ પૂંછડી વિનાનાં ઉંદરને જોતાં જ બધાં છોકરાં હસી પડ્યાં. એમાંનો એક મોટો છોકરો બોલી ઊઠ્યો, ‘આ તો બાંડો છે!’
બધાં છોકરાં ખીજ પાડતાં બોલી ઊઠ્યાં :
ઉંદર બાંડો!
ઉંદર બાંડો!
ઉદર વર્ગની બહાર નીકળી ગયો.
બધાં છોકરાં ઉંદરની પાછળ બહાર નીકળ્યાં.
ઉંદર દોડતો ઘેર આવવા નીકળ્યો.
બધાં છોકરાં એની પાછળ ખીજવતાં દોડ્યાં.
દોડતો દોડતો ઉંદર ઘેર આવ્યો. ઉંદરનું ઘર દેખાયું કે ઉંદરને છોડી છોકરાં છૂટાં પડ્યાં. ઉંદર ઘરમાં દાખલ થઈ બાની સોડમાં ભરાઈ ગયો.
બાએ કહ્યું, ‘કેમ સોડમાં ભરાણો? રડે છે કેમ?’
ઉંદરે કહ્યું, ‘બધાં મને ઉંદર બાંડો ઉંદર બાંડો એમ કહીને ખીજવે છે.’
ઉંદરને શિખામણ આપતાં બાએ કહ્યું, ‘ભલે બધાં તને બાંડો કહે, તારે ચિડાવું જ નહિ. કોઈ ચિડાય તો બધાં એને ચીડવે, પણ જે ચિડાય જ નહિ એને કોઈ ન ચીડવે.’
ઉંદરે પૂંછડીઓ તો ગુમાવી પણ એને સોનેરી શિખામણ મળી ગઈ.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 301)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020