રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતી બિલાડી. એક હતો ઉંદર ને એક હતી રાતી મરઘી. ત્રણે જણાં ભાઈબંધ. એક જ ઘરમાં રહે. એક જ ભાણે જમે ને એક સાથે રમે. બિલાડી પાણી ભરે ને ઉંદર રસોઈ કરે. રાતી મરઘી પૂંજો વાળે ને લૂગડાં ધૂએ.
એક દિવસ બિલાડી ધ્રૂજતી ધ્રૂજતી ઘરમાં આવી. ઉંદર ને મરઘી ગભરાયાં. એ કહે, “શું છે બિલ્લીબહેન? આટલાં બધા બીઓ છો કેમ?”
બિલાડી કહે, “અરે આજ તો માંડ માંડ બચી. પેલા ઝાડ આગળ રમતી’તી ત્યાં શિયાળ નીકળ્યું ને મારા ઉપર તરાપ મારી. જેમતેમ કરી હું તો ઝાડ પર ચડી ગઈ.”
“પણ એમાં હવે શીદ ધ્રૂજો છો?” બિલાડી કહે, “વખતે અહીં આવી ચડે તો?”
હવે તો ઉંદર ને મરઘીય ગભરાયાં. બારીબારણાં અડકાવી દઈને ત્રણે જણાં ઘરમાં બેઠાં.
પણ તે દિવસ શિયાળ ન દેખાયું. એમ કરતાં સાત દિવસ નીકળી ગયા. આઠમે દિવસે વહેલી ઊઠી રાતી મરઘી પૂંજો વાળતી’તી. બારણું ઉઘાડીને મરઘી પૂંજો નાખવા જાય છે, ત્યાં એણે આઘેથી શિયાળ દીઠું..
રાતી મરઘી તો ગભરાઈ ગઈ. હવે શું કરવું? એ તો બૂમો પાડવા માંડી : “એ બિલ્લીબહેન, બિલ્લીબહેન, જાગજો. શિયાળ આવે છે. એ ઉંદરભાઈ જાગજો.”
બિલાડી ને ઉંદર જાગ્યાં; પણ ત્યાં તો શિયાળ આંગણામાં આવી પહોંચ્યું.
વહેલે વહેલે કૂદતીક ને બિલાડી એક નાની કોઠી પર ચઢી ગઈ, ઉંદરભાઈ ઝટપટ કરતાક ને દરમાં પેસી ગયા ને રાતી મરઘી બારણા પાછળ સંતાઈ ગઈ.
ધક્ ધક્ કરતું શિયાળ ઘરમાં આવ્યું. એ જાણે આજ ઠીક લાગ મળ્યો છે. આજ તો ત્રણેને પકડીને આ કોથળીમાં ભરી જાઉં.
શિયાળ તો આખા ઘરમાં ફરી વળ્યું, પણ કોઈ જડ્યું નહીં. એ કહે, “આ હમણાં હતાં ને એટલામાં ક્યાં જતાં રહે?” એણે ઊંચું જોયું ત્યાં બિલાડીની પૂંછડી દેખાઈ!
શિયાળે પૂંછડી ખેંચીને બિલાડીને પકડી લીધી. દરમાથી ઉંદરનેય પકડી લીધો; બેયને કોથળીમાં નાખી શિયાળ બારણા પાસે આવ્યું. મરઘી જાણે કે ભોગ મળ્યા, પણ એ બીચારી શું કરે? શિયાળે એનેય કોથળીમાં પૂરી દીધી.
પછી શિયાળ બહાર નીકળ્યું. ખભે કોથળી નાખીને એ તો ચાલ્યું ઘર ભણી.
ચાલતાં ચાલતાં વાટમાં એક ટેકરો આવ્યો. કોથળીનો ભાર લાગ્યો’તો એટલે શિયાળ ઘડીક વિસામો લેવા સૂતું. કોથળી પાસે મૂકી.
શિયાળ ઊંઘી ગયું એટલે ધીરે રહીને બિલાડીએ કોથળીનું મોઢું પહોળું કર્યું. અંદરથી ઉંદરભાઈ બહાર નીકળ્યા.
બહાર નીકળી ઉંદરે કોથળીનું મોઢું છોડી નાખ્યું. બિલાડી ને રાતી મરઘીય બહાર નીકળ્યાં.
પાસે પથરા પડ્યા’તા. બિલાડીએ એક યુક્તિ કરી. બિલાડી કહે, “આપણા જેવડો એક પથ્થર કોથળીમાં મૂકી દઈએ એટલે શિયાળ જાગશે તોય એને ખબર નહીં પડે.”
ત્રણે જણે એક એક પથ્થર કોથળીમાં મૂકી દીધો. બિલાડીએ કોથળીનું મોઢું બાંધી દીધું ને ત્રણે જણાં જતાં રહ્યાં.
શિયાળ જાગ્યું ને કોથળી લઈને આગળ ચાલ્યું. એ કહે, “આજ તો ખાવાની કાંઈ મઝા પડશે!”
ઝટપટ શિયાળ ઘેર આવ્યું. ઝટ ઝટ એણે દેવતા સળગાવ્યો ને ચૂલે હાંલ્લી ચડાવી.
પાણી ઊનું થયું એટલે ધીરે રહીને શિયાળે કોથલીનું મોં છોડ્યું ને હાંલ્લી ઉપર કોથલી ઊંધી વાળી, એ જાણે કે બધાં અંદર પડશે ને રંધાઈ જશે.
પણ અંદર તો પથરા ભર્યા ’તા! ધબાધબ ત્રણેય પથ્થર હાંલ્લી ઉપર પડ્યા, હાંલ્લી ભાગી ગઈ. શિયાળ ઊંચું થઈને જોઈ રહ્યું’તું, ચૂલામાં બધું પાણી પડ્યું એટલે ઊની ઊની રાખ જે ઊડી ને તે શિયાળના મોં ઉપર!
ઉંદર, બિલાડી ને રાતી મરઘી ઘેર પહોંચી ગયાં. ખાધું, પીધું ને નિરાંતે સૂતાં. પછી કોઈ દિવસ શિયાળભાઈ એ તરફ ફરક્યાય નહીં!
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020