રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો ઉંદર. એને સાત પૂંછડી હતી.
એક વાર એની માએ એને નિશાળ મોકલ્યો.
નિશાળે છોકરાં ઉંદરની સાત પૂંછડી જોઈને એને ખીજવવા લાગ્યાં :
“સાત પૂંછડિયો ઉંદર,
ભાઈ, સાત પૂંછડિયો ઉંદર!
સાત પૂંછડિયો ઉંદર.
ભાઈ, સાત પૂંછડિયો ઉંદર!”
ઉંદર તો રોતો-રોતે ઘેર આવ્યો. એની મા કહે : “શું કામ રડે છે? નિશાળમાંથી પાછો કેમ આવ્યો?”
ઉંદર કહે : “એં એં, એં! મને બધા સાત પૂછડિયો ઉંદર, સાત પૂંછડિયો ઉંદર, કહીને ખીજવે છે.”
મા કહે : “કપાવી આવ એક પૂંછડી. જા સુતારને ત્યાં.”
ઉંદર તો સુતારને ત્યાં ગયો ને એક પૂંછડી કપાવી આવ્યો. ઉંદરને છ પૂંછડી રહી.
બીજે દિવસે ઉંદર નિશાળે ગયો ત્યાં છોકરાં પાછાં ખીજવવા લાગ્યા :
“છ પૂંછડિયો ઉંદર
ભાઈ, છ પૂંછડિયો ઉંદર!
છ પૂંછડિયો ઉંદર.
ભાઈ, છ પૂંછડિયો ઉંદર!”
પાછો ઉંદર તો ઊં, ઊં, ઊં, કરતો ઘેર આવ્યો ને ઘંટી નીચે રિસાઈને બેઠો.
એની મા કહે : “ક્યાં ગયો ઉંદરડો? એલા જમવા ચાલ; ભૂખ નથી લાગી?”
ઉંદર કહે : “એં, એં, એં! અમે નહિ જમીએ. અમને બધા છ પૂંછડિયો ઉંદર, છ પુંછડિયો ઉંદર, એમ કહીને ખીજવે છે.”
મા કહે : “જા પાછો, સુતારને ત્યાં, એક પૂંછડી કપાવી આવ.”
ઉંદરભાઈ તો સુતાર પાસે ગયા ને વળી એક પૂંછડી કપાવી આવ્યા. હવે ઉંદરને પાંચ પૂંછડી રહી.
બીજે દિવસે ઉંદરભાઈ સ્લેટ અને પેન લઈને નિશાળે ગયા.
આઘેથી ઉંદરભાઈને આવતા જોઈને બધાં છોકરાં કહે : “ઓ આવ્યા પેલા ઉંદરભાઈ!”
ઉંદરની પાંચ પૂંછડી જોઈને છોકરાં તો વળી ખીજવવા લાગ્યા :
“પાંચ પૂંછડિયો ઉંદર,
ભાઈ, પાંચ પૂંછડિયો ઉંદર!
પાંચ પૂંછડિયો ઉંદર.
ભાઈ, પાંચ પૂંછડિયો ઉંદર!”
ઉંદરભાઈ તો ખિજાયા ને હોં હોં, હોં, કરતા ઘેર આવ્યા ને પેટી ઉપર બેઠા.
એની મા કહે : “વળી શું થયું? હેં, હેં કરીને રડે છે શાનો?”
ઉંદર કહે : “અમને બધાં પાંચ પૂંછડિયો ઉંદર, પાંચ પૂંછડિયો ઉંદર એમ કહીને ખીજવે છે.”
મા કહે : “જા પાછો સુતારને ત્યાં ને કપાવીને આવ એક પૂંછડી.”
પછી તો ઉંદરભાઈને ચાર પૂંછડી રહી.
મા કહે : “હવે જા નિશાળે. હવે તને કોઈ નહિ ખીજવે.”
પણ પાછા ઉંદરભાઈ નિશાળે ગયા ત્યાં તો બધાંય ખૂબખૂબ ખીજવવા લાગ્યાં. ઉંદરભાઈ તો પાછા મોટો રાગડો કાઢતા-કાઢતા ઘેર આવ્યા ને મોં ચઢાવીને બેઠા.
મા કહે : “ચાલ ને હવે ખાવા? મોં ચડાવીને શું બેઠો છો?”
ઉંદર કહે : “એં, એં, એં! અમને બધા ખીજવે છે. હજી બધા કહે છે કે ચાર પૂંછડિયો ઉંદર ચાર પૂંછડિયો ઉંદર. અમે હવે નિશાળ નહિ જઈએ!”
મા કહે : “એમ તે થાય, બેટા! એક પૂંછડી કપાવી આવ.”
ઉંદરે વળી એક પૂંછડી કપાવી.
એટલે તો એને ત્રણ જ પૂંછડી રહી.
વળી પાછા ચોરણી પહેરીને ને એમાં પૂંછડી સંતાડીને ઉંદરભાઈ નિશાળે ગયા.
બધાં છોકરાં કહે : “આજ તો ઉંદરભાઈ ચોરણી પહેરીને આવ્યા છે!”
પણ ઉંદરભાઈ જ્યાં મૂતરવા બેઠા ત્યાં તો બધાંય એની ત્રણ પૂંછડી ભાળી ગયાં.
બધાં છોકરાં કહે : “અહો! આ તો
“ત્રણ પૂંછડિયો ઉંદર,
ભાઈ, ત્રણ પૂંછડિયો ઉંદર!
ત્રણ પૂંછડિયો ઉંદર.
ભાઈ, ત્રણ પૂંછડિયો ઉંદર!”
ઉંદર તો રોતોરોતો ભાગી જ ગયો અને ઘરમાં આવીને કોઠી નીચે ભરાઈને એં, એં, કરવા લાગ્યો.
પછી તો ઉંદરે ત્રીજી પૂંછડી કપાવી નાંખી; તોય બધાં ખીજવવા લાગ્યાં, પછી તો એને એક પૂંછડી રહી.
નાહી ધોઈને ઉંદરજી પાછા નિશાળે ચાલ્યા. મા કહે : “હવે તને કોઈ નહિ ખીજવે. હવે તારે એક જ પૂંછડી છે.”
પણ ઉંદરભાઈને તો બધાંએ ખૂબ ખીજવ્યા, બધાં એક પૂંછડીને અડે ને ખીજવે :
“એક પૂંછડિયો ઉંદર,
ભાઈ, એક પૂંછડિયો ઉંદર!
એક પૂંછડિયો ઉંદર.
ભાઈ, એક પૂંછડિયો ઉંદર!”
ઉંદરભાઈ તો પાછા મોટી પોક મૂકતા-મૂકતા ઘેર આવ્યા.
મા કહે : “વળી રોતોરોતો આવ્યો! તને તે થયું છે શું?”
ઉંદર કહે : “બા, બા! હજી મને બધાં ખીજવે છે. કહે છે કે એક પૂંછડિયો ઉંદર, ભાઈ, એક પૂંછડિયો ઉંદર. બધાં એક એક પૂંછડી છે તોય ખીજવે છે.”
મા કહે : “તો ત્યારે એક પૂંછડી પણ કપાવી આવ.”
પછી ઉંદરભાઈ તો બાંડા થઈ ગયા!
ઉંદરભાઈ તો નિશાળે ચાલ્યા. તે કહે : “હવે ક્યાંથી ખીજવશે? હવે તો પૂંછડી જ ક્યાં છે?”
પછી નિશાળમાં ગયા ત્યાં તો બધાં છોકરાં ઉંદરભાઈને ઘેરી વળ્યાં અને પેરણ ઊંચું કરીને ખીજવવા લાગ્યાં :
“બાંડો પૂંછડિયો ઉંદર,
ભાઈ, બાંડો પૂંછડિયો ઉંદર!
બાંડો પૂંછડિયો ઉંદર.
ભાઈ, બાંડો પૂંછડિયો ઉંદર!”
ઉંદરભાઈ તો સ્લેટ-પેન ફેંકીને ભાગ્યા. ઘરમાં આવીને લાંબા થઈને સૂતા ને મોટો ભેંકડો તાણીને રોવા લાગ્યા.
મા કહે : “હવે શું છે હજીયે કેમ રોવા બેઠો છોઠ
ઉંદર કહે : “હજી પણ મને તો બધાં ખીજવે છે. એમ કહે છે કે બાંડો ઉંદર, ભાઈ, બાંડો ઉંદર!”
ઉંદરની મા કહે : “જા ત્યાં, સુતાર પાસે જઈને એક પૂંછડી પાછી સંધાવી આવ.”
ઉંદર તો સુતાર પાસે પૂંછડી સંધાવવા ગયો. જઈને કહે : “સુતાર, સુતાર! મારી પૂંછડી સાંધી દે ને?”
સુતાર કહે : “કપાઈ ગયેલી પૂંછડી તે કાંઈ સંધાતી હશે? જા જા પાછો જા.”
ઉંદર કહે :
સાંધ મારી પૂંછડી
નહિ તો વાંસલો લઈને ભાગું;
સાંધ મારી પૂંછડી,
નહિ તો વાંસલો લઈને ભાગું.”
સુતારે પૂંછડી સાંધી દીધી નહિ એટલે ઉંદર વાંસલો લઈને ભાગ્યો.
રસ્તામાં એને એક કઠિયારો મળ્યો. તે બિચારા પાસે વાંસલો ન હતો તેથી તે દાંતે લાકડાં કાપતો હતો.
ઉંદર કહે : “ભાઈ! દાંતે લાકડાં શા માટે કાપે છે? આ લે ને મારો વાંસલો! સારો મજાનો છે.”
કઠિયારો વાંસલે-વાંસલે લાકડાં કાપવા લાગ્યો, ત્યાં તો વાંસલો ભાંગી ગયો એટલે ઉંદર કહે :
“લાવ મારો વાંસલો,
નહિ તો લાકડું લઈને ભાગું;
લાવ મારો વાંસલો,
નહિ તો લાકડું લઈને ભાગું.”
કઠિયારો વાંસલો તો ક્યાંથી આપે? ઉંદરજી તો લાકડું લઈને ભાગ્યા.
આઘેરોક ગયો ત્યાં તેણે એક ડોશી જોઈ. ડોશી ચૂલામાં પગ બાળીને રોટલો કરતી હતી. ઉંદર ડોશી પાસે જઈને કહે : “ડોશીમા, ડોશીમા! મફતના પગ શું કામ બાળો છો! આ લ્યો મારું લાકડું; આ લાકડું બાળીને રોટલો કરો.”
ડોશીએ તે લાકડું ચૂલામાં નાખ્યું. થોડી વાર થઈ ત્યાં તો લાકડું બળી ગયું, અને રોટલા પણ થઈ ગયા. ત્યાં તો ઉંદરભાઈ આવીને કહે : “ડોશી, ડોશી! મારું લાકડું લાવ ને?”
ડોશી કહે : “હવે તો ક્યાંથી પાછું આપું? એ તો બળી ગયું!”
ઉંદર કહે :
“લાવ મારું લાકડું
નહિ તો રોટલો લઈને ભાગું;
લાવ મારું લાકડું,
નહિ તો રોટલો લઈને ભાગું.”
એમ કહી ઉંદર તો રોટલો લઈને ભાગ્યો. ભાગતાં ભાગતાં એક કુંભારની ભઠ્ઠીએ ગયો. ત્યાં કુંભાર બેઠો બેઠો ગારો અને દોણામાંથી દહીં ખાતો હતો.
ઉંદર કુંભારને કહે : “અરે ભાઈઍ ગારો અને દહીં શું કામ ખાય છે લે ને આ રોટલો દહીં ને રોટલો ખા તો પેટ ઠરે.”
કુંભારે તો રોટલે ને દહીં ખાધાં ને હોઈયાં કર્યાં. ત્યાં ઉંદરભાઈ આવ્યા ને કહે :
“લાવ મારો રોટલો
નહિ તો દોણું લઈને ભાગું;
લાવ મારો રોટલો,
નહિ તો દોણું લઈને ભાગું.”
કુંભાર રોટલો ક્યાંથી આપે રોટલો તો પેટમાં પડ્યો હતો!
ઉંદરભાઈ રોટલાને બદલે દોણું લઈને ભાગ્યા. રસ્તામાં એક ભરવાડનું ઘર આવ્યું.
ભરવાડ પાસે દૂધ દોહવાનું ઠામ ન હતું. એટલે એ બિચારો ખાંડણિયામાં દૂધ દોતો હતો. ઉંદર તો તેની પાસે ગયો ને તેને કહે : “બાપુ! આવા ખાંડણિયામાં તે શીદને દૂધ દોવે છે? લે ને આ દોણું!”
ભરવાડ તો દોણું લઈને દૂધ દોવા બેઠો. ત્યાં ભેંશ ભડકી અને દોણાને પાટુ માર્યું. દોણું ફૂટી ગયું.
એટલામાં ઉંદર પાછો આવ્યો ને દોણું માગવા લાગ્યો. તે કહે :
“લાવ મારું દોણું,
નહિ તો ભેંશ લઈને ભાગું;
લાવ મારું દોણું,
નહિ તો ભેંશ લઈને ભાગું.”
ભરવાડ કાંઈ દોણું આપે તેમ ન હતો એટલે ઉંદરભાઈ તો ભેંશ લઈને ભાગ્યા.
ભાગતાં-ભાગતાં એક ખેતર આવ્યું. કણબી હણ હાંકતો હતો.
એનો એક બળદ મરી ગયો હતો એટલે બળદને બદલે એણે હળમાં એની માને જોડી હતી.
ઉંદર કણબીને કહે : “અરે ભૂંડા! આ શું કરે છે? માને હળે જોડાતી હશે?”
કણબી કહે : “ભાઈ, શું કરું? એક બળદ મરી ગયો છે ને બીજાના પૈસા નથી. ડોશીને જોડ્યા વિના ખેતર કેમ ખેડાય?”
ઉંદર કહે : “લે ને ભાઈ! આ મારી ભેંશ! એ શા કામની છે? એને હળમાં જોડ ને, ડોશીમાને પોરો આપ.”
કણબીએ તો ડોશીને બદલે ભેંશને હળમાં જોડી ને ખેડવા લાગ્યો.
થોડુંક ખેડ્યું ત્યાં તો ભેંશને તડકો લાગ્યો ને ભેંશ તો ભસ દઈને નીચે પડી ને મરી ગઈ.
ત્યાં તો ઉંદરભાઈ આવી પહોંચ્યા. આવીને કહે : “મારી ભેંશ લાવ.”
કણબી કહે : “ભાઈ! ભેંશ તો મરી ગઈ. હવે ક્યાંથી આપું?”
ઉંદર કહે :
“લાવ મારી ભેંશ,
નહિ તો ડોશી લઈને ભાગું;
લાવ મારી ભેંશ,
નહિ તો ડોશી લઈને ભાગું.”
પછી ઉંદર ડોશીને લઈને ભાગ્યો.
ભાગતાં-ભાગતાં એક ગામડામાં આવ્યો. ચોરા પાસે બજાણિયા રમતા હતા. બજાણિયાનો એક છોકરો દોરડા ઉપર ચડીને નાચતો હતો ને કૂદતો હતો.
ત્યાં ઉંદરભાઈ જઈ પહોંચ્યા.
છોકરાને અધ્ધર ચાલતો જોઈ ઉંદર કહે : “અરે ભાઈ! આટલા નાના છોકરાને તે કાં મારી નાખવો છે? ઉપરથી પડશે તો સોયે વરસ પૂરાં થશે!”
બજાણિયા કહે : “તે છોકરો ન નાચે ત્યારે શું તારી ડોશી નાચે?”
ઉંદર કહે : “લે ને, ભાઈ મારી ડોશ. ચડાવ એને દોરડે; મારું શું જાય છે!”
બજાણિયે તો ડોશીને દોરડે ચડાવી. ડોશીમા બિચારાં ધ્રૂજતાં ધ્રૂજતાં દોરડે ચડ્યાં, પણ ડોશી કાંઈ દોરડા ઉપર નાચી શકે? ડોશીમા તો ધબ થઈને હેઠે પડ્યાં, ને ત્યાં ને ત્યાં રામશરણ થયાં!
ત્યાં તો ઉંદરભાઈ તૈયાર જ હતા. ઉંદર કહે : “મારી ડોશીને કેમ મારી નાખી?”
બજાણિયો કહે : “કેમ કેમ શું કરે છે? દોરડેથી ડોશી પડી ને મરી ગઈ એમાં હું શું કરું?”
ઉંદર કહે :
“લાવ મારી ડોશી,
નહિ તો ઢોલકું લઈને ભાગું:
લાવ મારી ડોશી,
નહિ તો ઢોલકું લઈને ભાગું.”
પછી ઉંદરભાઈ બજાણિયાનું ઢોલકું લઈને ભાગ્યા. ભાગતાં ભાગતાં એક નાની એવી ટેકરી આવી. તેના ઉપર જઈને ભાઈ બેઠા ને ઢોલકું વગાડી ગાવા માંડ્યા :
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
પૂંછડી સાટે વાંસલો લીધો;
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
વાંસલા સાટે લાકડું લીધું;
લાકડા સાટે રોટલો લીધો;
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
રોટલા સાટે દોણું લીધું;
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
દોણા સાટે ભેંશ લીધી;
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
ભેંશ સાટે ડોશી લીધી;
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
ડોશી સાટે ઢોલકું લીધું;
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
ઢીબ ઢીબાંગ,
ઢીબ ઢીબાંગ,
ઢીબ ઢીબાંગ.
ઉંદરભાઈ તો લહેરથી ગાતા હતા ને વગાડતા હતા.
એક કાગડોભાઈ કૉ કૉ કરતા આવ્યા ને ઉંદરભાઈને પૂંછડીએ ઝાલી ઊંચે ઉપાડ્યા. પણ ઉંદરભાઈ તો તોય ઢોલકી વગાડતા ગયા ને ગાતા રહ્યા :
“ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ,
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ,
ઢીબ ઢીબાંગ, ઢીબ ઢીબાંગ!”
સ્રોત
- પુસ્તક : ગિજુભાઈ બધેકાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022