રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘણાં સમય પહેલાંની વાત છે.
એક કરોળિયો હતો. એને બિચારાને ઘર ન મળે. ઘર નહીં એટલે શિયાળાની કડકડતી ટાઢમાં ઠૂંઠવાય. ઉનાળાના બળબળતાં તાપમાં શેકાય ને ચોમાસાના ધોધમાર વરસાદમાં પલળીને પોચો-પોચો થઈ જાય. એ જ્યારે બીજા લોકોને ઘરમાં બેસીને હસતાં-રમતાં જુએ ત્યારે એના મનમાં કંઈનું કંઈ થઈ જતું. એ વિચારતો : ‘બધાં પશુ-પંખીઓને નાનાં-મોટાં ઘર ને મારે એકને જ ઘર નહીં? મારે પણ રહેવા માટે ભલેને નાનું હોય પણ એક ઘર હોય તો કેવું સારું!’ કરોળિયાના મનમાં ઘર બનાવવાનો વિચાર ઝબક્યો. એ પછી તો રાત-દિવસ ઘર બનાવવાના જ સપનાંઓ તે જોવા લાગ્યો, પરંતુ કારોળિયાને ઘર બનાવવાનો કોઈ અનુભવ ન મળે એટલે એમને થયું કે લાવને કાગડાભાઈને પૂછી જોઉં. કરોળિયો પોતાના તાંતણા પર હીંચકા ખાતો-ખાતો પહોંચ્યો કાગડાભાઈ પાસે.
‘કાગડાભાઈ, કાગડાભાઈ મારે ઘર બનાવવું છે. ઘર કઈ રીતે બનાવાય એ કહોને!’ કાગડાભાઈ કહે : ‘અમે તો સાંઠીકડાંથી માળા બનાવીએ. એમાં સાવરણાની સળી પણ હોય ને ઝાડની લીલી-સૂકી ડાળખી પણ હોય. તમારા કુમળા શરીરને એ ન ફાવે. સરસ મજાનું ઘર બનાવવું હોય તો કુંભાર પાસે જા. કુંભારને કહીશ એટલે એ ઈંટો આપશે. એનું તું ઘર બનાવજે.’
કાગડાભાઈની સલાહ કરોળિયાને સાચી લાગી. એ તો ‘જય જય કહીને પહોંચી ગયો કુંભાર પાસે. ‘કુંભાર, કુંભાર ઈંટો આપ.’
કરોળિયા સામે કુંભારે અણગમાથી જોયું ને પછી ગુસ્સે થતાં બોલ્યો : ‘અરે, ભાઈ જોતો નથી હું કેટલાં કામમાં છું? ઈંટો જોઈતી હોય તો પહેલાં મારું થોડું કામ કરી આપવું પડશે.’
કરોળિયો બોલ્યો : ‘કહોને, જે કંઈ કામ હશે તે કરી આપીશ.’
કુંભાર કહે : ‘આ માટીને જરા ગૂંદી આપ. માટી ગૂંદી ગૂંદીને મારા પગ થાકી ગયા છે. માટીને શીરા જેવી બનાવી આપજે હોં.’
કરોળિયાને થયું હવે આ માટીને ગૂંદવી એમાં શું? એમણે તો માટીના ખામણાં તરફ દોટ મૂકી. પલાળેલી માટીના ખામણામાં કૂદકાઓ મારતાં-મારતાં એ ગાવા લાગ્યો :
‘માટીને ગૂંદીશું, ઈંટો બનાવીશું
રૂડં રૂપાળું ઘર બનાવીશું,
ઘરમાં રહીને ખાઈશું-પીશું
ઘરમાં છે જ મજા, ટાઢ-તડકાને રજા....’
મસ્તીમાં નાચતાં-ગાતાં કરોળિયાને એ ખબર નહોતી કે ખામણાંની ચારેતરફ માટી ને વચમાં પાણી છે. માટીનું એક ઢેફું ખર્યુ ને પાણીનો ધધૂડો કરોળિયાને છેવાડે તાણી ગયો. કરોળિયો પાણીમાં ડૂબકાં ખાવા માંડ્યો. પાણીમાંથી માંડ-માંડ બહાર નીકળી માટી ગૂંદવા જાય તો પલળેલાં પગમાં ચીકણી માટી એવી ચોંટે કે કરોળિયાથી હાલી-ચાલી પણ ન શકાય. કરોળિયો તો રડવા જેવો થઈ ગયો : ‘કુંભારભાઈ, આમાંથી બહાર કાઢોને, મારાથી માટી નહીં ગૂંદાય.’
કુંભાર હસી પડ્યો. કરોળિયાને ઊંચકીને ખામણામાંથી બહાર કાઢતાં બોલ્યો : ‘કેમ, કરોળિયારાજા, આટલું આમથુંયે કામ થતું નથી ને! તમે ઘર શું બનાવવાના?’
કરોળિયો તો નિરાશ થઈ રસ્તે ચાલવા લાગ્યો. આકાશમાં ઊડચાં કાગડા ભાઈ કા...કા... કરતા હતા. માટીથી રંગાઈ ગયેલા કરોળિયાને જોઈને એ તરત નીચે આવ્યા. ‘કહે, કરોળિયાભાઈ, ઈંટો લઈ આવ્યા?’
‘ના રે ના, આપણાથી મફતમાં ઈંટો થોડી લેવાય? મને તો એની કાળીમાટીને ગૂંદતા ન આવડે’ કરોળિયો રડમસ અવાજે બોલ્યો.
કાગડાભાઈ કહે : ‘એમ નિરાશ થયે થોડું પાલવશે? તારે ઘર તો બનાવવું જ છે ને?’
કરોળિયો કહે : ‘ઘર બનાવ્યા વિના હવે મને જંપ નહીં વળે. પણ હવે હું કરું શું?’
કાગડાભાઈ બોલ્યા : ‘અહીં નજીકમાં જ સુથાર રહે છે. એ કંઈક દયાળું લાગે છે. એની પાસે જઈ થોડાં લાકડાં માંગી લાવ. એ લાકડાંથીયે તારું અફલાતૂન ઘર થઈ જશે.’
કરોળિયો રાજી થતો-થતો ગયો સુથાર પાસે. સુથાર તો લાકડાં છોલતો જાય. પરસેવાના ટીપાંઓને લૂછતો જાય. કરોળિયો કહે : ‘સુથાર, સુથાર લાકડું આપ.’
સુથાર આ સાંભળીને કહે : ‘તારે વળી લાકડાંનું શું કામ પડ્યું છે? જો તો નથી અહીં ઘડીનીયે નવરાશ નથી.’
કરોળિયો બોલ્યો : ‘મારે મારું ઘર બનાવવા લાકડાં જોઈએ. તું લાકડાં આપે તો મારું ઘર બને.’
કરોળિયાનો કાકલૂદીભર્યો અવાજ સાંભળીને સુથારને દયા આવી. ખૂણામાં પડેલા લાકડાંનો ઢગ બતાવી સુથાર બોલ્યો : ‘જા, લઈ જા તારે જોઈએ એવાં લાકડાં, તારું ઘર બને તો હું રાજી.’
કરોળિયો તો આનંદમાં આવીને એ ઢગ તરફ દોડ્યો. સરસ મજાનાં લાકડાં વીણી લઉં, મોટું ઘર બનાવું, ખુરશી, પલંગ ને મેજ બનાવું આવું વિચારતાં-વિચારતાં કરોળિયાએ લાકડાં પસંદ કરી એની બાંધી ભારી. એ ભારીને ઉપાડવાનો કરોળિયાએ પ્રયત્ન કર્યો, પણ આ તો લાકડાં નહીં જાણે ભારેખમ ડુંગરાઓ હોય એમ લાગ્યું. કરોળિયાએ લાકડાં ઊંચકવા બહુ મહેનત કરી. આ મહેનતથી એ પરસેવે રેબઝેબ થઈ ગયો, પણ એકેય લાકડું એનાથી ઊંચકાયું નહીં. સુથાર તો દૂર ઊભો-ઊભો હસતો જાય ને કહેતો જાય : ‘ઘર બનાવવું છે ને! ઊંચકો-ઊંચકો ને લઈ જાઓ તમતમારે.’
નિરાશ થઈ કરોળિયો સુથારનું ફળિયું છોડીને રસ્તા પર દોડવા લાગ્યો. એ પછી તો કાગડાભાઈએ કરોળિયાને લુહાર પાસે, કડિયા પાસે મોકલ્યો, પણ કોઈએ કરોળિયા તરફ ઝાઝું ધ્યાન આપ્યું નહીં. ઊલટાનું કરોળિયાને જાત-ભાતની મજાક સહન કરવાની આવી. કેટલાકે તો એને મારવાની વાત પણ કરી હતી. કરોળિયાએ આખરે વિચાર્યુ કે મારે જાતે જ ઘર બનાવવાની વેતરણ કરવી જોઈએ. આ વિચાર મનમાં પાક્કો થવાથી નવા ચેતન ને જોમથી એ ઘર બનાવવાની મહેનતમાં પડ્યો. એક સરસ મજાની જગા એમણે પસંદ કરી. ઝાડની પાસપાસેની બે પાતળી ડાળી વચ્ચે પોતાની લાળને ગૂંથતો જાય. લાળને ગૂંથતા-ગૂંથતા જમીન પર પછડાય તો ફરી ઊભો થયા ને કામે ચઢી જાય. આ કામથી થાકે ત્યારે વળી, થોડો આરામ લે ને પછી મંડી પડે ઘર બનાવવા. થોડાં સમયમાં તો કરોળિયાનું ઘર તૈયાર થઈ ગયું. કરોળિયો આનંદથી નાચી ઊઠ્યો : ‘અહા! કેવું મજાનું ઘર! હવે હું આમાં સુખેથી રહીશ.’
ખોરાકની શોધમાં અહીંથી તહીં આકાશમાં હડી કાઢતાં કાગડાભાઈને સાદ પાડીને કરોળિયાએ પોતાનું ઘર જોવા માટે બોલાવ્યા. કાગડાભાઈ આ ઘર જોઈને હસવા લાગ્યા : ‘અરે, આને તે ઘર કહેવાતું હશે? આ તો જાળું છે જાળું....’
કરોળિયો ગર્વથી ફુલાઈને બોલ્યો : ‘એ જાળું ભલેને કહેવાય, પણ એને મારી મહેનતથી, મારા પરસેવાથી મેં બનાવ્યું છે ને એટલે આ જાળું પણ મને તો મહેલ સરખું લાગે છે.’
કાગડાભાઈને પોતાની ભૂલ સમજાઈ. કરોળિયાએ પોતાની જાતમહેનતથી આ ઘર બનાવ્યું હતું. કુંભાર, સુથાર, લુહારની મદદ વિના ઘર કરીને જ કરોળિયો ઝંપ્યો હતો. કાગડાભાઈ ખૂબ ખુશ થયા. એમણે મહેનતુ કરોળિયાની પીઠ થાબડી. કરોળિયાને પોતાનું ઘર મળ્યું. ત્યારથી કરોળિયો પોતાનું ઘર જાતે જ બનાવે છે. એ પડે છે. પાછો ઊભો થાય છે. તાંતણાઓને ગૂંથે છે ને અફલાતૂન ઘરમાં લહેર કરે છે.
સ્રોત
- પુસ્તક : લપસણીની મજા (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : કિશોર વ્યાસ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
- વર્ષ : 2024