રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ઝાડ પર કાગડો અને તેનું બચ્ચું બેઠાં હતાં. કાગડાનું બચ્ચું નવુંનવું ઊડતાં શીખ્યું હતું એટલે ખૂબ ઊડાઊડ કરતું હતું. એ બહુ દૂર સુધી ઊડી આવીને થાક ખાતું ઝાડ પર બેઠું હતું. એને ભૂખ લાગી હતી એટલે એ કાગડાને કહેવા લાગ્યું: ‘પાપા, મને તો બહુ ભૂખ લાગી છે. સવારમાં જરા હું ઊડવાની કસરત કરીને આવ્યું એટલે કંઈક નાસ્તો જોઈએ.’
કાગડાએ : ‘કહ્યું તારે રસ્તામાં કંઈક ખાવાનું ખોળી લેવું હતું ને, ક્યાંક એંઠવાડ કે ઉકરડો ના મળ્યો?’
બચ્ચું કહે : ‘પાપા, મારે તો ભાખરી કે પુરી ખાવી છે. તમે ક્યાંકથી ઉઠાવી લાવો ને!’
કાગડો કહે : ‘એમ કંઈ ભાખરી કે પુરી રસ્તામાં થોડી પડી હોય? છતાં તપાસ કરું. તું ક્યાંય આકાશમાં રખડવા જઈશ નહિ.’
ત્યાં તો બચ્ચાએ કાગડાને કહ્યું : ‘પાપા, જુઓ, જુઓ પેલા કૂવાના પગથિયા પાસે શિયાળ પુરી ઝાપટી રહ્યું છે. તમે કશીક કરામત કરીને એની પાસેથી પુરી પડાવી લાવો ને. તમે તો એવી કરામત કરવામાં હોશિયાર છો.’
કાગડો કહે : ‘શિયાળ તો બહુ લુચ્ચું કહેવાય. એ કંઈ મોઢામાં આવેલી પુરી પડતી મેલતું હશે? છતાં હું તરકીબ અજમાવી જોઉં એક વાર એવું જ એક શિયાળ મારા મોઢામાંથી પુરી પડાવી ગયું હતું.’
હેં પાપા, તમે આટલા ચતુર કહેવાવ છતાં શિયાળ તમારી પુરી કેવી રીતે પડાવી ગયું?’
કાગડો કહે : ‘ચતુર હોય તે પણ કેટલીક વાર મૂર્ખામી કરી નાખે છે. મારા મોઢામાં પુરી હતી. શિયાળ ઝાડ નીચે આવ્યું ને મારાં બહુ વખાણ કરવા લાગ્યું કે કાગડાભાઈ તમે તો ખરા કામણગરા છો. તમારી ચાંચ કેવી રઢિયાળી છે! પણ તમે મીઠું મીઠું બોલી શકો ખરા? કોયલ બોલે છે તેવું?’
શિયાળની વાતથી હું ભરમાયો ને બોલવા ગયો ત્યાં પુરી મારી ચાંચમાંથી પડી ગઈ. અને લુચ્ચું શિયાળ તે લઈને નાસી ગયું. શિયાળ તો બધાંય લુચ્ચાં કહેવાય. છતાં હુંય એને જરા લપટાવી જોઉં.’
કાગડો તો ઊડ્યો શિયાળ પાસે અને કહેવા લાગ્યો : ‘શિયાળભાઈ, સવારના જ તમને તો સરસ નાસ્તો મળી ગયો. તમે તો ભારે ચતુર હોં. કોના ઘરમાં ઘૂસી ગયા હતા? તમે પુરી મેળવવા શી ચાલાકી કરી એ વાત તો કરો, તમારે મોઢે તમારી હોશિયારીની વાત મારે સાંભળવી છે.’
પણ શિયાળ કંઈ ભોટ નહોતું. એણે તો થોડીક આંખો નચાવી, જરા મુખ મલકાવ્યું પણ પુરી ભોય પર મૂકી નહીં.
કાગડો નિરાશ થઈને ઝાડ પર પાછો આવ્યો. બચ્ચાને કહે : ‘શિયાળ તો બહુ ઉસ્તાદ છે. મેં એનાં ખૂબ વખાણ કર્યાં. પણ એ લુચ્ચાએ પુરી મોઢામાંથી નીચે મેલી જ નહીં.’
બચ્ચું કહે : ‘પાપા, તમે મારી સાથે ચાલો. જરા દૂર છુપાઈને ઊભા રહેજો. હું મારી યુક્તિ અજમાવી જોઉં.’
એમ કહીને કાગડાનું બચ્ચું ઊડીને શિયાળ પાસે આવ્યું. કાગડો જરા દૂર સંતાઈને તાલ જોવા માંડ્યો.
કાગડાના બચ્ચાએ શિયાળને કહ્યું : ‘શિયાળભાઈ, તમને તમારી ચતુરાઈનો ભલે ફાંકો હોય, પણ તમે એક નંબરના ડરપોક છો.’
શિયાળ એકદમ ધૂંધવાયું, ગુસ્સાથી કાગડાના બચ્ચા સામે જોવા લાગ્યું.
કાગડાનું બચ્ચું કહે : ‘એમ ડોળા શીદ ફાડો છો? કૂતરાને જોઈને તો ઊભી પૂંછડીએ ભાગી જાવ છો.’
આ સાંભળીને શિયાળનો ગુસ્સો કાબૂમાં રહ્યો નહિ : ‘નાલાયક, બદમાશ, ઊભો રહે, હું તારી વલે કરું.’
એમ બોલતાં એની પુરી પડી ગઈ. એ બચ્ચાને પકડવા દોડ્યું. પણ બચ્ચાને ઊડી જતાં વાર શી?
શિયાળ બચ્ચાને ઝાપટ મારવા દોડ્યું એટલામાં પેલો કાગડો નીચે પડેલી પુરી લઈને ઊડી ગયો.
શિયાળભાઈ નિરાશ થઈને ધૂંધવાતા પાછા ફર્યા અને જુએ તો પુરી ગુમ.
શિયાળને થયું કે કાગડાને એક વાર અમે છેતરીને પુરી પડાવી લીધી હતી. કાગડો આજે મારી પુરી પડાવી ગયો.
ઝાડ પર બેસીને કાગડો અને એનું બચ્ચું નિરાંતે પુરી ખાવા માંડ્યાં.
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022