Draksh Khati Nathi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દ્રાક્ષ ખાટી નથી

Draksh Khati Nathi

ઈશ્વર પરમાર ઈશ્વર પરમાર
દ્રાક્ષ ખાટી નથી
ઈશ્વર પરમાર

    એક શિયાળ હતું. તે બપોર સુધી જંગલમાં આમતેમ રખડ્યું અને પછી તેને ભૂખ લાગી. ખોરાકની શોધમાં  નદીકિનારે આવેલા એક બગીચામાં જઈ પેઠું. ત્યાં એણે દ્રાક્ષનાં ઝૂમખાં લટકતાં જોયાં. મોંમાં પાણી આવી ગયું. એ મેળવવા એણે કૂદકા માર્યા પણ ફાવ્યું નહિ; પછી એ શું બબડતું રવાના થઈ ગયું તે તો તમે જાણો છો ને?

    એણે કહ્યું, ‘દ્રાક્ષ ખાટી છે. મારે એ જોઈતી પણ નથી.’ એણે આમ શા માટે કહ્યું? દ્રાક્ષ સુધી પહોંચાયું નહિ, તેથી જ ખરું ને?

    બાળમિત્રો, એ શિયાળભાઈને એ રીતે બબડતા જતા જોઈને પડખેના ઝાડ પર બેઠેલા એક ભલા અને ઘરડા વાંદરાકાકાને હસવું આવી ગયું; પછી એમણે ધ્યાન દઈને જોયું તો ખબર પડી કે ભૂખના દુઃખથી બિચારા શિયાળભાઈની આંખમાં તો આંસુ તગતગી રહ્યાં હતાં! એની નાની ઉંમર જોઈને વાંદરાકાકાને દયા આવી. એમણે તો ઝટ નીચલી ડાળીએ આવીને સાદ કર્યો : ‘શિયાળભાઈ, આવો, આવો. તમે આ બાજુ તો ક્યારેય પધારતા નથી; આજે તો મારા મહેમાન થાઓ.’

    શિયાળભાઈ તો રાજી રાજી થઈ ગયા અને ઝાડ નીચે આવી ઊભા. વાંદરાકાકા પણ ઝાડ નીચે ઊતરી આવ્યા અને સાથે પોતા માટે સાચવી રાખેલ દ્રાક્ષનાં ચાર-પાંચ ઝૂમખાં લાવ્યા.

    શિયાળભાઈને દ્રાક્ષ મીઠી લાગી. એ જ્યારે ચાવી ચાવીને દ્રાક્ષ ખાતા હતા ત્યારે વાંદરાકાકા બેઠા બેઠા વિચારતા હતા : ‘કેવું નાનું છે આ શિયાળબાળ! આટલી નાની ઉંમરમાં એ પોતે જ પોતાને કેવું છેતરનું થઈ ગયું છે! ઊંચે લટકતી દ્રાક્ષ ન મળી એટલે પોતાને જ છેતરવા એણે એને ખાટી માની લીધી! આમ ખોટી રીતે જો કોઈ મન મનાવતું થઈ જાય તો એનો વિકાસ અટકી જાય અને એને પોતાની તાકાત ઉપર કદી ભરોસો જ પેદા ન થાય. ઊગતી ઉંમરમાં આ અવગુણ તો ભારે ખરાબ. માટે લાવ, આ શિયાળભાઈને સાચી સમજ આપું.’

    હવે વાંદરાકાકાએ વાત કરવા માંડી : ‘શિયાળભાઈ, આ દ્રાક્ષ કેવી લાગે છે, સાચું કહેજો હોં?’

    શિયાળભાઈ કહે : ‘દ્રાક્ષ તો મજાની મીઠી લાગે છે; મને તો ખૂબ ભાવે છે, કાકા!’

    વાંદરાકાકા કહે : ‘એમ?... તો તો તમને હું એક અઠવાડિયા સુધી જુદાજુદા માંડવા પરના વેલાની દ્રાક્ષનાં ઝૂમખાં જમાડીશ; મજા પડશે ને?’

    શિયાળભાઈનો આજનો નદીકિનારાનો ફેરો તો સફળ જ થઈ ગયો. એ તો વહેલી સવારથી રમે-ભમે ને બપોરે નદીકિનારા પાસે જઈ પહોંચે ત્યારે વાંદરાકાકા તો ઝૂમખાં લઈને બેઠા જ હોય.

    દરરોજ વાંદરાકાકા પૂછે : ‘શિયાળભાઈ, આ કેવી લાગે છે, સાચું કહેજો હોં?’

    શિયાળભાઈ કહે : ‘દ્રાક્ષ તો મજાની મીઠી લાગે છે; મને તો ખૂબ ભાવે છે, કાકા!’

    આ રીતે આજે છઠ્ઠો દિવસ હતો. શિયાળભાઈ રમતા-ભમતા નદીકિનારે આવી ગયા. વાંદરાકાકા દ્રાક્ષનાં ઝૂમખાં લઈને બેઠા જ હતા.

    આજે પણ એમણે પૂછ્યું : ‘શિયાળભાઈ, આ દ્રાક્ષ કેવી લાગે છે, સાચું કહેજો હોં!’

    શિયાળભાઈ કહે : ‘દ્રાક્ષ તો મજાની મીઠી લાગે છે; મને તો ખૂબ ભાવે છે, કાકા!’

    વાંદરાકાકા કહે : ‘શિયાળભાઈ, આવતી કાલે આપણા અઠવાડિયાનો છેલ્લો દિવસ છે; આવતી કાલે તમને એવી દ્રાક્ષ ચાખવા મળશે કે જે તમે કદી ચાખેલ જ નથી; તમને એ ભાવશે ને?’

    શિયાળબાઈ ખૂબ જ રાજી થઈ ગયા. બીજે દિવસે વહેલી સવારથી તે મોડી બપોર સુધી તે આનંદની ધૂનમાં ખૂબ રમ્યા અને ભમ્યા. હવે કકડીને ખૂખ લાગી. આવ્યા નદીકિનારે. આજે વાંદરાકાકા તરત દેખાયા નહિ. એટલે ઝાડ પાસે જઈને સાદ કર્યો : ‘કાકા નમસ્તે... હું આવી ગયો છું.’

    પરંતુ ઝાડ પર કાકા હોય તો ભત્રીજાને જવાબ મળે ને? શિયાળભાઈ તો થાક અને ભૂખથી લોખપોથ થઈ ગયા હતા. હવે કરવું શું? રડવાથી શું વળે? જો કંઈ ન કરે તો પેટ કેમ ભરાય? અને પેટ ન ભરાય તો શાંતિ કેમ વળે?

    શિયાળભાઈ તો ગયા બગીચામાં. દ્રાક્ષનો ઝૂમખો નજર તાકીને કૂદકો માર્યો. કંઈ ન વળ્યું. પરંતુ આજે તો જાતે દ્રાક્ષ મેળવ્યા વગર પેટ ભરાય તેમ ન હતું. વાંદરાકાકાનો ભરોસો ભારે પડ્યો હતો.

    શિયાળભાઈએ બીજો ઠેકડો માર્યો; ત્રીજો ઠેકડો માર્યો; ચોથા ઠેકડે મોં દ્રાક્ષના ઝૂમખાને સહેજ અડક્યું અને પાંચમે ઠેડકે મોંમાં દ્રાક્ષનું ઝૂમખું આવી ગયું! ફરી કૂદ્યા; ઝૂમખું મળ્યું. ફરી કૂદ્યા; ઝૂમખું મળ્યું. આ રીતે એમણે તો ઝૂમખાંની ઢગલી કરી લીધી.

    બિચારા શિયાળભાઈને ખબર નહિ કે વાંદરાકાકા તો થોડે દૂરના એક ઝાડ પર સંતાઈને બેઠા હતા અને એનું આજનું પરાક્રમ જોઈને હરખાતા હતા.

    શિયાળભાઈ અડધું ભોજન કરી રહ્યા ત્યારે વાંદરાકાકા આવી પહોંચ્યા : ‘શિયાળભાઈ, આ દ્રાક્ષ કેવી લાગે છે; સાચું કહેજો હોં!’

    શિયાળભાઈ કહે : ‘કાકા, આજના જેવી મીઠી-મધુરી દ્રાક્ષ તો મેં કદી ચાખી જ નથી!’

    વાંદરાકાકા કહે : ‘તમને એ ખબર છે કે પહેલે દિવસે તમે ખાટી માની લીધેલી તે જ માંડવાની આ દ્રાક્ષ છે?’

    શિયાળભાઈ તો શરમાઈ ગયા. વાંદરાકાકા કહે : ‘ભાઈ, આજે તમને આવો નવો અનુભવ કરાવવા માટે જ હું છુપાઈ ગયો હતો અને તમારું પરાક્રમ જોઈને રાજી થતો હતો!’

    શિયાળભાઈએ ભોજન પૂરું કરીને ઓડકાર ખાધો ત્યારે વાંદરાકાકાએ ફરી પૂછ્યું : ‘શિયાળભાઈ, આજની દ્રાક્ષ તમને ખૂબ જ મીઠી-મધુરી લાગે છે, તેનું શું કારણ હશે?’

    શિયાળભાઈ કહે : ‘કાકા, એનાં કારણ-બારણની મને કંઈ ગમ ન પડે. હું તો એટલું જાણું કે આજની દ્રાક્ષનો સ્વાદ તો કોઈ અનેરો જ છે!’

    વાંદરાકા કહે : ‘તમને આજની દ્રાક્ષ મીઠી-મધુરી લાગવાનાં ચાર કારણો છે. પહેલું તો એ કે તમે આજે ખૂબ રમ્યા-ભમ્યા છો એટલે તમને સાચી ભૂખ લાગી છે. જેને સાચી ભૂખ લાગે અને ચાવીચાવીને ખાય તેને ગમે તે ખોરાક હંમેશાં મીઠો-મધુરો જ લાગે!’

    ‘બીજું કારણ આજે જાત-મહેનતથી ખોરાક મેળવ્યો છે. જાત-મહેનતની કમાઈ હંમેશાં મીઠી-મધુરી જ લાગે!’

    ‘ત્રીજું કારણ આજે તમને તમારી તાકાતનો પરચો મળ્યો છે એનો તમને આનંદ છે. આનંદપૂર્વક લીધેલો ખોરાક હંમેશાં મીઠો-મધુરો જ લાગે!’

    ‘અને ચોથું કારણ, તમે જ કહો, શિયાળભાઈ!’

    શિયાળભાઈ કહે : ‘ચોથું કારણ, કાકા, ખરેખર આ દ્રાક્ષ ખાટી નથી! અને ખાટી ન હોય તે દ્રાક્ષ મીઠી-મધુરી જ હોય ને!’

    પછી શિયાળભાઈએ જતાં પહેલાં સાચી સમજણ આપવા બદલ વાંદરાકાકાનો આભાર માન્યો અને વાંદરાકાકાએ એને માથે હાથ મૂકીને આશિષ આપ્યા.

સ્રોત

  • પુસ્તક : ઈશ્વર પરમારની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022