રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિયાળ અને બગલો પહેલાં પાકા મિત્રો હતા, પરંતુ શિયાળે બગલાની બનાવટ કરી. તેણે બગલાને પોતાના ઘેર જમવા આમંત્રણ આપ્યું. છીછરી ડિશમાં ખાવાનું પીરસ્યું. બગલાભાઈની લાંબી-લાંબી ચાંચ. ડિશમાંથી ખીર ખાઈ શક્યા નહીં. શિયાળ એકલું લબ-લબ કરતું, હસતું-હસતું ખીર તો ખાઈ ગયું, એટલું જ નહીં પણ બગલાની હાંસી ઉડાવી.
બગલો કંઈ શિયાળથી કમ ન હતો. શિયાળે કરેલી બનાવટ તેણે હસતા મુખે સહન કરી લીધી અને શિયાળને પોતાને ત્યાં જમવાનું વળતું આમંત્રણ આપ્યું. લુચ્ચું શિયાળ બગલાની ચાલબાજી પારખી શક્યું નહીં. તે તો બગલાને મૂર્ખ માની તેના ઘેર જમવા ગયું.
બગલાએ લાંબા નાળચાવાળા, સાંકડા મોઢાના કુંજામાં ખીર પીરસી. શિયાળનું મુખ કુંજામાં જઈ શક્યું નહીં, એટલે તે ખાઈ શક્યું નહીં. બગલો પોતાની લાંબી, પાતળી ચાંચ વડે બધી ખીર ખાઈ ગયો. તેણે શિયાળની હાંસી ઉડાવતાં કહ્યું, શિયાળભાઈ, મારી બનાવેલી ખીર તમારી બનાવેલી ખીર જેવી સ્વાદિષ્ટ નહિ હોય, તેમ તમે ખીર ખાધી નહિ તે પરથી મને લાગે છે.’
શિયાળ પણ લુચ્ચું હતું. તે સમય વરતી ગયું અને હસીને બોલ્યું, ‘બગલાભાઈ, મેં તમારી મશ્કરી કરી અને તમે વળતી મારી મશ્કરી કરી, તેનાથી મને જરા પણ દુઃખ થયું નથી, ઊલટાનું તમારા જેવો બુદ્ધિશાળી મિત્ર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે.’
શિયાળે બગલાનાં વખાણ ભલે કર્યાં, પરંતુ બગલાએ તેની રેવડી દાણાદાણ કરી હતી તેનો ડંખ તે ભૂલ્યું ન હતું. તે બદલો લેવા માટે મોકો શોધતું હતું અને કેવી રીતે બદલો લેવો તેના ઉપાય વિચારતું હતું.
શિયાળને એક યુક્તિ જડી. તે જંગલના વૈદ વાંદરાભાઈ પાસે પહોંચ્યું. પોતાને ઊંઘ આવતી જ નથી તે માટે ઔષધિ આપવા કહ્યું. વૈદરાજ વાંદરાભાઈ તો પરોપકારી હતા. ગમે તે પશુ-પંખીનો મફત ઇલાજ કરી આપતા. તેમણે શિયાળને ઊંઘ માટે ઔધષિ આપીને કહ્યું, ‘જ્યારે ઊંઘ ન આવે તેવું લાગે ત્યારે આ ઔષધિ લેજો, પરંતુ બહુ થોડા પ્રમાણમાં લેજો, નહિંતર મુશ્કેલી પડશે.’
શિયાળ તો વાંદરાભાઈનો આભાર માનતું, આનંદથી નાચતું-કૂદતું ઘેર આવ્યું.
બીજે દિવસે શિયાળ તળાવકાંઠે ગયું. બિલ્લુ બગલો તળાવમાં ઊભો-ઊભો માછલાં પકડતો હતો. શિયાળે બૂમ મારી, ‘બગલાભાઈ, ઓ બગલાભાઈ, કેમ છો?’
બગલાએ તળાવકાંઠે શિયાળને જોયું એટલે તે ઊડીને કાંઠે આવ્યો અને કહ્યું, ‘આવો, આવો, શિયાળભાઈ! ઘણા દિવસે મિત્રની ખબર લેવા આવ્યા. એકાદ-બે માછલીની ઉજાણી કરશો?’
‘ના, અત્યારે નહીં. હું ખૂબ કામમાં છું. તમને આવતી કાલનું ભોજનનું આમંત્રણ આપવા જ ખાસ આવ્યો છું. આ વખતે તમને અનુકૂળ પડે તેવી રીતે કુંજામાં જો ભોજન પીરસવાનું છે, જેથી તમને મુશ્કેલી ન પડે. અગાઉ મારાથી જે ભૂલ થઈ ગઈ છે, તેનો મને હજુ યે પસ્તાવો થાય છે, એટલું જ નહીં પણ તમે તે દિવસે મારા ઘેરથી ભૂખ્યા પાછા ગયા તે હું ભૂલી શકતો નથી. તમે એક વખત મારે ત્યાં સંતોષથી જમો તો જ મને શાંતિ થાય તેમ છે, માટે કાલ જરૂર પધારજો.’ આટલું કહીને બગલાની વિદાય લઈને શિયાળ ચાલતું થયું.
બીજે દિવસે સવારમાં બે-ચાર માછલીનો નાસ્તો કરીને બગલો શિયાળના ઘેર પહોંચ્યો. શિયાળે જમીન સાફ કરી જાજમ બિછાવી રાખી હતી. જાજમ ઉપર સ્વચ્છ અને ઊંડા નાળચાવાળો કુંજો મૂક્યો હતો. બગલાને જોતાં જ શિયાળે ઊઠીને આવકાર આપ્યો. મીઠી-મીઠી વાતો કરી અને પછી કહ્યું. ‘આજે તો મેં ખૂબ જ મહેનતથી અને પ્રેમપૂર્વક ખીર તૈયાર કરી છે. તમે આવ્યા તે મને ખૂબ જ ગમ્યું. તમારા માટે કુંજામાં ખીર રાખી છે, જેથી તમને ખાવામાં મુશ્કેલી નહિ પડે. બસ, હવે મજાથી ખીર ઉડાવો.’
બગલો લુચ્ચો હતો. તેને થયું કે, શિયાળને એકાએક આટલો બધો સ્નેહ શાથી ઊભરાઈ આવ્યો હશે? તેણે કહ્યું, ‘શિયાળભાઈ, કુંજામાંથી તો હું એકલો જ ખાઈ શકું, પણ તમે કેવી રીતે ખાશો? એક ડિશ લાવો.’
‘હું તમને જમાડ્યા પછી જમીશ. તમે મહેમાન કહેવાવ.’ શિયાળે કહ્યું.
‘હું મહેમાન તરીકે આવ્યો નથી, મિત્ર તરીકે આવ્યો છું. મિત્રો તો સાથે જ જમે.’ બગલાએ કહ્યું.
‘પણ મેં તો બધી ખીર કુંજામાં રાખી છે. હવે બહાર કાઢવા જઈએ તો તો ઢોળાઈ જશે, માટે તમે જમી લો. હું પછી બાકી વધશે, તે ડિશમાં લઈને જમીશ.’ શિયાળે કહ્યું.
‘અરે, મારા મિત્ર! એવું તો થતું હશે? તમે ડિશ લાવો, હું જરા પણ ખીર ન ઢોળાય તે રીતે ડિશમાં કાઢી દઈશ.’ બગલાએ હસતાં-હસતાં કહ્યું.
નાછૂટકે શિયાળે ડિશ લાવવી પડી. તે ડિશ લાવ્યું એટલે બગલાએ પોતાની ચાંચમાં ખીલી જેવો સખત પદાર્થ લઈને કુંજાના નીચેના ભાગમાં છિદ્ર પાડ્યું. તે છિદ્ર વાટે નીકળતી ખીર ડિશમાં ભરી દીધી. પછી તરત જ શિયાળના ઘરમાં પડેલી માટીથી તે છિદ્ર પૂરી દીધું.
બગલાએ કહ્યું, ‘ચાલો, શિયાળભાઈ શરૂ કરો. હવે તો બંને સાથે ખીર ખાઈ શકશું.’
શિયાળ ન ખાવા માટે બહાનું કાઢી શકે એવું રહ્યું ન હતું, પરંતુ ખાવું ન પડે તે માટે તેમે વિલંબ કરવા માંડ્યો. બગલાની શંકા પાકી થઈ. તેણે કહ્યું, ‘શિયાળબાઈ, મારે એક નિયમ છે, જ્યારે હું કોઈ મિત્રના ઘેર જમવા જઉં છે, ત્યારે મને આમંત્રણ આપનાર મિત્ર જમવાની શરૂઆત કરે તો જ હું જમું છું, કારણ કે એક વખત એક મિત્રે મને જમવા આમંત્રણ આપેલું. હું જમવા વેઠો. તેણે મને આગ્રહ કર્યે રાખ્યો અને હું બધી રસોઈ ખાઈ ગયો. મિત્રને ભૂખ્યા રહેવું પડ્યું, તે દિવસથી મેં આવી પ્રતિજ્ઞા કરી છે.’
શિયાળની સ્થિતિ કફોડી થઈ. તે ન જમે બગલો પણ ન જમે. તેમ થાય તો યુક્તિ નિષ્ફળ જાય. એટલે તેણે વિચાર્યું કે હું થોડુંક ખાઉં, ખાતાં વાર લગાડું, તે દરમિયાન બગલો ઝાઝું ખાશે, એટલે તે વહેલો બેભાન થઈ જશે, અને હું તેનું કામ પતાવી દઈશ.
શિયાળે ખીરના એક-બે ઘૂંટડા-કોળિયા ધીમે-ધીમે લીધા અને બગલા ભણી જોયું. બગલાભાઈએ ધીમે-ધીમે કુંજામાં ચાંચ બોળી અને લબકારા બોલાવ્યા પણ ખીર ખાધી નહિ. તે શિયાળ શું કરે છે, તેની રાહ જોતો કુંજામાંથી ખીર ખાવાનો દેખાવ કરતો રહ્યો.
ખીર પેટમાં જતાં જ શિયાળ બેભાન બની ઢળી પડ્યું.
બગલાએ તે જોયું. શિયાળની યુક્તિ તે સમજી ગયો અને પોતાની ચાંચ કુંજામાંથી કાઢી હસતો-હસતો ખીર ખાધા વગર ચાલ્યો ગયો.
સ્રોત
- પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013