રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક જંગલ હતું. તેમાં રહેતા શકુ શિયાળ અને ગબુ ગધેડા વચ્ચે સાચી દોસ્તી હતી. શિયાળની બુદ્ધિ અને ગધેડાની શક્તિનો સાથે ઉપયોગ કરીને બંને સુખ અને સંપથી રહેતાં હતાં.
એક વખત એક સિંહ મરી ગયો. તેનું ચામડું શિયાળે જોયું. તેના બુદ્ધિશાળી મગજમાં વિચાર ઝબક્યો. તેણે ગધેડાને પોતાની યોજના કહી. શિયાળની સલાહ મુજબ ગધેડાએ સિંહનું ચામડું ઓઢી લીધું.
રાતના બંને બાજુનાં ખેતરોમાં જાય. સિંહના લેબાસમાં ગધેડાને જોઈ, તેને સિંહ જાણી ખેડૂત નાસી જાય એટલે ગધેડો અને શિયાળ મજાથી પેટ ભરે.
પરંતુ શકુ શિયાળની આ મજા તેના જાતભાઈઓથી ખમી શકાઈ નહીં. તેમણે શકુને હેરાન કરવાનો કીમિયો કર્યો.
એક દિવસ શકુ શિયાળ તથા સિંહવેશી ગબુ શેરડીના ખેતરમાં શેરડી ખાતા હતા, ત્યાં શિયાળનું ટોળું આવીને લાળી કરતું કૂદવા લાગ્યું.
શકુ શિયાળે તેમની પાસે આવીને કહ્યું, ‘ઘોંઘાટ બંધ કરો. વનરાજા ખિજાશે, તો બે-ચાર ઓછાં થઈ જશો.’
‘હવે જા જા, એ ક્યાં સિંહ છે? એ તો ગધેડો છે. તને એટલી પણ ખબર નથી? તું શિયાળ નથી, કોઈ મૂર્ખ પ્રાણી લાગે છે. ‘પંચતંત્રની વાર્તા તેં સાંભળી છે કે નહીં?’ એક બટકબોલા શિયાળે કહ્યું.
ત્યાં તો એકાએક સિંહ-ગર્જના સંભળાઈ અને શકુ સિવાયના તમામ શિયાળ નાસી છૂટ્યા.
શકુ શિયાળ ગધેડા પાસે આવ્યું, ત્યારે ગધેડો ટેપરેકર્ડર સિંહના ચામડામાં મૂકતો હતો.
સ્રોત
- પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013