રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકોઈ એક દેશમાં–
કોઈ એક સસ્સારાણા રહેતા હતા. એ તબિયતના જરા નાજુક હતા. વાતવાતમાં એમને શરદી લાગી જાય. એને શરદી થાય એટલે છીંકો ખાવા માંડે. એવી છીંકો ખાય કે પછી અટકે નહિ.
એક વાર એવું બન્યું કે એમના ભાણેજનાં લગ્ન લેવાયાં. સસ્સારાણા તો ભાણોજના રિસેપ્શનની પાર્ટીમાં ચાલ્યા. એમનાં વહુએ કહ્યું કે જોજો, જરા ધ્યાન રાખજો. આઇસક્રીમ-બાઇસક્રીમ ખાતા નહિ. પાછી શરદી લાગી જશે.
સસ્સારાણા કહે કે તારી અર્ઘી વાત માનીશ ને અર્ધી નહિ માનું. બાઇસક્રીમ નહિ ખાઉં, પણ આઇસક્રીમ તો મને બહુ જ ભાવે છે. એ તો હું ખાવાનો!
અને ભાઈ, સસ્સારાણાએ તો આઇસક્રીમ ખાધો, ખૂબ ખાધો. પછી ઘેર આવીને ઉઘાડી બારી રાખીને સૂઈ ગયા.
સવાર પડી અને એમનાં વહુએ સસ્સારાણાને જગાડ્યા. સસ્સારાણાએ દાતણ-પાણી કર્યાં. પછી જેવા નાસ્તાના ટેબલ પર બેઠા કે તરત –
આ...ક...છીં!
એવી મોટી છીંક ખાધી કે વહુ પૂર્વમાં ઊડી પડ્યાં અને ટેબલ પશ્ચિમમાં! દૂધ ને નાસ્તાનાં વાસણ તો વેરણછેરણ!
રસોડાની આવી હાલત જોઈને સસ્સારાણા તો ઘર બહાર નીકળ્યા. બાજુમાં શકરાકાકાનું ઘર હતું. શકરાકાકા ઘરના આંગણામાં દાડમડીની ઝાડ નીચે બેઠાબેઠા છાપું વાંચતા હતા ત્યાં જ –
આ...ક...છીં!
તડાતડ તડાતડ બંધાય દાડમ શકરાકાકાના તાલકા ઉપર તૂટી પડ્યાં અને શકરાકાકાનું છાપું તો ઊડીને સાતમે ઘેર પડ્યું!
શકરાકાકા ઊઠીને લાકડી લે તે પહેલાં સસ્સારાણા પોબારા જ ગણી ગયા. જઈ પહોંચ્યા બજારમાં. ત્યાં સુલેમાન ભિસ્તીનો પાણીનો ઠેલો સામે મળ્યો. સુલેમાને ઠેલાને ઘોડો જોડ્યો હતો. એ ઘેરઘેર પાણી વહેંચવા જતો હતો. ત્યાં તો –
આક...ક...છીં!
સુલેમાનનો ઘોડો ભડક્યો કે ઊછળીને આડો પડ્યો. ઠેલો ગબડી પડ્યો. ખળખળ-ખળખળ કરતું પાણી ઢોળાવા લાગ્યું અને શેરી તો એવી થઈ ગઈ જાણે નાનકડું પૂર આવ્યું હોય!
સુલેમાન ગુસ્સે થઈ ગયો અને પોતાની ચાબુક લઈને ઊભો થયો, પણ સસ્સારાણા એનો મિજાજ જાણતા હતા. એ તો ટૂંકી પૂંછડી ઊંચી કરીને જાય. ભાગ્યા.
ગામના ચોકમાં પહોંચ્યા ત્યારે ટપુ ટપાલી ટપાલના થેલા લઈને સાઇકલ પર આવતો દેખાયો. સસ્સારાણાને થયું કે હમણાં છીંક ન આવે તો સારું. પણ એમ છીંક કદી કોઈની રોકી રોકાઈ છે?
આ...ક...છીં!
સસ્સારાણાને એવી મોટી છીંક આવી ગઈ કે ટપુ ટપાલી અને એની સાઇકલ બેય ઊડ્યાં અને જઈને પંચાયતની બત્તીને થાંભલે ભટકાયાં. ટપુનું તાલકું ટીચાઈ ગયું અને એ સસ્સારાણાને એવી જગાએ પારસલ કરી દેવાની વાત કરવા લાગ્યો કે સસ્સારાણા જા.... ય ભાગ્યા! ટપુ ટપાલીને વેરાઈ ગયેલી પારકી ટપાલ ભેગી કરવાની હતી. જો એ કામ ન હોત તો એ જરૂર સસ્સારાણાની પાછળ પડ્યો હોત.
સસ્સારાણા તો દડબક દોડતા અને હેં-હેં હાંફતા ગામને ઝાંપે પહોંચ્યા. ગામને ઝાંપે જમાદાર જટુભા ઊભા હતા. ઊભાઊભા શાકવાળી સમુને દબડાવતા હતા. જટુભા હતા ગોળમટોળ અને રૂઆબદાર. એમના કોટ ઉપર સિસોટી બાંધી હતી. એ સિસોટી વાગે એટલે ભલભલા લોકો ઊભા રહી જાય. જે ઊભા ન રહે એને જમાદાર ડંડાવાળી જ કરે.
સસ્સારાણાને થયું કે હવે એક ઘડી છીંક રોકાઈ જાય તો સારું આ ઝાંપામાંથી બહાર નીકળી જાઉં પછી –
આ...ક...છીં!
સસ્સારાણા ઝાંપામાંથી બહાર નીકળે તે પહેલાં તો એટલી મોટી છીંક નાકમાંથી નીકળી ગઈ કે જમાદાર ને શાકવાળી બેય ઊડી પડ્યાં. જમાદાર ઊડીને પોલીસ થાણાને ઓટલે પહોંચી ગયા અને શાકવાળી સામેની નિશાળને ઓટલે. બાજુમાં દાણા ચણતાં કબૂતર તો એવાં ઊડ્યાં કે છેક તળાવની પાળે જઈને જ થંભ્યાં.
હવે ભાઈ, જટુભા જમાદાર જેનું નામ! એ તો ધૂળ ખંખેરતા ને કેડ પંપાળતા ઊભા થઈ ગયા. છાતીએ લટકતી સિસોટી ખેંચીને મોંએ માંડી. જોરથી સિસોટી વગાડતા સસ્સારાણાની પાછળ દોડ્યા. પણ સસ્સારાણા તો જીવ લઈને નાઠા. જાડિયા જમાદારને એમણે ક્યાંય પાછળ રાખી દીધા.
સસ્સારાણા હવે ગામના પાદરમાં પહોંચી ગયા હતા. પાદરમાં થઈને જ મોરબી-અમદાવાદનો મોટો રસ્તો નીકળતો હતો. સસ્સારાણા ઘડીભર ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે મોરબી બાજુ નાસવું કે અમદાવાદ બાજુ? બરાબર એ જ વેળા બે વસ્તુ એક સાથે બની. અમદાવાદના કૉન્ટ્રાક્ટરબાબુની મોટરકાર ધમધમાટ કરતી રસ્તા પર નીકળી અને –
આ...ક...છીં!
સસ્સારાણાની છીંકે કમાલ કરી નાખી. જેમ ગધેડું દોડતું રહે અને છાલકું ઊડી પડે એમ, કૉન્ટ્રક્ટરબાબુની મોટર દોડતી રહી અને એનું છાપરું ઊડી ગયું! બિચારા કૉન્ટ્રક્ટરબાબુને પૂરા એક કિલોમીટર સુધી તો ખબરે ન પડી કે માથે છાપરું નથી. આખરે ખબર પડી ત્યારે એમણે મોટર પાછી વાળી. જોયું તો છાપરું રસ્તાની એક કોરે પડ્યું હતું પણ એને ઉડાડી મેલનાર સસ્સારાણા છૂ થઈ ગયા હતા!
બિચારા સસ્સારાણા! એ કેટલુંય નાક દબાવે, પેટ દબાવે, પણ છીંકો તો રોકી રોકાતી નહોતી અને એક પછી એક લોકો એમના પર નારાજ થતા જતા હતા.
આખરે એ દોડ્યા અને તળાવ પાસેની રામટેકરી પર ચડી ગયા. ત્યાં પડેલા સૂકા લીમડાના થડ પર બેઠા. એ દોડીદોડીને ખૂબ થાકી ગયા હતા. છાતી કરસન લુહારની ધમણની જેમ હાંફતી હતી અને નાક તો ગૂમડા જેવું દુખતું હતું. પણ છીંકો તો હજુય રોકાતી નહોતી. એક છીંક આવી રહે તે પહેલાં બીજી નાકના મૂળમાં સળવળી ઊઠતી હતી. આ...ક...છીં! આ...ક...છીં!
એકાએક આવી બે છીંકો વચ્ચે એમણે કશોક ગોકીરો સાંભળ્યો. અવાજ ગામ તરફથી જ આવતો હતો. પછી બે છીંકો વચ્ચે એમણે ગામ તરફ નજર કરી. એ ચોંકી ઊઠ્યા. ગામના સરપંચના ઘરને આગ લાગી હતી! ત્યાં ઘણા લોકો જમા થઈ ગયા હતા અને ઘોંઘાટ કરતા હતા. કોઈ સીડીઓ ગોઠવતા હતા. પનિહારીઓ પાણી-બેડાં લઈ-લઈને દોડતી હતી. સુલેમાન ભિસ્તી પાણી ભરવા માટે તળાવ ભણી એનો ઠેલો દોડાવી રહ્યો હતો.
સસ્સારાણા તો ઊભા થયા. દોડ્યા. કોઈ સાદી રીતે નહિ, હોં! નાક દબાવીને દોડ્યા. એમને છીંક ખાવાનું મન તો ખૂબ થતું હતું. છીબું ઢાંકેલી તપેલીમાં દૂધનો ઊભરો ચડે એમ છીંક ચડી હતી. પણ એમણે મહામહેનતે છીંતને રોકી રાખી.
એ તો ધમધમાટ દોડતા પહોંચી ગયા સરપંચના ઘર સામે અને પછી આટલી વાર સુધી એળેબેળે રોકી રાખેલી છીંક –
આ...............ક...............છીં!
આકાશ ગજાવી મૂકતી છીંક! જબરદસ્ત છીંક! મસમસમસમસ મોટી...ટી... છીંક!
તમે દીવો હોલવવા શું કરો છો? ફૂંક મારો છો ને! ત્યારે આ તો સસ્સારાણાની છીંક હતી! એણે આગ હોલવી નાખી! બધાય ભડકા ગુલ! સરપંચનું ઘર સલામત!
બીજી જ ઘડીએ આખું ગામ સસ્સારાણાને ઘેરી વળ્યું. સસ્સારાણાની વાહવાહ બોલાવા લાગી. બધાએ મળીને સસ્સારાણાનો વરઘોડો કાઢ્યો અને સરપંચે એ જ વેળા સસ્સારાણાને ઇલકાબ આપી દીધો : ‘છીંક-વીર’!
સ્રોત
- પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2024