Jeva Sathe Teva - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જેવા સાથે તેવા

Jeva Sathe Teva

અરુણિકા દરૂ અરુણિકા દરૂ
જેવા સાથે તેવા
અરુણિકા દરૂ

    એક હતો સસલો, રૂપાળો, નાનકડો અને નાજુક. નામ એનું સુંદર સસલો. જેવું નામ તેવો જ એ સ્વભાવનો પણ સુંદર હતો. સ્વભાવે સરળ. કોઈ સાથે ખટપટ નહીં, કૂણું કૂણું ઘાસ ખાય. ઝરણાનું પાણી પીએ. નાચેકૂદે ને મજા કરે. ખુશ થાય ત્યારે વળી ગાય પણ ખરો. એક દિવસ એને સરસ મજાનાં તાજાં ફળો ખાવા મળ્યાં. ખુશ થઈ એણે ખૂબ ખાધું પછી ગળું દુઃખે એટલાં ગીતો ગાયાં. એટલું બધું નાચ્યો કે થાકી ગયો એટલે જરાક વાર લીલા ઘાસની હરિયાળી સુંવાળી પથારી પર જ ભાઈસા’બ તો લેટી ગયા. સમી સાંજનો ઠંડો ઠંડો પવન વાતો હતો. આનંદથી ખાધું હતું એટલે સુંદર સસલાની તો આંખ મળી ગઈ અને તે રસ્તા વચ્ચે જ પળ વારમાં ઊંઘી ગયો.

    સાંજના વખતે હાથીઓ નદીકિનારેથી પાણી પીને પાછા ફરતા હતા, ગમ્મત કરતા, મજા કરતા. એવામાં એક હાથી ટોળામાંથી છૂટો પડી સુંદર સસલો સૂતો હતો તે રસ્તે આવ્યો. રસ્તામાં સુંદર સસલાને આરામથી ઊંઘતો જોઈને એને મજાક કરવાનું મન થયું. એણે પોતાની સૂંઢમાં ભરેલું નદીનું ઠંડું પાણી સુંદર સસલા પર નાખ્યું. સસલું સામાન્ય રીતે બહુ બીકણ પ્રાણી ગણાય છે. સુંદર સસલો પણ બીકણ તો હતો જ. વળી કોઈ દિવસ દરની બહાર ઊંઘવાની ટેવ નહીં. આજે સહજ રીતે જ ઊંઘી ગયેલો અને અચાનક ઠંડું પાણી શરીર પર પડતાં તેં ધ્રૂજી ઊઠ્યો. તેણે ગભરાઈને ચીસ પાડી : “અરે, મારા પર આકાશ તૂટી પડ્યું કે શું?” અને ચીસો પાડતો તે પોતાના દર તરફ ભાગ્યો. ત્યાં જ વૃક્ષ પર બેઠેલી ચીલુ ચકલીએ કહ્યું : “સુંદરભાઈ! ગભરઓ નહીં, એ તો હાવલ હાથી સૂંઢમાંથી પાણી નાખી, તમારી મજાક કરે છે!” ચીલુ ચકલીના શબ્દોથી ધરપત મેળવી, સુંદરે દોડતાં અટકી જઈ પાછું ફરી જોયું તો હાવલ હાથીને ખડખડાટ હસતો જોયો. “કેવો ગભરાવ્યો આ સુંદરિયાને! આ ચીલુએ જો ચિબાવલાશ ન કરી હોત તો વધુ મજા આવત! આ ચિબાવલીને સીધી કરવી જોઈએ” હાવલે પોતાને રંગમાં ભંગ પડાવનાર ચકલીને બોધપાઠ આપવા ચીલુ ચકલી બેઠેલી તે ડાળીને જોરજોરથી હલાવીને તેનો માળો પીંખો નાખ્યો. ચીલુને બહુ દુઃખ થયું. હાવલ તો હસતો-હસતો ચાલ્યો ગયો.

    સુંદર અને ચીલુને હાવલ હાથીના આવા વર્તનથી બહુ દુઃખ થયું. બન્નેને લાગ્યું કે ‘હાવલા’ને એની ક્રૂર મજાકનો જવાબ આપવો જ જોઈએ પણ આવા મોટા પ્રાણીને તેમના જેવાં નાનાં ને  નબળાં પ્રાણીઓ શું કરે શકે? ચીલુ કહે : “જ્યાં બળથી કામ ન થાય ત્યાં કળથી લેવું જોઈએ. આપણે હાવલને બોધપાઠ તો ભણાવવો જ જોઈએ.” બહુ વિચાર કરતાં બંનેને એક સરસ યુક્તિ સૂઝી. બંનેએ તે પ્રમાણે અમલ કરવાનું નક્કી કર્યું.

    ઉપરના પ્રસંગને થોડા દિવસ વીત્યા પછી ફરી એક વાર સાંજને ટાણે હાવલ ત્યાંથી પસાર થયો. એને દૂરથી આવતો જોઈને ચીલુએ સુંદર સસલાને ઈશારત કરી. સુંદર એના માર્ગમાં જઈ ઉંઘવાનો ડોળ કરી સૂતો. સુંદરને સૂતેલો જોતાં ફરીથી હાવલને મજાક કરવાનું મન થયું. એણે સૂંઢમાંથી પાણી સુંદર સસલા તરફ ફેંક્યું. પણ સુંદર સસલો તો જાગતો હતો અને ઊંઘવાનો તો ફક્ત ડોળ જ કર્યો હતો, તેથી પાણી તેના પર પડે તે પહેલાં તે ભાગી ગયો. હાવલનો દાવ ખાલી ગયો. એટલે તે ગુસ્સે થયો અને સસલા પાછળ દોડ્યો.

    સસલો તો નાનકડો. દોડે પણ ઝડપથી. હાથીનું તો શરીર જ ભારે. એનાથી ઝટ દોડાય જ નહીં. સુંદર કહે, “હાવલભાઈ! તે દિવસે તો હું અસાવધ હતો તેથી તમે પાણી નાખી શક્યા, બાકી તમે મને પકડી શકો તેમ નથી. અરે, એકાદ પથ્થર મારવાની પણ તમારી તાકાત નથી.”

    હાવલને આવો પડકાર કોઈએ ફેંક્યો ન હતો. અકળાઈને તેણે નીચે પડેલો પથ્થર સૂંઢમાં લેવા પ્રયત્ન કર્યો, તે જ વખતે ચીલુએ પાછળથી ઊડતાં આવીને તેની આંખ પર ચાંચ મારી. હાવલ ખૂબ અકળાયો. તેની સૂંઢમાંથી પથ્થર પડી ગયો. તે જોઈ સુંદરને ખૂબ મજા પડી. તે બોલ્યો : “અરે, તમે તો એક ચકલીને પણ પકડી શકતા નથી. તો મને શું કરી શકવાના?”

    હાવલે હવે પથ્થર નાખવાને બદલે માથા પર ઊડતી ચકલી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચીલુએ એટલી વારમાં તેની બીજી આંખ પર ચાંચ મારી. એક બાજુ ચીલુ ચકલીના પ્રહાર. બીજી બાજુ સુંદર સસલાનો શબ્દપ્રહાર. રઘવાયા થઈને એણે એક પથ્થર ઉપાડી થોડે દૂર આગળ ઊભેલા સસલા તરફ ફેંક્યો. એ બધો વખત દરમિયાન લાગ જોઈ ચીલુ ચકલીએ હાથીના કપાળ પર પોચા પોચા ભાગ પર પ્રહારો કર્યે જ રાખ્યા. પછી સિફ્તથી તે દૂર ઊડી ગઈ. ચીલુની સતામણી દૂર થતાં જ હાવલ હાથી તો સુંદર સસલા તરફ દોડ્યો. સસલો આગળ ને હાથી પાછળ.

    હવે સુંદર જાણી જોઈને તેને જંગલી કીડીના રાફડાને રસ્તે લઈ આવ્યો. રઘવાટમાં હાવલનું ધ્યાન ન રહ્યું અને એનો પગ પડતાં જ થોડી કીડીઓ ચગદાઈ મરી. તે સાથે રાફડામાંથી લાખોની સંખ્યામાં જંગલી કીડીઓ, વેર લેવા બહાર નીકળી અને હાથીના પગે વળગી. બસ ખલાસ! હાવલ તો કીડીઓના ચટકાથી ત્રાસી ગયો. અને આડેધડ દોડવા લાગ્યો. તેને જઈને ચીલુએ પાસેના એક ઝાડ પરથી ગાવા માંડ્યું :

“હાવલભાઈ તો જાડા
દોડે આડા આડા
આગળ લટકે લાંબી સૂંઢ
પાછળ કીડીઓનું ઝુંડ
કીડીબાઈ તો નાનાં
ચટકા દે છે મજાના!

    પછી કહે : “હેં હાવલકાકા મજામાં ને? આટલી નાનકડી કીડીઓને પણ તમે કંઈ કરી શકતા નથી? ક્યાં ગઈ તમારી બધી તાકાત? અજમાવોને જરા આ બાજુ પણ.”ચીલુ ચકલીની આવી મજાકથી અકળાઈને હાવલે સૂંઢ ઊંચી કરી અને જે ડાળ પર ચીલુ બેઠેલી તે જોરથી તોડી પાડી. ચીલુ ચકલી તો સાવધાન જ હતી. એ તો તરત જ ઊડી ગઈ પણ એ ડાળ જ્યાં થડ સાથે ચોંટેલી હતી ત્યાં મધમાખીઓએ એક મધપૂડો બાંધ્યો હતો. ડાળ તૂટતાં મધપૂડો અને માખીઓ ગણગણાટ કરતી બધી ધસી ગઈ અને હાવલ હાથીને આંખે, માથે, કાને, સૂંઢ પર ચટકા ભરવા લાગી. હાવલ તો ખૂબ અકળાયો. પગે સંખ્યાબંધ લાલ મોટી જંગલી કીડીના ચટકા અને શરીર પર મધમાખીના ડંખ. “બાપ રે બાપ!” એમ કાળી ચીસો નાખતો હાવલ તો જાય ભાગ્યો, જાય ભાગ્યો, તે આજની ઘડી ને કાલનો દિવસ. નિર્દોષ નાનાં પ્રાણીઓની મજાક કરવાની એની ટેવ એને ખૂબ ભારી પડી.

સ્રોત

  • પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013