રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો કાચબો અને એક હતું સસલું. બંનેએ ઝડપથી દોડવાની શરત કરી. સસલાને એમ કે કાચબો તો સાવ ધીમે ધીમે ચાલશે માટે લાવ થોડું ઊંઘી લઉં. એણે થોડી ઊંઘ લીધી. એટલામાં કાચબો તો ધીરે ધીરે ચાલતો જ રહીને ખૂબ આગળ નીકળી ગયો. આમ અભિમાની સસલું હારી ગયું અને ધીરજવાળો કાચબો જીતી ગયો.
વહાલાં બાળકો, એ વાત તો તમે બધાં જાણો છો ને?... પરંતુ આ પછી થયેલ બીજી શરતની વાત નથી જાણતાં ને? એ જાણવા માટે સાંભળો એમની વાતચીત :
કાચબો કહે : ‘કેમ ભાઈ, પાછળ રહી ગયા ને?’
સસલું કહે : ‘ઊંઘ આવે તો હજાર કામ છોડીને પણ ઊંઘી લેવાનો અમારો નિયમ છે; બાકી તમારી તાકાત નથી કે તમે મને હરાવી શકો.’
કાચબો કહે : ‘એ તો તમારું બહાનું છે; ખરું જોતાં તો તમે હારી જ ગયેલા કહેવાઓ.’
સસલું કહે : ‘તમારી જીત તો બગાસું ખાતાં ખાતાં મોંમાં પતાસું પડે એ જાતની છે. સાચા હો તો ચાલો, ફરી બીજી શરત કરીએ.’
કાચબો કહે : ‘હું તૈયાર છું; પણ આ વખતે શરત બદલીએ.’
સસલું કહે : ‘એમાં મને વાંધો નથી. પેલી ટેકરી પર ઝડપથી ચડવાની શરત કરવી છે?’
કાચબો કહે : ‘ટેકરી પરથી ઝડપથી ઊતરવાની શરત કરીએ તો?’
સસલું કહે : ‘અરે વાહ! તો તો બહુ સારું.’
કાચબો કહે : ‘તો આવતી કાલે વહેલી સવારે ટેકરીની ટોચે આવી જજો. હું પણ તે ઠેકાણે હાજર હોઈશ.’
સસલું કહે : ‘બહુ સારું.’
કાચબાએ તો અધરાતે જ ટેકરી પર ચઢવાની શરૂઆત કરી દીધી. સવાર થતાં સુધીમાં એનાથી ટેકરીની ટોચ પર માંડ પહોંચાયું. થોડી વાર પછી સસલું પણ સડસડાટ ઉપર આવી ગયું. એને તો આરામની જરાય જરૂર ન હતી એટલે કહે, કાચબાભાઈ, હવે ઊતરવાની શરૂઆત કરીશું ને?’
કાચબાએ હા પાડી. સસલાએ તરત કૂદકો મારીને ઝડપથી ઊતરવાની શરૂરાત કરી; પરંતુ ઢોળાવને લીધે ઝડપ પર કાબૂ તો ન જ રહે ને? એનું નાક એક ઢેફા જોડે અથડાઈને છોલાયું. એણે ઉપર જોયું તો કાચબાએ હજી ચાલવાની શરૂઆતેય કરી ન હતી!
સસલાએ તો નાકની પરવા ન કરી. એને તો ગમે તે ભોગે આ બીજી શરતમાં જીતવું જ હતું; પરંતુ ફરી વાર એ જ રીતે કૂદકો મારતાં નાક રંગાઈ ગયું! એણે ઉપર જોયું તો કાચબાએ હજી ચાલવાની શરૂઆતેય કરી ન હતી!
સસલાને થયું કે હવે કાચબો કેમેય કરીને મારાથી આગળ નીકળી શકશે નહિ. લગભગ અડધી ટેકરી ઊતરાઈ પણ ગઈ છે; માટે લાવ, હવે નાક સાચવી સાચવીને જ ધીરે ધીરે ઊતરું.
હવે સસલું બીતાં બીતાં આગલા પગ લંબાવીને બરાબર ટેકવે છે અને પછી ધીરેથી પાછલા પગ આગળ લે છે. આમ એ ધીરે ધીરે નીચે ઊતરે છે એટલામાં તો એની પડખેથી સડસડાટ કરતો કાચબો આગળ નીકળી ગયો!
સસલાએ બરાબર જોયું તો કાચબાએ એના ચારેય પગ અને ડોક પોતાના ધડમાં સંકોચી લીધાં હતાં અને ઊંધો થઈને પોતાની પીઠ પર સરકતો જતો હતો. કાચબો તો એમ પોતાનાં અંગને સંકોચી શકે. વળી એની પીઠ એવી મજબૂત કે એને ઢેફા કે કાંકરા કંઈ જ અસર ન કરે. ઢોળાવને લીધે કાચબાની ઝડપ વધતી જોઈને સસલાની હિંમત ઓસરી ગઈ.
સસલું તો વિચાર કરતું અને નાક પંપાળતું બેઠું હતું અને કાચબો પહેલાં ટેકરી ઊતરીને બીજી શરત પણ જીતી ગયો. પેલું સસલું તો કાચબા પાસે ગયા વગર બારોબાર પોતાની બખોલ તરફ નાસી ગયું!
સ્રોત
- પુસ્તક : ઈશ્વર પરમારની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022