Batuk Batako - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બટુક બટાકો

Batuk Batako

રમેશ ત્રિવેદી રમેશ ત્રિવેદી
બટુક બટાકો
રમેશ ત્રિવેદી

    ‘બટુક બેટા, શાક શાનું કરીશું આજે?’ બાએ પૂછ્યું કે તરત બટુક હસી પડ્યો : ‘શાનું તે બટાકાનું વળી.’

    ‘મને ખબર છે ભૈ, તને બટાકા વગર બીજું એકેય શાક ભાવતું નથી.’

    બાએ આમ બોલીને બટુકના માથે ટપલી મારીને હસી લીધું :

    ‘રોજરોજ બટાકાનું શાક ખાઈને ધરાતો ય નથી મૂવા!’

    બટુકે બપોરે પેટભરીને બટાકાનું રસાવાળું ચટાકેદાર શાક ઝાપટ્યું. પછી એણે જેવી હાથમાં ચોપડી પકડી કે ઊંઘ આવી ગઈ. ઊંઘમાં ય એને તો બટાકાનું જ સપનું આવ્યું લ્યો,

    ...એ બટાકાના ગામમાં પહોંચી ગયો હતો. ગામની નજીક મોટો ડુંગર ને તે ય આખો બટાકાનો, ખેતરમાં ને સીમમાં, નદીની રેતમાં ને આજુબાજુનાં ઝાડ પર બટાકા જ બટાકા! બા કહેતી કે : બટાકા તો નદીની રેતીમાં થાય પણ આ તો વાડ પર ઝૂલતા વેલા પર બટાકા, ઝાડની ડાળેડાળે કેરીઓની જેમ બટાકા જ લટકતા! ગામમાં ગયો તો ય રસ્તાપર ને ઘરની અગાશીઓ પર બટાકા! ઘરના છાપરે નળિયાંને બદલે બટાકા!... ઢોરની ગમાણમાં ઘાસને બદલે બટાકા. લોકો ય બધા બટાકા સિવાય બીજું એકેય શાક ખાય નહીં. અધધધ આટલા બધા બટાકા!... બટુક તો જાણે બટાકા ભાળીને ગાંડોગાંડો થઈ ગયો. એણે તો નક્કી કરી દીધું : હવે તો બસ રહેવું તો આ બટાકાના ગામમાં જ રહેવું છે, બીજે ક્યાંય જવું નથી. બાએ કહ્યું : ‘ચાલ બેટા, મામાને ઘેર જઈએ’ તો એણે કહ્યું : ‘ના, બા મારે નથી આવવું.’ બાપાએ કહ્યું : ‘ચાલ દીકરા તને હું મુંબઈ કાકાને ઘેર લઈ જાઉં.’ તોય એણે કહ્યું : ‘ના, ના, ના! તમે જાઓ મુંબઈ હું તો મારે અહીં રહીશ ને બટાકાનું શાક ખાઈશ રોજે રોજ! હેય... હેય... હેય...!’

    બટુક છેક સાંજે જાગ્યો, જાગ્યો એવો બા પાસે ગયો. એણે બાને સપનાની વાત કરી. બા ખડખડાટ હસી પડી. ‘આ જો ને, બટાકાનો રસિયો મોટો, તારે તો ભૈ, બારે મહિના બસ, બટાકાના જ ચટકા એટલે આવાં ગાંડાં જ સપનાં આવે ને!’ બાએ બાપુજીને બટુકના સપનાની વાત કરી તે એ ય હસી પડ્યા ને બોલ્યા : ‘આ બટુડાને તો એ મોટો થાય એટલે બટાકાનો મોટો વેપારી જ બનાવવો પડશે, હા!’

    બટુકે સપનાની વાત પોળના છોકરાંઓને કરી. સૌ કોઈ બટુકની વાત સાંભળીને ભારે નવાઈ પામ્યાં. બટુકે તો સ્કૂલમાં ય એના મિત્રોને સપનાની વાત કરી. બટુકની વાત સાંભળીને એ લોકો ય શું હસ્યા છે. શું હસ્યા છે! પછી તો સૌએ ભેગા મળી ગાયું.

ચટણીના ચટાકા! વાહ ભૈ વાહ!
બટુભૈના બટાકા! વાહ ભૈ વાહ!

    ઉનાળાની રજાઓ પડી. બટુક મામાને ઘેર ગયો. મામાના ગામમાં ય પાછી નદી. સાંજ પડે એટલે છોકરાં બધાં નદીએ ન્હાવા જાય. બટુક ય સૌની હારે નદીએ ગયો. નદીના છીછરા પાણીમાં ન્હાવા પડ્યો. ખૂબ મજા પડી. ન્હાતાં ન્હાતાં એણે સામે કિનારે રેતમાં ખેતરમાંના લોકોને બટાકા લેતા જોયા.

    બટુક તો બટાકા ભાળીને રાજીનો રેડ થઈ ગયો. એણે સાથે આવેલા મામાના ટીનકુને કહ્યું : ‘ચાલ, આપણેય બટાકા લઈએ, મને બટાકા બહુ ભાવે છે!’ ટીનકુ કહે, : ‘ના, ભૈ, બટાકા લેતાં પકડાઈ ગયા તો?’

    બટુકે કહ્યું : ‘તું તો યાર, ડરપોક છે... ચાલ, હું એકલો જ જાઉં છું’ અને તે નદીકિનારે પહોંચી ગયો. બટાકાના ખેતરનો માલિક ખાસ્સો દૂર હતો. એ બેઠોબેઠો રેતમાંથી બટાકા કાઢી રહ્યો હતો. એનું આ તરફ ધ્યાન નથી એ જોઈને બટુકે ઝડપથી નીચા નમીને રેતમાંથી બટાકા કાઢવા માંડ્યા.

    બટાકાથી ચડ્ડીનાં ખિસ્સાં ભરી લીઘાં, ઓછા પડ્યા હોય તેમ ખમીસ કાઢી, ખમીસમાં બાંધ્યા ને જેવો એ પાછો ફરવા લાગ્યો ત્યાં કોઈએ એને બોચીએથી પકડ્યો.

    ‘ચોરી કરે છે?... તારા બાપાના બટાકા છે? હેં?’ બોચી છોડીને પેલાએ બટુકના બે કાન પકડ્યા. આંબળ્યા જોસથી.

    બટુક તો ખેતરના માલિકને જોતાં જ રોવા લાગ્યો : ‘ભૂલ થઈ ગઈ, ઓ મારી બા રે! એએએ!’

    ‘હવે તો તને નદીના ઊંડા ધરામાં જ નાખવો પડશે, સમજ્યો!... ચાલ’ ખેતરવાળાએ બટુકને ઢસડ્યો – નદીના પાણી તરફ.

    બટુકે મોટો ભેંકડો તાણી પોતાની પાસેના બધા જ બટાકા ફેંકી દીધા.

    ‘ભૂલ થઈ ગઈઈઈ... ઓ માડી ઈઈઈ... કાન દુખે છે...!’

    ‘હવેથી જો, આ બાજુ લમણો કર્યો છે તો પાણીમાં એવાં ડૂબકાં ખવડાવીશ કે બાપાના બાપ યાદ આવી જશે હા!... જા, હારા, ભાગ...’

    ખેતરવાળાએ છેવટે બટુકને જતો કર્યો.

    બટુક ઘેર આવ્યો. એણે મામાને બટાકાની ચોરીની વાત કરી, મામા હસી પડ્યા, મામી ય હસી પડ્યાં. એનાં બા તો વળી શું હસ્યાં છે! એ કહે :

    ‘સારું થયું જે થયું તે, બહુ હવાદ નાહી જતો’તો બટાકાનો... લ્યે લેતો જા! હજુ તો આથી ય વધારે ખંખેર્યો હોત તો બહુ રાજી થાત! હા!’

    બટુક શું બોલે? એ શરમાઈ ગયો. ત્યાં મામાના ઘરમાં ભેગાં થઈ ગયેલાં છોકરાં બધાં ગાવા લાગ્યાં –

સાટકાના સટાકા, હેય હેય હેય !...
બટાકાના ચટાકા, હેય હેય હેય !...
બટુભૈના બટાકા, હેય હેય હેય !...

સ્રોત

  • પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014