Rudi Sudhari - Children Stories | RekhtaGujarati

રૂડી સુધરી

Rudi Sudhari

ફિલિપ ક્લાર્ક ફિલિપ ક્લાર્ક
રૂડી સુધરી
ફિલિપ ક્લાર્ક

                એક બગીચો હતો. બગીચામાં ઘણી જ ખિસકોલીઓ રહેતી હતી. તેમાં રૂડી નામે એક ખિસકોલી. રૂપાળા પટ્ટા, જાડી પૂંછડી અને રમકડા જેવું શરીર. રૂડી ખાય, પીએ અને મઝા કરે.

 

                આમ તો રૂડી બધાને ગમતી. પણ એનામાં એક ખોટી આદત હતી. તે હંમેશાં, બધાંથી અલગ રહેતી. કોઈ એની પાસે જાય તો એ ચિડાઈ જતી. તે એકલપેટી પણ હતી.

 

                બગીચામાં લોકો ફરવા આવે. જાતજાતનું ખાવાનું લાવે. લોકો ખિસકોલીઓને ખાવાનું નાખે. રૂડી તો જબરી, કોઈને ખાવા દે નહીં. જો કોઈ ખિસકોલી ખાવા આવે તો રૂડી આંખો કાઢી ડરાવે. ઝઘડો કરે, દોડાદોડી કરી બધાંને ગભરાવી મૂકે. કોઈને ખવડાવવામાં તે સમજી ન હતી.

 

                ખાવાની લાલચમાં અને ભેગું કરવાની આદતમાં રૂડી આમ કર્યા કરતી. તેનું આવું વર્તન જોઈને બગીચાની બીજી ખિસકોલીઓ સમજીને બીજે ચાલી જતી. તેની સાથે કોઈ ઝગડતું નહીં.

 

                રૂડી ખવાય એટલું ખાતી, બગાડતી અને વધેલા ખોરાકને આમથી તેમ સંતાડી દેતી. ઘણી વખત જો કોઈ ખિસકોલીને તે કાંઈ ખાતી જુએ તો જરૂર પડાવી લેતી. એક વખત ખિસકોલીઓ ભેગી મળી. રૂડીને પોતાની આદત સુધારવા ઘણી જ ટકોર કરી. તેને વહેંચીને ખાવા સમજાવી. રૂડી સાંભળ્યું ના-સાંભળ્યું કરી ચાલી ગઈ. જતાં જતાં કહેતી ગઈ હું કરું છું તે બરાબર કરું છું. મારે તમારી સલાહની જરૂર નથી.

 

                એવામાં એવું બન્યું કે શહેરમાં તોફાન ફાટી નીકળ્યાં. બગીચામાં લોકોની અવર જવર બંધ થઈ ગઈ. બધી જ ખિસકોલીઓ ખાવા માટે આમથી તેમ ફાંફાં મારવા લાગી.

 

                રૂડી પાસે ચણાનું એક મોટું પડીકું હતું. તે બધાંની આગળ ફરવા અને ખાવા લાગી. બીજી ખિસકોલીઓ તેની સામે ટગર ટગર તાકી રહેતી પણ રૂડીના પેટનું પાણી પણ હાલ્યું નહીં. એક દાણો પણ એણે કોઈને આપ્યો નહીં. બગીચામાં એક મોટું તળાવ હતું. તળાવ ઉપર પુલ હતો. રૂડી પુલ ઉપર ચડીને નિરાંતે ચણા ખાવા લાગી. ચણા ખાય અને પૂંછડી પટપટાવે.

 

                ખાતાં ખાતાં રૂડીના હાથમાંથી એક સુંદર ચણો સરકીને નીચે પાણીમાં પડી ગયો. રૂડી તો કંજૂસ. એ જીવ બાળવા લાગી. ચણાનું પડીકું પુલ ઉપર રહેવા દઈને એ નીચે આવી. તે તળાવના પાણીમાં ચણાને તણાતો જોઈ દુઃખી દુઃખી થવા લાગી. એક ચણાની લાલચમાં આખરે તે તળાવમાં કૂદી પડી.

 

                ચણો તો દૂર દૂર તણાતો હતો. રૂડી ભાન ભૂલીને ચણાની પાછળ તરફડિયાં મારતી તણાવા લાગી. શિયાળાની કડકડતી ઠંડી હતી. ઠંડા પાણીમાં તે ધ્રૂજવા અને બૂમો પાડવા લાગી.

 

                બીજી ખિસકોલીઓ સમજુ અને વિવેકી હતી. તેમણે રૂડીનો અવાજ સાંભળ્યો. તેઓ પાણીમાં કૂદી પડી. રૂડીને પાણીમાંથી બચાવી બહાર કાઢી.

 

                બહાર ગરમ ગરમ રેતી હતી. તડકો પણ ખૂબ જ મઝાનો હતો. ધીરે ધીરે તે ભાનમાં આવવા લાગી. તે પોતાની ભૂલની માફી માગવા લાગી.

 

                બીજી ખિસકોલીઓ સાથે ખરાબ વર્તન કર્યું છતાં તેઓએ પોતાને બચાવી. રૂડી શરમાવા લાગી. ચણામાં જીવ રાખ્યો ન હોત અને બધાની સાથે વહેંચીને ખાધું હોત તો આ દશા ન આવત-કહી રૂડી રડવા લાગી.

 

                રૂડીની સારવાર પૂરી થઈ. થોડી જ વારમાં તે હરતી ફરતી થઈ ગઈ. બધાં ધીરે ધીરે ચાલવા લાગ્યાં. તેઓને રોકતાં રૂડી બોલી, 'અરે, મારી વહાલી બહેનો તમે ક્યાં જાઓ છો ? હું તમારા માટે નાસ્તો લાવું છું.’

 

                નાસ્તાનું નામ સાંભળી સૌના મોઢામાં પાણી આવી ગયું. કકડીને ભૂખ તો લાગી હતી જ.

 

                રૂડી દોડતી ગઈ પુલ ઉપર ચણાનું પડીકું લઈને દોડતી નીચે આવી. તેણે બધી જ ખિસકોલીઓ વચ્ચે ચણાનું પડીકું મૂકી દીધું. પ્રેમથી ખાવા માટે કહ્યું.

 

                રૂડી રંગમાં આવી ગઈ. તે બધાની વચ્ચે બેસીને ગાવા લાગી.

 

‘સાથે રમીએ, સાથે જમીએ,
સાથે કરીએ સારાં કામ.'

 

                બધી જ ખિસકોલીઓએ રૂડીનું ગીત ઉપાડી લીધું.

 

                બગીચામાં આનંદનું મોજું ફરી વળ્યું. સૌએ સાથે મળીને ધરાઈ ધરાઈને ચણા ખાધા. પાણી પીધું. રૂડીના આનંદનો પાર ન રહ્યો.

સ્રોત

  • પુસ્તક : વાંચો રે વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : ફિલિપ ક્લાર્ક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996