Magic Paintingbook - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૅજિક પેઇન્ટિંગબુક

Magic Paintingbook

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
મૅજિક પેઇન્ટિંગબુક
ઉદયન ઠક્કર

    એક સવારે ઋચા બારી પાસે બેસીને ચિત્રકામ કરતી હતી. ત્યાં તો કાન પર ટપા...ક કરતુંકને ટીપું પડ્યું.

    “અરે, અરે.... ડિસ્ટર્બ નહીં કર”, ઋચાએ ગુસ્સો કર્યો. “જોતું નથી, હું પેઇન્ટિંગ કરું છું...”

    “પેઇન્ટિંગ! એ વળી શું?” ટીપાએ પૂછ્યું.

    “તને નહીં સમજાય. તું બહુ નાનું છે.”

    ઋચા પાસે ચિત્રકામની ચોપડી હતી. પાણીની વાટકી પણ હતી. બાજુમાં ત્રણ પીંછી : જાડી, પતલી ને તૂટલી.

    ઋચાએ પતલી પીંછી પાણીમાં ઝબકોળી, “આ કંઈ જેવી-તેવી ચોપડી નથી મૅજિક પેઇન્ટિંગબુક છે! ચિત્રને ભીની પીંછી લગાવીએ ને, તો પોતાની મેળે રંગ આવે. આ જો...” ઋચાએ છોકરીના ચિત્ર પર પીંછી ચલાવી. રિબન લીલી થઈ ગઈ.

    “મને પણ પેઇન્ટિંગ કરવા દે ને”, ટીપાએ કહ્યું.

    “ના, તને નહીં આવડે”, ઋચાએ પીંછી આપી-બાપી નહીં.

    “આવડે, આવડે, બધું આવડે” કહીને ટીપું તો ટપક્યું.

    ધરતી લીલીછમ!

    “એમાં શું?” કહીને ઋચાએ છોકરીના બૂટ પર પીંછી મૂકી.

    બૂટ બન્યા કાળા.

    ટીપું છુમ્મક છુમ્મક વરસ્યું.

    ઝપાક... ઝપાક... છત્રીઓ ખૂલી : કાળી.

    ઋચાએ હવે જાડી પીંછી હાથમાં લીધી,

    છોકરીના ફ્રૉક પર ફેરવી : ફ્રૉક લાલમ્લાલ.

    ટીપાને રમત ગમી ગઈ. તેણે છાપરે ગુલાંટી લીધી. નળિયાં લાલચટક હસ્યાં.

    ઋચાએ હાથ ઘસ્યા, પીંછી કરી સાફ અને દડા પર લસરકો કર્યો.

    દડો જામલી રંગે ઊછળ્યો.

    ટીપું પંખીરાજ મયૂરને ગલીપચી કરી આવ્યું. મયૂરે જામલી પંખ ઉઘાડ્યાં. ઋચાએ મોં ફુલાવ્યું. પીંછી ફટાફટ ફેરવવા માંડી.

    છોકરીના ગાલ થયા બદામી, હોઠ ગુલાબી, આંખ માંજરી, કેશ સોનેરી.

    ટીપા તરફ જોઈને ઋચા હસી, “હવે તારો વારો.”

    ટીપું સૂર્યકિરણને સહેજ અડક્યું. આકાશમાં ચીતરાઈ ગયું મેઘધનુષ્ય.

    “ઓહ વાવ,” ઋચાથી બોલાઈ ગયું,

    “ટીપા, ટીપા, તને તો પેઇન્ટિંગ આવડે છે!”

    “એ તો તને જોઈ જોઈને શીખી ગયું,” ટીપું શરમાયું, “હવે તો આપણે બે દોસ્ત ને?”

    બસ, તે દિવસથી ઋચા ટીપાને આંખના રતનની જેમ સાચવે છે.

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 01)
  • સંપાદક : સાંકળચંદ પટેલ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012