
એક હતાં ખિસકોલીબાઈ. એમનું નામ એમણે પોતે જ પાડેલું – છમ્મકછલ્લો! એમને કંઈ કામકાજ કરવું ગમે નહીં. એમની મા એમને લઢે-વઢે પણ એ તો સાંભળે જ નહિ ને! પાછાં ગાય :
“હું સરસ મઝાની ખિસકોલીબાઈ,
છમ્મકછલ્લો;
હું હરું ફરું ને મઝા કરું બસ,
છમ્મકછલ્લો.”
ને નાચતાં-કૂદતાં બસ એ તો ઘૂમતાં જ રહે. એમની માને થાય કે આ થમ્મકછલ્લોને કશુંય આવડુતું નથી; નથી જાતે દાણા વીણી ખાતી; નથી જાતે ફળફળાદિ ફોલતી. બસ ગાયા જ કરે છે. કો’ક દિવસ હું નહિં હોઉં તો નક્કી તેને ભૂખે મરવું પડશે. શું થશે એનું? મા રોજેરોજ આવું વિચારે. થોડી વાર થઈ કે ‘હું છમ્મકછલ્લો...’ એમ ગાતાં ગાતાં ખિસકોલીબહેન તો આવી પહોંચ્યાં ઘેર. કહે : ‘મા, મા, મને ભૂખ લાગી છે. ખાવાનું આપ.’
‘તે તું તારે ગાયા કર ને, એટલે પેટ ભરાઈ જશે. જાઓ, ગાઓ અને કૂદો.’ છમ્મકછલ્લો તો મૂંઝાઈ. ઘણી વાર બેસી રહી ને પછી ચાલી એ તો બહાર.
ફરતી ફરતી એ તો એક મોટા બાગમાં આવી. બાગને મોટો દરવાજો ને વચ્ચે રેતીવાળો રસ્તો. આજુબાજુ નાનામોટા ક્યારાઓ ને વચ્ચે લીલુંછમ ઘાસ. એ તો ચારે બાજુ જુએ ને ચાલે. બાગમાં તો હીંચકા બાંધેલા. લપસણીઓય ખરી ને નાની છુક છુક ગાડી પણ ખરી. છમ્મકબહેન તો વિચારમાં પડ્યાં. શું કરવું? થોડી વાર તે એક ઝાડ નીચે ઊભાં રહ્યાં. ત્યાં બાજુમાં જ એક સરસ બાંકડો હતો. તે થાકયાં એટલે બાંકડા પર બેઠાં.
હા...શ! થોડી વાર તો એમણે ચારેય બાજુએ જોયા કર્યું. બાંકડા પાસેથી નાનાં નાનાં છોકરા-છોકરીઓ એમનાં મમ્મી-પપ્પા સાથે જતાં-આવતાં હતાં. છમ્મકબહેન તો ગભરાયાં, પણ તોય ખસ્યાં નહીં. ફાગણ મહિનો ચાલતો હતો. તેમાંય આજે તો ધુળેટીનો તહેવાર હતો એટલે કેટલાંક છોકરા-છોકરીઓના હાથમાં પિચકારી પણ હતી. એક છોકરાને શું સૂઝ્યું કે એણે તો છમ્મકછલ્લો પર પિચકારી છોડી છરરર... ને છમ્મકબહેન તો રંગાઈ ગયાં, લાલચટ્ટક થઈ ગયાં. એ થોડાં ગભરાયાં ને ઝટપટ ત્યાંથી પાસેના ઝાડ પર ચઢી ગયાં.
ઝાડ પર બીજી ખિસકોલીઓ હતી. ને જાતભાતનાં પંખીઓ હતાં. આ લાલ રંગવાળા છમ્મકબહેનને જોઈ બધાંને બહુ નવાઈ લાગી. બધાં ટીકી ટીકી તેમની સામું જ જોયાં કરે. ખિસકોલીઓને થાય :
‘અરે, આમ તો આપણાં જેવાં જ છે, ને તોય કેવાં જુદાં છે! કેવાં સરસ લાલલાલ છે!’
છમ્મકબહેન તો ડાળીઓ પર ફરવા લાગ્યાં. એ જ્યાં જાય ત્યાં બધાં એમને રસ્તો કરી આપે. છમ્મકબહેનને થયું : ‘ચાલો, આ રંગ છંટાયો તે સારું થયું. બધાં પર રોફ તો જમાવાશે.’ એ બાગમાં ફરીને થાક્યાં એટલે ચાલ્યાં ઘર ભણી.
એ ઘેર પહોંચ્યાં એટલે એમને જોઈ બધી ખિસકોલીઓ તો ચમકી : ‘અરે વાહ! આ છમ્મકબહેનના શરીર ઉપર તો લાલ રંગ લાગ્યો છે ને કાંઈ! આ તો મોટાં મહારાણી જેવા લાગે છે ભાઈ!’ તે પછી તો ધીમે ધીમે બધી ખિસકોલીઓ પાસે આવે ને કહે :
‘અરે, તું તો રૂપાળી રાણી જેવી લાગે ને કાંઈ!’
ને આ સાંભળી છમ્મકબહેન તો ફુલાઈ ગયાં; બહુ ફુલાઈ ગયાં...! જાણે ખરેખર એ બધી ખિસકોલીઓનાં રાણી જ હોય ને એમ બધાંની સામું જુએ ને ગાય :
“અમે નાનાં અમથાં હવે તમારાં
છમ્મકરાણી,
લાવો સહુ દૂધ દાણા પાણી રે,
અમે છમ્મકરાણી.”
આ સાંભળી કેટલીક ખિસકોલીઓ તો હસવા માંડી. એમને ખબર પડી ગઈ કે એ તો બહારના રંગ-ભપકા છે ને બહેન મારવા માંડ્યાં છે રુઆબ, પણ બહારનો રંગ ટકવાનો કેટલા દિવસ? ને તેથી એ બધી ખિસકોલીઓ હસતી હસતી જતી રહી. પણ કેટલીક ખિસકોલીઓ તો ખરેખર એમના આ બહારના રૂપથી અંજાઈ ગયેલી. કેટલીક ખિસકોલીઓ તો એમના માટે દાણા ને કંઈક ને કંઈક ખાવાનું લઈ આવી ને એમ છમ્મકરાણીને તો મજા પડી ગઈ. એક બહુ નાની ખિસકોલી કહે : ‘અરે, છમ્મકરાણી, હું તમને અડકું? મને તમને અડકાવાનું બહુ મન થાય છે.’ છમ્મકરાણી બોલ્યાં : ‘હું તો છમ્મકરાણી છું. જા, જા, જલદી આઘી ખસ. મને ના અડકીશ. જા.’ બિચારી નાની ખિસકોલી તો છોભીલી પડી ગઈ. પણ છમ્મકરાણી કહે : ‘જાઓ, હવે આજે બધાં ઘેર જાઓ – કાલે પાછાં આવજો ને જાતભાતની વાનગીઓ લાવજો.’ ને બધાં ગયાં પોતપોતાને ઘેર.
બધાં ગયાં એટલે છમ્મકરાણી તો જાણે ખરેખર રાણી જ હોય એમ ઊંચે ને ઊંચે જોઈને જ ચાલવા માંડ્યાં. તે વખતે ત્યાંથી એક બટકબોલી ખિસકોલી જતી હતી. બોલી : ‘રાણી હોઈએ તોય ચલાય તો જમીન પર જોઈને જ, હોં! પણ છમ્મકરાણીએ તો સાંભળ્યું જ નહીં ને! એ તો મા પાસે ય ન ગયાં – જોકે એમની માને આ બ...ધી વાતની ખબર તો પડેલી. આપણાં છમ્મકરાણી તો પછી ખુલ્લા મેદાનમાં ગયાં ને આમતેમ દોડવા લાગ્યાં.
એટલામાં આવ્યું એક ખાબોચિયું. ખાબોચિયામાં એક દેડકો રહે. ડ્રાઉં... ડ્રાઉં... બોલે ને પાણીમાં કૂદે. છમ્મકરાણીને થયું : ‘હું આટલી મોટી રાણી ને આ દેડકો મારું માન ના રાખે એ કેમ ચલાવી લેવાય?’ એટલે કહે : ‘એય દેડકા, બહાર આવ. જા, મારે માટે સરસ ખાવાનું લાવ. ને અહીં આટલામાં સરસ પાથરણું કર. હું થાકી ગઈ છું, તેની તને ખબર નથી?’ દેડકો કહે : ‘અરે, એમ તે હોય ખિસકોલીબાઈ! તમે એક વાર મારે ઘેર તો આવો, તમે કહો તે બનાવી દઉં.’
છમ્મકરાણીને થયું, ‘વાત તો ખરી છે. ચાલ ત્યારે જાઉં એને ઘેર.’ ને છમ્મકરાણી તો ઊપડ્યાં એને ઘેર જવા. રસ્તામાં સાવ પોચો કાદવ. ઉત્સાહમાં ને ઉતાવળમાં તેઓ પડ્યાં જઈને ખાડામાં. તેમાં પાણી તો ખૂબ ઓછું હતું; પણ નર્યું ગંદું હતું. એમાં કચરોયે ખૂબ. એ કચરો છમ્મકરાણીને લાગ્યો ને શરીર પરનો પેલો લાલ રંગ ઊતરવા માંડ્યો. તેથી છમ્મકરાણી તો ખૂબ ખિજાયાં.
એટલામાં કેટલીક ખિસકોલીઓ ત્યાં ફરવા નીકલી. તેમણે છમ્મકરાણીને કાદવ-કચરાવાળી જોઈ. એટલે પેલી બટકબોલી ખિસકોલી નજીક આવી કહે : ‘અરે રાણીબા, આ શું થયું? ઊંચે જોઈને ચાલતાં હતાં માટે આમ થયું?’
પહેલાં તો છમ્મકરાણીને આ કંઈ ગમ્યું નહીં; પણ ખાબોચિયારમાંથી બહાર તો નીકળવું પડે ને? એટલે કહે : ‘અરે, તું તો મારી ખાસ બહેનપણી. મને બહાર નીકળવામાં મદદ ના કરે?’
બટકબોલી ખિસકોલી કહે : ‘અરે, તમે તો મોટાં મહારાણીબા કહેવાઓ. તમને તો મારાથી કેવી રીતે અડકાય? પણ છતાંય તમે કહો છો તો ચાલો બહાર કાઢું.’ છમ્મકરાણી તો બિચારાં શું બોલે? બટકબોલી ખિસકોલી કહે : ‘અરે! છમ્મકછલ્લો, છે ને તે આ થોડો રંગ બહારથી લાગે એમાં રાણી ના થવાય. એમાં આટલો રોફ શું મારવાનો? વારુ, જવા દે એ વાત. ચાલ, તને બહાર કાઢું. પકડ મારો હાથ.’
દેડકાએ નીચેથી ટેકો દીધો ને બટકબોલી ખિસકોલીએ હાથ પકડી છમ્મકછલ્લોને બહાર કાઢી. છમ્મકછલ્લોને તો ખૂબ શરમ આવી. ભૂખ પણ ખૂબ લાગેલી. એટલે કહે : ‘તું મને કંઈક ખાવાનું ન લાવી આપે?’ બટકબોલી કહે : ‘ખાવું હોય તો જા, જાતે દાણા વીણી ખા. કોઈ નવરું નથી તારે માટે. હું તો આ ચાલી ચબૂતરે હા...’ ને બટકબોલી તો ચાલવા લાગી. એની સાથેની બધીયે ખિસકોલીઓ હસતી હસતી જતી રહી.
ધીમે ધીમે છમ્મકછલ્લો ચાલી ઘર ભણી. રસ્તામાં જે મળે તે તેને જુએ, હસે ને જતું રહે. કોઈ એને માન ના આપે. ને એમ એ તો પહોંચી ઘેર.
માએ એને જોઈ. કહે : ‘કેમ? આ બધું શું છે? ક્યાં ગયો તારો બધો રોફ? ને ક્યાંથી આવ્યો આ કાદવ ને કચરો?’
છમ્મકછલ્લો તો બોલે જ શું? માએ ચોખ્ખું પાણી આપ્યું એટલે એ નાહ્યાં. એમને સમજ પડી ગઈ કે આ તો બધો ઉપરના રંગનો પ્રતાપ હતો, આપણો નહીં. પેલા રંગની લીધે બધાં ‘રાણી’ કહેતાં હતાં. બાકી છે હવે કાંઈ?
માએ કહ્યું : ‘કેમ ભૂખ લાગી છે કે નહીં?’
છમ્મકછલ્લો કહે : ‘હા મા, ભૂખ તો ખૂબ લાગી છે; પણ હું હવે જાઉં છું ચબૂતરે. ત્યાં જાતે દાણા વીણીને ખાઈશ.’
મા તો ખુશ નજરે તેને જોઈ જ રહ્યાં.
ને એ તો પાછાં ગાતાં ગાતાં ચાલ્યાં :
“હું સરસ મઝાની ખિસકોલીબાઈ,
છમ્મકછલ્લો,
હું જાતે દાણા વીણતી જાઉં, ભાઈ,
છમ્મકછલ્લો.”



સ્રોત
- પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022