Chotduk - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    કમળપુરને પાદર કનક નામની નદી. દૂરના ડુંગરેથી એ રમતી-ભમતી અહીં આવે ને કમળપુરને છેક અડકીને ખળખળ વહેતી આગળ વધે.

    કમળપુરમાં બકો નામનો છોકરો રહે, સાવ ભોળોભટાક. ભણવે-ગણવે ઓછો પણ મનનો ચોખ્ખો. સદા સાચું જ બોલે. સાચાઈથી જ વર્તે.

    બકાને ભણવાની નિશાળ નદીની સાવ નજીક. રોજ એને શાળાએ જતાં નદી જોવા મળે. બકાને નદીની જબરી પ્રીત. રોજ એને જુએ ને એના જળમાં પગ ઝબોળે.

    એક વેળાની વાત. નિશાળેથી છૂટીને આવતાં બકો નદી જોવામાં તલ્લીન હતો ને એના પગમાં કાંટો વાગ્યો. કાંટાની એને ભારે પીડા થઈ.

    જળ પાસે જઈ એણે પગ ઝબોળ્યો. થોડીક ટાફક થઈ, પણ પીડા ન ગઈ. બકાની આંખમાં આંસુ આવી ગયાં.

    ત્યાં અવાજક આવ્યો : “બકા! મને છોડાવ ને?”

    બકાએ જોયું તો એક સોનેરી-રૂપેરી માછલી નદીકાંઠે બાવળની ડાળ પર લટકતી હતી. કોઈએ નદીમાંથી ઉપાડીને એને બાવળની ડાળ પર દોરીથી બાંધી દીધી હતી.

    બકાએ માછલીને હળવે રહીને છૂટી કરી. છૂટતાંની સાથે માછલી એક રૂપાળી પરી બની ગઈ.

    એક જળરાક્ષસે એને મારી ખાવા માછલી બનાવી હતી ને પહેલાં નદીમાં અને પછી ઝાડે લટકાવી હતી. કદી જૂઠું બોલી ન હોય એવી વ્યક્તિ જ એનો અવાજ સાંભળી શકે, એને જોઈ શકે ને એને છોડાવી શકે.

    સાચાબોલા બકાએ એને છોડાવી તેથી તેણે બકાના પગનો કાંટો કાઢી દીધો. પાછો ઉપર ધીમેથી હાથ ફેરવ્યો. એથી બકાની પીડા ગાયબ થઈ ગઈ.

    પરી બકા ઉપર ખુશ થઈ હતી. એણે એને એક વિદ્યા શિખવાડી. એ વિદ્યા ચમત્કારી હતી અને સાચું બોલતા હોય એવા ચોખ્ખા મનવાળા જ એ શીખી શકે એમ હતું. એ વિદ્યા એવી હતી કે બકો જેને ‘ચોટડૂક’ કહે એના હાથપગ ચોંટી જાય. એ ધારે એ વ્યક્તિ કે વસ્તુને ચોંટાડી દઈ શકે, પછી જ્યારે ‘છૂટડૂક’ બોલે ત્યારે જ એ વછૂટી શકે. પરી તો વિદ્યા શિખવાડીને અદૃશ્ય થઈ ગઈ.

    બકાએ તો તરત જ વિદ્યા અજમાવવી શરૂ કરી. નદીને કાંઠે એક બગલું એક નાના માછલાને પકડવા જતું હતું. બકાએ એ જોયું ને એને માછલાની દયા આવી. બગલા તરફ તાકી એ બોલ્યો, ‘ચોટડૂક’ કે તરત બગલું અધ્ધર પગે ને અધ્ધર ચાંચે એમ જ રહી ગયું ને માછલું બચીને નાસી ગયું. પછી બકો ‘છૂટડૂક’ બોલ્યો કે બગલું મૂળ સ્થિતિમાં આવ્યું ને ઊડી ગયું. બકો આગળ વધ્યો. નદીની રેતમાં ઊંચેથી એક કાગડો દેડકાને પકડવા આવતો જણાયો. બકાને દેડકાને બચાવવાનું મન થયું. દેડકા તરફ આવતા કાગડાને જોઈ એ બોલ્યો, ‘ચોટડૂક’ ને કાગડો એની અડધી ઊડ સાથે જ અધ્ધોર હવામાં લટકી રહ્યો. દેડકો કૂદતો કૂદતો નદીના પાણીમાં ચાલ્યો ગયો. તે બચી ગયો. બકો પછી કાગડા તરફ તાકીને બોલ્યો ‘છૂટડૂક’ ને કાગડાનો માંડ છુટકારો થયો.

    બકાને ગમ્મત પડી. એ ઘેર આવવા નીકળ્યો. ફળિયામાં ભોપો જાળ વીંટીને ભમરડો ફેરવવા જતો હતો ત્યાં બકો બોલ્યો ‘ચોટડૂક’ ને ભોપાનો હવામાં ફંગોળીયેલો હાથ સ્થિર થઈ ગયો. ભોપો રડવા જેવો થયો ને બકાએ ‘છૂટડૂક’ બોલી અને ફરી ભમરડો ફેરવતો કરી દીધો.

    બકો આગળ વધ્યો. એ વિદ્યા અજમાવતો જ રહ્યો. મોતિયો કૂતરો એની પાળેલી બિલાડીને પકડવા ધસતો હતો ને બકાએ એને સ્થિર કરી દીધો. કાશીભાભીને માથે ભરેલા બેડા સાથે જ અધવચ રસ્તામાં સ્થિર કરી દીધાં. પછી બેઉને ‘છૂટડૂક’ કહીને માંડ છૂટાં કર્યાં.

    બધાંને બકાની આ વિદ્યા જોવાની ગમ્મત પડવા લાગી. કોઈ એને છોડે જ નહીં. સૌ એની પાછળ પાછળ ફરે.

    કમળપુર પાસે મોટું જંગલ. એમાં માણસખાઉ વાઘ આવ્યો. ગામલોકોએ બકાને વિનંતી કરી. બકો જંગલમાં પહોંચી ગયો. બે જુવાન ખેડૂતો બંદૂક સાથે ઘોડે ચડી એની મદદમાં ગયા. બકો આગળ વધ્યો. ઝાડીમાં એણે વીજળી જેવી તગતગતી બે આંખો જોઈ. એ બરાબર ખાતરી કરવા જાય ત્યાં તો વાઘ કૂદ્યો. પણ બકો બોલ્યો ચોટડૂક ને વાઘ જમીનથી અધ્ધર રહી ગયો. બકાએ ખેડૂતોને બંદૂક ન વાપરવા દીધી. લોકો વાઘને અધ્ધર તોળાયેલો જોવા ઊમટ્યા. નાનાં છોકરાં તો બાપને ખભે  ચડી વાઘની પીઠ પર ને પૂંછડી પર હાથ ફેરવે. નજીકમાં આવેલા સરકસના માલિકને એની જાણ થઈ. એણે ત્યાં આવી બકા સાથે વાઘ ખરીદવાનો સોદો કર્યો. બકાએ પાંચ હજાર રૂપિયા નક્કી કર્યા સરકસનો માલિક પાંજરું લઈ હાજર થયો. પાંજરાનો દરવાજો ઉઘાડી નાંખી એના માણસો દૂર ઊભા રહ્યા. બકો બોલ્યો ‘છૂટડૂક’ ને વાઘ સીધો જ પાંજરામાં આવી ગયો. દૂર ઊભેલા માણસોએ પાંજરાનો દરવાજો બંધ કરી દીધો. સરકસના માલિકે બોલ્યા પ્રમાણે પાંચ હજાર રૂપિયા ગણી દીધા.

    બકાએ કમળપુરમાં પાંચ હજાર રૂપિયા ખર્ચીને એક પાકો કૂવો કરાવી આપ્યો અને લોકોનું પાણીનું દુઃખ દૂર કર્યું.

સ્રોત

  • પુસ્તક : સુંદરવનની વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 376)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020