રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો વાણિયો. ધારે તો શહેરની આખી સડકને રૂપિયાથી જડી શકે એટલો તે પૈસાદાર હતો, પણ તે એવું કાંઈ ધારે એ માંહેનો નહોતો. તે તો પૈસો ખરચતો તે રૂપિયો કમાવા માટે જ. આવો તે વાણિયો હતો. એક દિવસ તે મરી ગયો એટલે એનું બધું ધન એના દીકરાના હાથમાં ગયું. દીકરો હતો શોખીન. એણે તો નાચગાનના જલસાઓ ગોઠવવા માંડ્યા. સો સો રૂપિયાની નોટોના જ પતંગો બનાવી મિત્રો જોડે ચગાવ્યા. સરોવરમાં બતક કે જળકૂકડીને કાંકરા મારવાને બદલે સોનામહોરો જ મારીને એની ગમ્મત જોવાનું શરૂ કર્યું. આ રીતે કુબેરના ધનભંડાર પણ ખાલી થાય અને એવું જ આ ભાઈનું થયું. આખરે એની પાસે એની પાસે મિલકતમાં એક પાવલી અને પહેરવાનું એક પહેરણ તથા પગમાંનાં ચંપલ એટલું જ રહ્યું. એના દોસ્તદારોમાંથી હવે કોઈ એના સામું પણ જોતું નહોતું. એક જરા ભલો હતો તેણે તેને એક પેટી મોકલી આપી અને કહેવડાવ્યું, “તારો સરસામાન આમાં ભરીને હવે ક્યાંક બીજે ચાલતો થા.” કહેવડાવ્યું તો ઘણું સારું, પણ સરસામાનમાં હોય શું જે પેટીમાં ભરે? એટલે જાતે જ પેટીની અંદર ભરાયો.
પેટી હતી મજાની. તેની કળ દાબે એટલે તે ઊડવા મંડતી. વાણિયાના દીકરાએ પણ કળ દાબી એટલે પેટી ઊડવા લાગી. ઊંચે ને ઊંચે, દૂર એણે ઊડવા માંડ્યું. ઊડતાં ઊડતાં આખરે એ આસામ જઈ પહોંચ્યો. ત્યાં જંગલમાં પાંદડાં નીચે પેટી સંતાડીને પછી તે શહેરમાં ફરવા ગયો. રસ્તામાં એક નર્સ બાળકને હાથમાં લઈને જતી હતી તેને તેણે પૂછ્યું, “પેલો મોટો ઊંચો મહેલ જેવો દેખાય છે ને જેની બારીઓ આટલી ઊંચી જડેલી છે તે શું છે?”
એ તો રાજકુંવરીનો મહેલ છે. એને માટે જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું છે કે એ એના વરની પસંદગી કરવામાં ઘણી જ કમનસીબ નીવડશે, તેથી રાજરાણીની હાજરી સિવાય કોઈ પણ એની મુલાકાત ન લઈ શકે એવું રાજાનું ફરમાન છે.”
નર્સનો ઉપકાર માનીને વાણિયાનો દીકરો પાછો જંગલમાં ગયો ને પેટીમાં ભરાઈ ને ઊડતો ઊડતો રાજકુંવરીના મહેલ આગળ આવી બારીમાં થઈને અંદર ગયો.
રાજકુંવરી પલંગ પર ઊંઘતી હતી. તે એટલી તો ખૂબસૂરત હતી કે વાણિયાના દીકરાથી તેના રેશમ જેવા સુંદર વાળ પર હાથ ફેરવ્યા સિવાય રહેવાયું નહિ. કુંવરી જાગી ઊઠી અને ગભરાઈ ગઈ. પણ વાણિયાએ કહ્યું : “હું ઇન્દ્રદેવ છું. તું એટલી તો સુંદર છે કે હું મનુષ્યરૂપ ધારણ કરીને આકાશમાંથી છાપરા વાટે તારી પાસે આવ્યો છું.” ઇન્દ્રદેવ પણ પોતાના સૌંદર્ય ઉપર મુગ્ધ થયા છે જાણી કુંવરી તો રાજી રાજી થઈ ગઈ. પહેલાં તો તેણે કુંવરી જોડે વાતો કરવા માંડી, અને તેની આંખોનું વર્ણન કરતાં કહ્યું : “તારી આંખો મનોહર સરોવરના જેવી સુંદર છે અને એમાં તારા વિચારો મત્સ્યકન્યાના જેવા તરી રહ્યા છે.” પછી તેણે તેના કપાળની પ્રશંસા કરી. તે બોલ્યો : “તારું કપાળ તો જાણે બરફના પર્વત જેવું છે.” પછી તેણે પરીઓની વાત કરતાં કહ્યું : “રાતે જ્યારે બધાં ઊંઘતા હોય ત્યારે પરીઓ સુંદર છોકરાં લઈને ફરવા નીકળે છે અને પછી જે જે છોકરીઓ તેમને ખૂબ ગમી જાય તેની સોડમાં ધીરે રહીને એક એક છોકરું તેઓ મૂકી જાય છે.” આ બધી વાતો રાજકુમારીને તો ખૂબ જ ગમી ગઈ. પછી વાણિયાના દીકરાએ તેને પૂછ્યું : “તું મારી જોડે લગ્ન કરશે ને?” રાજકુંવરી એની વાતોથી એટલી ખુશ થઈ ગયેલી હતી કે તેણે તરત જ હા પાડી.
“પણ જુઓ, તમારે શનિવારે અહીં આવવાનું. મારાં માબાપ તે દિવસે અહીં મારી જોડે જમશે. ઇન્દ્રદેવની જોડે હું પરણીશ તેથી તેમને ખૂબ જ આનંદ થશે; પણ તમારે તે વખતે એક મજાની વાર્તા કહેવી પડશે. મારી માને નીતિની અને બોધની વાર્તા બહુ ગમે છે અને મારા પિતાજીને હસાવે એવી વાર્તા ગમે છે, માટે એવી વાર્તા તમે તૈયાર કરી લાવજો.”
“હા, હા, જરૂર. હું લગ્નની ભેટમાં એક સરસ વાર્તા જ લાવીશ.” પછી તો છૂટાં પડ્યાં. છૂટાં પડતાં પહેલાં રાજકુમારીએ તેને સોનામહોરે જડેલી એક તલવાર ભેટ આપી. પછી તે ત્યાંથી ઊડી નીકળ્યો. જંગલમાં જઈને વાસ કીધો અને એક વાર્તા તૈયાર કરી કાઢી. બીજે દિવસે નવો ઝભ્ભો ખરીદી લાવ્યો.
શનિવારે રાજકુમારીને ત્યાં બધાં ભેગાં થયાં છે ત્યાં તે પણ જઈ ચડ્યો. એનો બધાંએ સત્કાર કર્યો. રાણીએ કહ્યું : “એકાદ મજાની વાર્તા કહેશો? ઊંડો અર્થ સમાયેલો હોય અને કાંઈક બોધ નીકળતો હોય એવી.”
“પણ અંદર કાંઈ હસવાનું પણ આવવું જોઈએ.” રાજાએ કહ્યું.
“વારુ” કહીને તેણે વાર્તા કહેવા માંડી :
એક વખત એક ખોખામાં દીવાસળીઓ હતી. તેઓને પોતાના કુળનું બહુ જ અભિમાન હતું. આ દીવાસળીઓ સગડી તથા પીતળની એક તપેલીની વચ્ચે પડેલી હતી. તે તેઓને પોતાના બાળપણની વાત કહેવા લાગી : “અમે ડાળી પર હતાં ને ત્યારે એવી તો મજા પડતી! સવારમાં અમે હીરાની તો ચા પીતાં! (ઝાકળને તે ચા કહેતી.) આખો દિવસ સૂરજ અમને પ્રકાશ આપતો, અને બધાં પંખી અમને ગીત ગાઈ સંભળાવતાં. અમે ખૂબ પૈસાદાર પણ હતાં. બીજાં ઝાડોને તો વસંતઋતુમાં જ કપડાં પહેરવાનાં મળતાં, પણ અમને તો આખું વરસ લીલાં કપડાંનો તોટો પડતો જ નહિ. પણ પછી ક્રાંતિ થઈ અને એમાં અમારું કુટુંબ છિન્નભિન્ન થઈ ગયું. અમારા કુટુંબનો વડીલ એક ભવ્ય જહાજમાં બધાંની ઉપર દેખરેખ રાખવા નિમાયો. બીજાં જુદે જુદે ઠેકાણે કાંઈ ને કાંઈ કામ પર રહી ગયાં. અમને જનતાને દીવો ચેતાવી આપવાના કામ પર મૂકવામાં આવ્યાં; એટલે જ તો અમે આટલાં ખાનદાન છતાં આજે રસોડામાં આવી પડ્યાં છીએ.”
તપેલી કહેવા લાગી : “મારે તો એથી ઊલટું જ છે. હું તો જન્મી ત્યારની જ ઘસાતીટિપાતી આવી છું. મને કેટલીયે વારે તો અગ્નિમાં નાખવામાં આવી છે, પણ હું ખરી જરૂરિયાતની છું. મારા વગર બધાં ભૂખે જ મરે ને તેથી જ આજે ઘરમાં મારો નંબર પહેલો છે. બપોરે બધાં જમીકરીને પરવારે તે પછી મંજાઈને સાફ થઈને અભરાઈ પર પડ્યાં પડ્યાં બધાંની જોડે વાતો કર્યા કરવાનું મને બહુ ગમે. અમે બધાં ઘરની અંદર જ રહીએ છીએ. ફક્ત એક પેલી ડોલને પાણી ભરવા બહાર જવું પડે છે. બહારની દુનિયાના સમાચાર અમને પેલી શાકભાજી લાવવાની બાસ્કેટ (છાબડી) તરફથી મળી રહે છે, પણ બાસ્કેટ એવી છે કે સરકાર અને રૈયતની અથડામણની વાતો બહુ લાવે છે. એક દિવસ તો એની વાત સાંભળતાં એક બૂઢો કૂજો હતો તે એટલો તો ગભરાઈ ગયો કે ધ્રૂજતાં ધ્રૂજતાં બિચારો પડી ગયો અને ભાંગી ગયો.”
સગડી બોલી ઊઠી : “હવે તારે જ વાત કર્યા કરવી છે?” આટલું કહ્યું એટલે એમાંથી તણખા ઊડવા માંડ્યાં. “જરા આનંદથી વાત કાંઈ થવા દો.”
“હા, કોણ સૌથી વધારે ખાનદાન તેની વાતો કરો.” દીવાસળી બોલી; પણ આડણીએ કહ્યું : “એમાં શું? કાંઈ ગમ્મત પડે, બધાંને રસ પડે એની કાંઈ વાત કરીએ. જુઓ, હું મારી જ વાત કરું. દક્ષિણના દરિયાની નજીક બ્રહ્મદેશનાં જંગલોમાં –“
“વાતની શરૂઆત જ કેની મજાની!” બધી થાળીઓ બોલી ઊઠી.
“હા, બ્રહ્મદેશનાં લીલાં જંગલોમાં – હાથીઓ જ્યાં મદમસ્ત થઈને ડોલતા હોય તેવાં લીલાં જંગલોમાં – એક શાંત કુટુંબમાં મેં મારું બચપણ ગાળ્યું હતું. જમીન લીંપેલીગૂંપેલી શોભી રહેતી. દરેક અઠવાડિયે ધોયેલા પડદા બદલાતા –“
સાવરણી બોલી : “અલી, તું તો વાર્તા કેટલી રસદાયક બનાવી મૂકે છે! વાત સાંભળતાં જ કોઈ પણ કહી શકે કે વાત કહેનાર કોઈ સ્ત્રી જ છે!”
“હા, ખરેખર એવું જ લાગે છે.” પાણી ભરેલી ડોલ બોલી ઊઠી અને એનો સાત્ત્વિક આનંદ એટલો ઊભરાયો કે પાણીની છાલક બહાર પડી.
આડણીએ વાત આગળ ચલાવી અને વાતનો અંત પણ શરૂઆતના જેટલો જ રસદાયક આણ્યો. બધી થાળીઓ આનંદથી ખણખણી ઊઠી. સાવરણીએ તો ફુદીનાની પણી લઈને આડણીને તેનો મુગટ પહેરાવ્યો. તેણે મનમાં એમ પણ ધાર્યું હશે કે ‘આજે હું એને મુગટ પહેરાવું છું તો કાલે એ મને પહેરાવશે.’
ચીપિયો કહેવા લાગ્યો : “હવે હું ત્યારે નાચ કરું.” અને એવું તો નાચ્યો, એવું તો નાચ્યો કે બસ; બંને પગ ઉછાળીને નાચ્યો! ખૂણામાંની ખુરસી પરની ગાદીને ચીપિયાને નાચતો જોઈને એટલું તો હસવું આવ્યું કે તે બિચારી હસતાં હસતાં ફાટી ગઈ.
નાચ કરી કહ્યા પછી ચીપિયાએ કહ્યું : “હવે હું મુગટનો અધિકારી ખરો ને?”
“હા, હા જરૂર.” કહીને બધાંએ તેને પણ મુગટ પહેરાવ્યો.
દીવાસળીઓએ વિચાર્યું : “આ લોકો તદ્દન ગામડિયાં જ લાગે છે.” પછી ચાદાનીને ગાવાનું કહેવામાં આવ્યું, પણ તેણે શરદી હોવાનું બહાનું કાઢ્યું. ખરું કારણ તો એ હતું કે એને મેજ પર મૂકી હોય, કુટુંબના માણસો ચા પીવા બેઠા હોય ત્યારે જ ગાવાનું પસંદ હતું.
બારી પર ઊંચે એક જૂની કલમ હતી તે કહેવા લાગી : “ચાદાનીને ના ગાવું હોય તો ભલે ના ગાય, બહાર પાંજરામાં બુલબુલ છે તે ગાશે.”
પણ કપ-રકાબી બોલી ઊઠ્યાં : “એ તો કેટલું અજુગતું! પરદેશી પંખીને ઉત્તેજન કેવું? આ તમારું સ્વદેશાભિમાન કે? કેમ બાસ્કેટ, તું કાંઈ બોલતી નથી? સ્વદેશી સિવાય બીજાને ઉત્તેજન અપાય?”
બાસ્કેટ બોલી : “મને તો તમારી બધી વાતથી ચીડ જ ચડે છે. ગરબા ગાવાના મૂકી નક્કામી વાતોમાં સાંજ બગાડી. ચાલો, બધાં પોતપોતાના ઠેકાણે ઊભાં રહી જાઓ અને ઝીલો; હું ગરબો લઉં છું –“
“હા, હા, ચાલો, ઊભાં રહી જાઓ.” બધાં એકસામટાં બોલી ઊઠ્યાં, એટલામાં બારણું ખખડ્યું અને રસોઇયો અંદર દાખલ થયો. બધાં ચુપચાપ થઈ ગયાં. રસોઇયાએ દીવાસળી સળગાવી તે કેવી ઝગઝગાટ કરી રહી! ‘હવે બધાં જોઈ શકશે કે ખાનદાન તો અમે જ. કેવો ઝગઝગાટ કરી મૂક્યો!’ આટલું વિચારતાં વિચારતાં તે તો બળીને હોલવાઈ ગઈ.
“કેવી મઝાની બોધદાયક વાર્તા!” રાણીએ કહ્યું, “કુંવરીનાં લગ્ન જરૂર તમારી જોડે કરીશું.”
“ખરી ગમ્મત તો ચીપિયાના નાચમાં પડી.” રાજાએ કહ્યું, જરૂર, રાજકુંવરીને તમારી જોડે જ પરણાવીશું અને ધર્મના કામમાં ઢીલ શા સારુ કરવી? સોમવારના જ લગ્ન રાખીશું”
રવિવારથી જ શહેરમાં ઉત્સવ થવા લાગ્યો. રવિવારે સાંજે રોશની ઝળહળી રહી, દારૂખાનું પૂટવા લાગ્યું, આખા શહેરમાં ખુશાલીનો પાર ન રહ્યો, કારણ કે સોમવારે રાજકુંવરીનું લગ્ન થવાનું હતું.
વાણિયાના દીકરાએ વિચાર્યું : “મારે પણ કાંઈ કરી બતાવવું જોઈએ.” એટલે તેણે ફટાકડા, હવાઈ, કોઠીઓ ખરીદી અને પેટીમાં બેસીને ખૂબ ઊંચે ઊડી ત્યાંથી દારૂખાનું ફોડવા માંડ્યું. આખું આકાશ એણે તો હવાઈઓના ઉજાસથી ભરી મૂક્યું. શહેરના લોકોનો આનંદ તો માતો નહોતો. કદી તેમણે આવું દૃશ્ય જોયું નહોતું. હવે તેમને ખાતરી થઈ ચૂકી કે તે ખરેખર ઇન્દ્રદેવ જ હતા.
પછી વાણિયાનો દીકરો પેટીમાં પેસી નીચે જંગલમાં ઊતર્યો. ત્યાં તેણે વિચાર્યું : “ચાલ, જોઉં તો ખરો કે લોકો મારા કામનાં કેવાં વખાણ કરે છે!” એમ કહીને તે પેટીને જંગલમાં જ રાખીને વેશ પલટીને શહેરમાં ગયો.
ત્યાં લોકો ઇન્દ્રદેવનાં ભારે વખાણ કરી રહ્યાં હતા. એક જણે કહ્યું : “મેં આકાશમાં ઇન્દ્રદેવને દીઠા હતા. તેમની આંખો કેવી તારાના જેવી ચમકતી હતી!” બીજાએ કહ્યું : “ઇન્દ્રદેવ તો જાણે આગનો ઝબ્ભો પહેરીને ઊડતા હતા.” ત્રીજાએ કહ્યું : “અને તેમના ઝભ્ભાની કરચલીઓમાંથી તો નાની નાની પરીઓ ડોકિયાં કરતી હતી.” આમ પોતાની પ્રશંસા સાંભળીને વાણિયાનો દીકરો ખૂબ હરખાયો. વળી કાલે તો તેનાં લગ્ન પણ હતાં, એનો આનંદ આજે માતો નહોતો.
પછી પેલી પેટીમાં ભરાવા માટે તે પાછો જંગલમાં ગયો. પણ અરે! પેટી ક્યાં ગઈ? પેટી તો બળીને ખાખ થઈ ગયેલી હતી. સળગેલા દારૂખાનામાંથી એક તણખો પેટીમાં રહી ગયો હતો તેણે પેટીને બાળી મૂકી હતી.
હવે વાણયાનો દીકરો કાંઈ ઊડી શકતો નથી, રાજકુમારીની મુલાકાત લઈ શકતો નથી. કુંવરીએ આખો દિવસ મહેલના ઝરૂખામાં ઊભાં રહીને રાહ જોયા કરી અને હજી તે બિચારી ત્યાં રાહ જોતી જ ઊભી છે. વાણિયાનો દીકરો વાર્તા કહેતો કહેતો દુનિયામાં ફર્યા કરે છે, પણ હવે તેની વાર્તા દીવાસળીની વાર્તા જેવી મજાની રહી નથી.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020