Sachu Gappu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાચું ગપ્પું

Sachu Gappu

નવનીત સેવક નવનીત સેવક
સાચું ગપ્પું
નવનીત સેવક

    એક મોટો રાજા.

    રાજાને એક રાણી.

    રાણીજીને એક ખોટી ટેવ.

    વાતવાતમાં રાણીજી જૂઠું બોલે. મોટાંમોટાં ગપ્પાં મારે માન્યામાંય ન આવે એવી ડીંગ હાંકે.

    રાજાજી રાણીજી ઉપર બહુ ચિડાય.

    રાણીજી બિચારાં ટેવને ભૂલવા બહુ મહેનત કરે પણ ટેવ ભારે ભૂંડી.

    રાણીજીને ગપ મારવાની ટેવ હતી એટલે એમનું નામ બધાંએ ગપોડી રાણી પાડી દીધેલું.

    ગપોડી રાણી ઉપર એક દિવસ મોટી મુસીબત આવી પડી. 

    વાત આવી બની.

    એક દિવસ રાજાજી અને રાણીજી બાગમાં બેઠાં હતાં. જાતજાતની વાતો ચાલતી હતી એ વખત વાતવાતમાં ગપોડી રાણી ગપ મારી બેઠાં.

    રાણીજીએ કહ્યું : એક વાર મારી એક દાસી નદીકિનારે પાણી ભરવા ગઈ હતી. સાથે થોડાં ગધેડાં નદીમાં ઊતર્યાં, પણ ગધેડાં નદીમાં પડ્યાં કે પાણીમાં આગ લાગી. બિચારાં ગધેડાં દાઝી મર્યાં.

    રાતીચોળ આંખો કરીને રાજાજી કહે : રાણી, તમે ફરીથી ડીંગ હાંકી.

    રાણીજીએ વિચાર કર્યો કે, જો હા પાડીશું ને કહીશું કે અમે જૂઠું બોલ્યાં છે તો રાજાજી ગુસ્સે થશે; માટે હમણાં આપણે કહેવું કે અમે ગપ નહીં હાંકી! પછી પાછળથી જોયું જશે.

    આવો વિચાર કહીને ગપોડી રાણી કહે : અમે જૂઠું નથી બોલ્ચાં, રાજાજી!

    રાજાજી કહે : જૂઠું ના બોલ્યાં હો તો સાચું કરી બતાવો. નહીં કરી બતાવો તો અમારા જેવો કોઈ ભૂંડો નથી. ચોવીસ કલાકમાં તમારી એ દાસીને અમારી સામે રજૂ કરો, નહિ તો જોયા જેવી થશે.

    આમ કહીને રાજાજી તો ગુસ્સાભેર ઊભા થઈ ગયો. જતા રહ્યા મહેલમાં.

    ગપોડી રાણી ગભરાયાં. હવે દાસીને કેવી રીતે રજૂ કરવી? ગપ મારતાં તો મારી દેવાયું પણ હવે સાચું કેવી રીતે કરવું?

રાણીજીની એક વડી દાસી હતી. આ વડી દાસી રાણીજી ઉપર ઘણી લાગણી રાખતી હતી.  રાણીજીને ઉદાસ જોયાં કે વડી દાસી એમની પાસે ગઈ : રાણીજી, આજે ઉદાસ કેમ છો?

    રાણીજી વડી દાસીથી કોઈ વાત છુપાવતાં નહિ. એમણે તેને બધી વાત કહી.

    વડી દાસી કહે : ઓહોહો! એમાં શી મોટી વાત છે? મારી એક બહેન છે. એનું નામ છે લપોડી. લપોડી ઘણી ચાલાક છે. એ તમારા ગપને સાચું કરી બતાવશે.

    રાણી કહે : એમ હોય તો આપણે એને અહીં મહેલમાં દાસી બનાવીશું. મોટો પગાર આપીશું.

    વડી દાસી કહે : ભલે ત્યારે. કાલે હું એને લેતી આવીશ.

    બીજે દિવસે વડી દાસી લપોડીને રાણીજી પાસે લાવી. રાણીજીએ એને બધી વાત સંભળાવી. લપોડી દાસી કહે : ઓહો! આમાં તે શી મોટી વાત છે? ચાલો રાજાજી પાસે. હું તમારા ગપને સાચું કરી બતાવીશ.

    લપોડી દાસી ને ગપોડી રાણી બેઉ પહોંચ્યાં રાજાજી પાસે. જઈને રાણીજીએ કહ્યું : મહારાજ! આ દાસીએ પેલાં ગધેડાંને દાઝી જતાં જોયેલાં!

    રાજાજી લપોડી દાસી તરફ જોઈને કહે : રાણીજીએ કહી એ વાત ખરી છે?

    લપોડી કહે : હા મહારાજ!

    રાજાજી કહે : એ કેવી રીતે બને! પાણીમાં તે આગ લાગતી હશે?

    લપોડી કહે : મહારાજ! એ ગધેડાંની પીઠ ઉપર કુંભારે ચૂનો ભરેલાં છાલકાં મૂકેલાં. છાલકાંમાં ભરેલો ચૂનો ઊકળ્યો, વરાળો નીકળવા લાગી અને બિચારાં ગધેડાં દાઝી ગયાં,

    રાજાજી મોંમાં આંગળી નાખી ગયા,

    લપોડીની વાતને જૂઠી કહેવાય એવું નહોતું.

    હસતાં-હસતાં રાજાજીએ લપોડી દાસીને શાબાશી આપી, પાંચ સોનામહોરો ઇનામમાં આપી.

    હવે રાણીજીને ભારે મજા પડી ગઈ.

    લપોડીને દાસી તરીકે પોતાની પાસે જ રાખી લીધી. રાણીજીને થયું કે હવે ગપ મારવામાં વાંધો નહીં આવે. આપણે ગમે તેવાં ગપ મારીશું તે આ લપોડી દાસી સાચી કરી બતાવશે.

    થોડા દિવસ ગયા ને રાણીજીએ ફરીથી ગપ મારી.

    રાજમહેલની ફરતો બાગ હતો. બાગમાં હાફૂસ કેરીના આંબા હતા. રાજાજીને હાફૂસ બહુ ભાવતી હતી, એટલે એમને માટે ખાસ કેરી વેડાવવાની હતી.

    રાણીજી કહે : આપણે ત્યાં તો કેરી વેડાવવાની વાત છે, પણ લપોડી દાસીને ત્યાં તો એ લોકો ટામેટાં વેડાવે છે!

    રાજાજી એ વાત સાંભળી કે ચિઢાયા. કહે : બોલાવો એ લપોડી દાસીને! આ વખતે એ કેવી રીતે ગપોડી રાણીનું ગપ્પું સાચું કરે છે. એ જોઈએ.

    રાણીજીએ લપોડીને બોલાવી. રાજાજીએ બધી વાત કરી. છેવટે કહ્યું : બોલ લપોડી! તારે ઘેર ટામેટાં વેડાવવાની વાત સાચી છે કે ખોટી?

    લપોડી કહે : સાચી છે, સોએ સો ટકા સાચી છે.

    રાજાજી કહે કે એવું બને જ નહીં. ટામેટીનો છોડ તો નાનો હોય. એ છોડ ઉપર ટામેટાં આવે એને તો હાથ વડે તોડી લેવાય. એને વળી વેડાવવાની જરૂર શી?

    લપોડી કહે : મારી વાત સાંભળો, મહારાજ! અમે લોકો ઘણાં ગરીબ છીએ. અમારે તો રહેવાનું ઝૂંપડું પણ માટીનું હતું. એક વાર પવનને મોટો વંટોળિયો આવ્યો. વંટોળિયો તો એવો મોટો કે ધૂળના ગોટેગોટા ચારે બાજુ ઊડવા લાગ્યા.

    રાજાજી અધીરા થઈને કહે : પણ આમાં ટામેટાં વેડાવવાની વાત તો આવી નહીં?

    લપોડી કહે : એ વાત હજી આવે છે. તે દિવસે મોટો વંટોળિયો આવ્યો. ધૂળ તો એટલે બધી ઊડી કે અમારા છાપરા પર નળિયાં હતાં. એના ઉપર ધૂળના મોટા મોટા થર બાઝી ગયા. વંટોળિયો પૂરો થઈ થયો કે થોડો વરસાદ પડ્યો. નળિયાં ઉપર પડેલી માટી બધી ચોંટી ગઈ.

    રાજાજીને વાતમાં રસ પડ્યો : પછી?

    લપોડી કહે : એક દિવસ એક કાગડો ક્યાંકથી ટામેટું લઈ આવ્યો ને અમારા છાપરા ઉપર બેઠો બેઠો ખાવા લાગ્યો. એમાંથી બિયાં માટીમાં પડ્યાં એટલે થોડા દિવસ પછી મજાની ટામેટીઓ ઊગી નીકળી.

    ગપોડી રાણી કહે : વાહ વાહ! પછી?

    લપોડી કહે : થોડા દિવસ પછી ટામેટીને મજાનાં ટામેટાં આવ્યાં. પણ એ ટામેટાં ઉતરવાં શી રીતે? જો છાપરા ઉપર ચઢીએ તો નળિયા તૂટી જાય. છેવટ મારા બાપાએ ઉપાય શોધી કાઢ્યો. આપણે જેમ આંબો વેડીએ એમ ટામેટાં વેડી નાખ્યાં!

    રાજાજી ખુશ થઈ ગયા : વાહ લપોડી, વાહ! તેં તો ખરું જૂઠાનું સાચું કર્યું!

    આ વખતે રાણીજીએ ખુશ થઈને લપોડી દાસીને ઇનામ આપ્યું.

    રાણીજી હવે ખૂબ ગપ્પા મારતાં હતાં.

    રાજાજીને આ વાત ગમે નહીં.

    રાજાજીએ એવો વિચાર કર્યો કે ગમે એમ કરીને એક વાર આ લપોડી દાસીને પાછી પાડી દેવી. એક વાર એને મોંએ જ ગપ કબૂલ કરાવવું. આવું કરીને પછી એને કાઢી મૂકવી.

    એક દિવસ રાજાજીને લાગ મળી ગયો.

    બન્યું એનું કે રાજાજી ગપોડી રાણી સાથે વાતો કરતા હતા એવામાં જ રાજાજી કહે : રાણીજી! આજે તો અમે એક મજાની કેરી ખાધી. કેરી તો એવી સરસ કે વાત ના પૂછો.

    રાણીજી કહે : અમારે માટેય એક લાવવી હતી ને!

    રાજાજી કહે : પણ આખા આંબા પર એક જ કેરી હતી. અમે હાથ લાંબો કરીને તોડી લીધી. સરસ મજાની શાખ હતી. અમે કેવી રીતે કેરી તોડી શક્યા હોઈશું એ કહી શકશો?

    રાણીજી કહે : ઓહોહો! એમાં શું? ઠેઠ નીચેની ડાળી ઉપર કેરી ઝૂલતી હશે. આપે હાથ લાંબો કરીને તોડી હશે.

    રાજાજી કહે : ના, ના! એવું નહોતું. કેરી તો ઠેઠ આંબાની ટોચે હતી.   

    રાણીજી સમજી ગયાં કે રાજાજી કોયડો પૂછે છે હસીને કહે : આપ ઊંટ ઊપર બેઠા હશો. ઊંટ હોય ઊંચું એટલે કેરી ઝટ હાથમાં આવી ગઈ હશે.

    રાણીજીની વાત સાંભળીને રાજાજી ચિડાયા. કહે : ગપોડી રાણી, તમે ભોટ છો.

    રાણીજી કહે : કાં?

    રાજાજી કહે : તમે જાતે ગપ મારો છો પણ સામાની વાતને સમજતાં જ નથી.

    રાણીજી જરા ભોંઠાં પડ્યાં.

    રાજાજી કહે : સાવ નાનું છોકરું ય સમજે કે આંબાની ટોચ ઉપર ઊગેલી કેરીને ઊંટ ઉપર બેઠેલો માણસ તોડી શકે, એમાં કોયડો ક્યાંથી આવ્યો? કેરી તોડી ત્યારે અમે જમીન ઉપર જ ઊભા હતા. હવે કહો જોઈએ. કેવી રીતે તોડી હશે એ સમજાય છે?

    રાણીજી માથું ખંજવાળવા લાગ્યાં. થોડી વાર રહીને કહે : ઊભા રહો, અમે લપોડીને બોલાવે છીએ, એ તમને તડાક દઈને જવાબ દેશે.

    રાજાજીને તો ભાવતું હતું ને વૈદે કહ્યું.

    તરત લપોડીને બોલાવી મંગાવી.

    રાજાજીએ લપોડીને બધી વાત કહી. પછી કહ્યું કે, હે લપોડી, અમે જમીન ઉપર ઊભા હતા. આંબાને પથરો માર્યો નથી કે કેરીને વેડી નથી. હાથ લંબાવીને ટોચ ઉપર ઊગેલી કેરીને ડીંટામાંથી કેવી રીતે તોડી હશે?

    લપોડી દાસી રાજાજીનો કોયડો સાંભળીને થોડી વાર સુધી વિચારમાં પડી ગઈ. પછી કહે :

    આપ જતા હતા ત્યાં એક મોટો કૂવો હતો. કૂવાની દીવાલમાં આંબો ઊગી નીકળેલો. ટોચ ઉપર મજાની કેરી ઝૂલતી હતી, તેને તમે કૂવાની પળ નજીકની જમીન પર ઊભા રહીને હાથ વડે જ લઈ લીધેલી!

    રાજાજીએ કાનની બૂટ પકડી.

    લપોડી દાસીએ બધાં ગપ્પાંને સાચાં કરી બતાવ્યાં....

સ્રોત

  • પુસ્તક : નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013