Lakdani Talvar - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાકડાની તલવાર

Lakdani Talvar

રમણલાલ સોની રમણલાલ સોની
લાકડાની તલવાર
રમણલાલ સોની

    એક હતો રાજા.

    એક વાર એ વેશપલટો કરી ગામમાં ફરવા નીકળ્યો હતો. રાતનો વખત હતો. ફરતો ફરતો એ એક મોચીના ઘર આગળ આવ્યો. ને બોલ્યો : ‘તરસ લાગી છે, જરી પાણી પીવા મળશે અહીં?’

    જવાબમાં મોચી બહાર દોડી આવ્યો ને બોલ્યો : ‘પાણી તો મળશે, જ સાથે ભોજન પણ મળશે. પધારો!’

    આમ કહી એણે આગ્રહ કરી રાજાને જમવા બેસાડ્યો ને કહ્યું : ‘અમારું ભોજન ગરીબ છે, પણ અમારો ભાવ ગરીબ નથી!’

    રાજાએ આનંદથી ભોજન લીધું ને જમતાં જમતાં પ્રશ્નો પૂછી મોચીની હાલત વિશે જાણી લીધું. મોચી ખરેખર ગરીબ હતો. રોજની કમાણીમાંથી એનો રોજનો ખરચો નીકળતો; પણ આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવામાં એ કદી પાછો પડતો નહિ. એક દિવસ કામ ન મળે તો બધાંએ ભૂખ્યાં સૂવું પડે એવી એના ઘરની હાલત હતી, પણ એના મોં પર કાયમ પ્રસન્નતા હતી. એ જોઈ રાજા ખુશ થયો.

    વાળુ પછી રાજાએ વિદાય લીધી, પણ તેણે મનમાં મોચીની કસોટી કરી જોવાનું નક્કી કર્યું.

    બીજે દિવસે રાજાએ ગામમાં પડો વજડાવ્યો કે આજે મહાદેવજીનો વાર છે, માટે બધાએ દુકાનો બંધ રાખવી ને રોજનો કામધંધો કરવો નહિ. ગરીબ મોચીએ પણ દુકાન બંધ રાખી.

    રાતે રાજા ફરી વેશપલટો કરીને નીકળ્યો ને મોચીના ઘર આગળ આવી ઊભો. એને જોતાં જ મોચીએ ઘરમાંથી દોડી આવી કહ્યું : ‘પધારો!’

   રાજાએ જોયું તો ઘરમાં વાળુની તૈયારી ચાલતી હતી. એણે કહ્યું : ‘તમે તો કહેતા હતા કે હું રોજની કમાણીમાંથી રોજનો રોટલો કાઢું છું, તો આજે આ કેવી રીતે બન્યું? રાજાના હુક્મથી દુકાનો બધી બંધ હતી, તમે દુકાન બંધ રાખી નહિ હોય.’

    મોચીએ કહ્યું : ‘મેંય બંધ રાખેલી! ન રાખું તો રાજા સજા કરે, ને મારો કાયમનો રોટલો જાય! ગરીબ કેમ પેટ ભરે છે એની રાજાને કંઈ ખબર છે?’

    રાજાએ કહ્યું : ‘મને તો આ રાજા સાવ બેવકૂફ લાગે છે! મારા મનથી કે આજે તમારે બધાંને ભૂખ્યાં સૂવું પડશે, એટલે તમને આપવા –’

    આમ કહી રાજા કંઈક નાણું મોચીને આપવા ગયો, પણ મોચીએ તે લેવાની ના પાડી. તેણે કહ્યું : ‘રાજાએ દુકાન બંધ રાખવા કહ્યું, પણ ભૂખે મરવા નહોતું કહ્યું, એટલે મેં મજૂરી કરી થોડું કમાઈ લીધું. કોઈને ઘેર પાણી ભર્યું, તો કોઈની કોઢ સાફ કરી; કોઈને ત્યાં લાકડાં ફાડ્યાં, તો કોઈનાં ટાંપાંટૈયાં કર્યાં. એમાંથી આજે રોટલા ને છાશ ભેગો થયો! આવી જાઓ, દોસ્ત રોટલો હજી હમણાં તવી પરથી ઊતરે છે!’

    આજે પણ રાજા આનંદથી મોચીને ત્યાં જમ્યો.

    પણ કસોટી પૂરી થઈ નહોતી. તેથી ત્રીજે દિવસે સવારે રાજાએ કોટવાલને કહ્યું : ‘ફલાણી જગ્યાએ એક મોચી રહે છે તેને બોલાવો!’

    મોચી આવ્યો એટલે રાજાએ એને કેડે તલવાર બંધાવી અને એને કચેરીના ઝાંપે ચોકી કરવા બેસાડ્યો. સૂચના આપી કે એને પગારબગાર કંઈ આપશો નહિ.

    આખો દિવસ મોચીએ કચેરીની ચોકી કરી. તે પછી કચેરી બંધ થતાં એ ઘેર ગયો ત્યારે એનું મન ઉદાસ હતું. એની પાસે એક કાણી કોડી નહોતી. પોતાનું ને ઘરનાંનું પેટ કેવી રીતે ભરવું?

    એની સ્ત્રીએ કહ્યું : ‘એક દિવસ ખાવાનું ન મળ્યું તો એમાં દુઃખી શા સારુ થવું? અગિયારસ કરી છે એમ સમજવાનું? ઘણા તો અઠવાડિયાના ને મહિનાના ઉપવાસ કરે છે!’

    મોચીએ કહ્યું : ‘વાત તો ખરી!’

    આમ કહી એ વખત કાઢવા, એક લાંબી લાકડી છોલવા બેઠો. એકાએક એને કંઈ સૂઝી આવ્યું. તલવારની પેઠે એણે એ લાકડીની ધાર કાઢી, પછી એના પર મૂઠ બેસાડી. નાનકડી લાકડાની તલવાર બની ગઈ. પછી રાજાએ બંધાવેલી તલવારને મ્યાનમાંથી કાઢી એની જગાએ એણે આ લાકડાની તલવાર ગોઠવી દીધી ને દોડતો લુહારને ત્યાં જઈ રાજાની તલવારને વેચી આવ્યો ને એના પૈસામાંથી ખાવાનું લઈ આવ્યો.

    મોચી ઘરમાં આરામથી ખાવા બેઠો હતો ત્યાં વેશપલટો કરીને રાજા આવી. પહોંચ્યો. મોચીએ એને ઉમળકાથી બોલાવ્યો ને કહ્યું : ‘દોસ્ત, આજે સરસ ખાવાનું છે!’

    રાજાએ કહ્યું : ‘દુકાનમાં બહુ કમાયા લાગો છે!’

    મોચીએ કહ્યું : ‘આપણો રાજા સાવ બેવકૂફ છે. આજે મને એણે કેડે તલવાર બંધાવી એની કચેરીની ચોકી કરવા બેસાડી દીધો! એક પૈસો મળ્યો નહિ!’

    રાજાએ કહ્યું : ‘તો આ ફક્કડ ખાવાનું ક્યાંથી?’

    હસીને મોચીએ કહ્યું : ‘રાજાની તલવાર મ્યાનમાંથી કાઢી વેચી દીધી ને આ બધું લઈ આવ્યો. જુઓ, હવે મ્યાનમાં મેં લાકડાની તલવાર નાખી છે. આમે તલવાર તો શોભા સારુ કેડે લટકાવવાની હોય છે ને? રાજા કંઈ મને તલવારથી કોઈનું માથું કાપવાનું તો નથી જ કહેવાનો!’

    આમ કહી એ હસ્યો. રાજા પણ હસ્યો.

    આજે પણ રાજા મોચીને ત્યાં જમ્યો. હવે એને એક નવો તુક્કો સૂઝ્યો હતો. બીજે દિવસે સભા ભરાઈ ત્યારે એણે સભામાં પ્રશ્ન કર્યો : ‘તલવારના એક જ ઝાટકે માણસનું માથું કપાય ખરું?’

    બધાએ કહ્યું : ‘કપાય!’

    ત્યારે રાજાએ કહ્યું : ‘ઝાટકો દેનારો માણસ જોરાવર હોવો જોઈએ, નહિ?’

    બધાએ કહ્યું : ‘ના રે, આપણા નવા દરવાન જેવો કોઈ સાધારણ માણસ પણ એ કરી શકે.’

    રાજાએ તરજ નવા દરવાન મોચીને બોલાવ્યો, ને પછી કોટવાલને હુક્મ કર્યો : ‘રસ્તે જતા કોઈ માણસને પકડી લાવો!’

    કોટવાલને તો કહે એટલી વાર! તરત જ રસ્તે જતા એક માણસને એ પકડી લાવ્યો અને એને રાજાની આગળ રજૂ કર્યો. હવે રાજાએ મોચીને હુક્મ કર્યો : ‘તારી કેડે બાંધેલી તલવારથી આ માણસનું માથું કાપી નાખ! જો તું એક જ ઝાટકે એ કરી શકશે તો હું તને ભારે ઇનામ આપીશ!’

    મોચીએ હાથ જોડી કહ્યું : ‘મહારાજ, રસ્તે જતા માણસે કંઈ ગુનો કર્યો નથી, અને ગુનો કર્યો હોય તો આપ એને ક્ષમા કરો!’

    રાજાએ ગુસ્સો કરી કહ્યું : ‘ચૂપ! હું ઉપદેશ નથી માગતો, મારા હુક્મનો અમલ માગું છું. ખેંચ તલવાર અને ઉડાવી દે એનું માથું!’

    મોચીએ આકાશ ભણી જોઈ હાથ જોડી કહ્યું : ‘હે ભગવાન, જો આ માણસ નિર્દોષ હોય તો મારી તલવાર લાકડાની બની જજો!’

    આમ કહી એણે મ્યાનમાંથી તલવાર ખેંચી! આખી સભા સ્તબ્ધ બની ગઈ. જોયું તો મોચીની તલવાર લાકડાની બની ગઈ હતી! પુરોહિતે ઊભા થઈ સંસ્કૃતમાં શ્લોક લલકારી કહ્યું : ‘ચમત્કાર! ચમત્કાર! ભગવાનની લીલાનો આ પ્રત્યક્ષ પરચો છે!’

    આખી સભાએ આ પરચાને તાળીઓથી વધાવી લીધો. રાજા તો તલવારનો ભેદ જાણતો હતો. એ હસ્યો. એણે મોચીને એક હજાર સોનામહોરો ભેટ આપી અને કહ્યું : ‘દોસ્ત, તમને કંઈ ભેટ આપવાની મારી હિંમત નથી, પણ તમારી રોજિંદી શ્રમની કમાઈમાં તમે અજાણ્યા અતિથિનો ભાગ રાખો છો ને આનંદથી દિવસ ગુજારો છો એ જોઈ હું ખુશ છું. તમારા હાથે મારું થોડું ધન એમાં વપરાશે તો હું મને ધન્ય સમજીશ!’

    હવે મોચીએ રાજાને ઓળખ્યો. તેણે કહ્યું : ‘મહારાજ, ભૂલેચૂકે મારાથી કંઈ અછાજતું બોલાઈ ગયો હોય તો મને માફ કરજો!’

    રાજા સિંહાસન પરથી ઉતરી પડી મોચીને ભેટી પડ્યો.

સ્રોત

  • પુસ્તક : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023