Karsan Ane Kabutar - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરસન ને કબૂતર

Karsan Ane Kabutar

ચંદ્રશંકર મ. ભટ્ટ ચંદ્રશંકર મ. ભટ્ટ
કરસન ને કબૂતર
ચંદ્રશંકર મ. ભટ્ટ

    (૧)

    સવાર પડે ને કરસન દાણા વેરે. દાણા વેરે ને કબૂતર ચણ ચણવા આવે.

    કરસન કાંઈ આજકાલનો દાણા નહોતો વેરતો. એ તો છેક નાનો છોકરો હતો ત્યારથી જ એનો એ રોજનો નિયમ હતો. ચાળીશ વરસથી એણે અખંડ રીતે એ નિયમ પાળ્યો હતો.

    વરસાદની હેલીમાં, શિયાળાની કડકડતી ટાઢમાં ને ઉનાળાના સખ્ત તાપમાં કરસન મજૂરીએ જતો. એમાંથી પોતાનું પેટ ભરતો અને કબૂતરને ચણ ચણાવતો.

    કરસનનું કોઈ સગું જીવતું નહોતું. માબાપ તો છેક નાનપણમાં જ મરી ગયેલાં; એક દીકરાને મૂકી તેની સ્ત્રી મરી ગઈ હતી ને તેને વરસ ન વીત્યું ત્યાં દીકરોય મરી ગયો હતો.

    ત્યારે કરસન એકલો હતો?

    ના રે ના! ડોક ફુલાવી ઘૂ ઘૂ ઘૂઘવતાં પારેવાં કહેતાં કે, “અમે એનાં સગાં છીએ; એ અમારો ભેરુ છે. કરસન કાંઈ એકલો નથી.”

    સાચે જ. એટલાં બધાં પારેવાંનો ભેરું કાંઈ એકલો ગણાય?

    બધાં પારેવાંને કરસન ઓળખે. ઘરડાંને ઓળખે ને જુવાનનેય ઓળખે. તેમનાં બચ્ચાંને તો એ ખાસ ઓળખે.

    કોઈ પારેવું નવું આવે ત્યારે કરસન તેને વહાલથી બોલાવે, તેની તરફ દાણા નાખે ને તેને એક ઘડીમાં હેળવી દે.

    પણ કોઈ કબૂતર મરી જાય તો કરસનનો જીવ કપાઈ જાય. એને થઈ જાય જાણે કુટુંબનું કોઈ નજીકનું સગું જ મરી ગયું!

    આમ, કરસનને કબૂતર વિના ઘડી ન ગોઠતું ને કબૂતરને કરસન વિના નહોતું ગોઠતું.

    સૂરજ ભગવાને આમ કેટલાય દિવસ સુધી કરસન ને કબૂતરનાં હેત નજરે જોયાં.

    (૨)

    એક વાર તે દેશના રાજાનો સેનાપતિ ત્યાં થઈને નીકળ્યો, તેણે રૂપાળાં કબૂતર દીઠાં; તાજાં ને રૂપાળાં પારેવાં જોઈ એની દાઢ સળકી!

    પણ કરસન સેનાપતિનું પાપ સમજી ગયો હતો. નિરાંતે ચણતાં છેલ્લાં છેલ્લાં કબૂતરનેય એણે ઇશારો કર્યો ને ફડ ફડ કરતાં કબૂતર ઊડી ગયાં.

    સેનાપતિ ખિજાયો.

    “અરે! કોઈ હાજર?”

    “જી હજૂર!’

    “આ ગામડિયાને પકડો. એક રૂપાળું પારેવું પકડી આપે તો જ છોડજો, નહીં તો કેદમાં નાખજો.”

    પકડાઈ જવાની હા, કેદમાં જવાની હા, ભૂખે મરવાની હા, પણ વહાલાં પારેવાનું એક પીછુંય પકડી આપવાની સાફ ના.

    સેનાપતિને શું? એણે તો બાપડા કરસનને નાખ્યો કેદમાં.

    (૩)

    પણ પેલાં પારેવાનું શું? કરસનની ખાલી ઝૂંપડીને ખૂણે ખૂણે એ બીચારાં ફરી વળ્યાં, ખેતરે ખેતરે જોઈ વળ્યાં, ઘાટે ઘાટે ઊડી આવ્યાં, પણ કરસન ન દેખાયો. ને કરસન ન દેખાય તો પારેવાં જંપે શેનાં?

    છેવટ તેમણે કરસનને કેદખાનામાં ખોળી કાઢ્યો!

    અરેરે! માનવી તે કાંઈ માનવી! મેના પોપટને પિંજરે પૂરે એ તો જાણે ઠીક, પણ પોતાના જ જાતભાઈને પિંજરે પૂરે? આ તે સેનાપતિ કેવા? ને રાજાય કેવા?

    ભૂખ્યાં-તરસ્યાં કબૂતર ટળવળે છે, ત્યાં એમના મુખીને થયું, “ચાલોને રાજાજી પાસે જઈએ.”

    રાજમહેલના ચોગાનમાં ભૂખ્યાં-તરસ્યાં પારેવાં જમીન ઉપર પથરાયાં; આમ કરીને ડોક નાખી, આમ કરીને પગ નાખ્યા, જાણે દાદ માગતાં હોય!

    રાણીને દયા આવી. રાજાને દયા આવી.

    રાજારાણીએ તપાસ કરી તો કરસનની વાત મળી.

    રાજાએ કરસનને છોડાવ્યો. કરસનને લઈ કબૂતર પાછાં વળ્યાં.

    (૪)

    એક વાર દુશ્મનનાં રાજાજી પર ચડી આવ્યાં.

    રાજા કહે, “સેનાપતિ, જાઓ, હમણાં ને હમણાં દુશ્મનોને મારી હઠાવો.”

    પણ સેનાપતિએ ઢોંગ કર્યો, “મહારાજ, દુશ્મન આપણો હરાવ્યો હારે એમ નથી, ને મારું શરીર સારું નથી.”

    રાજાજી કહે, “તો હું પંડે ચડીશ. એક ઘડીમાં દુશ્મનને મારી હઠાવીશ.”

    ડંકા ગડગડ્યા ને નિશાન ફરફર્યાં. રાજાજી યુદ્ધે જવા તૈયાર થયા.

    ત્યાં કરસન આવી પહોંચ્યો.

    “મહારાજ, આપે મને છૂટો કર્યો હતો, તો આજ એક વાર આપની સેવા કરવા દો – આપને બદલે મને યુદ્ધે ચડવા દો.”

    રાજા હસ્યા, પણ તોય કહે, “ઠીક, આ લશ્કર લઈ જાઓ.”

    “ના મહારાજ, મારે મારું લશ્કર તૈયાર જ છે.”

    “એમ?”

    દુશ્મનો સવારમાં આંખ ઉઘાડે ત્યાં તો આખી છાવણીમાં પારેવાં! પારેવાં! જબરાં ને જોરાવર!

    સૈનિકો હાથમાં બન્દૂક પકડે ત્યાં તો બધાં કબૂતર મંડ્યાં, તે બધાના ફેંટા ઉપાડ્યા ને પાંખ ફફડાવી ઊડ્યાં તે આજની ઘડી ને કાલનો દિવસ!

    વહેમી સૈનિકો તો ગભરાયા. ગભરાયા તે એવા ગભરાયા કે લડવાનું કોરે મૂકી નાઠા ઘર ભણી!

    કરસન ને બધાં કબૂતર જીત મેળવી ગયાં રાજાજી પાસે.

    (૫)

    “વાહ, કરસન, વાહ! હવે એક કામ કર. આ મારી વાડીમાં રૂપાળાં પારેવાંને મોકલ; પછી માગે તે આપું.”

    “ભલે મહારાજ, પણ એક શરત. આપે કોઈ વાર બન્દૂક લઈ વાડીમાં નહીં જવાનું પણ લેવું પડશે.”

    રાજાએ વિચાર કર્યો, “વાડીમાં જો કલ્લોલ થતો હોય તો બસ.”

    “ભલે, બન્દૂક નહીં લઈ જાઉં.”

    “તો કાલ સવારથી કબૂતર આ વાડીમાં કલ્લોલ કરશે.”

    બીજી સવારે વાડીમાં પારેવાં કલ્લોલ કરવા લાગ્યાં!

    પણ હજીય કરસન તેમને રોજ પોતાની મજૂરીના દાણા ખવરાવે છે, પારેવાં પેટ ભરીને એ ચણ ચણે છે.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020