રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદેશ પર બાળવાર્તાઓ
દેશની સંકલ્પના મુખ્યત્વે
બે કોણથી આકાર લે છે. ભૌગોલિક વિગત અને ઐતિહાસિક–સંવેદનાત્મક સંદર્ભ. જ્યારે દેશ પર અન્ય વિદેશી સત્તાનું શાસન હોય ત્યારે દેશની ગુલામ અવસ્થા દેશની ચિંતા, દેશની આઝાદી બાબત વિચારવા, સક્રિય થવા પ્રેરે છે જે દેશપ્રેમમાં ગણાય છે. દેશ જ્યારે કોઈ બાહરી પરિબળના અંકુશમાં દુઃખી ન થતો હોય અને આંતરિક સમસ્યાઓથી પીડાતો હોય એ સ્થિતિમાં પણ દેશની વ્યથા અનુભવનાર દેશપ્રેમીઓ હોય છે. એવી અનેક બાબત અને ક્ષેત્ર છે જે વ્યક્તિગત હોવા છતાં દેશના નામે થાય છે અને તેનું ગૌરવ કે નાલેશી દેશના નામે ચઢે – જેમકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશના પ્રતિનિધિઓ દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિ રમતગમત, કળા, સામાજિક કે રાજકીય ક્ષેત્રે હોઈ શકે. પોતાના ભૌગોલિક સંસ્કાર અને પરંપરા બાબત જનસામાન્ય અત્યંત સંવેદનશીલ હોય છે જે દેશની સંકલ્પનાને એક ભાવનાત્મક આવરણ આપે છે. કેમકે દેશ એ વ્યક્તિની ઓળખનો એક હિસ્સો છે. આ સિવાય તળપદી બોલીમાં ગામને ‘દેશ’ કહેવાય છે. મોટાભાગની જનતા માટે આધુનિક સમય અગાઉ શહેર જીવનનો હિસ્સો ન હતું. લોકો ગામમાં જ જન્મતા, ઉછરતા, પોતાની ક્ષમતા અનુસાર આજીવિકા રળતાં. ધીમે ધીમે શિક્ષણ કે નોકરી માટે લોકો ગામડેથી નીકળી શહેર જવા માંડ્યા. પણ ઘણા લાંબા સમય સુધી શહેર ભણતર કે આવક માટેના સ્રોત તરીકે જ ગણાતું. મુખ્ય જીવન તો ગામડામાં જ લોકો અનુભવતા. અને તેથી ગામ જ એમના માટે દેશ હતું. બીજા શબ્દોમાં શહેર પરાયું લાગતું અને ગામ પોતીકું. ગામને ‘દેશ’ સંબોધતી વેળા અપરોક્ષપણે શહેર એમને મન ‘પરદેશ’ રહેતું.