Kahyu Kashu Ne Samajya Kashu - Children Stories | RekhtaGujarati

કહ્યું કશું ને સમજ્યાં કશું

Kahyu Kashu Ne Samajya Kashu

હુંદરાજ બલવાણી હુંદરાજ બલવાણી
કહ્યું કશું ને સમજ્યાં કશું
હુંદરાજ બલવાણી

                એક રાજા હતો. રાજાનો એવો નિયમ કે દર છ મહિને એના બધા સૈનિકોને મળે અને એમનાં ખબરઅંતર પૂછે. આવી મુલાકાત વખતે રાજા દરેક સૈનિકને ત્રણ સવાલ પૂછે : તારી ઉંમર કેટલી? તને સૈન્યમાં દાખલ થયે કેટલો વખત થયો? તને ખોરાક અને કપડાં બરાબર મળે છે ને? રાજા દરેક સૈનિકને આ જ ત્રણ સવાલ પૂછે ને આ જ ક્રમમાં પૂછે. હવે થયું એવું કે રાજાનો સૈન્યની મુલાકાત લેવાનો સમય થવા આવ્યો હતો એ વખતે એક યુવાન સૈન્યમાં ભરતી થયો. ટુકડીના નાયક પર ચિઠ્ઠી લખીને નાયકના એક મિત્રે આ યુવાનને મોકલ્યો હતો. એ વખતે સેનાપતિ બહારગામ ગયા હતા. સેનાપતિ આવશે એટલે એને વાત કરી દઈશ એવું વિચારી નાયકે એ યુવાનને સૈન્યમાં દાખલ કરી દીધો. હવે આ યુવાન બીજા પ્રાંતમાંથી આવતો હતો. એને આ પ્રાંતની ભાષા બિલકુલ આવડે નહિ. બીજી બાજુ રાજાની મુલાકાતનો સમય થવા આવ્યો હતો. સેનાપતિ હજુ બહારગામથી આવ્યા નહોતા. નાયક મૂંઝાયો – હવે શું કરવું? બહુ વિચાર કરીને એણે એક ઉપાય શોધી કાઢ્યો. પેલા યુવાનને એણે ત્રણ જવાબો એ પ્રાંતની ભાષામાં ગોખાવવા માંડ્યા. રાજા પહેલો સવાલ પૂછે અને સવાલ પૂછીને જેવા અટકે કે પેલા યુવાને ફટ દઈને ‘બાવીસ વરસ’ એવો જવાબ આપવાનો. એ જ રીતે બીજો સવાલ પુછાય ત્યારે ‘પંદર દિવસ’ એવું કહેવાનું ને ત્રીજો સવાલ પુછાય ત્યારે ‘બેય પૂરતા પ્રમાણમાં’ એમ કહેવાનું. પેલો યુવાન તો આ ત્રણેય જવાબો માંડ્યો ગોખવા, માંડ્યો ગોખવા! રાજાની મુલાકાતનો દિવસ આવ્યો ત્યાં સુધીમાં તો આ ત્રણે જવાબો એને સાવ મોઢે થઈ ગયા.

 

                રાજાની મુલાકાતનો દિવસ આવ્યો. નાયકની ટુકડીનો  વારો આવ્યો.

 

                રાજા બધાને ત્રણ સવાલો પૂછતા જાય કે ને બધા સૈનિકો ફટફટ જવાબો આપતા જાય છે. એમ કરતાં આ પરપ્રાંતના યુવાન સૈનિકનો વારો આવ્યો. હવે કોણ જાણે શું થયું, પેલા યુવાનનો વારો આવ્યો ને રાજાએ સવાલનો ક્રમ સહેજ ઊલટાવી દીધો. પહેલો સવાલ ઉંમર વિશે પૂછવાનો હતો એને બદલે રાજાએ પેલા યુવાનને પૂછ્યું, “તને સૈન્યમાં દાખલ થયે કેટલો વખત થયો?” હવે પેલા યુવાન માટે તો ગોખણપટ્ટી ઝિંદાબાદવાળી વાત હતી. એણે તો ફટ કરતું કહી દીધું, “બાવીસ વરસ.” રાજા તો આ યુવાનનો ઉત્તર સાંભળીને સડક થઈ ગયો. એ પોતે હજુ દસ વરસથી જ ગાદીએ બેઠો હતો. એ પહેલાં એના પિતા રાજ્ય કરતા હતા. સૈનિકોની મુલાકાત લેવાનો ક્રમ એના પિતાના વખતથી ચાલતો આવતો હતો. એના પિતા સૈનિકોની મુલાકાત લેતા ત્યારે પણ એ પિતા સાથે આવતો હતો. એ વખતે એણે આ યુવાન સૈનિકને ક્યારેય જોયો નહોતો. પોતે રાજા થયો ત્યારે પણ એણે સૈનિકોની મુલાકાત લેવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. આ દસ વરસમાં પણ એણે ક્યારેય આ સૈનિકને જોયો નહોતો. વળી સૈન્યમાં દાખલ થવા માટેની ઓછામાં ઓછી ઉંમર વીસ વરસ નક્કી કરવામાં આવી હતી. આ સૈનિક જો બાવીસ વરસથી સૈન્યમાં હોય તો એની ઉંમર ઓછામાં ઓછી બેતાળીસ વરસની હોય. આ તો હજુ સાવ યુવાન હતો. રાજાના મનમાં કશી વાત બેઠી નહિ. યુવાન સૈનિકે જવાબ આપવામાં ભાંગરો વાટ્યો એથી પેલા બિચારા નાયકના તો મોતિયા મરી ગયા. પણ શું કરે? રાજાએ બીજો સવાલ પૂછ્યો : “તારી ઉંમર કેટલી?” પેલાએ તો જવાબ જીભને ટેરવે જ રાખેલો ફટ દઈને કહી દીધું : “પંદર દિવસ!” રાજા તો આ સાંભળી ધૂંઆપૂંઆ થઈ ગયો. એને થયું કે આ સૈનિક મારી મજાક ઉડાવે છે. ગુસ્સે થઈને રાજા બોલ્યો, “કાં તો હું મૂર્ખ છું કાં તો તું મૂર્ખ છે!” પેલા યુવાન સૈનિકે બાપડે ભોળા ભાવે કહી દીધું, “બેય પૂરતા પ્રમાણમાં.” હવે તો રાજાનું મગજ ફાટીને ધુમાડે ગયું. એણે મ્યાનમાંથી તલવાર કાઢી. સૈનિક બિચારો શિયાવિયા થઈ ગયો. નાયક રાજાના પગમાં આળોટી પડ્યો ને પેટછૂટી સઘળી વાત કરી દીધી. યુવાનનો બિચારાનો કશો વાંક નથી એવી સ્પષ્ટતા કરી. યુવાનને માફી આપવા કાલાવાલા કર્યા. આ સાંભળી રાજાનો ગુસ્સો ઊતરી ગયો. યુવાનના જવાબો એને ફરી યાદ આવ્યા. આ જવાબો યાદ આવતાં રાજા હસી-હસીને ઢગલો થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014