રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅંધેરનગરીના હબુજી રાજા એટલે વાહ ભાઈ વાહ.
ધરતીના પડ ઉપર અંધેરનગરી જેવી કોઈ નગરી નહિ તે હબુજી જેવો કોઈ રાજા નહિ. નગરીમાં બસ એકલા મૂરખ લોકો જ વસે, પણ એમાં હબુજી જેવો મૂરખ કોઈ નહિ.
હબુજીના પ્રધાન ગબુજી પણ એવા જ!
મૂરખના સરદારો તરીકે હબુજી ને ગબુજીનું નામ પહેલું આવે. દુનિયાભરમાં બેવકૂફોની હરીફાઈ ગોઠવવામાં આવે તો હબુજી જીતે કે ગબુજી તે કોઈ ન કહી શકે.
આવા રાજા,
ને આવા પ્રધાન!
એક વખત અંધેરનગરીમાં એક સાધુ મહાત્મા આવ્યા. સાધુજી બડા ચમત્કારવાળા. વાત એવી રીતે કરે કે સાંભળનારના મનમાં ઠસી જાય.
સાધુજીનો ઉપદેશ સાંભળવા અંધેરનગરીના લોકોએ પડાપડી કરી મૂકી. ગધેડા ઉપર બેસવાની વાતને અંધેરનગરીમાં મોટું માન ગણવામાં આવતી હતી, લોકોએ સાધુ મહારાજને ગધેડા ઉપર બેસાડીને તેમને આખી નગરીમાં ફેરવ્યા.
સાધુજી દંગ થઈ ગયા.
આખી દુનિયામાં સાધુજી ફર્યા હતા પણ આવું માન તેમને કોઈ જગ્યાએ મળ્યું ન હતું. અંધેરનગરીના લોકોની અક્કલ ઉપર સાધુજી વાહવાહ બોલી ઊઠ્યા.
હબુજી રાજાને કાને સાધુજીની વાત આવી.
હબુજી કહે : “ઓત્તારી, આવા મોટા મહાત્મા અમારા રાજમાં આવ્યા હોય અને તેમને મળવા પણ ન જઈએ તે ઘણું ખરાબ કહેવાય, ગબુજી....”
ગબુજી બોલ્યા : “જી....”
હબુજી કહે : “આપણી પાલખીઓ તૈયાર કરાવો. અબી ને અબી આપણે સાધુજીનાં દર્શન કરવા જઈશું.”
ગબુજી દોડ્યા.
ઝપાટાબંધ પાલખીઓ તૈયાર કરાવી દીધી.
હબુજી ને ગબુજી બેય સાધુનાં દર્શન કરવા ચાલ્યા.
સાધુ મહારાજ ત્યારે સમાધિમાં બેઠા હતા, હબુજી ને ગબુજી તેમની સામે ગયા. હબુજી કહે : “ગબુજી....”
ગબુજી બોલ્યા : “જી, રાજાજી!”
હબુજી કહે : “આ મહાત્મા તો બેઠાં બેઠાં ઊંઘે છે. અરરર! એમને બિચારાને સૂવાનો પણ વખત મળ્યો નહિ હોય. બેઠાંબેઠાં ઊંઘ આવી ગઈ હશે.
ગબુજી કહે : ‘શું કરીશું?”
હબુજી બોલ્યા : “આપણે એમને સુવાડી દઈએ. તમે પગ પકડો ને હું માથું પકડું છું.”
ગબુજીએ સાધુજીના પગ પકડ્યા. હબુજીએ પકડ્યા હાથ.
પણ હા, મહાત્માજી સમાધિમાં હતા, તેમના હાથ અક્કડ થઈ ગયા હતા ને મુઠ્ઠીઓ વળી ગઈ હતી. હબુજીને હાથ પકડતાં ફાવ્યું નહિ.
હબુજી કહે : “હાથ પકડાતા નથી.”
ગબુજી બોલ્યા : “કંઈ વાંધો નહિ. દાઢી પકડો.”
હબુજીને વાત ગમી ગઈ.
ખીખી કરતા હસ્યા.
હબુજી હસીને કહે : “સંત મહાત્માઓ આ કારણથી જ દાઢી રાખે છે. હાથ ન પકડાય તો દાઢી પકડતાં ફાવે!”
હબુજીએ મહાત્માની દાઢી પકડી.
બેઉએ થઈને મહાત્માજીને સુવાડી દીધા.
મહાત્માજીને સમાધિ લાગી ગઈ હતી. સમાધિમાં એવું દેખાતું હતું કે પોતે જાણે સ્વર્ગલોકના દ્વાર પાસે પહોંચી ગયા છે ને જમદૂતો પોતાને અંદર લઈ જવા માટે ખેંચાખેંચી કરી રહ્યા છે.
એક જમદૂતે હાથ પકડ્યો છે, ને બીજાએ દાઢી પકડી છે.
બસ, એક દો ને તીન કહીને બેઉએ ખેંચાખેંચી શરૂ કરી દીધી.
આ ઘડીએ જ હબુજીએ દાઢી પકડીને મહાત્માજીને સુવાડી દીધા. મહાત્માજીએ ગભરાઈ જઈને ચીસ પાડી.
આંખ ઉઘાડી તો સામે હબુજી ને ગબુજી ઊભેલા.
મહાત્માજી હજુ અડધાપડધા સમાધિમાં જ હતા.
બે હાથ જોડીને કહે : “અમારે સ્વર્ગમાં નથી આવવું. અમને છોડી દો.”
હબુજી ખીખી કરતા હસ્યા.
ગબુજી ફીફી કરતા હસ્યા.
હબુજીએ સાધુજીના ડાબા ગાલ ઉપર ટપલી લગાવી, ગબુજીએ જમણા ગાલ ઉપર ટપલી લગાવી.
હબુજી કહે : “સાધુજી, તમે જાગી ગયા?”
ગબુજી કહે : “અડધા જાગ્યા છો કે પૂરા?”
સાધુજીની સમાધિ છૂ થઈ ગઈ. સાધુજી બેઠા થઈ ગયા. કહે તમે લોકો કોણ છો?”
હબુજી સાધુને પગે લાગ્યા. હબુજી કહે : “અમે આ નગરીના રાજા છીએ.”
ગજુબી બોલ્યા : “અમે અંધેરનગરીના પ્રધાન છીએ.”
હબુજીએ કહ્યું : “તમારાં દર્શન કરવા અમે આવ્યા છીએ. અમને ઉપદેશ આપો.”
સાધુજીને ઘણો આનંદ થયો. રાજા અને પ્રધાન જાતે ઉપદેશ લેવા આવ્યા તેથી સાધુજી રાજી થઈ ગયા.
સાધુજી કહે : “બચ્ચા, તું અહીંનો રાજા છે?”
હબુજી બોલ્યા : “હા મહાત્માજી!”
મહાત્મા કહે : “તો તારે પરોપકાર કરવો. કોઈ દુઃખી માણસ હોય તેને મદદ કરવી. પડેલાને ઊભો કરવો અને ડૂબતો હોય તેને બચાવવો. જગતમાં પરોપકાર જેવું પુણ્ય નથી. કોઈને મદદ કરીશ તો પ્રભુ સ્વર્ગમાં સ્થાન આપશે.”
હબુજી કહે : “ઓહો! આવા પરોપકાર તો અમે રોજ કરી શકીએ, પ્રધાનજી...!”
ગબુજી બોલ્યા : “જી, રાજાજી!”
હબુજી કહે : “કાલથી રોજ દસ માણસોને પકડીને તળાવમાં નાખવાનો કોટવાલને હુક્મ કરજો. અમે રોજ એ દસ માણસોને બચાવીશું. એકીસાથે દસ પરોપકાર કરીશું.”
મહાત્માજી ચમક્યા. કહે : “આવો પરોપકાર કરશો નહિ. કોઈ તેની મેળે ડૂબતું હોય તો તેને બચાવજો અને કોઈ તેની મેળે પડ્યું હોય તો તેને બેઠું કરજો. આમ કરશો તો પુણ્ય મળશે પણ તમે કોઈને ડુબાવીને બચાવવા નીકળશો તો ઊલટાનું પાપ થશે.”
હબુજી બોલ્યા : “ભલે! ગબુજી, અમારો હુક્મ અમે પાછો ખેંચી લઈએ છીએ.”
મહાત્માજી કહે : “હવે અમે પ્રધાનજીને પણ ઉપદેશ આપીએ.”
ગબુજી બોલ્યા : “આપો જરૂર આપો.”
મહાત્માજી કહે : “પરોપકારના કામમાં મદદ કરવાનું પણ મોટું પુણ્ય છે. રાજાને સારા કામમાં મદદ કરે તો સારો પ્રધાન ગણાય. તમે હબુજી રાજાને પરોપકારનાં કામોમાં મદદ કરજો. પ્રભુ તમને પણ સ્વર્ગમાં લઈ જશે.”
ગબુજી કહે : “વાહ વાહ! તો તો બડી મજા પડશે! અમે જરૂર રાજાજીને પરોપકારમાં મદદ કરીશું.”
મહાત્માજી રાજી થયા.
હબુજી ને ગબુજી મહાત્માજીને પગે લાગીને ચાલ્યા આવ્યા મહેલમાં.
હબુજી આરામથી સિંહાસન ઉપર બેઠા. કહે : “ગબુજી! આ તો ઘણી મજાની વાત થઈ. આટલા દિવસ આપણે ભારે મૂરખાઈ કરી છે.”
ગબુજી બોલ્યા : “જી! ખરી વાત છે.”
હબુજીએ કહ્યું : “આપણે પરોપકારનું એક પણ કામ નથી કર્યું તેનાથી મોટી મૂરખાઈ બીજી કઈ હોય? હવે કાલથી જ આપણે બેઉ નગરચર્ચા જોવા નીકળીશું પરોપકારનું કંઈ કામ કરવા જેવું હોય તમે અમને જરૂરથી કહેજો.”
આમ મહાત્માજીની શિખામણ બેઉના મનમાં ઊતરી ગઈ.
પરોપકાર કરવાનું નક્કી કરી લીધું.
બીજા દિવસની વાત.
હબુજી રાજા ને ગબુજી પ્રધાન વેશ બદલીને નગરચર્ચા જોવા નીકળ્યા. કોઈએ હબુજીને કહેલું કે રાજા બીજું કંઈ ન કરે અને નગરચર્ચા જુએ તોપણ રૈયત સુખી થાય છે. રાજાજીના મનમાં આ વાત ઊતરી ગઈ હતી તેથી તે રોજ વેશ બદલીને અંધેરનગરીમાં ફરવા નીકળતા હતા. સાથે ગબુજીને પણ રાખતા હતા.
આવી જ રીતે રાજાજી ને પ્રધાન બેઉ ચાલ્યા.
હબુજીએ ગબુજીને કહી રાખેલું કે બરાબર ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ પરોપકાર કરવા જેવું લાગે તો અમને જણાવજો, જો એમ કરવામાં ભૂલ કરશો તો અમારી તલવાર ને તમારું ડોકું! એક જ ઝાટકે ખલાસ કરી નાખીશું!
રાજાજીએ આમ કહેલું એટલે ગબુજી ધ્યાન રાખીને ચાલતા હતા. રાજાજીને પરોપકાર કરવાની તક ક્યાં મળે એમ છે તે જોતાં જોતાં ગબુજી આગળ ચાલતા હતા.
ચાલતાં ચાલતાં એક જગ્યાએ એક ભિખારી પડેલો જણાયો.
આ ભિખારી પગે લંગડો હતો. બડો ઢોંગી ને કપટી હતો. આખો દિવસ રસ્તા ઉપર પડી રહેતો હતો ને દયામણું મોં કરીને ભીખ માગ્યા કરતો હતો. કામકાજ કરવાનો આળસુ હતો. ભિખારીને ભીખના મફતિયા મલીદા ખાવાની ટેવ પડી ગઈ હતી.
આ ભિખારી એમ સૂતોસૂતો ભીખ માગતો હતો ત્યાં જ હબુજી ને ગબુજી તેની પાસે થઈને નીકળ્યા.
ભિખારી ઉપર નજર પડી કે હબુજી રાજા ઊભા રહ્યા. આંખો ફાડીને ભિખારીની સામે જોવા લાગ્યા.
ભિખારીને થયું કે હં, આ કોઈ બડો શેઠિયો છૂપા વેશમાં ફરવા નીકળ્યો છે. આપણે રડતાંરડતાં ભીખ માગીશું તો એકાદ સોનામહોર તો આપી જ દેશે!
આવો વિચાર કરીને ભિખારી રડવા જેવા અવાજે બોલ્યો : “લંગડાલૂલાને કંઈક આપો, મા-બાપ!”
હબુજી ભિખારીની સામે જ તાકી રહ્યા હતા. તે કહે : ગબુજી...!”
ગબુજી બોલ્યો “જી...!”
હબુજી કહે : “આ માણસ પડી ગયેલો લાગે છે!”
ગબુજીએ ભિખારીને પૂછ્યું : “એલા એય, તું પડી ગયેલો છે?”
ભિખારી આ સવાલથી રાજી થયો. તે રડતાંરડતાં કહે : “હું પડી ગયેલો જ છું. લૂલો છું ને લંગડો છું! મારાથી ચલાતું નથી તેથી આખો દિવસ રડ્યા કરું છું!”
હબુજી બોલ્યો : “ગબુજી આ માણસ પડેલો છે. અમને પરોપકારમાં મદદ કરવાનું મહાત્માજીએ તમને કહ્યું છે. હવે તમે મદદ કરો. પડેલાને ઊભો કરવાનું કરો.”
ગબુજીને આ વાત ગમી.
ગબુજી કહે : “રાજાજી, પરોપકાર કરો! આ માણસ પડ્યો છે તેને ઊભો કરો!”
હબુજી રાજાએ ઘડીનાય વિલંબ વિના પરોપકાર કર્યો.
લૂલા લંગડાને ખભેથી પકડીને ઝાટકો માર્યો. લંગડો ભિખારી હાથ લાંબા કરીને પડ્યો હતો. હમણાં આ લોકો પરોપકાર કરશે ને હાથમાં એકાદ સોનામહોર મૂકી દેશે તેવો વિચાર લંગડો કરતો હતો ને ત્યાં જ એનો હાથ પકડીને હબુજીએ ખેંચ્યો.
લંગડો સીધો ને સીધો ઊભો જ થઈ ગયો.
આમ કહીને હબુજીએ લંગડાને ખભેથી પકડીને ખેંચ્યો. લંગડો ગભરાઈને ચીસો પાડવા લાગ્યો.
હબુજીએ લંગડાનો હાથ પકડીને ખેંચ્યો. ગબુજીએ પાછળથી એક ધક્કો દીધો.
લંગડો પાછો ઊભો થઈ ગયો.
હબુજી રાજા કહે : “હં! હવે બરાબર હવે ચાલ જોઈએ!”
ગબુજી કહે : “હા, હા! હવે તું ચાલ એટલે અમારો પરોપકાર સફળ થઈ જાય!
આમ કહીને ગબુજીએ લંગડાને ફરીથી જરા હડસેલો માર્યો. લંગડો બે ગુલાંટ ખાઈ ગયો. અરરર ને વોયવોય કરવા લાગ્યો.
હબુજીએ કપાળ કૂટ્યું.
લંગડો પણ ગભરાયો. કહે : “અરે, આ શું કરો છો?”
હબુજી બોલ્યા : “પરોપકાર કરીએ છીએ. અમને સાધુ મહાત્માએ કહ્યું છે કે પડેલાને ઊભો કરવો. તું પડેલો હતો તેથી અમે તને ઊભો કર્યો છે! હવે ચાલ જોઈએ…!”
આમ કહીને હબુજીએ લંગડા ભિખારીને એક હળવો હડસેલો માર્યો.
લંગડો હજુ હાથ લાંબો કરીને ઊભો હતો. હબુજીનો હડસેલો વાગ્યો એટલે લંગડો ધડામ કરતો હેઠો પડ્યો.
હબુજી કહે : “અરર ગબુજી...”
ગબુજી પ્રધાન બોલ્યા : “જી, રાજાજી!”
હબુજી કહે : “આ તો ફરીથી પડી ગયો! હવે શું કરીશું?”
ગબુજી બોલ્યા : “હવે ફરીથી પરોપકાર કરો!”
હબુજી લંગડા ભિખારી પાસે ગયા. ભિખારી પડ્યો પડ્યો ઓય ઓય ને વોય વોય કરતો હતો. હબુજી બોલ્યા : “તું ફરીથી પડી ગયો, અલ્યા?”
ભિખારીને થયું કે હું પડી ગયો તેથી શેઠજીને દયા આવી લાગે છે. આવો વિચાર કરીને તે રડતાં-રડતાં બોલ્યો : “શેઠજી, હું લૂલો છું ને લંગડો છુ. તમે ઊભા કર્યો પણ હું ફરીથી પડી ગયો!”
રાજાજી કહે : “એ ઘણું સારું થયું. તું ફરીથી પડ્યો તેથી અમને ફરીથી પરોપકાર કરવાની તક મળી.”
ગબૂજી બોલ્યા : ‘સાચી વાત રાજાજી’
હબુજી બોલ્યા : “પણ પ્રધાનજી! આ એક જ પડેલાને આપણે વારંવાર ઊભો કરતા રહીશું તો બીજા પરોપકાર ક્યારે કરીશું?”
ગબુજી કહે : “એક રસ્તો છે.”
હબુજી કહે : “શો?”
ગબુજી બોલ્યા : “એનો સાજો પગ છે તો પણ કાપી નાખો પછી એ ઊભો જ થઈ શકશે નહિ ને ઊભો નહિ થઈ શકે એટલે પછી પડશે પણ નહીં. આપણે આ એકના એક પરોપકારમાંથી બચી જઈશું.”
હબુજી બોલ્યા : “હા, એ વાત બરાબર કહી.”
હબુજીએ તલવાર ખેંચી.
હબુજીની તલવાર ખેંચાઈ એટલે લંગડો ગભરાઈ ગયો. ઊભા નહોતું થવાતું છતાં “મરી ગયો મારા બાપ!” કહેતો ઊભો થઈ ગયો. હબુજી નજીક આવે તે પહેલાં તો લંગડો ભિખારી એક પગે તડતડ લંગડી કરતો કરતો જાય ભાગ્યો....!
લંગડો ભિખારી ભાગી ગયો.
દોડાતું નહોતું છતાં ઠચાક ઠીચ....ઠચાકક ઠીચ કરતાં જે દોટ કાઢી તે વહેલી આવે ભાગોળ!
હબુજી ને ગબુજી બેય રાજી થયા.
હબુજી કહે : “ગબુજી, લાવો તાલી!”
ગબુજી કહે : “કાં?”
હબુજી બોલ્યા : “પરોપકારમાં ઘણી મજા પડશે. તેમ મહાત્માજી કહેતા હતા. તેમની વાત સાચી પડી. આપણને જબરી મજા પડી.”
ગબુજી કહે : “તો ચાલો હવે આગળ! આપણે બીજો પરોપકાર શોધી કાઢીએ.”
હબુજી ને ગબુજી ચાલ્યા.
નગરચર્ચા જોતા જાય છે ને આગળ વધતા જાય છે.
એમ કરતાં નદીનો કિનારો આવ્યો.
નદીમાં પાણી બહુ ઊંડું નહોતું. એક-બે માથોડાં પાણી માંડ હશે. નદીના કિનારા ઉપર માણસોની અવરજવર પણ ખરી.
હબુજી ને ગબુજી બેય નદિકિનાર જઈને ઊભા રહ્યા.
હબુજીની અંધેરનગરીમાં ઘણા ઢોંગી લોકો ઘૂસી ગયા હતા. નગરના લોકો મૂરખ હતા તેથી આવા ઢોંગીઓ જાતજાતની છેતરપિંડીઓ કરતા હતા અને લોકોને છેતરતા હતાં.
એમાં એક બાવાજી હતા.
આ બાવાજી ધરમને નામે જાતજાતનાં ધતિંગ કરે. કોઈને દોરો આપે ને કોઈને મંતર આપે. આવા બધા ઢોંગધતૂરા કરીને લોકોને છેતરતા રહે.
બાવાજીને લીલાલહેર થઈ ગયેલી.
હબુજી ને ગબુજી નદીકિનારે જઈને ઊભા રહ્યા ત્યારે ઢોંગી બાવાજી પણ નહાવા આવ્યા હતા. તરતાં આવડતું નહોતું તેથી બાવાજી કિનારે એક પથ્થર ઉપર બેઠાબેઠા નહાઈ રહ્યા હતા. આ વખતે એકાએક એક માછલાએ સાધુજીના પગને બચકું ભર્યું.
સાધુજી ચમક્યા.
ચમકીને ઊછળ્યા.
ઊછળીને નદીમાં પડ્યા.
બાવાજીને તરતાં આવડતું નહોતું તેથી તણાવા લાગ્યા ને ડૂબકાં ખાવા લાગ્યા એ વખત જ ગબુજીની નજર તેમના ઉપર પડી.
ગબુજીએ બૂમ પાડી : “રાજાજી.....!”
હબુજીએ તાનમાં ને તાનમાં સામી બૂમ પાડી : “પ્રધાનજી...!”
ગબુજી બોલ્યા : “પરોપકાર....!”
આમ કરીને ગબુજી પ્રધાને ડૂબી રહેલા બાવાજીની સામે આંગળી બતાવી.
હબુજીને યાદ આવી ગયું. હા, પેલા મહાત્માજીએ કહેલું કે બચ્ચા, પડેલો હોય તેને ઊભો કરજે ને ડૂબતો હોય તેને બચાવજે. આવાં બધાં કામ કરીએ તેને જ પરોપકાર કર્યો કહેવાય.
હબુજીને આ વાત યાદ આવી ગઈ.
હબુજી રાજા કૂદકો મારીને નદીમાં પડ્યા. બાવાજી ત્યાં સુધીમાં એકબે ડૂબકાં ખાઈ ચૂક્યા હતા.
હબુજીને તરતાં સરસ આવડતું હતું. ઝડપથી તરતાતરતા હબુજી રાજા બાવાજીની પાસે પહોંચી ગયા.
બાવાજીને માથે લાંબાલાંબા વાળ હતા. નહાતાંનહાતાં બાવાજીએ વાળ છોડી નાખ્યા હતા એટલે રાજાજીના હાથમાં વાળ આવી ગયા.
હબુજી રાજાએ બાવાજીના વાળ પકડ્યા.
પકડીને કિનારા તરફ તરવા લાગ્યા.
બાવાજી અધમૂઆ થઈ ગયા હતા. અડધું પેટ પાણીથી ભરાઈ ગયું હતું, છતાં બાવાજી ભાનમાં હતા.
હબુજીએ બાવાજીને કિનારા તરફ ખેંચવા માંડ્યા એટલે બાવાજીને આનંદ થયો કે હાશ, હવે બચી ગયા છીએ. આપણે પાપ તો ઘણાં કર્યાં છે પણ ભગવાને આપણે જીવ બચાવી લીધો! કોઈક બેવકૂફને આપણી મદદ માટે મોકલી આપ્યો!
બાવાજી આમ વિચાર કરીને મલકાતા હતા ત્યાં જ એક વાત બની.
કિનારા ઉપર ગબુજી પ્રધાન ઊભા હતા. એમની નજીકમાંથી જ એક બડા સરદાર નીકળ્યા.
આ સરદાર સ્વભાવના ઘણા દુષ્ટ હતા. ભલા લોકોને એ પજવતા હતા. એમનાથી અંધેરનગરીના લોકો ત્રાસત્રાસ પોકારી ગયા હતા.
આવા સરદાર ઘોડાની બગીમાં બેસીને રુઆબથી ફરવા જતા હશે ત્યાં જ ઘોડાનો પગ લપસ્યો.
ઘોડો ગબડ્યો. ગાડી ઊંધી વળી ગઈ. સરદારે ગાડીનો એક બાજુનો સળિયો પકડેલો તેથી તે બહાર પડી ન ગયા પણ વાગ્યું તો ખરું.
ગાડી ઊંધી પડેલી જોઈ ગબુજી રાજી થઈ ગયા.
સાધુજીએ રાજાજીને કહ્યું હતું કે તમારે નીચે પડેલાને ઊભો કરવો ને ડૂબતાને બચાવીને પરોપકાર કરવો. ગબુજીને મહાત્માજીએ કહ્યું હતું કે પ્રધાનની ફરજ રાજાને સારાં કાર્યોમાં મદદ કરવાની છે, એટલે તમારે રાજાજીને પરોપકારમાં મદદ કરવી. કોઈ જગ્યાએ પરોપકાર થઈ શકે તેમ હોય તો તમારે રાજાજીનું તે તરફ ધ્યાન ખેંચવું.
ગબુજી આજે સવારના આ કામ જ કરતા હતા. જ્યાં પરોપકાર કરવા જેવું લાગે ત્યાં રાજાજીનું ધ્યાન ખેંચતા હતા. સરદારની બગી અને ઘોડાને પડેલો જોયો એટલે એમને થયું કે પરોપકારની આ વળી એક વધુ તક છે.
ગબુજી પ્રધાને બૂમ પાડી : “રાજાજી...!” હબુજી તે વખતે નદીમાં અધવચ્ચે હતા. જાડા બાવાજીના વાળ પકડીને તેમને કિનારે લઈ આવતા હતા. આ કારણથી તેમને હાંફ પણ ચડી ગયો હતો.
ગબુજીની બૂમ સંભળાઈ એટલે હબુજીએ સામી બૂમ પાડી : “શું છે, ગબુજી?”
ગબુજી કહે : “પરોપકાર...!”
હબુજીએ જોયું તો કિનારા ઉપર એક બગી છે. આ બગીનો ઘોડો ગબડી પડ્યો છે.
પડેલાને ઊભો કરવો જોઈએ. પરોપકારની આવી તક કંઈ વારંવાર મળે નહિ.
હબુજીએ બાવાજીને મૂક્યા પડતા ને ઝપાટાબંધ કિનારા તરફ તરવા લાગ્યા.
બાવાજી મનમાં મલકાતા હતા. હસવા માટે તેમણે મોં પણ પહોળું કર્યું હતું ને એવામાં જ હબુજીએ બાવાજીના વાળ છોડી દીધા.
બાવાજી પાછા ડૂબકું ખાઈ ગયા.
મોં પહોળું કર્યું એટલે કેટલુંય પાણી પેટમાં ઊતરી ગયું. બાવાજી ડૂબકાં ખાતા ખાતા તણાવા લાગ્યા.
ભગવાન છેતરાયો છે તેવું થોડી વાર લાગ્યું હતું પણ બાવાજી પોતે જ ખરેખર તો છેતરાયા હતા.
બાવાજી ડૂબકાં ખાતા ખાતા દૂર નીકળી ગયા.
હબુજી ઝડપથી તરીને કિનારે આવ્યા. આ વખતે ઘોડો બિચારો ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સરદારના હાડકાંપાંસળાં ખોખરાં થઈ ગયાં હતાં છતાં તે રુઆબમાં હતા. પ્રધાનજીને ઓળખ્યા વિના જ સરદાર બોલ્યા : “એય....ચાલ ઘોડાને ઊભો કર!”
ગબુજી કહે : “પરોપકારનું કામ અમારે કરવાનું નથી. અમારે તો પરોપકારમાં મદદ કરવાની છે.”
આમ કહીને ગબુજી ઊભા રહ્યા.
સરદારને ગુસ્સો ચડ્યો. ગબુજીને મારવા માટે સરદારે ચાબુક ઉગામ્યો.
બરાબર આ વખતે જ હબુજી કિનારે આવી પહોંચ્યા.
હબુજી કહે : “ક્યાં છે પરોપકાર?”
ગબુજી બોલ્યા : “આ રહ્યો. આ ઘોડો પડી ગયો છે તેને ઊભો કરો!”
હબુજી ઘોડાની પાસે ગયા.
બગીનું લાકડું પકડીને ઘોડાને ઊભો કરવા લાગ્યા.
ઘોડો અડધો ઊભો થયો હશે ત્યાં જ વળી એક ત્રીજી વાત બની.
ઘોડો પડી ગયો એટલે તમાશો જોવા લોકોનું નાનું સરખું એક ટોળું ભેગું થયું હતું. આ ટોળામાં એક ડોશીમા પણ હતાં. ડોશીમા માંદાં હતાં અને અંધેરીનગરીના ઊંટવૈદને ત્યાંથી દવા લઈને આવતાં હતાં. બગી પાસે ઊભા રહીને ડોશીમા ધારીધારીને ઘોડા સામે જોઈ રહ્યાં હતાં.
આ વખતે જ ડોશીમાને ફેફરું આવ્યું.
ફેફરાને હિસ્ટીરીઆ પણ કહે છે. માણસને ફેફરું આવે એટવે એ ઓચિંતો જ પડી જાય. મોંમાંથી એકદમ ફીણ નીકળવા લાગે. દાંતની બત્રીસી બંધ થઈ જાય.
ડોશીમાને આવો રોગ હતો.
ફેફરું આવ્યું એટલે ડોશીમા ગબડ્યાં. પડયાં હેઠાં!
ગબુજીએ આ જોયું એટલે મોટી બૂમ પાડી : “પરોપકાર....!”
હબુજીએ આ બૂમ સાંભળી એ સાથે જ ઘોડાને છોડી દીધો. ઘોડો અડધો ઊભો થયો હતો. હબુજીએ છોડી દીધો એટલે ધડાક કરતો પાછો હેઠો પડ્યો.
સરદાર ફરીથી કૂટાઈ ગયા.
પહેલાં અડધાં હાડકાં ભાંગ્યાં હતાં. બાકીનાં અડધાં હવે ભાંગ્યાં!
સરદાર ગાળો દેતો નીચે ઊતર્યો. હબુજીને મારવા માટે જ્યાં ચાબુક ઊંચો કરે છે ત્યાં જ રાજાજીની ઓળખાણ પડી ગઈ.
સરદાર ગભરાઈ ગયો.
સરદાર કહે : “રાજાજી, આપ?”
હબુજી કહે : “હા, અમે જ! ચાલો, હવે બગીમાં પાછા બેસી જાઓ. આ ડોશીને ઊભી કરીને પછી અમે ઘોડાને ઊભો કરીએ છીએ.”
સરદાર પડેલી બગીમાં જેમતેમ ઘૂસીને બેઠા!
હબુજીએ ડોશીમાને ઊભાં કર્યાં.
ગાડીમાં બેસાડીને ડોશીમાને ઘેર મોકલી દીધાં.
આવો હબુજીનો પરોપકાર હતો!
આવા હબુજી રાજા હતા.
સ્રોત
- પુસ્તક : નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013