રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅંધેરનગરીના નગરશેઠનું નામ હતું ઢબુજી!
આ ઢબુજીના નામ પ્રમાણે ગુણ. પણ એ ઉપરેય એક ગુણ વધારાનો.
ઢબુજી શેઠ કંજૂસ ભારે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા કંજૂસ! ભારે મખ્ખીચૂસ. ફાટેલાંતૂટેલાં કપડાં પહેરે, પગમાં જોડાનું તો નામ નહિ, ને માથાના વાળ તો સાવ કોરા રાખે. પાણી પણ નાખે નહીં. કહે કે આપણે એટલું પાણી શું ગકામ બગાડવું?
આ ઢબુજી શેઠને એક ગઠિયો એક વાર છેતરી ગયેલો. છેતરીને ભાગી ગયેલો તે પત્તો જ ન મળે.
એ ગઠિયાનું નામ રતનો.
એના મનમાં એમ કે બે-ચાર મહિના બહાર જતા રહીશું એટલે ઢબુજી વાત ભૂલી જશે, પણ ઢબુજી કંઈ ભૂલે એવા નહીં.
એટલે પછી એવું થયું કે શેઠ આખો દિવસ ગામમાં રતનાને શોધ્યા કરે ચાર મહિના પછી આ રતનો અંધેરનગરીમાં પાછો આવ્યો ત્યાં શેઠની નજરે ચડી ગયો.
શેઠે તો રતનાને જોતાં જ રાડારાડ કરી મૂકી. રતનાને પકડવા શેઠે દોટ કાઢી.
પણ રતનો એમ હાથ ન આવે.
બજારમાં ભીડ હતી. એ ભીડમાં એ તો ઘૂસી ગયો.
એક ગલીમાં પેસી ગયો, ત્યાંથી બીજી ગલીમાં ને ત્યાંથી ત્રીજીમાં.
ઢબુજી શેઠ હાથ ઘસતા રહી ગયા.
પણ શેઠ એમ કંઈ રતનાને છોડે એવા નહોતા.
દોડ્યા સીધા રાજાજીના દરબારમાં.
રાજા દરબાર ભરીને બેઠેલા.
સાથે પ્રધાન પણ બેઠેલા.
દરબારમાં કેટલાય અમીર ઉમરાવો પણ હતા.
ત્યાં ઉઘાડે પગે શેઠ આવ્યા.
આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
રાજાજી કહે : કાં શેઠ, રડો છો કેમ?
શેઠ કહે : રડીએ નહીં તો શું કરીએ? અમારા ઉપર તો દુઃખના પહાડ તૂટી પડ્યા છે.
શેઠ બોલ્યા એટલે રાજા ખી ખી કરીને હસ્યા. રાજાજી હસ્યા એટલે પ્રધાનજી પણ હસ્યા.
બેઉને હસતા જોઈને આખી સભા ખડખડાટ હસવા લાગી.
હા....હા....હા–!
હી....હી....હી....!
હુ....હુ....હુ....!
ઢબુજી તો મૂંઝવણમાં પડી ગયા.
તે કહે : અમારા ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા ને તમને હસવું આવે છે?
રાજાજી કહે : તમે હસવા જેવી વાત કરો. પછી હસવું ન આવે તો શું રડવું આવે? કેમ પ્રધાનજી?
પ્રધાન કહે : ખરી વાત છે. આવે તો હસવું જ આવે.
રાજાજી કહે : દુઃખના તે વળી પહાડ હોતા હશે? દુઃખનો દરિયો હોય, કેમ પ્રધાનજી?
પ્રધાનજી કહે : સો એ સો ટકા સાચી વાત છે. દુઃખનો દરિયો તૂટી પડ્યો એમ કહેવાય.
શેઠજી કહે : તમારે જેમ કહેવું હોય એમ કહો, પણ મારી વાત તો સાંભળો.
પ્રધાનજી કહે : કહો, શેઠજી!
શેઠજી કહે : આપણા નગરનો પેલો રતનો ધુતારો અમને છેતરી ગયો છે.
રાજાજી કહે : એ પાજી તો છે જ એવો. અમને પણ છેતરી ગયો છે. માળો ક્યાં ભાગી ગયો તે જડતો જ નથી!
શેઠજી કહે : એ રતનો આપણા નગરમાં આવ્યો છે. મેં આજે નજરો-નજર જોયો.
ઢબુજીની વાત સાંભળીને રાજાજીને આંખો પહોળી થઈ. તે બોલ્યા : પ્રધાનજી!
પ્રધાનજી કહે : જી!
રાજાજી કહે : એ પાજી રતનાને તો આપણે પકડવો જ જોઈએ. તમે હમણાં ને હમણાં ઢંઢેરો પિટાવો કે કોઈ પણ માણસ જો રતનાને પકડી લાવશે તો રતનાને પાંચ હજાર સોનામહોર ઇનામ આપવામાં આવશે.
પ્રધાનજી કહે : મહારાજ! ઇનામ તો જે પકડી લાવે તેને આપવાનું હોય કે રતનાને?
રાજાજી કહે : ચોરને પકડી લાવે તેને ઇનામ તો બધા આપે એમાં નવું શું? અમે કંઈક નવું જ કરવા માંગીએ છીએ.
પ્રધાનજી કહે : જેવો હુક્મ મહારાજ!
પ્રધાનજીએ તો નગરમાં ઢંઢેરો પિટાવી દીધો કે જો રતનાને કોઈ પકડી લાવશે તો રતનાને પાંચ હજાર સોનામહોરનું ઇનામ આપવામાં આવશે.
સાથેસાથે સૈનિકોને હુક્મ કરી દીધો કે આખા શહેરમાં રતનાને શોધવા નીકળી પડો. નગરના દરવાજા બંધ કરી દો એટલે એ પાજી રતનો ભાગી ન જાય.
ઢબુજી શેઠ રાજી થતા ઘેર ગયા.
મનમાં થયું કે હાશ, એક વાર રતનો પકડાય પછી આપણો બેડો પાર છે!
રાજાજીને સમજાવી લેશું, પાજીને બડી સજા કરાવશું.
પ્રધાનજીના હુક્મ પ્રમાણે સૈનિકોએ શહેરના દરવાજા બંધ કરી દીધા. ચારે બાજુ લોકો રતનાને શોધવા લાગ્યા.
હવે રતનો ગભરાયો.
મનમાં થયું કે પકડાયા તો ખેર નથી. રાજા છે ગાંડો, ને પ્રધાન છે દીવાનો. જો પકડાઈ જાશું તો મૂવા પડ્યા.
શેઠે રતનાના પોશાકનું વર્ણન કરેલું કે એણે માથે ઉપર નવા જોડા પહેર્યા છે ને એક પગમાં લાલ ફાળિયું વીંટ્યું છે.
આવા પહેરવેશવાળા માણસને શોધવા સૈનિકો અંધેરનગરીમાં ઘૂમવા લાગ્યા.
રતનાએ નગરમાંથી છટકવાનો વિચાર કર્યો, પણ દરવાજા બંધ હતા. હવે શું થાય?
ભારે મુસીબત થઈ.
એવામાં જ એક લાગ મળી ગયો.
અંધેરનગરીની બાજુમાં જ રામનગર નામે એક બીજું શહેર.
આ શહેરમાં એક મોટા જોશી રહે.
હબુજી રાજાએ એ જોશીને કહેવડાવેલું કે અમારા દરબારમાં આવજો.
જોશીજી તે દિવસે જ અંધેરનગરીમાં આવી પહોંચ્યા. પ્રધાનજીએ સૈનિકોને હુક્મ કરેલો કે કોઈને શહેર બહાર જવા ન દેવું, પણ બહારથી શહેરમાં ન આવવા દેવાનો હુક્મ નહોતો. એટલે જોશીજી અંધેરનગરીમાં આવી પહોંચ્યા.
એક નાનકડો ઘોડો ને એના ઉપર જોશી બેઠેલા.
જોશીની ચારે બાજુ મોટાં મોટાં ટીપણાંના કોથળા લટકે.
જોશીજીએ માથે મોટી પાઘડી પહેરેલી, પગમાં જોડા ને હાથની એક એક આંગળી ઉપર નંગની વીંટીઓ!
જોશીજીનો ઠાઠ ભારે.
રતનાએ જોશીજીને જોયા કે તરત એને વિચાર આવ્યો. ગભરાયેલું મોં કરીને બોલ્યો, અરર! તમે જ જોશીજી છો?
જોશીજીની લાલ પાઘડી જોઈને જ રતનો સમજી ગયો હતો કે આ કોઈ જોશી છે. પણ એની વાત સાંભળીને અને એનું મોં જાઈને જોશીજી ગભરાયા. બોલ્યા, હા, અમે તે જ જોશી છીએ. કેમ શું છે?
રતનો કહે : અરેરે હવે શું થશે?
જોશી કહે : કેમ?
રતનો કહે અરે કહેવાની વાત નથી. તમે મોડા આવ્યા એટલે રાજાજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે. હુક્મ કર્યો છે કે એ પાજી જોશી આવે કે તરત ફાંસીએ ચડાવી દેજો.
જોશી ખરેખર ડર્યા. તે કહે : ઓ બાપ! હવે શું થશે? હું ઘેરથી નીકળ્યો ત્યારથી જ અપશુકન થયા હતા.
રતનો કહે : તમે ચારે બાજુ સૈનિકોને ફરતા ન જોયા?
જોશી કહે : જોયા છેસ્તો વળી!
રતનો કહે : બસ ત્યારે! હવે તમારું આવી બન્યું. એ સૈનિકો બધા તમને શોધતા જ ફરે છે. વળી આ રાજમાં કાયદો છે કે જોડા માથે રાખવા ને પાઘડી પગમાં રાખવી. તમે એ કાયદાનો ભંગ કર્યો એટલે હવે બચવાનો ઉપાય નથી!
જોશી ઢીલા થઈ ગયા. તે બોલ્યા : હવે?
રતનો રહે : એક ઉપાય છે.
જોશી કહે : શો?
રતનો કહે : તમે મારાં કપડાં પહેરી લો ને હું તમારાં કપડાં પહેરું છું. મને બધા ઓળખે છે એટલે સમજી જશે કે આ તો કંઈ જોશી નથી પણ ગમ્મત કરવા જોશીનો વેશ પહેરીને નીકળ્યો છે. આમ તમે બચી જશો.
જોશી કહે : આ વાત ભારે મજાની.
રતનો કહે : તો હવે વાર ન કરશો. ઊતરો ઝટ ઘોડા ઉપરથી!
જોશી તો પાંદડાંની માફક થરથર ધ્રૂજતા ઘોડા ઉપરતી નીચે ઊતર્યા. ઝટપટ કપડાં બદલી લીધાં. રતનાનાં કપડાં પોતે પહેર્યાં. ને પોતાનાં કપડાં રતનાને આપ્યાં.
રતનો તો જોશીનાં કપડાં પહેરીને ઘોડા ઉપર બેઠો. ઘોડો ચલાવી મૂક્યો રાજાજીના દરબાર તરફ.
જોશી સંતાતા-સંતાતા આગળ ગયા.
પણ સૈનિક આખા નગરમાં નવા જોડાવાળા અને લાલ ફાળિયાવાળા માણસને શોધતા હતા. જોશી છુપાઈ છુપાઈને કેટલું છુપાય?
છેવટે સૈનિકોએ એમને પકડી લીધા. સૈનિકોના મનમાં કે પાજી રતનો બરાબર પકડાઈ ગયો.
જોશીને તો બરાબર બાંધ્યા ને દરબારમાં લઈ ગયા.
જોશી એવા તો ધ્રુજે કે વાત નહીં. મનમાં થયું કે આપણે મરી ગયા. હવે બચવાના નથી.
પણ દરબારમાં તો નવી જ વાત!
જોશીએ જોયું તો પાજી રતનો પોતાનાં કપડાં પહેરીને રાજાની સામે ઊભો છે. અને પોતાને બીજો કોઈ માણસ ધારીને પકડ્યો છે.
જોશીને જોઈને રાજા ખુશખુશ થયા. તે બોલ્યા : પ્રધાનજી!
પ્રધાન કહે : જી મહારાજ!
રાજા કહે : આ પાજી રતનો આ વખતે તો બરાબર પકડાયો!
પ્રધાન કહે : પકડાય નહીં તો થાય શું? આ જોશી હમણાં જ કહેતા હતા કે રતનો પકડાશે : તે કંઈ જૂઠું પડે?
પ્રધાનની વાત સાંભળીને જોશીને હાડોહાડ લાગી ગઈ. તે બોલ્યા : આ બધી વાત ખોટી છે.
પ્રધાન કહે : વાત ખોટી હોય જ નહીં. આ તો મહાવિદ્વાન જોશી છે. એમની વાત ખોટી હોય જ નહીં.
જોશી કહે : પણ આ માણસ જોશી નથી. સાચા જોશી તો અમે જ છીએ.
આમ સામસામો વાદવિવાદ મચી ગયો.
રતનો કહે : તૂં જૂઠો છે.
જોશીજી કહે : તું જ પાજી છે!
રાજા કહે : તમે બેઉ શાંત રહો. અમે તમારી પરીક્ષા કરીશું. એટલે ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું. કેમ પ્રધાનજી!
પ્રધાન કહે : હાસ્તો. પરીક્ષા તો કરવી પડે.
આ બધા દરબારીઓ પણ કહેવા લાગ્યા કે સાચા-ખોટાની પરીક્ષા કરો. આકાશના તારાઓ વિશે સવાલો પૂછો એટલે ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું?
હબુજી રાજાએ ગબુજી પ્રધાન સામે જોયું ને ગબુજી પ્રધાને હબુજી રાજા સામે જોયું.
રાજા કહે : પ્રધાનજી!
પ્રધાન કહે : જી રાજાજી!
રાજા કહે : કરો પરીક્ષા. બે જોશીઓમાંથી એક છે રતનો ધુતારો ને બીજો છે ખરેખરો જોશી. આપણે શોધી કાઢવાનું છે કે બેમાંથી સાચો કોણ છે ને ખોટો કોણ છે?
પ્રધાન કહે : અરે, એમાં તે શી મોટી વાત છે? હમણાં શોધી કાઢું.
આમ કહીને પ્રધાને બંનેની સામે જોઈન પૂછ્યું, બોલો જોશીઓ, આકાશમાં આ બધા તારા છે તે શું છે?
સાચા જોશી હતા તે કહે : એ તો બધી પૃથ્વીઓ છે કેટલાક તારાઓ તો આપણી પૃથ્વી કરતાંય મોટા છે.
જોશી બોલી રહ્યા કે તરત બનાવટી જોશી બનેલો પેલો ધુતારો રતનો ફુ...સ કરીને હસ્યો.
રતનાને હસતો જોઈએ રાજાને પણ હસવું આવી ગયું.
રાજા હસ્યા એટલે પ્રધાન પણ ખડખડાટ હસ્યા.
પછી તો આખી સભા હસવા લાગી.
ખી....ખી....ખી!
હા...હા...હા!
હુ...હુ...હુ!
બિચારો જોશી તો ખસિયાણો પડી ગયો.
એ જોઈને રતનાએ કહ્યું : રાજાજી! તારા શું છે તે હું તમને કહું છું. આ તારા એ તો ભગવાનની લાખો અને કરોડો આંખો છે. આપણે પાપપુણ્ય કરીએ તે ભગવાન આ આંખોથી જુએ છે.
સભાજનો પોકારી ઊઠ્યા : વાહ વાહ! ખરી વાત કરી.
પ્રધાન પણ ખુશ થઈ ગયા. તે કહે કે આ વાત જ સાચી છે. આકાશના તારાઓ જો પૃથ્વીઓ હોય તો એને લટકાવનાર કોણ? પ્રભુની આંખોવાળો જવાબ જ સાચો છે.
રાજા કહે : પ્રધાનજી, ત્યારે આ બેમાંથી સાચો જોશી કોણ?
પ્રધાન કહે : મહારાજ! જેણે તારાઓને પ્રભુની આંખ કહી તે જ!
રાજા કહે : તો આ પાજી ધુતારાને પકડીને સાત વાર ફાંસીએ લટકાવી દો!
પ્રધાન કહે : સાત વાર શું પચાસ વાર લટકાવી દઉં!
પ્રધાને ઇશારો કર્યો એટલે સિપાહીઓએ બિચારા જોશીને પકડ્યા.
પ્રધાન કહે : એ ઢોંગીને લઈ જાઓ અને ચઢાવી દો ફાંસીને માંચડે.
પીપળાનું પાંદડું પવનમાં ધ્રુજે એમ જોશી તો બિચારા ધ્રૂજવા લાગ્યા.
હમણાં પકડ્યા!
ને હમણાં લટકાવી દીધા!
પણ એવામાં જ એક અવાજ આવ્યો : ઊભા રહો, ઊભા રહો!
બધા રાજદરબારીઓ બારણા તરફ જોવા લાગ્યા.
જુએ તો ઢબુજી શેઠ દોડતા આવે છે.
રતનો પાજી પકડાઈ ગયાની વાત ઢબુજીએ સાંભળી હતી એટલે એમને થયું કે લાવો આપણે ય દરબારમાં જઈને એ ગઠિયાની મજા કરીએ.
આવો વિચાર કરીને શેઠ સીધા દરબાર તરફ દોડ્યા.
શેઠને જોયા કે રતનાનાં મોતિયાં મરી ગયાં. આખા દરબારમાં એને કોઈ બરાબર ઓળખતું નહોતું. ઓળખતા હતા માત્રા આ ઢબુજી શેઠ!
શેઠ દોડતા દોડતા આવ્યા. જુએ છે તો રતનો જોશીના વેશમાં ઊભેલો ને સૈનિકો જોશીને બાંધે છે.
તરત ઢબુજીએ બૂમ પાડી : મહારાજ! અંધેર! અંધેર!
રાજા કહે : હોય નહીં. અમારા રાજમાં જરાય અંધેર હોય જ નહીં.
શેઠ કહે : મહારાજ! સાચો રતનો તો આ ઊભો જોશીના વેશમાં!
રાજા કહે : હેં?
શેઠ કહે : હાસ્તો! તમે એને બદલે આ બિચારા બીજા કોઈને બાંધ્યો છે. એ અંધેર નહીં તો બીજું શું?
રાજાજીને નવાઈ લાગી. ગુસ્સો પણ ખૂબ આવી ગયો. લાલ-પીળા થતા કહે : પ્રધાનજી!
પ્રધાનજી કહે : જી!
રાજાજી કહે : આવું અંધેર તમે ચલાવ્યું કે રતનો બચી ગયો અને બિચારો જોશી માર્યો ગયો! હું તમને પચાસ હજાર વરસની કેદની સજા કરું છું.
બાપ રે!
પ્રધાનજી ગભરાઈ ગયા. હાથ જોડીને કરગરવા લાગ્યા, ડૂસકાં ભરીને રોવા લાગ્યા.
રાજાને દયા આવી ગઈ. તે કહે : જાઓ આટલી વાર માફ કરું છું. હવેથી આવી ભૂલ ન કરશો.
પ્રધાનના પગમાં હવે જોર આવી ગયું કહે : સૈનિકો, એ જોશીને છોડી દો અને આ પાજી રતનાને પકડો!
સૈનિકોએ તો રતનાને પકડી લીધો. ને જોશીને છોડી દીધા.
શેઠ કહે : મહારાજ! હવે હું ઘેર જાઉં છું. પણ આ રતનાને ખૂબ કડક સજા કરજો. એ બહુ ચાલાક છે માટે છટકી ન જાય એનું ધ્યાન રાખજો. મારી પેઢી સૂની મૂકીને આવ્યો છું માટે હું જાઉં છું.
શેઠ તો ચાલ્યા ગયા.
રાજાએ જોશીને એમનો પોશાક પાછો અપાવ્યો. અને રતનાને કેદીનાં કપડાં પહેરાવ્યાં. પછી તે કહે : પ્રધાનજી! હવે આ પાજી રતનાને ખૂબ કડક સજા કરો.
પ્રધાન કહે : એવી કડક સજા કરું કે એ પણ યાદ કરી જાય.
રાજા કહે : એને ફાંસીએ લટકાવી દો એટલે ફરીથી આવાં કામ કરતાં વિચાર કરે.
પ્રધાન કહે : ના મહારાજ, એ કરતાં તો એને પાણીમાં ડુબાડીને મારી નાખીએ.
પ્રધાનની વાત સાંભળીને રાજાજી ખૂબ ખુશ થઈ ગયા. ઊભા થઈને પ્રધાનને ભેટી પડ્યા ને કહે, એવું જ કરો. ખારા પાણીમાં ડુબાડીને રતનાને મારી નાખો.
પ્રધાને સૈનિકોને હુક્મ કર્યો કે આ ચોરટા રતનાને એક કોથળામાં પૂરો ને કોથળાનું મોં બંધ કરો. પછી કોથળો ઊંચકીને તળાવમાં નાખી દો. રતનો ભલે મરી જાય.
રાજા કહે : વાહ વાહ! આ વળી નવી યુક્તિ! મજા આવશે.
સૈનિકોએ રતનાને બાંધીને કોથળામાં પૂર્યો. રતનો વિચાર કરવા લાગ્યો કે હવે બચવાનો કોઈ ઉપાય નથી.
બે સૈનિકોએ કોથળો ઊંચક્યો. અને હાલ્યા તળાવ તરફ. સાથે વળી એક જમાદારને પણ લીધો.
તળાવ ગામથી ઘણે દૂર હતું. સૈનિકો રતનાવાળા કોથળાને ઊંચકીને તળાવ તરફ ચાલવા લાગ્યા. પણ કોથળો ઘણો ભારે હતો. રતનાનું વજન કંઈ ઓછું નહીં. એટલે સૈનિકો બિચારા ધીમેધીમે ચાલતા આવે.
સાંજ પડવા આવી છે.
એવામાં રતનાને એક યુક્તિ સુઝી. એવી મજાની કે જીવ બચી જાય!
થોડી વાર રહીને રતનો રડવા લાગ્યો. તેણે મોટી પોક મૂકી.
અંધેરનગરીની ભાગોળ જતી રહી.
રસ્તા ઉપર ગણ્યાગાંઠ્યા માણસો જ દેખાતા હતા.
સાંજ પણ પડવા આવી હતી.
એવામાં જ કોથળામાં પુરાયેલો રતનો રડવા લાગ્યો.
સૈનિકોની સાથે ચાલતો હતો એ જમાદારે સડાક કરતી એક સોટી કોથળાને લગાવી દીધી. તે કહે : પાજી! જીવ જવાનો વખત આવ્યો એટલે રડવા બેઠો?
કોથળામાંથી રતનો બોલ્યો : મરવાની વેળા આવી એટલે નથી રડતો, પણ મને એમ થાય છે કે મેં આખી જિંદગી લોકોને છેતરીને લાખો સોનામહોરો એકઠી કરી છે તે કોણ વાપરશે?
સોનામહોરોની વાત સાંભળીને જમાદારના મોંમાં પાણી આવ્યું. તે કહે : એની ચિંતા તું ન કરતો. સોનામહોરો ક્યાં છે તે કહે એટલે બસ, અમે વાપરીશું.
રતનો કહે : આપણા ગામનું કબ્રસ્તાન છે ત્યાં એક સફેદ કબર હેઠળ મેં લાખ સોનામહોરો દાટી છે. તમે એ લઈ લેજો.
જમાદાર રાજીરાજી થઈ ગયા : તે કહે એમાં જરાય વિલંબ ન કરું! હમણાં જ જઈને સોનામહોરો લઈ લઉં.
આમ કહીને જમાદારે સૈનિકોને કહ્યું : તમે બેઉ અહીં ઊભા રહો. હું હમણાં જ કબ્રસ્તાનમાં જઈને પાછો આવું છું!
જમાદાર સોનામહોરોની લાલચે દોડ્યા કબ્રસ્તાનમાં.
ધડાધડ ધોળી કબર ખોદવા લાગ્યા.
થોડી વાર પછી રતનાના કોથળા પાસે ઊભેલા સૈનિકોને વિચાર આવ્યો કે આ જમાદાર એકલા બધી સોનામહોરો લઈ જશે ને આપણે આવા ને આવા રહી જઈશું. એ કરતાં આપણેય પહોંચો કબ્રસ્તાનમાં.
કોથળો ત્યાં ને ત્યાં જ રાખીને સૈનિકો પણ ઊપડ્યા સોનામહોરો લેવા.
રતનો કહે : હવે જરા મજા આવી!
કોથળામાં એક કાણું હતું.
રતનો કાણામાંથી જોવા લાગ્યો કે કોઈ આવતું દેખાય તો બહાર નીકળવાનો ઉપાય કરીએ.
થોડી વારમાં એક માણસ આવતો દેખાયો.
એ ગણી ગણીને પગલાં ગણે છે.
પગમાં નથી પાઘડી.
ને માથે જોડા નથી.
રતનો કહે : વાહ! વાહ! આ તો ઢબુજી શેઠ. આવવા દે કંજૂસને! એની ય આજે પૂરી મજા કરું!
શેઠ નજીક આવ્યા કે રતનો ખોટું રડવા લાગ્યો. અરેરે! મારે ધન નથી જોઈતું. ને તમે શું કરવા આપો છો!
ધનનું નામ સાંભળીને શેઠ ચમક્યા. કોથળાની નજીક આવીને કહે : અરે ભાઈ! ધનનું નામ લઈને કોણ રડે છે?
કોથળામાંથી રતનો કહે : હું રડું છું! મારો કાકો ખૂબ પૈસાદાર હતો. એ મરી ગયો અને મારે માટે લાખ રૂપિયા મૂકતો ગયો. મેં કહ્યું કે મારે લાખ રૂપિયા નથી જોઈતા. પણ રાજાજીએ હુક્મ કર્યો કે રૂપિયા લેવા જ પડશે. મેં ના પાડ્યા કરી એટલે મને પરાણે કોથળામાં પૂરીને રૂપિયા આપવા લઈ જાય છે.
શેઠના મોંમાં તો પાણી પાણી થઈ ગયું. કહે કે તારે ન જોઈતા હોય તો મને આપ!
રતનો કહે : એમાં શી મોટી વાત છે?
શેઠ કહે હું : તને કોથળામાંથી બહાર કાઢું છું. પછી તું મને એમાં પૂરીને ચાલ્યો જજે. આપણા બેયનું કામ થશે.
રતનો મનમાં કહે કે હં! આ ઢબુડો લાગમાં આવ્યો ખરો.
શેઠે કોથળાનું મોં છોડી નાખીને રતનાને બહાર કાઢ્યો.
સાવ અંધારા જેવું થઈ ગયેલું એટલે એમણે રતનાને ઓળખ્યો નહીં, રતનાને બહાર કાઢીને શેઠ પોતે કોથળામાં પુરાઈ ગયા.
કોથળાનું મોં બરાબર બાંધીને રતનો વિદાય થઈ ગયો. થોડી વારમાં જ પેલા જમાદાર અને સૈનિકો પાછા આવ્યા. એ બિચારાઓએ આખું કબ્રસ્તાન ખોદી કાઢેલું પણ સોનામહોરો હોય તો જડે ને!
જમાદાર તો રતના ઉપર ખૂબ રાતોપીળો થઈ ગયેલો. આવતાંની સાથે જ એક ચમચમતી સોટી કોથળાને લગાવી દીધી. બોલ્યો : પાછી આટલી બધી નાલાયકી?
કોથળામાંથી શેઠ કહે : અરે પણ ભાઈ, મારે છે શું કામ? હું રૂપિયા લેવા રાજી છું.
જમાદારે બીજી બે સોટી લગાવી દીધી ને કહે : હું તને હમણાં રૂપિયા આપું છું. પાજી રતના! તું બધાને મૂરખ બનાવી જાય, પણ હું કંઈ જેવોતેવો નથી!
હવે કોથળામાંથી શેઠ સમજ્યા કે રતનો કંઈ ખેલ ખેલી ગયો છે! મોટેથી બૂમ પાડીને શેઠે કહ્યું, અરે પણ હું રતનો નથી, હું તો ઢબુજી શેઠ છું. મને બહાર કાઢો!
જમાદાર બીજી બેત્રણ સોટી લગાવતાં બોલ્યો : તારા દાવમાં હવે અમે ફસાઈએ એમ માનીશ નહિ. તું ગમે તે હો, અમે તને જીવતો છોડવાના નથી.
કહીને જમાદારે સૈનિકોને કહ્યું, આ કોથળાને ઊંચકો અને દોટ કાઢો. અંદરથી ગમે તેમ બોલે, તમે એનું જરાય સાંભળ્યા વિના તળાવમાં ફેંકી દો!
સૈનિકોએ કોથળાને ઊંચકીને દોટ કાઢી.
શેઠ બૂમો પાડતા જ રહ્યા ને સૈનિકોએ કોથળો તળાવમાં ફેંકી દીધો!
શેઠના રામ રમી ગયા.
ને રતનો રાજી થતો-થતો અંધેરનગરી છોડીને ચાલ્યો ગયો.
સ્રોત
- પુસ્તક : નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 119)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013