રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબાપાએ પિંગુનો કાન પકડ્યો.
પિંગુથી મનમાં જ બોલી જવાયું : ‘આ શરૂ થઈ ગઈ રજાઓ.’
બાપા કહે : ‘પેલો ટિંગુ કામે લાગ્યો. કેવો છાપામાં સમાચાર ભેગા કરવા લાગ્યો છે. રજામાં તારે કંઈ કરવાનું નથી? ભટકીને જ રજા પૂરી કરવાની છે?’
પિંગુ કહે : ‘બાપા! હુંય છાપામાં જાઉં. પણ જાઉં કેવી રીતે....?’
બાપા કહે : ‘કેમ તારા પગે શું મહેંદી મૂકેલી છે?’
જરાક ચીસ પાડી દેતાં પિંગુ કહે : ‘ના, પણ મારો કાન....?’
હા. બાપાએ પકડ્યો હતો કાન. હવે બાપા જો એ કાન પકડી જ રાખે તો પિંગુથી કંઈ છાપા સુધી ન જવાય!
તે કાન પંપાળતો જવા લાગ્યો. છાપાના દફ્તર તરફ જતો જતો તે વિચારતો હતો કે રજા પડી એટલે આવી બન્યું આપણા કાનનું.
સવારના પહોરમાં ‘સવાર’ છાપાના તંત્રી છગનલાલ છાપાવાળા પોતાનું છાપું વાંચતા હતા.
પિંગુ કહે : ‘નમસ્તે.’
તંત્રી કહે : ‘નમસ્તે. કેમ....?’
પિંગુ કહે : ‘તમારો ખાસ ખબરપત્રી ટિંગુલાલ છે ને?’
તંત્રી કહે : ‘છે.’
પિંગુ કહે : ‘એને એક નાનો ભાઈ હતો જાણો છો?’
સાંભળીને ‘સવાર’ છાપાનાં તંત્રીએ છાપું બાજુમાં મૂક્યું, આળસ ખંખેરી. ઉછળ્યા. કહેવા લાગ્યા : ‘હતો એટલે...? એ હવે નથી? શું થયું એનું? ખોવાઈ ગયો....? કચડાઈ ગયો? ડૂબી ગયો?’
હાંફળા-ફાંફળા થઈને છગનલાલ તો એકદમ જ દોડવા લાગ્યા.
પિંગુ પૂછે : ‘ક્યાં ઊપડ્યા?’
તંત્રી કહે : ‘સમાચાર છાપવા. જોરદાર સમાચાર છાપીશ. મારા ખાસ ખબરપત્રી શ્રી ટિંગુલાલના નાના ભાઈનો છેલ્લા કેટલાય દિવસથી પત્તો નથી. તેના ખોવાઈ જવાની, ડૂબી જવાની કે અકસ્માતમાં માર્યા ગયાની શંકા પણ થઈ રહી છે.’
પિંગુ કહે : ‘કોણે શંકા પ્રગટ કરી…?’ તંત્રી કહે : ‘કેમ તેં જ કહ્યું ને કે ટિંગુના ભાઈનો પત્તો નથી!’
પિંગુ કહે : ‘એવું મેં કંઈ જ કહ્યું નથી સાહેબ! મેં તો એમ જ કહ્યું કે ટિંગુનો જે ભાઈ હતો....’
તંત્રીએ એકદમ અઘીરાઈથી પૂછ્યું, ‘પણ તેનું થયું બોલને જલદી?’
પિંગુ કહે: ‘તે જ હું.’
આરામખુરશીમાં ફસડાઈ પડતાં તંત્રી કહે : ‘હત્તારીની. એક જોરદાર સમાચાર હાથમાંથી ચાલ્યા ગયા.’
પછી કહે : ‘ટિંગુનો ભાઈ તું જ છે પિંગુ, તો પછી “ભાઈ હતો” એમ શાનો કહે છે? “ભાઈ છે” એમ કેમ નથી કહેતો?”
પિંગુ કહે : ‘આપણા કહેવાનો આશય આટલો જ કે આપે ટિંગુને નોકરીમાં રાખ્યો ત્યારે એનો ભાઈ પિંગુ પણ હતો. એનોય વિચાર કરવો જોઈએ કે નહિ?’
તંત્રી કહે : ‘ઓહ! વિચાર કરવાનો જ ખરું? ભલે ભલે.’
અને તંત્રી ખુરશીમાં બેસી જ રહ્યા.
ક્યાંય સુધી પિંગુ ઊભો જ રહ્યો.
તેણે પૂછ્યું : ‘તંત્રીસાહેબ!’
તંત્રી કહે : ‘અં....’
પિંગુ કહે : ‘શું કરો છો?’
તંત્રી કહે : ‘વિચાર કરું છું.’
પિંગુ કહે : ‘આટલો લાંબો વિચાર કરવાની જરૂર નથી. બહુ લાંબો વિચાર કરશો તો મારા કાન બહુ લાંબા થઈ જશે.’
તંત્રી કહે : ‘કેમ....?’
પિંગુ કહે : ‘આ વૅકેશનમાં એવું જ થાય છે. બાપાના હાથને નોકરી મળી જાય છે. આખો દિવસ એમને કંઈ જ સૂઝતું નથી. એમનો હાથ આપણા કાન તરફ જ ગયા કરે છે. અને પિતાજી જરા ડાબોડી છે એટલે જુઓને આ કાન જ કેવો લાંબો થઈ ગયો છે!’
તંત્રી કહે : ‘ઠીક ઠીક. ટિંગુની જેમ તને પણ કામ શીખવાડું, ખરું? બોલ રીડિંગ કરશે....?’
‘રીડિંગ....?’ પિંગુ ચમક્યો, ‘એટલે કે વાચન....?’
તે કહે : ‘ના સાહેબ, આખું વર્ષ એ જ કર્યું છે. જરા કંઈક નવું કામ આપો તો....’
તંત્રી કહે : ‘અલ્યા રીડિંગ એટલે પ્રૂફરીડિંગ. જબરું મનોરંજનનું કામ. ફાવી જાય તો તો તું ખુશ, રજાની, રજા, રીડિંગનું રીડિંગ. પણ જો “છે”નું “હતો” નહિ કરવાનું હં!’
પિંગુ કહે : ‘ભલે. અને તમારે પણ “છું”નું “હતો” નહિ કરવાનું હં!’
છગનલાલ હસ્યા. તેમણે પિંગુને કામે લગાડ્યો.
બે-ત્રણ કલાક થયા. તંત્રીએ ફોરમેનને બોલાવ્યો. પૂછ્યું : ‘ચોથું પાનું થયું?’
ફોરમેન કહે : ‘ના.’
તંત્રી કહે : ‘કેમ....?’
ફોરમેને એક કમ્પોઝ કરેલી ગેલી આગળ ધરી. ગેલીમાં આ પ્રમાણે લખાણ હતું :
પ્રસંગપટ આજથી ભરાત રસકાર ના કદવેરા અકેદમ આછા કરનાનું વિચારી હરી છે. એ વના ઢરાવ થી ધ્યમમ ગર્વને ઘણી જ હારત રહેશે. આજની થિસ્તિ તો એવી છે કેબિરાચા મધ્યમ ગર્વની મકર ગાંભી થઈ છે.
છગનલાલા આટલું જ વાંચી શક્યા. તેમણે કહ્યું બોલાવો પિંગુને.’
પિંગુ હાજર થયો.
તંત્રી કહે : ‘આપણે ત્યાં કોયડામલ ક્યારે આવ્યા....?’
પિંગુ કહે : ‘એ તો ખબર નથી પણ વૅકેશન પડી ગયું છે એટલે એ લડાયકો કંઈ આવ્યા વગર થોડા જ રહેવાના છે?’
તંત્રીએ એકદમ પેલી ગેલી આગળ કરીને કહ્યું : ‘આ શું છે? પ્રસંગપટનો લેખ કે કોયડો....?’
તંત્રી કહે : ‘એનું પ્રૂફરીડિંગ તમે કર્યું?’
પિંગુ કહે : ‘કર્યું, ફરી ફરીને કર્યું, રીડિંગ એ તો આપણા ડાબા હાથનો ખેલ. આખું વર્ષ આપણે રીડિંગ કર્યું કે તો વળી આટલા રીડિંગનો શો હિસાબ....?’
તંત્રી નારાજ થઈને બોલી ઊઠ્યા : ‘તેં રીડિંગ કર્યું છે....? ક્યાં છે એક પણ ભૂલ સુધારેલી? આ તો કમ્પોઝ થયું છે એમ જ છે બધું.’
પિંગુ કહે : ‘તમે તો મને રીડિંગ કરવાનું કહ્યું હતું એટલે મેં માત્ર રીડિંગ જ કર્યું, પણ.... તમે મને સુધારવાનું ક્યાં કહ્યું હતું....?’
તંત્રી કહે : ‘પ્રૂફ-રીડિંગનો અર્થ જ પ્રૂફ સુધારવું તે. બાકી આવું જો લખાણ લોકોને વાંચવા મળે ને તો લોકોનાં માથાં પાકી જાય અને છાપું હાથમાં આવતાં જ બધા દોડે.’
પિંગુ કહે : ‘ક્યાં....?’
તંત્રી કહે : ‘અરે તને તથા મને મારવા. જા પ્રૂફ સુધાર અને જો આખું વર્ષ જેવું વાંચ્યું છે તેવું ન વાંચતો. બરાબર પ્રૂફ સુધારજે.’
પિંગુ : ‘કે’વું ના પડે. લોકો ખુશ થઈ જશે.’
હવે હતું એમ કે ‘સવાર’ છાપામાં એક પ્રૂફરીડર હતો. આખું છાપું બિચારો એ જ વાંચતો. એને કોઈ વાર બે મહિને પગાર મળતો, કોઈવાર ત્રણ મહિને મળતો, તો કોઈવાર માત્ર આશ્વાસન જ મળતું. હા, આશાઓ, સપનાં અને વચનો થોકબંધ પ્રમાણમાં મળતાં.
એટલે એ પ્રૂફરીડર પિંગુ જેવા કોઈક બકરાની શોધમાં જ હતો. જેવો પિંગુ આવ્યો કે તેને પ્રૂફ વિશેની થોડીક માહિતી તેણે શીખવાડી દીધી. પછી તે કહે : ‘હમણાં જ આવું છું હું. તું તારી મેળે ખેંચે રાખ.’
સાંજ સુધી પેલાનું ‘હમણાં’ પૂરું જ થયું નહિ અને પિંગુએ તો એવું ખેંચ્યે રાખ્યું કે બીજે દિવસે છાપું જ લોકોના હાથમાં આવીને પડ્યું.
સવારના પહોરમાં ‘સવાર’ના તંત્રી છગનલાલ છાપાવાળા ગર્વથી છાતી ફુલાવી પોતાનું ‘સવાર’ વાંચવા બેઠા... કે તરત જ તેમની આંખો અધ્ધર થઈ ગઈ, તેમના હાથ અધ્ધર થઈ ગયા, તેમની તો ચોટલી અધ્ધર થઈ ગઈ.
જે મથાળા પર એમની નજર ગઈ એ મથાળું હતું :
પક્ષમાં જોડાવા માટે વાજાઓની પડાપડી
તેમણે માથું ખંજવાળીને વિચાર કર્યો કે આ વળી વાજાઓ પક્ષમાં જોડાવા શું કામ પડાપડી કરવા લાગ્યા.
તેમણે અંદર સમાચાર વાંચ્યા તો આ પ્રમાણે હતા :
હવે મોડેમોડે વાજાઓને લાગવા માંડ્યું છે કે તેમનો પક્ષમાં જોડાયા સિવાય ઉદ્ધાર નથી માટે તેમણે ભેગા મળીને એકસાથે પક્ષમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો છે અને તે માટે તેમણે પડાપડી પણ કરવા માંડી છે.
એ સમાચાર વાંચતાં જ તેમણે જોરથી બૂમ પાડી : ‘બોલાવ પેલા પિંગુને.’
પિંગુ હાજર થયો.
તંત્રીએ પૂછ્યું : ‘આ વાંચ્યું?’
પિંગુ કહે : ‘એ તો મેં કાલે જ વાંચેલું. આપણા માટે “ડેડ-ન્યુઝ” (મરેલા-સમાચાર) કહેવાય.’
તંત્રી કહે : ‘અરે સમાચાર તો નહિ પણ આપણે જરૂર “ડેડ” (મરેલા) થઈ જઈશું. અલ્યા હું પૂછું છું કે પક્ષમાં જોડાવા વાજા વળી શું કામ પડાપડી કરવા લાગ્યા?’
પિંગુ કહે : ‘એં! વાજા છપાયું છે? અરે એ તો રાજા છે રાજા.’
તંત્રી કહે : ‘રાજા છે એવું તું કહે છે. પણ શું છપાયું છે એ તો જો જરા.’
પિંગુ તો જોઈને આંખ જ મીંચી ગયો.
તરત જ તંત્રી છગનલાલની નજર બીજા સમાચાર પર પડી. તેઓ જોરથી બોલી ઊઠ્યા :
‘બાપાને લઈ જતા બાવા’
તેમનાથી બોલી જવાયું : ‘એં! આ વળી બાવાઓ બાપાને શું કામ લઈ જવા લાગ્યા?’
તેમણે આગળ વાંચ્યું :
‘આજકાલ શહેરમાં ફરતા બાવાઓમાં બાપાને ઉપાડી જવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે. આજ સુધી ઓછામાં ઓછા અગિયાર બાપાઓ ગુમ થયાની શંકા સેવાઈ રહી છે.’
એકદમ જ તેમણે પ્રૂફરીડર પિંગુ સામે જોયું.
પિંગુ કહે : ‘એ તો બાબાને બદલે બાપા છપાયું છે. બાવાઓની બાબાને લઈ જવાની પ્રવૃત્તિ વિશેના સમાચાર છે.’
તંત્રી કહે : ‘પણ એ શહેરના બાપાઓ મને મારી મારીને બાવો બનાવી દેશે તેવું શું? તું તો બાબાને બાપા બનાવીને છટકી ગયો એં...’
વળી તેઓ રોકાયા, તેમની નજર તેમના જ છાપાના બીજા એક મથાળા ઉપર પડી હતી. એ મથાળું હતું :
પાઠ્યપુસ્તકોમાં ચૂલો
તેમણે છાપામાંથી બહાર આંખો કાઢીને પૂછ્યું : ‘આ વળી પાઠ્યપુસ્તકોમાં ચૂલો કે ચૂલામાં પાઠ્યપુસ્તક?’
પિંગુ કહે : ‘સાહેબ! એ શબ્દ ચૂલો નથી ભૂલો છે ભૂલો. પાઠ્યપુસ્તકોમાં ભૂલો.’
તંત્રી કહે : ‘અલ્યા, તેં તો મન ચૂલોને બદલે ભૂલો સમજાવી દીધું પણ આપણા હજારો વાચકોને કોણ સમજાવશે? અને આવું છાપું જ્યારે તેઓ જોશે ત્યારે આપણને જ તેઓ ચૂલામાં નહિ મૂકી દે શું...? એંય... આ વળી શું?’
અને તેમણે બીજા એક સમાચાર વાંચ્યા :
વિદેશોમાં પટૌડી ક્રિકેટ જમશે.
તેઓ કહે : ‘અલ્યા પટૌડીને બીજું કંઈ જમવાનું નથી મળતું કે ક્રિકેટ જમશે. અને તે પણ વિદેશમાં....?’
પિંગુ કહે : ‘એ શબ્દ જમશે નહિ રમશે.’
તંત્રી કહે : ‘હવે શું છાપાની દરેક નકલ સાથે હું એક એક પ્રૂફરીડર મોકલું? જમશેને બદલે રમશે છે એવી કોઈને ખબર કેવી રીતે પડશે?’
વળી આ શું....?
તેમણે વાંચ્યું :
અર્ધમંત્રી ભરસભામાંથી ઊડી ગયા.
તંત્રી જાતે જ બાઘા બાઘા બની ગયા. તેમણે પૂછ્યું : ‘આ અર્ધમંત્રી વળી ક્યા? અને ભરસભામાંથી ઊડી ગયા એટલે એમને શું પાંખો આવી....?’
પિંગુ કહે : ‘અર્ધમંત્રી નહિ અર્થમંત્રી. અને ઊઠી ગયાને બદલે ઊડી ગયા છપાયું છે.’
તંત્રી કહે : ‘અરરર! આ હું શું વાંચી રહ્યો છું? આ અર્થમંત્રી હવે આપણને ઊડતા ન કરી દે તો સારું. અં-ય અરે. આ શું...?
ઇનામ ખાતર મુકાતાં મસ્તકો
પિંગુ કહે : ‘મસ્તકો નહિ પુસ્તકો.’
તંત્રી કહે : ‘ખરું ખરું બાકી આજે લેખકો ઇનામ માટે પુસ્તકને બદલે મસ્તક જ મૂકે છે એ વાત તારી સાચી ખરી. રામ રામ રામ!’
પિંગુ ઉપર ચિડાવું, ગુસ્સે થવું, તેને મારવો કે ઇનામ આપવું? એમાંથી કંઈ તેમને સૂઝ્યું નહિ. તંત્રી જાતે એવા ધૂંઆપૂંઆ થઈ ગયા હતા કે તેઓ જાતે છાપું જ વાંચી શક્યા નહિ. કહેવા લાગ્યા : ‘અલ્યા પિંગુ! લે આ તારું પ્રૂફ-રીડિંગ કરેલું છાપું તું જ વાંચી દે. આપણાથી તો એ વંચાતું નથી પણ જરા જોરથી વાંચજે, હં!’
પિંગુએ છાપું હાથમાં લઈ જોરથી વાંચવા માંડ્યું :
મોતીના હારની મોરી
તંત્રી કહે : ‘આ મોરી વળી શું?’
પિંગુ કહે : ‘એટલે કે ચોરી.’
તંત્રી કહે : ‘અચ્છા અચ્છા અચ્છા.... આગળ વાંચો....’
પિંગુએ આગળ વાંચ્યું ‘શહેરના સામાન્ય નાગરિક....’
તંત્રી કહે : ‘આ સામાન્ય શબ્દ બરાબર છે કે?’
પિંગુ કહે : ‘ના, એ શબ્દ સન્માન્ય છે.’
તંત્રી કહે : ‘મને પણ તું સન્માન્યમાંથી સામાન્ય બનાવી દેશે ખરો. હા આગળ....’
પિંગુ કહે : ‘શહેરના અગ્રગણ્ય સામાન્ય નાગરિક શ્રી કંકરપ્રસાદ જોગીદાસ અનાડીના ઘરમાં કાલ રાતના ભૂષણખોરો પેઠા હતા.’
તંત્રી કહે : ‘ઊભો રહે.... જરાક ધીમે, આ કંકરપ્રસાદ જોગીદાસ અનાડી બરાબર છે?’
પિંગુ કહે : ‘એ છે શંકરપ્રસાદ ભોગીદાસ અંતાણી....’
તંત્રી કહે : ‘એમ.... હા. અને આ ભૂષણખોરો એટલે?’
પિંગુ કહે : ‘એટલે ઘૂસણખોરો.’
તંત્રી કહે : ‘સારું છે કે સરકારે આજે ખિતાબો વહેંચ્યા નથી. તો જરૂર તેં પદ્મશ્રીઓને છદ્મશ્રી અને પરમવીરને નરમવીર જ બનાવી દીઘા હોત!’
પિંગુ કહે : ‘આગળ વાંચું?’
તંત્રી કહે : ‘દોસ્ત! તું અંદર વાંચવું રહેવા દે. નાનાંમોટાં મથાળાં જ વાંચ. એ ઉપરથી જ આપણને તારા જાંબાઝ પ્રૂફરીડિંગનો ખ્યાલ આવી જશે.’
પિંગુએ જોરથી વાંચ્યું : ‘સાંભળો પોલીસે મટકું ગોઠવી પકડેલા જુગારીઓ.’
તંત્રી કહે : ‘શું જુગારીઓ મટકામાં ફસાયા?’
પિંગુ કહે : ‘મટકું નહિ છટકું.’
તંત્રી કહે : ‘આગળ ચલાવ.’
પિંગુ કહે : ‘પોલીસો પર પોલીસે છોડેલી ઝોળી.’
તંત્રી કહે : શું....?’
પિંગુ કહે : ‘એ તો અત્યારે પોલીસોની હડતાલ નહોતી પડી? ત્યારના સમાચાર છે.’
તંત્રી કહે : ‘ખરું છે અને પોલીસો હડતાલ પાડે તો પોલીસો ઝોળી જ છોડે ને! ઘોડિયા સાથે હતી કે ઘોડિયા વગર....
પિંગુ કહે : ‘એ તો ગોળીને બદલે ઝોળી છપાયું છે. પાછળ પ્રશ્નાર્થ છે.’
તંત્રી કહે : ‘હા મારા પ્રશ્નાર્થ! આગળ વધો.’
પિંગુ કહે : ‘ફ્લાઇંગ પાણી હવે સમયસર આવશે...’
તંત્રી કહે : ‘ફ્લાઇંગ પાણી... એટલે કે ઊડતું પાણી! ક્યાંથી સમયસર આવશે...?’
પિંગુ કહે : ‘ફ્લાઇંગ પાણી નહિ ફ્લાઇંગ રાણી. પેલી ગાડી નથી સુરત-મુંબઈ વચ્ચે દોડતી તે...?’
તંત્રી કહે : ‘એ બધી ગાડીઓની નોંધ રાખજે. આપણેય હવે દોડવું જ પડશે ને?’
પિંગુ કહે : ‘પેરિસના ગુલાબની ભારતમાં ચાડી....’
તંત્રી કહે : ‘પેરિસના ગુલાબે ભારતમાં ચાડી ખાધી વાહ શી ચાડી ખાધી?’
પિંગુ કહે : ‘ચાડી નહિ વાડી.’
તંત્રી કહે : ‘ઠીક ઠીક. ચાલો પાડી નહિ કર્યું એટલો આભાર.’
પિંહુ કહે : ‘ચોર ટહુક્યો.’
તંત્રી કહે : ‘ક્યાં....? શું કામ....?’
પિંગુ કહે : ‘આ તો વસંતઋતુનો લેખ છે.’
તંત્રી કહે : ‘પણ વસંતઋતુમાં ચોર શું કામ ટહુક્યો?’
પિંગુ કહે : ‘ચોર નહિ મોર.’
તંત્રી કહે : ‘ઠીક, ચાલો ટહુકો આગળ.’
પિંગુ કહે : ‘સજીવ-સંજીવના નવાં સાહસો ટૂંક સમયમાં જ શરૂ થશે. અમારી ઢોરદાર નવી સારસકથા...?’
તંત્રી કહે : ‘આ સજીવ-સંજીવ એટલે શું? કોઈ નિર્જીવ સંજીવની વાર્તાઓ પણ આવે છે ખરી કે...?’
પિંગુ કહે : ‘ના એ તો...જરા રાજીવ ને બદલે સજીવ છપાયું છે.’
તંત્રી કહે : ‘અને ઢોરદાર વાર્તાનો અર્થ?’
પિંગુ કહે : ‘જોરદાર જોરદાર....’
તંત્રી કહે : ‘અને આ સારસકથા શું? સારસકથા હોય તો તે પછી પક્ષીકથા કહેવાય. ઢોરકથા કેવી રીતે કહેવાય....?’
પિંગુ કહે : ‘એ તો સાહસકથાને બદલે સારસકથા છપાયું છે.’
તંત્રી છગનલાલ છાપાવાળા એકએક સમાચાર સાંભળીને રાતા-પીળા થતા હતા. પણ હવે તેમની ધીરજ ખૂટી. તેમણે એકદમ જ પિંગુનો કાન જોરથી પકડીને કહ્યું : ‘તમારી સારસકથા તો અમારી ફારસકથા સર્જે તેવી છે. બોલ! આવા પ્રૂફ-રીડિંગનો શો અર્થ છે?’
પિંગુ કહે : ‘કાન મૂકો. તમે પણ મારા બાપાની જેમ ડાબોડી જ લાગો છો. આ છાપા અને બાપાની આ જ આદત ખરાબ. ભૂલ થઈ કે કાન પકડ્યા જ સમજો... મૂકો. કહું છું પ્લીઝ મહેરબાન સાહેબ...’
તંત્રી કહે : ‘અને આ છાપું લોકોના હાથમાં મુકાયું હશે ત્યારે હું મારું માથું ક્યાં મૂકીશ...?’
પિંગુ કહે : ‘એનો ઉપાય હું બતાવું છું. જરા કાન તો છોડો અને.... રજાઓનું પ્રૂફરીડિંગ તે વળી કેવું હોય?’
તંત્રી કહે : ‘મને કાયમની રજા અપાવી દે તેવું.’
ત્યારે જ બહાર જબરી હોહા અને ઘમાલ થતી હતી. લોકોનાં ટોળેટોળાં જતાં હતાં.
તંત્રી કહે : ‘આ બધા ક્યાં ચાલ્યા....?’
પિંગુ કહે : ‘કાન છોડો તો કહું.’
તંત્રીએ કાન છોડ્યો. પિંગુએ છાપું પકડ્યું. છેલ્લે પાને એક સમાચાર વાંચતાં જ તે બૂમ પાડી ઊઠ્યો : ‘તંત્રી સાહેબ! વેકેશન ઉપર ઊતરી જાઓ.’
તંત્રી કહે : ‘કેમ...?’
પિંગુ કહે : ‘વધુ નહિ તો આજનો દિવસ તો રજા ઉપર ઊતરો જ.’
તંત્રી કહે : ‘પણ કારણ?’
પિંગુ કહે : ‘વાંચો આ સમાચાર.’
મોટા અક્ષરે એક સમાચાર પ્રગટ થયા હતા.
આજે દશ વાગે સ્ટેશન પર થનારું
સુભાષચંદ્ર બોઝનું અવસાન
તંત્રી કહે : ‘આનો શો અર્થ છે? સુભાષચંદ્ર બોઝ ક્યાંથી આવવાના છે? અને સ્ટેશન પર તેમનું અવસાન એટલે?’
પિંગુ કહે : ‘એ બધું બફાઈ ગયું છે. “સુભાષચંદ્ર બોઝ” તો ફિલ્મનું નામ છે. સ્ટેશન પરના છબીઘરમાં એ ફિલ્મ રજૂ થવાની છે તેની એ જાહેરાત હતી. મારાથી ભૂલથી જાહેરાત ન્યૂસ (સમાચાર) તરીકે છપાઈ ગઈ છે’
તંત્રી કહે : ‘અને આ અવસાન શું...?’
પિંગુ કહે : ‘એ તો માનસિક ભૂલ છે. આગમનને બદલે અવસાન છપાઈ ગયું.’
એકદમ જ છગનલાલે પિંગુનાં બંને કાન પકડ્યા જોરથી....
પિંગુ કહે : ‘સાહેબ! મારી માનસિક ભૂલ થઈ ગઈ છે. ભલે પણ તમે શારીરિક ભૂલ કરો નહિ. જલદીથી અહીંથી ભાગો. કેમકે આ લોકોનાં ટોળાં જાય છે સ્ટેશન. આપણું છાપું વાંચીને જ બધાં ઉપાડ્યા છે. ત્યાં સુભાષ બોઝને બદલે એમની ફિલ્મનું પાટિયું જોતાં બધાં અહીં દોડશે. અને ત્યારે એમના હાથમાં એવા શસ્ત્રો હશે કે આપણે આ પ્રૂફ તો સુધારી શકીશું પણ આપણાં શરીર સુધારી શકીશું નહિ.’
‘સવાર’ના તંત્રી છગનલાલ છાપાવાળાને લાગ્યું કે સાચે જ મામલો સવાર પડી જાય તેવો જ છે. એટલે તેમણે એકદમ પ્રેસ બંધ કરાવ્યું અને બહાર પાટિયું મારી દીધું.
અમારા બધા પ્રૂફરીડરો
એક સાથે મજા પર (ર)
હોવાથી અમારું છાપું
આજે સજા ભોગવશે. (મ)
દોડતા ભાગતા તંત્રી કહે : ‘પિંગુ! તેં તારી સાથે મનેય વેકેશન અપાવ્યું ખરું!'
સ્રોત
- પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014