Police Salaal, Ghode Ki Lagaam - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પોલીસ સલામ, ઘોડે કી લગામ

Police Salaal, Ghode Ki Lagaam

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
પોલીસ સલામ, ઘોડે કી લગામ
ઉદયન ઠક્કર

    ભળભાંખળું થવામાં હતું. મુંબઈ ગામના કૂકડાઓ હજી તો આંખો ચોળતા હતા. તેવામાં એક પોલીસદાદા સડક પરથી નીકળ્યા. ડાબે-જમણે જોતા જાય, ને ટડિંગ... ટડિંગ... દંડૂકો પછાડતા જાય. યુનિફૉર્મ કેવો, તો ક્હે વટ પડી જાય એવો! ખાખી ખમીસ, ખાખી પાટલૂન, ભૂરી ટોપી, ચકમકતો પટ્ટો. પોલીસ હતો હોશિયાર. નોળિયો સાપને પકડે તેમ એ ચોરને પકડી શકતો હતો.

    અચાનક તે ઊભો રહી ગયો. સામેથી કોઈ આવતું લાગે છે. અરે, આ તો કોઈ બીજો પોલીસ! પણ એનાં કપડાં કેમ જુદી જાતનાં છે?

    ખાખી પાટલૂન પર એણે તો ચોખ્ખું સફેદ ખમીસ ચડાવ્યું છે. મોઢામાં સિસોટી રણકે છે. ફુર્રર... ફુર્રર... વગાડતો ચાલે છે. આ પોલીસ તો ટ્રાફિકનો! બન્ને પોલીસ રસ્તા પર સામસામા થઈ ગયા.

    “પોલીસ, સલામ” પહેલાએ કહ્યું.

    “પોલીસ, સલામ” બીજો બોલ્યો.

    “તમારી સિસોટી તો ભૈ, ફર્સ્ટ ક્લાસ” પહેલાએ વખાણ કર્યાં.

    “તમારા દંડૂકાનો જવાબ નહિ” બીજાએ કહ્યું.

    “શું વટ છે તમારો!” દંડૂકાવાળાએ શાબાશી આપી, “એક હાથ ઉપર કરો ને એકસો ગાડી ઊભી રહી જાય!”

    “રોફ હોય તો દાદા, તમારો,” સિસોટીવાળો બોલ્યો, તમે જીપ ભગાવીને ધાંય... ધાંય... બંદૂક ફોડતાં નીકળો એટલે ચોર પૂંછડી દબાવતો ભાગી જાય. મોટા પોલીસ તો તમે કહેવાઓ.”

    “ના, મોટા પોલીસ તો તમે.”

    “ના, ના, તમે મોટા પોલીસ!”

    આમ બંને પોલીસ એકબીજાને ‘તમે મોટા – તમે મોટા’ કરવા લાગ્યા. દંડૂકાવાળા પોલીસને એમ લાગ્યું કે સિસોટીથી ટ્રાફિક સંભાળવાનું કામ સૌથી સારું. પણ સિસોટીવાળાને લાગ્યું કે દંડૂકાથી ચોરને ઢીબવામાં ખૂબ મજા.

    અચાનક દંડૂકાવાળો ગુસ્સે થઈ ગયો, “મને ગપ્પાબાજો જરાયે ન ગમે. તને મારું કામ બહુ પસંદ હોય, તો તું જ કર ને!”

    સિસોટીવાળો આનંદથી ઊછળી પડ્યો, “વેરી ગુડ, વેરી ગુડ. ભલે, હું તમારું કામ કરીશ. ચોર-ડાકુને પકડી પાડીશ અને તમે મારું કામ સંભાળજો. ટ્રાફિક પર ધ્યાન રાખજો.”

    “હા, હા, હું ટ્રાફિકને ઠેકાણે પાડી દઈશ. આજથી જ. અબીહાલ. મિલાઓ હાથ, બાત પક્કી. આપણા બેનું નક્કી.”

    બન્ને પોલીસે હાથ મિલાવ્યા. પછી બેય બાજુની હોટેલમાં ગયા. દંડૂકાવાળા પોલીસે સિસોટીવાળાને યુનિફૉર્મ પહેરી લીધો, સિસોટીવાળાએ દંડૂકાવાળાનો પહેરી લીધો.

    ચોર સાથે ઊઠલીબેઠલી રમવાવાળો પોલીસ હવે સફેદ ખમીસ પહેરીને ટ્રાફિક ટ્રાફિક રમવા નીકળ્યો. ચાર રસ્તા ભેગા થાય એવો એક ચોક આવ્યો. પોલીસ ધડાક કરતોકને સ્ટૂલ પર ચડી ગયો. એને ટ્રાફિકનું ધ્યાન રાખતાં તો શું આવડે? બસ, જોરજોરથી સિસોટીઓ વગાડવા માંડ્યો. ફુર્રર... ફુર્રર...

    ડાબો હાથ ઉપર કર્યો, ફર્રર... ફુર્રર... ડાબી બાજુની ગાડીઓ અટકી પડી.

    જમણો હાથ ઉપર કર્યો, ફુર્રર... ફુર્રર... જમણી બાજુની ગાડીઓએ બ્રેક મારી.

    હાથ સામે બાજુ ઊંચો કર્યો, ફુર્રર... ફુર્રર... સામેના ખટારા રોકાઈ પડ્યા.

    હાથ પાછળ બાજુ ઊંચો કર્યો, ફુર્રર... ફુર્રર... ડબલડેકર બસ ચરરર.... કરતીકને થંભી ગઈ.

    બધી ગાડીઓ અટકી પડી એટલે પોલીસને આવી ગઈ ગમ્મત. પણ ગાડીવાળાઓને ચડ્યો ગુસ્સો! “આ તે પોલીસ કે પાયજામો? કેમ એકેય ગાડીને છોડતો નથી?” કંટાળીને એક જણે ગાડી થોડી આગળ લીધી. આ પોલીસ તો ગુંડાઓ સાથે લડવાવાળો. અસલ રંગમાં આવી કૂદકો મારીને સામો ધસ્યો.

    “પોલીસ પાર્ટીને તુમકો રોકા તો ભી તુમ ભાગતા હૈ? ખબરદાર!” પોલીસે રાઇફલ કાઢી અને હવામાં બે ભડાકા બોલાવી દીધા. ગાડીવાળાઓ હેબતાઈ ગયા. ગાડીઓ રસ્તા વચ્ચે છોડી દીધી. મુઠ્ઠીઓ વાળીને નાઠા.

    પોલીસ ફુલાઈ ગયો. આ ટ્રાફિકના કામમાં તો મજા આવે છે. બધાને કેવા ભગાડ્યા! દૂરથી એક ગાડી આવતી હતી તેને ઊભી રાખી. “લાઇસન્સ દિખાઓ, ચલો, લાઇસન્સ દિખાઓ.”

    ગાડીવાળો ધીમા અવાજે બોલ્યો, સાહેબ, “લાઇસન્સ ઘરે રહી ગયું છે.”

    “ક્યા બોલા? લાઇસન્સ નહીં હૈ?” તરત પોલીસદાદાએ તો કાઢી હાથકડી. ડ્રાઇવરના હાથમાં પહેરાવી દીધી. ખેંચતો ખેંચતો સિગ્નલ પાસે લઈ આવ્યો.

    ડ્રાઇવર કહે, “જવા દો, જવા દો.”

    પોલીસ કહે, “કૈસે જવા દો.”

    સિગ્નલને સાંકળ વીંટાળીને, ડ્રાઇવરને બીજે હાથે પણ હાથકડી પહેરાવી દીધી. ડ્રાઇવર ભૂપત બહારવટિયો હોય તેમ બજાર વચ્ચે બંધાઈ ગયો.

    “વાહ, પોલીસદાદા, વાહ! તમે ટ્રાફિક ખરો સંભાળ્યો!”

    હવે, બીજા પોલીસનો તાલ જુઓ.

    ટ્રાફિક-પોલીસને ચોર પકડવાનું કામ મળ્યું એટલે ખુશખુશ થઈ ગયો. દંડૂકાને ગદાની જેમ ઘુમાવવા લાગ્યો. ચારેકોર જોતો જાય ને બોલતો જાય, “ક્યાં છે ચોર, ક્યાં છે ચોર?”

    એની ડ્યૂટી હતી આર્થર રોડની જેલમાં.

    જેલની ચારેય બાજુ પથ્થરની ડિબાંગ-કાળી દીવાલો. લોખંડનાં કિચૂડ કિચૂડ કમાડો. અંદર કેદીઓ કેટલા? તો ક્હે ચારસો વીસ. કોઈ ખિસ્સાકાપુ, કોઈ ગળાકાપુ, કોઈ બહારવટિયો, કોઈ ધાડપાડુ. આવા નમૂનાઓ પર ધ્યાન રાખવાનું કાચાપોચાનું કામ નહિ.

    આવી જેલમાં ટ્રાફિકનો પોલીસ ઘૂસ્યો. “ચલો અબે... સીધી લાઇનમાં ખડા થઈ જાઓ!” કહીને બધા કેદીઓને બે કતારમાં સામસામે ઊભા કર્યા. પોતે વચ્ચોવચ્ચ ઊભો. હાથ ઉછાળીને કેદીઓની એક કતારને રોકી. બીજી કતારને આગળ વધવાનો ઇશારો કર્યો. “સ્ટૉપ, ગો! સ્ટૉપ, ગો!” આમ તે કેદીઓનો ટ્રાફિક સંભાળવા લાગ્યો.

    જે કેદી ડાબો ટર્ન મારે તેણે જમણો હાથ બહાર કાઢી, ગોળ-ગોળ ઘુમાવીને સિગ્નલ આપવાનું. બીજા કેદીને ઓવરટેક કરવો હોય, તો મોઢેથી “ભોંપૂ... ભોંપૂ...” “પિપિપ... પિપિપ...” એવા અવાજો કરવાના.

    આવી બધી રમતમાં એક કેદી નાઠો. પોલીસને ચડાવ્યો ધક્કે. દીવાલના પથ્થર પર પગ મૂકીને ઉપર ચડી ગયો. બીજી બાજુ ઠેકડો માર્યો. બીજા કેદીઓ ખુશ થઈને તેને પાનો ચડાવવા માંડ્યા. હવાલદાર “નો ઍન્ટ્રી, નો ઍન્ટ્રી...” કહીને પાછળ દોડ્યો. પણ કેદી થઈ ગયો રફુચક્કર! બીજા પોલીસો, જમાદાર, જેલર, સૌ કોઈ ધસી આવ્યાં. “શું થયું ‘લ્યા, શું થયું?”

    પોલીસ કહેવા લાગ્યો, “સાહેબ, સાહેબ, પેલા કેદીએ સિગ્નલ તોડ્યું. વળી દીવાલ પર ‘નો ઍન્ટ્રી’ હતી તોપણ એના પરથી ગયો. ટ્રાફિકના બે-બે ગુના કર્યા, સાહેબ.”

    જેલર રાતોપીળો થઈ ગયો, “જોકર, તેં એના પર પિસ્તોલ કેમ નહિ ચલાવી? કેમ ભાગી જવા દીધો?”

    “ફિકર નહિ કરો, જેલરસાહેબ- નોટ ટુ વરી,” પોલીસે ખિસ્સામાંથી ડાયરી કાઢીને જેલરને બતાવી. “જુઓ, મેં એનો નંબર લઈ લીધો છે! કેદી નંબર એમ-આર.ડબલ્યુ. નાઇન ટુ વન વન, પંદર દિવસમાં તમારું લાઇસન્સ લઈને અમને ચોકી પર મળવા આવો.”

    “અરે અનાડી, તને હવાલદાર કોણે બનાવ્યો?” જેલરે ત્રાડ નાખી. “તું તાબડતોબ અહીંયાંથી નાઇન ટુ વન વન થઈ જા. યાને કે નૌ દો ગ્યારહ!”

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સાંકળચંદ પટેલ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012