રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઉરુ આમ તો ઊંઘનારી જબરી. રાત્રે આઠ વાગ્યે સૂઈ જાય ને સવારે સાત વાગે ઊઠે. આખી રાત ઊંઘે પણ એકધારું. અર્ધી રાતે કોઈ વખત કોઈ પણ કારણે જાગી હોય એવું બન્યું જ નથી. સાત વાગ્યા પહેલાં એ હજી કોઈ વખત ઊઠીયે નથી. પણ આજે ઉરુ વહેલી જાગી ગઈ. હજી તો સવારનું અજવાળું પણ નહોતું થયું ને ઉરુ આજ જાગી પડી.
આજે એના પેટમાં દુખી આવ્યું. થોડી વાર તો ખમીને એ પડી રહી. હમણાં મટી જશે – એમ માની પડખું ફરી ઊંઘી જવા પ્રયત્ન કર્યો; પણ ઊંઘ આવી નહીં. પેટનો દુખાવો તો વધતો જ ચાલ્યો. આખરે એણે બાને બૂમ મારી. બા પાસે જ સૂતી હતી. બાએ જાગતાંની વાર પૂછ્યું : “કેમ ઉરુ, આજે તું આટલી બધી વહેલી જાગી ગઈ? હજી તો કૂકડાયે નથી બોલ્યા?”
ઉરુએ એનું કારણ કહ્યું.
વહેલી વહેલી બા ઊઠી. ઉરુને હિંગની ભૂકી ફકાવી; પણ એથી દુખાવો ઓછો થયો નહીં. બીજા એકબે ઉપાય બાએ કર્યા પણ ઉરુનો દુખાવો મટવાને બદલે વધતો જ ચાલ્યો.
પછી તો ઉરુના બાપુ જાગ્યા. ઉરુનો ભાઈ સુરેશ પણ જાગ્યો. બધાં ઉરુની સારવારમાં પડ્યાં. હવે તો ઉરુથી દુખાવો ખમાય નહીં એટલો વધી ગયો હતો. સવાર થઈ ગઈ. સૂરજ ઊગી ગયો. દુખાવો મટાડતાં લગભગ આઠ વાગવા આવ્યા. બા-બાપુએ કાંઈ કાંઈ વાનાં કર્યાં, પણ ઉરુનો દુખાવો મટ્યો નહીં. આખરે બાપુ બોલ્યા : “ઉરુને દાક્તરને ત્યાં લઈ જવી પડશે. હું નાહીને તૈયાર થાઉં એટલામાં તું ઉરુને તૈયાર કર. સુરેશ, તું ભાડાની ગાડી લઈ આવજે.”
સુરેશ ઉરુનો મોટો ભાઈ. એને ઉરુને ચીડવવાની બહુ ટેવ. જેમ જેમ વધારે ચિડાય તેમ તેમ એને ખૂબ મજા આવે. ઉરુના પેટના દુખાવાનું કારણ કોઈ સમજ્યું ન હતું, એટલે એનાં બા-બાપુ ગંભીર હતાં, પણ સુરેશને ગાડી લેવા જતાં જરા ઉરુને ચીડવી લેવાનું મન થયું.
બાપુ નાહવા ગયા હતા. બા ઉરુનાં કપડાં લેવા ગઈ હતી, એટલે સુરેશને તક મળી. એ ઉરુની પથારી પાસે ગયો ને કહેવા લાગ્યો :
“ઉરુ, તે દિવસે તું બોરનો ઠળિયો ગળી ગઈ હતી તેથી તારા પેટમાં બોરડી ઊગી હશે. અને તેથી જ તને આટલું બધું દુખે છે. બોરડીના કાંટા તારા પેટમાં ભોંકાતા હશે. હવે તો દાક્તર તારું પેટ ચીરશે ને બોરડી કાઢશે ત્યારે મટશે. જોજે ને, દાક્તર તો તારું પેટ ચીરશે!”
સાવ તોપ મારી સુરેશ ગાડી લેવા ઊપડી ગયો.
ઉરુ બીચારી છેક નાની. સુરેશની વાત સાંભળી એ મૂંઝાઈ ગઈ. એને પીડાવાના દુઃખ કરતાં દાક્તર પેટ ચીરશે એ વિચાર ભારે દુઃખદ લાગ્યો. એ ખૂબ જ હેબતાઈ ગઈ. ગભરામણમાં તે ગભરામણમાં એને કાંઈ કાંઈ વિચારો આવવા લાગ્યા. આખરે પેટ ચિરાવવાના દુઃખમાંથી ઊગરવાનો એને એક ઉપાય જડી ગયો; અને એણે એ ઉપાય અજમાવ્યો.
બાપુ નાહીને અને બા કપડાં લઈને ઉરુના ઓરડામાં આવ્યાં. પથારીમાં ઉરુ ન હતી. પાસેના ઓરડામાં જોયું, રસોડામાં જોયું અને એમ આખા ઘરમાં જોયું, પણ ઉરુ જડી નહીં.
બા ને બાપુ નવાઈ પામ્યાં. પેટનો દુખાવો તો એનો કેટલો બધો હતો ને એ ક્યાં ગઈ? પાડેશે રમવા ગઈ હશે? એમ વિચારતાં હતાં એટલામાં સુરેશ ઘોડાગાડી લઈને આવ્યો.
તરત ઉરુ વિશે સુરેશને પૂછ્યું, પણ સુરેશ એ વિશે કશું જાણતો ન હતો. એ આશ્ચર્ય પામીને બા-બાપુ સામે જોઈ રહ્યો. એણે કહ્યું : “હું ઘોડાગાડી લેવા માટે ગયો ત્યારે તો એ અહીં સૂતેલી હતી.” કોઈને કાંઈ સમજ પડી નહીં કે ઉરુ ક્યાં ગઈ.
ત્યારે ઉરુ ગઈ ક્યાં?
બા, બાપુ ને સુરેશ વળી આખા ઘરમાં શોધી વળ્યાં. એકેએક ઓરડો જોયો. જાજરૂ પણ તપાસ્યું. ક્યાંયે ઉરુનો પત્તો ન મળે.
બા ને બાપુ ખૂબ ગભરાઈ ગયાં. સુરેશને તો કાંઈ સમજ ન પડી. આ તે શું કહેવાય? ખાટલે પડેલી ઉરુ એકાએક ક્યાં ગુમ થઈ જાય?
એટલામાં બાપુએ કહ્યું, : “સુરેશ, પાડોશમાં રામીકાકાને ત્યાં જોઈ આવ ને. વખતે એ ત્યાં ગઈ હોય.”
દોડતો જઈને સુરેશ જરા વારમાં પાછો આવ્યો. ત્યાં ઉરુ ન હતી. બીજા પાડોશમાં તપાસ કરી અને પછી તો આખી શેરીના એકેએક ઘેર તપાસ કરી; પણ માંદી ઉરુ ક્યાંય ન હતી.
બધાં વિસામણમાં પડ્યાં. ત્યારે ઉરુ ગઈ ક્યાં?
તપાસ કરતાં કરતાં દસ વાગવા આવ્યા, પણ ઉરુ જડે નહીં.
બાને થયું ઉરુ એની માસીને ત્યાં ગઈ હશે. પણ ઉરુ કોઈ દિવસ કહ્યા વિના ક્યાંયે જતી નથી એમ એને થયું. છતાં માસીને ત્યાં તપાસ કરવા સુરેશને દોડાવ્યો. એક નોકરને ઉરુના કાકાને ત્યાં મોકલ્યો. પાસેના મહોલ્લામાં ઉરુના કાકાનું ઘર હતું. અને બા-બાપુ વળી પાછાં આખી શેરી ને આખો મહોલ્લો શોધી વળ્યાં. ઘણાંબધાં ઓળખીતાં એને ઘેર એકઠાં થઈ ગયાં. બધાં કાંઈ ને કાંઈ તર્કવિતર્ક કરવા લાગ્યાં; અને આમતેમ પૂછાપૂછ કે તપાસ કરવા મંડ્યા, પણ ઉરુનો પત્તો જ ન લાગ્યો. ત્યારે ઉરુ ગઈ ક્યાં?
એવામાં બાપુને થયું કે ઉરુ દાક્તરને ત્યાં તો ન ગઈ હોય? એને થયું કે બાપુ નાહીને આવશે. હું જતી થાઉ.
બાપુ જાતે દાક્તરને ત્યાં ગયા. દાક્તરને ત્યાં જઈ જુએ તો ત્યાંયે ઉરુ ન મળે.
બા વળી આખું ઘર તપાસી વળી. ખાટલાની તળે જોયું ને કબાટ પાછળ જોયું. દાદર નીચે જોયું ને રસોડામાં જોયું. વળી જાજરૂમાં પણ બા જોઈ આવી.
એટલામાં સુરેશ ને નોકર બેઉ આવી પહોંચ્યા. બાપુ દવાખાનેથી પણ આવી ગયા. બધાં શોકાતુર મોંએ જ આવતાં હતાં. કશે ઉરુ ન હતી.
વળી સુરેશ ઊપડ્યો. ઉરુની બેચાર સહિયરોનાં ઘર એણે જોયાં હતાં. જોકે ઉરુ એકલી કોઈ વખત ત્યાં રમવા ગઈ ન હતી; છતાં સુરેશ ત્યાં તપાસ કરવા ઊપડ્યો. નોકરને નિશાળે તપાસ કરવા મોકલ્યો.
ક્યાંયે ઉરુનો પત્તો લાગ્યો નહીં ને વાત વાતમાં બાર વાગવા આવ્યા. આખરે થાકીને બાપુએ પોલીસચોકી ઉપર ખબર આપી. ગામબહાર જે નજીકનાં સગાં હતાં ત્યાં ખબર કાઢવા તાર કર્યો. સવારના ઊઠીને બધાં ઉરુના કામે લાગ્યાં હતાં. ચિંતા ને રખડપટ્ટીમાં બધાં થાકીને લોથ થઈ ગયાં, પણ ઉરુ જડી નહીં.
બધાં દુઃખી દિલે બેઠાં હતાં. કાકા ને કાકી આવ્યાં હતાં. માસી ને તેની નાની ભાણી પણ આવ્યાં હતાં. બધાં નિરાશ થઈને બેઠાં હતાં. એટલામાં જોડેથી રતનકાકી આવ્યાં. રતનકાકી બહુ ભલાં. રતનકાકીને થયું કે ઉરુ હજી જડતી નથી ને આ લોકોએ રાંધ્યુંયે નહીં હશે. ચાલ, જરા જાઉં. એમ વિચારી એ આવ્યાં ને રસોડામાં જઈને સગડી સળગાવી. એક ડબ્બામાંથી તુવેરની દાળ કાઢી. પછી ચોખા કાઢવા ગયાં તો ચોખાનો ડબ્બો ખાલી દીઠો. એ રસોડામાંથી બહાર આવ્યાં ને ઉરુની બાને ચોખા વિશે પૂછવા લાગ્યાં.
બહાર બધાં મૂંગા મોંએ બેઠાં હતાં. ઉરુની બા પણ નીચે મોંએ બેસી રહ્યાં હતાં ને મનમાં ને મનમાં રડ્યાં કરતાં હતાં.
રતનકાકીએ ચોખા વિશે પૂછ્યું એટલે એ બોલ્યા : “બહેન, અમારા પેટમાં તો આગ સળગી છે. અમારે તો કોઈને કાંઈ ખાવું નથી. આ સુરુને ભૂખ લાગી હશે. ભંડારિયામાં બે ભાખરી પડી છે તે એને આપો. સવારમાં ઊઠીને બેઉ ભાઈબહેન દૂધ સાથે રોજ એક એક ભાખરી ખાય તે પડેલી હશે. એક ભાખરી ખાનારી તો કોણ જાણે ક્યાં અલોપ થઈ ગઈ.” એમ બોલતાં બોલતાં એનાથી જોરથી રડી પડાયું. સુરેશની આંખમાં પણ આંસુ ભરાઈ આવ્યાં. તે બાના ખોળામાં માથું મૂકી રોવા લાગ્યો ને પૂછવા લાગ્યો :
“બા, ઉરુ ક્યાં જતી રહી?”
સુરુના સવાલથી એની બા વધારે જોરથી રડી પડી. થોડી વાર સુધી કોઈ કાંઈ બોલ્યું નહીં.
આખરે રતનકાકીએ બાને શાંત કરી : “જમ્યા વિના કાંઈ ચાલશે? ઉરુ હમણાં નહીં તો પછી જડશે. જરા ધીરજ રાખ, બહેન.”
કેટલીક વાર પછી આંસુ ખરતી આંખે બા ઊઠી. રસોડા પાસે એક નાનકડું ભોંયરું હતું. એ ભોંયરામાં વધારાનો સામાન ને વધારાનું અનાજ રહેતું હતું. ચોખાનો ખાલી ડબ્બો લઈ ઉરુની બા ભોંયરામાં ચોખા લેવા ગઈ.
ભોંયરામાં જવાનું બારણું ઉઘાડ્યું. પાંચ પગથિયાં દાદર ઊતરીને જુએ તો સામે પહોળું મોં કરી જોઈ રહેલી ઉરુ દેખાઈ.
ઉરુની બા એકદમ બોલી ઊઠ્યાં : “અરે, આ તો અહીં છે!”
બાએ દોડીને ઉરુની છાતી સાથે ચાંપી દીધી. બધાં દાદર પાસે દોડી આવ્યાં. ઉરુને લઈ બા ઉપર આવી.
આખા ઘરમાં આનંદનો પાર ન રહ્યો.
દાક્તર પેટ ચીરે એથી બહેન છાનાંમાનાં ભોંયરામા સંતાઈ ગયાં હતાં! અને પેટ ચિરાય એની બીકમાં એનો પેટનો દુખાવો પણ કોણ જાણે ક્યાંય જતો રહ્યો હતો.
બાપુએ વળી બધે તાર કરી ખબર આપ્યા કે, ‘ઉરુ જડી.’ પોલીસચોકીએ પણ ખબર આપી દીધા.
સંતાવાનું કારણ બાપુએ જાણ્યા પછી બાપુએ એને ખરી વાત સમજાવી કે પેટમાં બોરડી ઊગે જ નહીં ને દાક્તર એમ પેટ ચીરે જ નહીં. હજી ઉરુને થોડું થોડું દુખ્યા કરતું હતું.
આખરે ઉરુને દાક્તરને ત્યાં લઈ ગયા. દાક્તરે દવા આપી ને ઉરુનો દુખાવો બંધ થયો.
સ્રોત
- પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 148)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020