Kidibainu Khetar - Children Stories | RekhtaGujarati

કીડીબાઈનું ખેતર

Kidibainu Khetar

દુર્ગેશ શુક્લ દુર્ગેશ શુક્લ
કીડીબાઈનું ખેતર
દુર્ગેશ શુક્લ

                કીડીબાઈનું ખેતર નાનું. ચોમાસે વાવે ને બારે માસ બેઠાં બેઠાં ખાય. જાતે ખેતી થાય નહીં. ચોમાસું આવે એટલે મંકોડાને કહે :

 

“મંકોડાભાઈ, ખેતર ખડો,
તો પહેરાવું સોના તોડો.”

 

                મંકોડાભાઈ તો જે મંડે ને તે ખેતર ખેડી નાખે, એટલે કીડીબાઈ ચકલાને કહે :

 

“ચકલાભાઈ, વેરો ચણ,
બાજરી દૈશું પૂરી મણ.”

 

                ચકલો ચાંચમાં દાણાં લાવે ન ખેતર આખું વાવી આપે. ત્યાં તો આકાશમાં વરસાદનું વાદળું દેખાય. કીડી કહે :

 

“વાદળ, તું જો વરસે પાણી
બારે મહિના ઘેર ઉજાણી.”

 

                વાદળ કીડીબાઈના ખેતરમાં વરસે.

 

                બાજરો ઊગે ને મોટાં ભરેલાં ડૂંડાં ડોલે. ત્યાં આવે પારેવડાં કણ ચણવા. કીડીબાઈ કહે :

 

“આઘાં રહેજો ઓ પારેવાં
અનાજ પૂરું દો ઊતરવા.”

 

                પંખીડાં આઘાં રહે. કોઈ અનાજ ચણે નહીં.

 

                કીડીબાઈના ખેતરમાં મજાનો બાજરો થાય. ડૂંડાં વઢાય ને ખળે ઠલવાય. અનાજ છૂટું પડાય ને ગાડાં ભરી ઘરભેગું કરાય. કીડીબાઈનો કોઠાર અનાજે છલકાઈ જાય.

 

                કીડીબાઈ દિલનાં ઉદાર. ઉપકારનો બદલો વળે, તો જ એમના જીવને જંપ મળે.

 

                કીડીબાઈ મંકોડાને બોલાવે ને કહે :

 

“તારી મજૂરી કાળી,
બાજરાની ભર થાળી.”

 

                થાળી ભરીને મંકોડો બાજરી લઈ જાય.

 

                પછી આવે ચકલાભાઈ. કીડી કહે :

 

“તારી મહેનત ઘણી,
ચોથા ભાગનો ધણી.”

 

                ચકલાને ચોથા ભાગનો બાજરો આપી રાજી કરે.

 

                આકાશમાં ઘેરાય વાદળું કે કીડીબાઈ બોલે :

 

“બધી તમારી દયા,
સુખમાં દિવસ ગયા.”

 

                પારેવડાંને તો બારે માસ આંગણે નોતરે. ચણ નાખે ને મીઠે અવાજે ગાય :

 

“પેટ તમારું ઠરશે,
તો સૌની મહેનત ફળશે.
ચણો પારેવાં, ચણો.”

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 247)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020