રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆજે પપ્પુભાઈનો જન્મદિવસ હતો. પપ્પુભાઈ જે દિવસની રાહ મહિનાથી જોઈ રહ્યા હતા તે આવી પહોંચ્યો હતો. તેઓ આજે આઠમું વર્ષ પૂરું કરી રહ્યા હતા.
ગઈ કાલે રાત્રે મમ્મી-પપ્પાને અને મોટાં ભાઈ-બહેનને પોતાને આપવાની ભેટોની ચર્ચા કરતાં સાંભળ્યા હતાં અને આવો સુંદર વાર્તાલાપ ચુપકીદીથી સાંભળીને પોતે જાણે મહાન ડિટેક્ટિવ હોય એવું ગૌરવ અનુભવતા હતા.
સવારના પહોરમાં તેઓ ઊઠ્યા. અરે, મમ્મીને પણ તેમણે જ ઉઠાડ્યાં. બધાંની પહેલાં નાહી-ધોઈને તૈયાર પણ થઈ ગયા. ગયા વર્ષનો જન્મદિવસ હજુ ગઈ કાલ જેવો જ તાજો હતો. તૈયાર થઈને તરત જ તેમણે બધાંને ઓરડામાં ભેગાં કર્યાં.
એક પછી એક એમણે તો બધાંને પગે લાગવાનું શરૂ કરી દીધું. બધાંને નવાઈ લાગી કે આ કેવું પરિવર્તન! પણ પપ્પુભાઈના મનની વાતની કોને ખબર હતી! ગયા વર્ષે મમ્મીના કહેવાથી બધાંને પગે લાગ્યા હતા અને સુંદર ભેટો મળી હતી, તો આ વખતે તો જાતે જ પગે લાગીએ. મમ્મી-પપ્પા તો એમના આ ડહાપણથી ખૂબ ખુશ થઈ ગયાં અને એમને આશીર્વાદ આપ્યા. પપ્પુભાઈએ આ બધું સાંભળી તો લીધું ઠાવકાઈથી, પણ ઇંતેજારી તો હતી ભેટોની.
પપ્પુભાઈ જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી પણ આવી પહોંચી. મમ્મી-પપ્પા અને મોટાં ભાઈ-બહેને તેમને ભેટો આપી અને બધાં નાસ્તો કરવા માટે બેઠાં. કમનસીબે બધાં પૅકેટ દોરી બાંધીને પૅક કરેલાં હતાં. પપ્પુભાઈએ માંડ-માંડ પૅકેટો પરથી નજર ખસેડીને નાસ્તામાં ધ્યાન પરોવ્યું.
આખરે તેઓ પોતાના સ્થાને, એટલે કે એક ઓરડાને ખૂણે સામગ્રી સહિત પહોંચ્યા. ઝડપથી એક પછી એક દોરી ખોલીને અંદર જોવા મંડ્યા.
પ્રથમ પપ્પાએ આપેલી ભેટ ખોલી. બંધ પૅકેટ તો એટલું સુંદર! કોઈ રમકડાંનો સેટ હોય એવું લાગતું હતું! પણ જ્યાં ખોલીને જુએ છે તો હતી – ચોપડી!!
પપ્પુભાઈને વાંચવું તો કદી ગમતું જ નહિ.
હા, વાર્તાઓ સાંભળવી જરૂર ગમતી. તેઓ થોડાક નિરાશ થઈ ગયા. પણ મન મનાવ્યું કે પપ્પાને કહીશ કે ચોપડીમાંની વાર્તા વાંચી સંભળાવો.
બીજું મમ્મીનું પૅકેટ ખોલતાં તેમાંથી એક ડૉક્ટર-સેટ નીકળ્યો. આ ભેટ સારી! નવરાશના સમય ડૉક્ટર-ડૉક્ટર રમાય તો ખરું.
મોટા ભાઈએ આપેલી ભેટ એટલી નાની હતી કે વાત ન પૂછો! પણ જ્યાં ખોલીને જુએ છે તો એ હતી એક ગિલોલ! સરસ ભેટ!
અને મોટી બહેનની ભેટ હતી અત્તરની શીશી!
ત્યાં તો પપ્પા ઓરડામાં આવ્યા. તેમણે પૂછ્યું કે ચોપડી જોઈ? પપ્પુભાઈએ હા પાડી. પપ્પાએ કહ્યું કે તેમાં તારા જેવડાં જ છોકરાંઓએ શાં સારાં કાર્યો કરેલા એની વાતો લખી છે.
પણ પપ્પુભાઈ તો ઊપડ્યા ફરવા! એમને તો પોતાનાં કપડાં અને ભેટો દોસ્તોને બતાવવાં હતાં. પણ ચાલતાં-ચાલતાં થયું કે આપણે પણ આજે જન્મદિવસે કોઈક સારું કાર્ય કરીએ તો કેવું! બધા આપણને શાબાશી આપે.
આમ પપ્પુભાઈ સારું કાર્ય શોધવા ચાલ્યા. પાડોશમાં રહેતા હરિકાકા એમનું ઘર રંગતા હતા. સરસ! પપ્પુભાઈએ એમને મદદ કરવાનું નક્કી કર્યું. હરિકાકાએ તો એમને ના જ પાડી પણ પપ્પુભાઈએ આજે પોતાનું બધું જ ડહાપણ વાપરવાનું નક્કી કર્યું હતું. આખરે તેમણે એક પીંછી મેળવી. હરિકાકાએ તેમને એક બારી રંગવા કહ્યું, પણ બારી સુધી પહોંચવું કેવી રીતે? હરિકાકાએ તેમને એક સ્ટૂલ આપ્યું. પપ્પુભાઈ તો હાથમાં રંગનું ડબલું લઈને ઉપર ચઢ્યા. પણ પીંછી નીચે રહી ગઈ. વળી ઊતરીને પીંછી લીધી અને સ્ટૂલ પર ચઢ્યા ત્યાં યાદ આવ્યું કે રંગ તો નીચે રહી ગયો. માંડ-માંડ તેમણે બંને હાથમાં રાખ્યા અને સ્ટૂલ પર ચઢ્યા અને મંડ્યા બારી રંગવા. થોડી વાર તો એમણે ઘણું સારું કામ કર્યું. હરિકાકાએ એમનાં વખાણ કર્યાં પણ ત્યાં જ બારીમાંથી એક ગરોળી અંદર આવી. પપ્પુભાઈએ એને કાઢવા પ્રયત્ન કર્યો પણ એ તો દીવાલ પર આવી જ ગઈ. પત્યું, પપ્પાભાઈએ રંગનું ડબલું ઉપાડીને રંગ ઉછાળ્યો ગરોળી પર! હરિકાકા એ જ દીવાલ રંગતા હતા. બિચારા એ તો આખા રંગ-રંગ થઈ ગયા અને દીવાલ પર ઑઇલ પેઇન્ટથી ખરડાઈ ગઈ. માંડ-માંડ હરિકાકાને પરિસ્થિતિનું ભાન થયું અને જ્યાં તેઓ પપ્પુભાઈને વઢવા જાય છે ત્યાં પપ્પુભાઈ જ ગુમ થઈ ગયેલા!
દોડતાં-દોડતાં પપ્પુભાઈ રસ્તા પર આવ્યા. ત્યાં એમણે જોયું કે એક છોકરો ગધેડાને મારી રહ્યો છે. અરેરે! કંઈ ગધેડાને મરાતું હશે! તેઓ ધીમેથી પેલા છોકરાની પાછળ ગયા અને સટાક! જોરથી છોકરાને પગની લાત ફટકારી દીધી! બિચારો છોકરો તો એવો બી ગયો કે નાઠો. પેલો ગધેડો પણ પપ્પુભાઈની આ આગવી કરાટે સ્ટાઇલની લાત જોઈને થોડી વાર ઊભો રહી ગયો અને પછી એય ભાગ્યો.
પપ્પુભાઈ મનમાં રાજી થઈ ગયા. મેં કેવું-કેવું સારું કામ કર્યું! એક ગધેડાને માર ખાતો બચાવ્યો!
આગળ ગંગાકાકીના ઘર પાસેથી પસાર થતાં તેમણે જોયું કે થોડીક બકરીઓ બિચારી ઘરની બહાર પડેલા કાગળના ડૂચા અને કેરીની છાલ ખાતી હતી. એક બકરી તો પાળી કૂદવાનો પ્રયત્ન કરતી હતી. આપણા દયાળુ પપ્પુભાઈને દયા આવી. એમણે તો ગંગાકાકીના ઘરનો દરવાજો ખોલી આપ્યો. બકરીઓ બધી અંદર પેઠી. અંદર કાકીએ શાકભાજી ઉગાડેલાં. બકરીઓ તો શાંતિથી બાગમાં પેસીને ઉજાણી કરવા લાગી અને પપ્પુભાઈ તેમની ઉજાણી જોવામાં મશગૂલ બની ગયા. અચાનક જે તેમને ગંગાકાકીના રાડ સંભળાઈ. ગંગાકાકી દરવાજામાંથી બકરીઓ બહાર કાઢી રહ્યાં હતાં અને બકરીવાળાને ભાંડી રહ્યાં હતાં. પપ્પુભાઈની સમજમાં કાંઈ આવ્યું નહિ. પણ તેઓ ગંગાકાકીની નજરમાંથી છટકીને ભાગ્યા તો ખરા જ.
બપોરે જમીને ફરી પાછા તેઓ ઊપડ્યા દોસ્તોને મળવા. તેમના દોસ્તો ઇન્દુકાકીના બાગમાં હતા. ઇન્દુકાકીના આંબા ઉપર કેરીઓ આવી હતી. ઇન્દુકાકીની બપોરની ઊંઘનો લાભ લઈને છોકરાઓ કેરી પાડવા આવ્યા હતા. બધી નીચેથી પથરા મારતા હતા. પણ હજુ એકેય કેરી હાથમાં આવી નહોતી. એટલામાં પપ્પુભાઈ આવી પહોંચ્યા. તેમણે તો છટાથી પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને ગિલોલ કાઢી અને બધાને કહ્યું : બેસી જાઓ! પછી એક ગોળમટોળ પથ્થર લઈને કોઈ અચ્છા નિશાનબાજની અદાથી તેમણે નિશાન તાક્યું. પથ્થર છૂટ્યો અને કેરી ટપાક કરતી નીચે પડી. બધા છોકરાઓ ખુશીમાં કૂદવા લાગ્યા અને પપ્પુભાઈને શાબાશી આપવા લાગ્યા. પપ્પુભાઈ મનમાં હરખાવા લાગ્યા કે હું છોકરાઓને મદદ કરીને એક સારું કાર્ય કરી રહ્યો છું. તેમણે બીજો પથ્થર લીધો. કેરીનું નિશાન તાક્યું અને પથ્થર છોડ્યો. પણ દર વખતે કંઈ નિશાન બરાબર લાગે જ એવું ઓછું છે? પથ્થર કેરીની બાજુમાંથી પસાર થઈને હવામાં વીંઝાતો સનનન કરતો ગયો અને એક જોરદાર અવાજ આવ્યો – ખણિંગ! ઇન્દુકાકીના ઘરની બારીના કાચનો અવાજ હતો. એ પથ્થરે કાચ ફોડી નાખ્યો હતો. ઇન્દુકાકી તો હાંફળાં-ફાંફળાં ઊંઘમાંથી જાગીને બહાર આવ્યાં પણ એમ કંઈ ટાબરિયાં હાથ આવે! બધાં એટલી વારમાં છૂ થઈ ગયાં હતાં.
સાંજ પડી. પપ્પુભાઈ ઘરના આંગણમાં જ હતા. પરંતુ હજુ તેમના મગજમાંથી ‘સારાં કાર્યો’ કરવાનું ભૂત નીકળ્યું નહોતું. તેઓ સારાં કાર્યોનો લાગ શોધતા ફરતા હતા. એવામાં એમણે પોતાના બાગમાં આવેલી ઓરડીમાં એક બિલાડી જોઈ. બિલાડીને ત્રણ બચ્ચાં આવ્યાં હતાં. પપ્પુભાઈના દયાળુ મનમાં સારું કાર્ય કરવાનો ઝબકારો થયો. તરત જ તેઓ ઘરમાં ગયા અને થોડી વારમાં પાછા આવ્યા. તેમના હાથમાં એક તપેલી હતી. ધીમેથી તેમણે એ બિલાડી પાસે મૂકી દીધી. બિલાડી તો દૂધ જોઈને ખુશ થઈ ગઈ અને જોતજોતામાં તપેલી સાફ કરી નાખી. પપ્પુભાઈ મનમાં હરખાતા-હરખાતા તપેલી ઘરમાં લઈ ગયા અને એની જગાએ મૂકી દીધી. થોડી વારમાં મમ્મી રસોડામાં આવી. મહેમાનને માટે ચા બનાવવાની હતી. ચાનું પાણી પણ મૂકી દીધું હતું અને જ્યાં દૂધ લેવા જાય ત્યાં – દૂધની તપેલી ખાલી! બિચારી મમ્મી! એણે જેમ-તેમ મહેમાનને શરબત પાઈને કાઢ્યા. એને હજુ ખબર ન પડી કે દૂધ ગયું ક્યાં? બિલાડી તો રસોડામાં આવી શકે એમ જ નહોતું.
બપોરના પપ્પુભાઈના જન્મદિવસના માનમાં ભારે ભોજન ખવાઈ ગયું હતું એટલે મોટી બહેનના પેટમાં ગરબડ થઈ ગઈ હતી. પપ્પુભાઈને છેક અત્યારે એની ખબર પડી. પણ ખબર પડતાં જ એ તો પહોંચી ગયા મોટી બહેનના ઓરડામાં – રસોડામાં મમ્મીને મોટી બહેનની ચીસ સંભળાઈ. એ તો દોડતી આવી. જોયું તો મોટી બહેન પપ્પુભાઈ સામે ડોળા કાઢતી હતી. વાત એમ હતી કે પરોપકારી પપ્પુભાઈએ મોટી બહેનને પેટના દર્દમાંથી છુટકારો આપવા માટે ભેટ મળેલા ડૉક્ટર સેટમાંના ઇન્જેક્શનની સોય મોટી બહેનના હાથમાં, હતું એટલે જોર વાપરીને, ઘોંચી દીધી હતી. જન્મદિવસ હતો એટલે પપ્પુભાઈને મમ્મીએ માંડ માંડ જવા દીધા. બિચારા પપ્પુભાઈ! પરંતુ હજુ તેઓ નિરાશ થયા નહોતા. તેઓ બીજા સારા કામની શોધમાં ઊપડ્યા.
પાછળવાળા રાજુકાકા બગીચામાં પાણી પાઈ રહ્યા હતા. પપ્પુભાઈએ એમને મદદની જરૂર છે કે કેમ એમ પૂછ્યું. રાજુકાકા તો રાજી થઈ ગયા અને પાણીની પાઇપ પપ્પુભાઈના હાથમાં આપી. રાજુકાકા તો ઘરમાં બીજું કામ કરવામાં પડ્યા. પપ્પુભાઈએ થોડી વાર પ્રામાણિકતાપૂર્વક પાણી પાયું. ત્યાં એમની નજર એક પોપટ પર પડી. એ શાંતિથી બાગમાં ઊગેલા સીતાફળને ખાતો હતો. પપ્પુભાઈથી કંઈ આ સહન થાય! એમણે તો પાણીની પાઇપ પોપટ તરફ ધરી. પોપટ ઊડીને આંબા પર બેઠો. પપ્પુભાઈ ત્યાં દોડ્યા. પણ વચ્ચે દોરી પર સુકાતાં કપડાં એમને દેખાયાં નહિ અને તો એમાં અટવાઈ પડ્યા. બધાં કપડાં ભીનાં થઈ ગયાં એટલું જ નહિ, પણ કપડાં ધૂળમાં પડવાથી ગંદા પણ થઈ ગયાં. પપ્પુભાઈ તો પાણીની પાઇપ મૂકીને ભાગ્યા.
રાત્રે આઠ વાગ્યા સુધી તેઓ ઘરમાં કશી પણ ધમાલ વિના ફરતા રહ્યા! રાત્રે શીખંડનો પ્રોગ્રામ હતો. સૌ જમવા બેઠા. મમ્મીએ બધાંને પીરસ્યું અને જેવી શીખંડ આપવા જાય છે કે કંઈક લાલ લાલ પ્રવાહી જેવું શીખંડ ઉપર પડેલું જોયું. મમ્મીને સમજાયું નહિ કે આ શું છે. એણે એ સૂંઘી જોયું તો સુગંધ આવી! એ સમજી ગઈ કે એ શું હતું! એ તો હતું મોટી બહેને ભેટ આપેલું અત્તર! મમ્મીએ પપ્પુભાઈને પૂછ્યું ત્યારેક તેઓએ જવાબ આપ્યો કે પોતે મમ્મીને બોલતાં સાંભળેલી કે શીખંડમાં ઇલાયચી, કેસર, કસ્તૂરી વગેરે નાખજે જેથી સુગંધ આવે. એટલે ભાઈસાહેબે પરોપકાર કરવા કસ્તૂરીનું અત્તર શીખંડમાં ઠાલવ્યું હતું!
જેમ-તેમ રાત પડી. મમ્મીએ પપ્પુભાઈને સુવડાવી દીધા. પણ પરોપકારી પપ્પુભાઈ જેમનું નામ! રાત્રે તેમણે કૂતરાને રડતું સાંભળ્યું. તેઓ નીચે ગયા. કૂતરાને ઓરડામાં લઈ આવ્યા અને સુવાડી દીધું. ત્યાં મગજમાં બત્તી થઈ! ફરી જઈને તેઓ ઉપર આવ્યા ત્યારે હાથમાં બિલાડી અને એનાં બચ્ચાં હતાં.
સવારના મમ્મીએ પપ્પુભાઈને ઉઠાડવા માટે બારણું ખોલ્યું ત્યારે પપ્પુભાઈના પલંગમાં બિલાડી ત્રણ બચ્ચાં સાથે સૂતી હતી. એણે આખી ચાદર બગાડી મૂકી હતી. કૂતરાભાઈ શાંતિથી એક ખુરશી પર ઊંઘતા હતા અને પપ્પુભાઈ પલંગની નીચે એમને વેરવિખેર ચોપડીઓની વચ્ચે પડ્યા હતા!
સ્રોત
- પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2024