રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનદીકાંઠે વિશાળ વડલો હતો. વડલાની જબરી છાંય. ડાળે ડાળે પંખીઓના માળા. માળામાં કાળાં, ધોળાં ને રંગબેરંગી બચ્ચાં આખો દિવસ કિલકિલાટ કરે. પંખીઓ આવે ને જાય. કાગડો ઊડે અહીં તો કોયલ ઉડે બેસે તહીં. પોપટની ચાંચ પહોળી થાય તો સમડીની પાંખ સંકેલાય. ખિસકોલીની દોડપકડ તો ચાલ્યા જ કરે. ચારે બાજુ કિલકિલાટ ને ખિલખિલાટ. સવાર પડે ને બપોર થાય, બપોર થાય ને સાંજ પડે, સાંજ પડે ને રાત થાય, રાત જાય ને પાછી સવાર થાય. આમ બધું ચાલ્યા કરે. એક દિવસની વાત છે. ડાળ ઉપરની બખોલમાંથી પોપટનું એક બચ્ચું નીચે પડી ગયું. પડ્યું પડ્યું કંઈ રોવે... કંઈ રોવે… એને જોઈને બખોલમાં હતું તે બચ્ચું પણ રોવા માંડ્યું. બચ્ચાનાં મા-બાપ, એટલે કે પોપટ અને મેના તો બચ્ચાંઓ માટે ચણ લેવા ગયાં હતાં.
બીજી ડાળ ઉપર બેઠેલા કરસન કાગડાએ રોતા બચ્ચાંનો અવાજ સાંભળ્યો. એણે બચ્ચાંને પૂછ્યું : ‘અલ્યા, તું શીદને રોવે છે આટલું બધું?’ રોતાં રોતાં જ બચ્યું બોલ્યું : ‘કાકા, મારો ભાઈ નીચે પડી ગયો! નીચે તો નદી છે. એ પાણીમાં તણાઈ જાશે તો?’ કરસન કાગડો કહે : ‘તું ચિંતા ન કર. હું હમણાં જ એને લઈ આવું છું.’ એમ કહીને કાગડાએ તો પાંખ વીંઝી... એ તો સીધો જ નદીના પાણીમાં! એણે જોયું તો નાનું એવું બચ્ચું પાણીમાં ગળકાં ખાતું હતું. કાગડાએ તો ચપ્પ દઈને ચાંચથી બચ્ચાંને પકડી લીધું ને પાંખો ફફડાવી. સીધો જ વડલાની ડાળે. બેય બચ્ચાંને હાશ થઈ. પછી બચ્ચાંનાં મા-બાપ આવ્યાં. બચ્ચાંએ બધી વાત કરી એટલે પોપટ અને મેના ખુશ થયાં.
બે-ત્રણ દિવસ આવું ચાલ્યું. બચ્ચું રોજ નીચે પડી જાય અને કરસન કાગડો એને માળામાં પાછું લઈ આવે. પછી તો કરસન કાગડો કંટાળી ગયો. એને થયું રોજ આ બચ્ચાંનું ધ્યાન રાખવું એ કરતાં તો લાવને એને ઊડતાં જ શિખવાડી દઉં! એ તો આવ્યો પોપટના માળા પાસે. એક બચ્ચાંને ચાંચથી બરાબર પકડ્યું અને કાગડો તો ઊંચે આકાશે ઊડવા લાગ્યો. બચ્ચાંને તો મજા આવી ગઈ. એ કહે : ‘કરસનકાકા! હજી ઊંચે ઊડો... હજી ઊંચે ઊડો... મને તો બહુ ગમે છે. મને કહો ને આકાશ કેવડું મોટું હોય?’ કરસનકાકાને હવે લાગ મળી ગયો. એ કહે છે કે – ‘જો, આકાશ આવડું મોટું હોય!’ કાગડો બોલવા ગયો ને એની ચાંચ ખૂલી ગઈ. બચ્ચું આકાશમાંથી નીચે પડવા લાગ્યું. બચ્ચાંને થયું કે આમ જ નીચે પડીશ તો મારા રામ રમી જશે! એ તો ફફડી ગયું. ફફડાટમાં ને ફફડાટમાં એની પાંખો ફફડવા લાગી ને એ તો હવામાં ઊડવા લાગ્યું. સાવ નીચે પડે એ પહેલાં કરસન કાગડાએ ઝટપ મારીને પાછું એને ચાંચમાં પકડી લીધું. વળી પાછો એ તો બચ્ચાંને લઈને ઊંચા આકાશમાં ઊડવા લાગ્યો. થોડી વાર આકાશની મજા કરાવી પછી પૂછ્યું : ‘બોલ બચ્ચાં! કેવી મજા આવે છે?’ આટલું પૂછ્યું ત્યાં બચ્ચું ચાંચમાંથી છૂટી ગયું, પણ એની પાંખો તરત જ ખૂલી ગઈ ને એ તો આકાશમાં ઊડવા લાગ્યું.
આ બાજુ પોપટ અને મેના પોતાના માળામાં આવ્યાં. જુએ તો બચ્ચું એક જ હતું. પેલા બચ્ચાંને પૂછ્યું તો કહે કે કરસનકાકા સાથે ઊડવાનું શીખવા ગયું છે. એ રડવા લાગ્યું કે મારે પણ ભાઈની જેમ ઊડતાં શીખવું છે... મારેય ઊડવું છે...’ થોડીક જ વારમાં કરસન કાગડો અને ઊડતાં શીખી ગયેલું બચ્ચું બને ઝાડ ઉપર આવ્યાં. પોપટ અને મેના બંનેએ કાગડાને કીધું કે – ‘અમારા આ બીજા બચ્ચાંને પણ ઊડતાં શિખવાડો ને!’
કરસન કાગડાએ તો ચોખ્ખી ના પાડી દીધી. ‘એને હું ઊડતાં નહીં શીખવું!’ પોપટ કહે : ‘કરસનભાઈ, અમે તમને એક દિવસનું ખાવાનું લાવી આપીશું.’ બચ્ચાની મમ્મી મેના બોલી : ‘તમે એને જેટલા દિવસ ઊડતાં શીખવશો એટલા દિવસનું આપશું.’ પણ કરસન કાગડાએ તો ફરીવારેય ના કરી – ‘હું એને તો નહીં જ શીખવું!’
‘કંઈ કારણ તો કહો, કરસનકાકા?’ મેના બોલી.
કરસન કાગડો કાઆ...કાઆ... કરીએ બોલ્યો : ‘તમારું પહેલું બચ્ચું છે એ બે વાર તો માળામાંથી નીચે પડી ગયું. એટલે મેં એને શિખવાડ્યું. પણ આ બીજું બચ્ચું તો બાપ રે! બીકણ અને આળસુ છે... એ તો માળામાંથી નીકળવાનો વિચાર પણ કરતું નથી. આવા બચ્ચાંને હું તો ન જ શીખવું!’
તરત જ પોપટ અને મેનાએ આળસુ બચ્ચાંને ચાંચો મારવાનું શરૂ કરી દીધું. એક તો માળામાં ઝાઝી જગ્યા નહીં ને બેય બાજુથી ચાંચો વાગે એમાં બચ્ચું નીચે પડી ગયું... એના રોવાનો અવાજ આવ્યો તે તરત જ કરસન કાગડાએ ઝડપ મારીને એને પોતાની ચાંચમાં પકડી લીધું. કાગડો તો ફરી એક વાર ઊંચા આકાશે ઊડવા લાગ્યો. બચ્ચું કહે : ‘કાકા! મને તો બહુ જ મજા આવે છે... આકાશ આવડું મોટું હોય?’ કરસન કાગડાએ તરત જ ચાંચ ખોલીને કહ્યું કે – ‘હા... આકાશ આવડું મોટું હોય...!’ બીજા બચ્ચાંને પણ હવામાં ઊડતાં આવડી ગયું!
સ્રોત
- પુસ્તક : સપનાંનો પહાડ (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2023