રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતી છોકરી. છ-સાત વરસની. એનું નામ હતું પરી. એ સાચી પરી જેવી જ રૂપાળી. પરીને પંખીઓ બહુ જ ગમે. એને પંખીની જેમ ઊડવાનું મન પણ થાય. પરીના ઘરની પાછળના ભાગમાં આવેલા વિશાળ આંગણામાં બગીચો હતો. એ બગીચામાં ઘણાં બધાં ઝાડ હતાં. ઝાડ પર રોજ અનેક પંખીઓ આવે. ત્યાં પંખીઓને પાણી પીવા મળે તે માટે મોટી કૂંડી પણ મૂકેલી હતી. બધાં પંખીઓ તેમાંથી પાણી પીએ અને નહાય પણ ખરાં.
પરી દરરોજ બગીચામાં જાય. ત્યાં આવતાં પંખીઓને ચણ નાખે. તે કારણે દરરોજ સવારે પરીના બગીચામાં આવવાના સમયે ઘણાં બધાં પંખીઓ પણ ભેગાં થઈ જતાં. ચકલી આવે, કબૂતર આવે, કાગડો આવે, કાબર હોય, કોયલ અને બુલબુલ પણ આવે. બીજાં ઘણાં રંગબેરંગી પંખીઓનો મેળો ભરાય. ધીરેધીરે તે બધાં પરીનાં દોસ્ત બની ગયાં. કોઈ પરીના હાથ ઉપર બેસે તો કોઈ પરીના ખભા પર બેસી જાય. કોઈ કોઈ તો એના માથા પર બેસે. ક્યારેક તો પરી આખેઆખી જુદાંજુદાં પંખીઓથી છવાઈ જાય.
પરી બધાં માટે દાણા લાવે. ચકલી-કબૂતર દાણા ચણે. પરી બિસ્કિટ અને રોટલી લાવે ત્યારે કાગડાભાઈને બહુ મજા આવી જાય. પરી બોર સફરજન જેવાં ફળો પણ લાવતી. બધાં પંખીઓ તે ફળોમાં ચાંચ મારી મારીને ખાધા કરે. પછી બધાં પંખીઓ પરીની સાથે રમે. પરીની આજુબાજુ ઠેકડા મારે. પરી પણ પંખીઓને હાથમાં લઈને પંપાળે અને બહુ વહાલ કરે. એ પોતે પણ ઠેકડા મારે. કોઈ પંખીને દુખી કરવું પરીને ગમતું નહી.
એક દિવસ પરી બગીચામાં આવી. ગઈ કાલે પરીનો જન્મદિવસ હતો તેથી તેનાં મમ્મી-પપ્પાએ એને સરસ મજાનાં કાળાં-ઝીણાં મોતીની હાથમાં પહેરવાની પહોંચી ભેટમાં આપી હતી. પરી તે પહોંચી પોતાનાં પંખીદોસ્તોને બતાવવા માગતી હતી. એથી એ આજે તે પહોંચી પોતાની સાથે લાવી હતી. પંખીઓ ભેગાં થયાં પછી પરી બધાંને પહોંચી બતાવવા લાગી. પંખીઓ એક પછી એક પહોંચી જોતાં જાય અને 'વાહ! બહુ સરસ છે' તેવો ભાવ બતાવતાં જાય. પરી તો ખુશખુશ થઈ ગઈ.
એટલામાં એક અજાણ્યો પોપટ ઊડતો ઊડતો આવ્યો. એણે ઝડપથી પરીના હાથમાંથી પહોંચી ખેંચી લીધી અને ઊડી ગયો. બિચારી પરી તો જોતી જ રહી ગઈ. પહેલાં તો શું બની ગયું તે જ એને સમજાયું નહીં. પછી એ રડવા લાગી. એને ખૂબ ગમતી પહોંચી આ રીતે પોપટ લઈ ગયો તે વાતનું એને બહુ જ દુ:ખ થયું. પરીને રડતી જોઈને પંખીઓને પણ ખૂબ જ દુ:ખ થયું. ત્યાં તો એકાએક શું બન્યું તે બધાં પંખીઓ એકસાથે ઊડ્યાં.
પોતાનાં દોસ્ત પંખીઓને આમ અચાનક ઊડી જતાં જોઈને પરીને વધારે દુખ થયું. એ રડતી રડતી મોટેથી બોલવા લાગી: તમે બધાં તો મને એકલી છોડીને ચાલ્યાં ન જાઓ! એક તો મારી પહોંચી ગઈ અને હવે તમે બધાં ચાલ્યાં જાઓ છો! હું શું કરીશ? પરંતુ પરીની વાત સાંભળવા કોઈ પંખી ત્યાં હાજર ન હતું. પરી બગીચામાં એકલી ઊભી-ઊભી રડ્યા કરતી હતી. રડી રડીને એની આંખો સૂજી ગઈ. એને કશું જ સૂઝતું ન હતું, હવે શું કરવું? એને તો બસ રડવું જ આવ્યા કરતું હતું.
થોડી વારમાં તો પરીને પંખીઓનો કલબલાટ સંભળાયો. એ ચમકી ઊઠી. આકાશ તરફ જોવા લાગી. એ તો જોતી જ રહી. આ શું? આકાશમાં એનાં બધાં દોસ્ત પંખીઓ ગોળાકારમાં ઊડતાં હતાં. એણે જોયું કે એમની વચ્ચે પેલો પોપટ પણ હતો. પોપટની ચાંચમાં પરીની પહોંચી હતી.
બધાં પંખીઓ પોપટની સાથે નીચે ઊતર્યાં અને પરી પાસે આવ્યાં. પંખીઓ પરીની આસપાસ વીંટળાઈ વળ્યાં અને પરી સામે જોવા લાગ્યાં. પરી બધી વાત સમજી ગઈ. એનાં દોસ્તો પોપટને પકડી લાવવા માટે જ એકસાથે ઊડ્યાં હતાં. પોપટ ચાંચમાં પહોંચી પકડીને નીચી મૂંડીએ ઊભો હતો.
પરીએ બધાં સામે એક નજર ફેંકી. પછી મલકાવા લાગી. એણે પોપટની ચાંચમાંથી પહોંચી લઈ લીધી અને હાથમાં પહેરી લીધી. પરીના મોઢા પર આનંદ જોઈને બધાં પંખીઓ કલશોર કરવા લાગ્યાં. પરી પણ હસતી હસતી બધાંની સાથે નાચવા લાગી. એક જ પળમાં આખું વાતાવરણ આનંદથી ગુંજતું થઈ ગયું.
ત્યાં પરીની નજર પેલા પોપટ પર પડી. એ એકદમ ઉદાસ થઈને બધાંથી દૂર એકલો ઊભો હતો. પરી એની પાસે ગઈ. એને ખોળામાં લીધો અને પંપાળવા લાગી. પોપટને પણ સારું લાગ્યું. પરીએ જોયું કે પોપટ હજી પણ એણે હાથમાં પહેરેલી પહોંચીને જ જોયા કરતો હતો. પરીને કંઈક સમજાયું.
એણે પોપટને વહાલ કરીને પૂછ્યું: “આ પહોંચી તને બહુ ગમે છે?” પોપટ જાણે પરીની વાત સમજ્યો હોય તેમ એને જોવા લાગ્યો. પોપટની આંખોના ભાવ જોઈને પરી સમજી ગઈ કે પોપટને તે પહોંચી બહુ જ ગમે છે. એ તરત જ બોલી:
“કંઈ વાંધો નહીં. તું લઈ લે આ પહોંચી, હું તો બીજી લઈ લઈશ. તું આમ દુ:ખી ન થા!”
પરીની વાત સાંભળીને પોપટ જરા જરા કૂદ્યો અને ચાંચથી પહોંચીને અડકવા લાગ્યો. પરીએ તરત જ પહોંચી ઉતારી અને પોપટને આપી.
એ બોલી:
“લે, આજથી આ પહોંચી તારી...” પછી વિચારવા લાગી અને બોલી: “પોપટ, તને પહોંચી આપું તો છું, પણ તું એને રાખશે ક્યાં? તારી ચાંચમાં જ પકડી રાખશે તો એ પડી જશે. એ કરતાં એક કામ કરીએ, હું આ પહોંચી તારી ડોકમાં જ પહેરાવી દઉં. એથી એ આખો વખત તારી સાથે જ રહેશે અને કદી ખોવાશે નહીં.”
એટલું કહીને પરીએ પોતાની કાળાં મોતીની પહોંચી પોપટની ડોકમાં પહેરાવી દીધી. એ બોલીઃ
“વાહ, આ પહોંચી તારી ડોકમાં કાળો કાંઠલો બનીને કેવી શોભે છે!”
પોપટ રાજી રાજી થઈ નાચવા લાગ્યો. પરી પણ નાચવા લાગી અને ગાવા લાગી:
“કંઠે છે કાંઠલો કાળો, પોપટજી,
નાનકડી આંખે ભાળો, પોપટજી!”
બધાં પંખીઓ પણ પરી અને પોપટની આસપાસ કૂંડાળું બનાવીને નાચવા લાગ્યાં. આખા બગીચામાં ‘કંઠે છે કાંઠલો કાળો, પોપટજી' એ ગીત ગુંજવા લાગ્યું.
સ્રોત
- પુસ્તક : બંટીના સૂરજદાદા (પૃષ્ઠ ક્રમાંક 40)
- સર્જક : પુષ્પા અંતાણી
- પ્રકાશક : સાહિત્ય સંગમ
- વર્ષ : 2011