હર્ષદ ત્રિવેદી
Harshad Trivedi
ચાર લખોટી.
લાલ-પીળી-વાદળી અને ચોથી પાણી કલર. ચારેય લખોટી ખાસ બહેનપણી. ઘડી વાર પણ એકબીજીથી છુટ્ટી ન પડે. ચારેય જયજિતભાઈના ખિસ્સામાં રહે. જયજિતભાઈ દોડે ત્યારે ખખડ્યા કરે. જયજિતભાઈ લખોટી રમવાના ભારે શોખીન. આખો દિવસ રમ્યા કરે. ભણવા-બણવાનું તો નામ જ નહીં! એ ભલા ને એમની લખોટી ભલી!
જયજિતભાઈ સાથે રમવાવાળું કોઈ ન હોય ત્યારે પણ એ લખોટીઓને છોડે નહીં. ચારેય લખોટીઓને એક થાળીમાં લઈને બેસી જાય. ગોળ ગોળ ફેરવ્યા કરે. થાળીમાં લખોટી ફરે ત્યારે ઘૂઘરા જેવો અવાજ એમને બહુ ગમે. રાત્રે સૂઈ જાય તોય લખોટીઓ તો ખિસ્સામાં જ હોય! ઊંઘમાં એમને વાગે નહીં એટલે મમ્મી યાદ કરીને ધીમેથી એમના ખિસ્સામાંથી લખોટીઓ કાઢી લે. ઓશીકા નીચે મૂકી દે. સવારે ઊઠતાં જ જયજિતભાઈ પૂછે : ‘મમ્મી, માલી લખોતીઓ ક્યાં ગઈ?’ અને મમ્મી ઘાંટો પાડે, ‘પહેલાં બ્રશ કરી લો. પછી નાહીને તૈયાર થઈ જાઓ, પછી જ લખોટીઓ મળશે!’
લખોટી વિના તો જયજિતભાઈને ગમે નહીં. પણ મમ્મી આગળ કશું ચાલે નહીં એટલે ઝટપટ તૈયાર થઈ જાય. અને તરત જ પૂછી બેસે, ‘મમ્મી માલી લખોતીઓ ક્યાં ગઈ?’ એટલે મમ્મી કહે, ‘જો ત્યાં રહી ઓશીકા નીચે.’ જયજિતભાઈને ઓશીકું ઊંચું કરવાની તો ખબર જ ક્યાંથી પડે? એમ ને એમ ઓશીકા નીચે હાથ નાંખીને વારાફરતી ચારેય લખોટીઓ કાઢે. લાલ, પીળી, વાદળી ને પાણીકલર. લખોટી મળે એટલે જયજિતભાઈ રાજી રાજી.
એક દિવસ જયજિતભાઈ ચણા ખાતા હતા. મુઠ્ઠી ભરીને, ઊંચે જોઈને એમ જ સીધેસીધા મોંમાં મૂકે. આ રીતે ખાતાંખાતાં એક ચણો નાકમાં ઘૂસી ગયો! કેમેય કરતાં બહાર નીકળે નહીં ને! જયજિતભાઈ ઊંડા શ્વાસ લે અને ચણો નાકમાં ઊંડે ને ઊંડે જતો જાય. જયજિતભાઈને તો બીક લાગી ગઈ. હવે શું કરવું? મમ્મીને કહે તો તો આવી જ બને! લડ્યા વિના છોડે નહીં. એટલે એ તો બાજુમાં રહેતાં ઘોઘીમાસી પાસે ઝટપટ ચાલ્યા.
જઈને કહે, ‘ઘોઘીમાસી, ઘોઘીમાસી! માલા નાકમાં ચણો ઘૂસો ગયો છે. કાધી આપો ને!’ ઘોઘીમાસી તો હેબતાઈ જ ગયાં! ‘હેં ચણો? નાકમાં કેવી રીતે ભરાઈ ગયો?’ જયજિતભાઈ રડવા લાગ્યા, ‘હું છે ને તે... ચણા ખાતો’તો ને... હેં ને... તે ચણો નાકમાં ભલાઈ ગયો!’ ઘોઘીમાસી કહે, ‘ઊભો રહે, હમણાં જ કાઢી આપું!’ એમણે તો કાંટો કાઢવાનો ચીપિયો જ લીધો. જયજિતભાઈને કહે, ‘ઊંચું જોઈ રહેજે!’ પછી ચીપિયાને ધીમે ધીમે નાકમાં જવા દીધો. પણ થાય એવું કે ચીપિયો અડકે ને ચણો વધુ ઊંડો જતો જાય! નાકમાં સળવળાટ થયો એટલે જયજિતભાઈ કૂદી પડ્યા ને માંડ્યા મોટેથી રડવા!
આજે જયજિતભાઈની ચડ્ડીનું ખિસ્સું ફાટેલું હતું. જેવો એમણે કૂદકો માર્યો કે તરત જ બધી લખોટીઓ એક પછી એક ફાટેલા ખિસ્સામાંથી ઊછળીને બહાર આવી ગઈ! જયજિતભાઈનો હાથ અચાનક ખિસ્સા પર ગયો. ખિસ્સામાં લખોટીઓ હતી નહીં. થોડી થોડી વારે જયજિતભાઈ ખિસ્સા પર હાથ મૂકે ને ખિસ્સું ખાલી જણાય એટલે ચિંતા કર્યા કરે, વળી વળીને વિચારે, ‘માલી લખોતીઓ ક્યાં ગઈ હશે?’ પણ કોઈને કહે નહીં કે મારી લખોટીઓ ખોવાઈ ગઈ છે! એક તો નાકમાં ચણો ઘૂસી ગયેલો તે ચીપિયાથીયે નીકળતો નહોતો, એમાં પાછી લખોટીઓ ગઈ!
નાકમાં થોડું થોડું દુખવા માંડ્યું હતું. ઘોઘીમાસીએ ફરીથી ચીપિયો નાકમાં ઘુસાડ્યો. જયજિતભાઈ ચીસ પાડી ઊઠ્યા. ખૂબ રડવા લાગ્યા. એટલામાં મમ્મી પણ આવી ગઈ. કહે, ‘શું થયું મારા દીકરાને?’ માસી કહે, ‘કંઈ નથી થયું. આ તો એના નાકમાં ચણો ઘૂસી ગયો છે તે હું બહાર કાઢી આપું છું. પણ આ જયજિતભાઈ જરા સીધા ઊભા રહે, તો તરત નીકળે ને!’
જયજિતભાઈને ચણો બહાર કાઢવાથીયે વધારે ચિંતા હતી પેલી લખોટીઓની. એમાંયે પાણીકલર લખોટી તો એમને બહુ જ ગમતી. અચાનક એમની નજર ખુલ્લી પડેલી છીંકણીની ડબ્બી પર ગઈ. એ ડબ્બી ચંચળબાની હતી. પાણીકલર એ ડબ્બીમાં પડી હતી. મમ્મીએ હાથ પકડી રાખ્યો હતો તે છોડાવીને જયજિતભાઈ તો દોડ્યા લખોટી લેવા. લખોટી હાથમાં લઈને ‘માલી લખોટી મલી ગઈ, માલી લખોટી મલી ગઈ’ એમ બોલતાં બોલતાં રોજની ટેવ મુજબ લખોટી મોઢામાં મૂકવા ગયા પણ ઉતાવળમાં એમનો હાથ મોઢાને બદલે નાક ઉપર ગયો. લખોટી તો ચણાની માફક નાકમાં ન ઘૂસી ગઈ, પણ છીંકણી તો નાકમાં ગઈ જ!
જેવી જયજિતભાઈના નાકમાં છીંકણી ગઈ, એવો જ સળવળાટ થયો અને એક જોરદાર છીંક આવી ગઈ... એક શું ધડાધડ ત્રણ-ચાર છીંકો આવી ગઈ. છીંકની સાથે જ નાકમાંથી ચણો બહાર આવી પડ્યો. અને જયજિતભાઈ, ઘોઘીમાસીને મમ્મી બધાં જ ખડખડાટ હસવા લાગ્યાં. જયજિતભાઈને જ્યારે ચણો યાદ આવે ત્યારે એકલા એકલાય હસી પડે છે! હવે નાકમાં દુખતું નથી ને ફરી પાછા રમવા લાગ્યા છે ચારેય લખોટીઓ સાથે અને પાણીદાર લખોટીની તો વાત જ ન થાય, એ તો જયજિતભાઈની પાકી બહેનપણી છે હોં!
સ્રોત
- પુસ્તક : પાણીકલર (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2017
