Paisanu Zaad - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૈસાનું ઝાડ

Paisanu Zaad

હુંદરાજ બલવાણી હુંદરાજ બલવાણી
પૈસાનું ઝાડ
હુંદરાજ બલવાણી

    ભોલુ આખો દિવસ ખાઈ-પીને મોજમસ્તીમાં રહેતો. મમ્મી કોઈ કામ કહે તો કોઈ ને કોઈ બહાનું કરીને ત્યાંથી અદૃશ્ય થઈ જતો. ખર્ચી માટે પણ મમ્મીને બહુ હેરાન કરતો. ખર્ચી ન મળે તો ગુસ્સે થઈને ઘરની વસ્તુઓ તોડી દેતો. મમ્મી તેનાથી બહુ નારાજ રહેતાં.

    રોજની જેમ ભોલુ એક દિવસ મમ્મી પાસેથી પૈસા માગવા લાગ્યો.

    મમ્મી કહે, “બેટા, સવારે જ મેં તને પાંચ રૂપિયા આપ્યા હતા તો ક્યાં ગયા?”

    “તે ખર્ચી નાખ્યા. હવે બીજા પાંચ રૂપિયા આપ.”

    “બેટા, પૈસા ઝાડ પર તો ઊગતા નથી કે તું જ્યારે ઇચ્છે ત્યારે ઝાડમાંથી તોડીને તને આપી દઉં.”

    ભોલુએ જીદ કરી, “મારે બીજું કંઈ સાંભળવું નથી. પાંચ રૂપિયા જોઈએ એટલે જોઈએ.”

    મમ્મીએ વધુ કોઈ ચર્ચા કર્યા વગર તેને પાંચ રૂપિયા આપી દીધા.

    ભોલુ પાંચ રૂપિયા લઈને ઘેરથી બહાર નીકળ્યો. સામે જામફળનું ઝાડ હતું. તેની ડાળીઓ પર તાજાંતાજાં જામફળ લટકી રહ્યાં હતાં. ભોલુ વિચારવા લાગ્યો, આ જામફળની જેમ પૈસાનું પણ ઝાડ હોત તો?”

    એ જ ઘડીએ ભોલુ એ નક્કી કરી લીધું કે તે પૈસાનું ઝાડ ઉગાડશે. પણ તરત જ તેને સમજાયું કે પૈસાના ઝાડ વિશે તે તેણે ક્યારેય સાંભળ્યું નથી. શું એ શક્ય છે? ફરી વિચાર્યું, “જે કામ શક્ય નથી તે શક્ય ન બની શકે?” કોઈએ આજ સુધી પ્રયત્ન કર્યો નથી લાગતો. તો આ સરસ કામની શરૂઆત હું કેમ ન કરી જોઉં?”

    ભોલુએ ઘરની બહાર એક નાનો ખાડો ખોદીને તેમાં એક રૂપિયાનો સિક્કો પૂરી દીધો. કહેવા લાગ્યો, “હવે આમાં પૈસા ઊગી નીકળશે. જામફળની જેમ પૈસા પણ ડાળીઓ પર લટકશે ત્યારે તોડીને મમ્મીને આપીશ.”

    ભોલુએ સિક્કો પૂરીને તેને પાણી આપ્યું. પછી મોટેથી કહેવા લાગ્યો, “સાંભળ રે રૂપિયા, જો કાલે તું કૂંપળ બનીને નહીં ઊગે તો તને રેલના પાટા પર મૂકી આવીશ એને ત્યાં તારી એવી દશા થશે કે તું પોતાની જાતને પણ ઓળખી નહિ શકે.”

    રૂપિયો ડરી ગયો.

    બીજા દિવસે સવારે ભોલું ત્યાં આવ્યો તો ત્યાં નાની કૂંપળ ફૂટી નીકળી હતી. કૂંપળ જોઈને ભોલુએ કહ્યું, “સાંભળ રે કૂંપળ, જો કાલ સુધી તું છોડ નથી થઈ તો તને મૂળ સાથે ઊખેડીને ફેંકી દઈશ.”

    કૂંપળ ડરી ગઈ. ત્રીજા દિવસે કૂંપળમાંથી છોડ ઊગ્યો. ભોલુ ત્યાં આવ્યો અને છોડ જોઈને ખુશ થયો. પછી છોડને કહ્યું, “સાંભળ રે છોડ, જો કાલ સુધી તું વધીને ઝાડ નથી થયું તો તને ઉખેડીને ફેંકી દઈશ. પછી લોકો તને પગ નીચે કચડી નાખશે.”

    છોડ ડરી ગયો. ચોથા દિવસે ભોલુ ત્યાં આવ્યો. ત્યાં જોયું તો એક મોટું ઝાડ ઊભું હતું. ભોલુ ખુશ થયો પણ તેમાં હજી પૈસા આવવાના બાકી હતા.

    ભોલુએ ઝાડને કહ્યું, “સાંભળ રે ઝાડ, તું ખાલી ઝાડ શું કામનું? મારે પૈસા જોઈએ. કાલે તારા પર પૈસા નહિ ઊગે તો કુહાડી લઈને તારા ટુકડા-ટુકડા કરી નાખીશ. પછી તારા ટુકડાઓને આગમાં બાળી નાખીશ.”

    ઝાડ ડરી ગયું. પાંચમાં દિવસે ભોલું ત્યાં આવ્યો તો ઝાડમાં બધે રૂપિયા જ રૂપિયા ફળની જેમ લટકી રહ્યા હતા.

    ભોલુ ખુશ થયો. કહેવા લાગ્યો, “વાહ!” આજ સુધી લોકોએ જે કામ નહોતું કર્યું તે મેં કરી બતાવ્યું. પછી તે ઝાડ પર ચડી ગયો. ત્યાં એ કહેવા લાગ્યો, “હવે હું આ રૂપિયાથી ખિસ્સાં ભરીશ.”

    ભોલુએ રૂપિયાથી ખિસ્સાં ભરવાં શરૂ કર્યાં. ખિસ્સાં ભરીને ઘેર આવ્યો. મમ્મીને કહેવા લાગ્યો, “જો મમ્મી મેં પૈસાનું ઝાડ ઉગાડ્યું છે. એ ઝાડમાંથી રૂપિયા તોડીને લાવ્યો છું.”

    મમ્મી અજબમાં પડી ગયાં. ભોલુને કહ્યું, “તારું મગજ તો ઠેકાણે છે ને. રૂપિયા કંઈ ઝાડ પર ઊગતા હશે?”

    ભોલુએ કહ્યું, “મમ્મી સાચું કહું છું. આ રૂપિયા હું ઝાડ પરથી તોડી લાવ્યો છું.”

    “બતાવ, ક્યાં છે રૂપિયા?”

    ભોલુ ખિસ્સામાં હાથ નાખી રૂપિયા કાઢવા ગયો ત્યારે જોયું કે ખિસ્સામાં રૂપિયાના બદલે પથરાઓ ભરેલા હતા.

    પથરાઓ જોઈને મમ્મી ગુસ્સે થયાં. “તારામાં અક્કલ બક્કલ છે કે નહિ. આ રૂપિયા છે? પથરાઓને તું રૂપિયા કહે છે?”

    “મેં ખરેખર પૈસાનું ઝાડ ઉગાડ્યું હતું અને એ ઝાડમાંથી રૂપિયા તોડી લાવ્યો હતો.” ભોલુને સમજાયું નહિ કે ખિસ્સામાં રૂપિયામાંથી પથ્થર કેવી રીતે થઈ ગયા? એ જ ઘડીએ બહાર તરફ દોડ્યો. બહાર આવીને જોયું કે ત્યાં રૂપિયા પૈસાનું કોઈ ઝાડ જ ન હતું. મોઢું નીચું કરીને મમ્મી પાસે પાછો આવ્યો.

    મમ્મી કહ્યું, “બેટા, પૈસા ઝાડ પર કોઈ દિવસે નથી ઊગતા. એ તો મહેનત કરીને મેળવી શકાય એવી વસ્તુ છે.”

    “હા, કદાચ તું સાચું કહે છે.”    ભોલુ હજી પણ સમજી નહોતો શક્યો કે આવો ચમત્કાર આખર થયો કેવી રીતે?

સ્રોત

  • પુસ્તક : હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014