રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘણાં વર્ષો પહેલાંની વાત છે. રાધનપુર નામે એક નાનું રાજ્ય હતું. તેની પાસે એક નાનું જંગલ હતું. જંગલમાં કચુ નામે કાચબો રહે. આ કચુને એક કાબર સાથે દોસ્તી હતી. એ કાબરનું નામ કવલી હતું.
આપણે જે જમાનાની વાત કરીએ છીએ તે જમાનામાં કાચબાને પીઠ પર ઢાલ ન હતી. તેઓ નાની ગુફા બનાવી તેમાં રહેતા હતા. કવલી કાબર ઝાડ પર રહે, કચુ કાચબો જમીન પર રહે; ક્યારેક પાણીમાં રહે. બંને આખો દિવસ સાથે ને સાથે રહે અને મજા કરે. એક વાર પૂરના પાણીમાં તણાતી કવલી કાબરને કચુ કાચબાએ પોતાની પીઠ પર બેસાડી દઈને બચાવેલી. ત્યારથી બંનેની દોસ્તી જામેલી. કવલી કાબર કચુનો એ ગુણ ભૂલી ન હતી. કચુને સહાયરૂપ થવા તે હંમેશાં તત્પર રહેતી.
એક વાર ઊડતી ઊડતી પાસેના રાજ્યમાં ગઈ હતી. ત્યાં તેણે સાંભળ્યું કે રાજાને કાચબાનું કૂણું-કૂણું માંસ ખાવાનું મન થયું છે; એટલે બીજે દિવસે રાજાના માણસો કચુ કાચબાને શોધતા આવશે. કવલી તો ઝડપથી ઊડતી-ઊડતી, કચુ પાસે આવી અને કચુને વાત કરી. હવે શું કરવું? કચુએ ક્યાં જવું? જો તે તેની નાનકડી ગુફામાં ભરાઈ જાય તોપણ રાજાના માણસો તેની ગુફા શોધી કાઢીને એમાંથી તેને બહાર કાઢીને લઈ જાય. સરોવરમાં ભરાઈ જાય, તો ત્યાંથી શોધી કાઢે. સરોવરમાંથી રાજાના માણસો ઘણી વાર માછલીઓને શોધીને લઈ જતા, તે કચુએ પોતાની સગી આંખે જોયું હતું. તો પછી કચુએ ક્યાં આશ્રય લેવો? ચિંતામાં ને ચિંતામાં કચુને આખી રાત ઊંઘ ન આવી.
આ બાજુ કવલી કાબરને થયું, મિત્રને બચાવવાની આ તક એને મળી છે, તો એણે કશું કરવું જોઈએ. પણ કવલી એકલી શું કરે? રાજાના માણસોને સમજાવે તો તેઓ માનશે? રાજાને કાચબાનું માંસ જ ખાવું હોય ત્યાં રાજાના માણસો કોઈ રીતે માને પણ ખરા? ગમે તે થાય. આજે કચુએ ઘર છોડીને એવી જગ્યાએ સંતાઈ જવું જોઈએ, જ્યાંથી રાજાના માણસો તેને શોધી ન શકે. ખૂબ વિચારને અંતે એને જૂના વડના ઝાડની બખોલ યાદ આવી. તે સાથે જ એક વિચાર તેને સૂઝ્યો અને તે ખુશ થઈ ગઈ.
બીજે દિવસે વહેલી ઊઠી તે કચુ પાસે ગઈ અને પોતાનો વિચાર જણાવ્યો. વિચાર જાણી, કચુ પણ રાજી થયો. પછી કવલી અને કચુ બંને મંકોડાના રાજા પાસે ગયા અને પોતાની મુસીબત જણાવી, સહાય કરવા વિનંતી કરી. મંકોડાનો રાજા કબૂલ થયો. કવલીએ કહ્યું : “તમારે આજનો દિવસ તમારા સાથીઓ સાથે કચુની ગુફામાં રહેવાનું અને રાજાના માણસો કાચબાને પકડવા માટે જેવો ગુફાના મોંમાં હાથ નાખે કે તમારે તેને એના વળગીને હંરાન કરવાના કે બીજી વાર તેઓ ગુફામાં હાથ નાખવાની ખો ભૂલી જાય. રાજાના માણસો જંગલમાંથી વિદાય થાય તે પછી બધાએ કચુનું ઘર ખાલી કરી આપવાનું.”
મંકોડાના રાજાએ ખુશીથી વાત સ્વીકારી લીધી અને તેના સાથીદારો સાથે તેઓએ તાત્કાલિક કચુના ઘરનો કબજો લઈ લીધો અને કચુ કાચબો કવલી કાબરે બતાવેલા વડના ઝાડની બખોલમાં જઈને ભરાઈ ગયો.
દિવસ ચઢ્યો ત્યારે રાજાના માણસો કાચબાની શોધમાં જંગલમાં આવ્યા. થોડી શોધખોળને અંતે તેમણે કચુ કાચબાની ગુફા જોઈ. રાજી થઈ તેમણે કાચબાને પકડવા માટે તેમાં હાથ નાંખ્યો કે તરત જ બધા મંકોડાઓ તેમને વળગી પડ્યા અને ડંખવા લાગ્યા. રાજાના માણસો મંકોડાના ડંખથી ખૂબ હેરાન થયા. વેદનાથી ચીસો પાડતા તેઓ જંગલમાં ખૂબ ભમ્યા પણ ક્યાંય કાચબાનું બીજું કોઈ ઘર ન દેખાયું. રાજાના માણસો કાચબાને શોધવા સરોવરના પાણીમાં ઊતર્યા. ત્યાં તપાસ કરી પણ ક્યાંય કાચબો ન મળ્યો તેથી કંટાળીને તેઓ હરણનો શિકાર કરી પાછા વળ્યા.
રાજાના માણસો જંગલમાંથી ગયા પછી કવલીએ તેની કચુને જાણ કરી. કચુ રાજી થતો બખોલમાંથી બહાર નીકળ્યો. બંને કચુની ગુફા પાસે આવ્યા અને મંકોડાના રાજાને મળીને, તેમનો આભાર માન્યો. પછી એ ગુફા ખાલી કરવા કહ્યું. આળસુ મંકોડાઓના રાજાને તો આવી સરસ ગુફા તૈયાર મળી ગઈ એટલે તેઓ તો રાજી થઈ ગયા. તેમણે કચુને કહ્યું : “મિસ્ટર! તમે ભાન ભૂલો છો, હવે આ ઘર અમારું છે. અમારી આજની મહેનતનું મહેનતાણું. હવે તમે નવું ઘર વસાવી લો.”
કવલીએ અને કચુએ ઘણુંય સમજાવ્યું પણ મંકોડાના રાજાએ તો નન્નો જ ભણ્યો. એટલું જ નહીં, એના મિત્રો સાથે બહાર આવીને તેમણે કચુને તથા કવલીને પણ હેરાન કરવા માંડ્યાં. અંતે થાકીને બંને પાછાં ફર્યાં.
પછી કચુએ, નવેસરથી મહેનત કરી નાનકડું પણ એકદમ મજબૂત ઘર તૈયાર કર્યું. હવે કચુ જ્યારે પણ બહાર જાય છે ત્યાંરે પોતાનું ઘર પોતાની પીઠ પર સાથે ઊંચકીને જ લઈ જાય છે, જેથી મંકોડા જેવા કોઈ જીવજંતુઓ તેને પોતાની ગેરહાજરીમાં પચાવી ન પાડે, એટલું જ નહં, એના શરીરને કોઈ રીતે ડંખ દઈને હેરાન પણ ન કરી શકે. રાજાના માણસોને પણ તેની ગુફાની ખબર ન પડે એથી એનો પણ ભય નહીં રહે. આમ પોતાનું ઘર પીઠ પર સાથે લઈને ફરતાં ફરતાં કાચબાની પીઠ પર આજના જેવી મજબૂર ઢાલ થઈ ગઈ.
મંકોડાઓએ કચુને એનું ઘર પાછું ન આપ્યું; તેથી કવલી કાબર મંકોડાને, પોતાના મિત્રના દુશ્મનને પોતાના દુશ્મન ગણે છે અને આજે પણ મંકોડાને દેખીને ચાંચમાં પકડી લઈને મારી નાખે છે.
સ્રોત
- પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013