Parkani Akkale Chalnar - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પારકાની અક્કલે ચાલનાર

Parkani Akkale Chalnar

નગીનદાસ દેસાઈ નગીનદાસ દેસાઈ
પારકાની અક્કલે ચાલનાર
નગીનદાસ દેસાઈ

    એક શહેરમાં દર શનિવારે ગુજરી ભરાતી હતી. તેમાં આસપાસનાં ગામડાંના લોકો જરૂરી ચીજવસ્તુ વેચવા અને ખરીદવા આવતા.

    એક વેળા એક ડોસો અને તેનો દીકરો પોતાનું ટટ્ટુ વેચવા ત્યાં જવા નીકળ્યા. દીકરો ટટ્ટુને દોરે ને બાપ પાછળથી હાંકી.

    ગામને પાદર પહોંચ્યા ત્યાં તેમને કેટલીક સ્ત્રીઓ મળી. ટટ્ટુ હોવા છતાં એકે એના પર બેઠો ન હતો એ જોઈ તેમને નવાઈ લાગી. તેમણે કહ્યું, “છતે ટટ્ટુએ પગે ચાલો છો, તે તમને અક્કલ છે કે નહીં?” આ સાંભળી ડોસાને લાગ્યું કે એ ખરું કહે છે. એટલે એણે છોકરાને ટટ્ટુ પર બેસાડી દીધો.

    બાપદીકરો વાતો કરતા આગળ ચાલ્યા. એવામાં તેમને સામેથી કેટલાક માણસો મળ્યા. ડોસો ચાલતો હોવા છતાં છોકરાને ટટ્ટુ પર બેઠેલો જોઈ તેમણે છોકરાને કહ્યું, “અલ્યા, તને કાંઈ શરમ છે કે નહીં? ઘરડો બાપ પગ ઘસડતો ચાલે છે ને તું ખાસ્સો ટટ્ટુ ઉપર બેઠો છે? શો કળજુગ આવ્યો છે!”

    આ સાંભળી છોકરાને થયું, ‘આ લોકો ખરું કહે છે. ઘરડો બાપ પગે ચાલે ને હું ટટ્ટુ પર બેસું એ તો ખોટું જ!’ એટલે એ ટટ્ટુ પરથી ઊતરી પડ્યો અને બાપને એણે ટટ્ટુ ઉપર બેસાડ્યો. આ પ્રમાણે તેઓ થોડે દૂર ગયા એટલામાં તેમને બીજા કેટલાક માણસો મળ્યા. એ લોકોની નજર આ બાપદીકરા પર પડી. ડોસાને ટટ્ટુ ઉપર બેઠેલો જોઈ તેઓ બૂમ પાડીને કહેવા લાગ્યા, “અરે ડોસા, ફૂલની કળી જેવા છોકરાને ખરે બપોરે ચલાવે છે, અને પોતે લહેરથી ટટ્ટુ ઉપર બેઠો છે? જરા વિચાર તો કર, તું તો હવે ખર્યું પાન કહેવાય. તારી જાતને તું આટલી બધી સાચવે છે એ કેવું!”

    તેણે છોકરાને પણ પોતાની પાછળ ટટ્ટુ ઉપર બેસાડી લીધો. વખત ઘણો થઈ ગયો હતો, એટલે તેઓ ટટ્ટુ દોડાવતા આગળ ચાલ્યા.

    રસ્તામાં એમને શ્રાવકોનો એક સંઘ મળ્યો. એક તો જાતે શ્રાવક ને વળી જાત્રાએ નીકળેલા; તેથી ટટ્ટુ ઉપર બબ્બે જણાને બેઠેલા જોઈ તેમને દયા આવી. તેમણે એમને ઊભા રાખીને કહ્યું, “તમે કેવા દયા વગરના છો! બીચારું ટટ્ટુ બબ્બે જણનો ભાર શી રીતે ઉપાડી શકે? જરા તો દયા રાખો.”

    ડોસાએ કહ્યું, “શું કરીએ ભાઈ? પાસેના શહેરમાં હાટ ભરાય છે તેમાં અમારે જલદી પહોંચવું છે. જો મોડા પડીએ તો હાટ વીખરાઈ જાય અને અમારું ટટ્ટુ વેચાયા વગર રહે.”

    એક ટીખળી જુવાને સલાહ આપી, “ઉતાવળ જ હોય તો તમે બન્ને જણા એ ટટ્ટુને ખભે ઉપાડી લઈને દોડવા માંડો. એમ કરશો તો તમે વખતસર હાટમાં પહોંચી જશો અને આ ટટ્ટુ પણ બીચારું સુખી થશે.”

    બાપદીકરાને એની સલાહ વાજબી લાગી. એટલે ટટ્ટુને ખભે ઉપાડીને તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક નદી આવી. તેના સાંકડા પુલ ઉપરથી તેઓ જતા હતા તેવામાં ટટ્ટુ ભડક્યું અને તેણે તોફાન કર્યું. પછી ઊછળીને તે નીચે પડ્યું અને નદીમાં તણાઈને ડૂબી ગયું. બાપદીકરાને પણ ખૂબ વાગ્યું. પારકાની અક્કલે ચાલનાર એ બાપદીકરો છેવટે વીલે મોઢે ઘેર ગયા અને પોતાની મૂર્ખાઈ ઉપર પસ્તાવા લાગ્યા.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020