Paghadioni Ladai - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાઘડીઓની લડાઈ

Paghadioni Ladai

કિશોર વ્યાસ કિશોર વ્યાસ
પાઘડીઓની લડાઈ
કિશોર વ્યાસ

    એક હતો ધોબી.

    સવાર પડે કે મેલાંદાટ કપડાંનો ઢગલો એની રાહ જોતો હોય. એ ઢગલાનું પોટકું વાળી, ગધેડા પર નાખી રોજ નદીએ કપડાં ધોવા જવાનો એનો નિયમ. એક વખત એ કપડાંના ઢગલામાં ઘણી બધી પાઘડીઓ સૌએ ધોવા આપેલી. એમાં રાજાની ચમકદાર પાઘડી હતી તો સેનાપતિની રુઆબદાર પાઘડી પણ હતી. રાજકાજ કરનારા દરબારીઓની રંગબેરંગી પાઘડીઓનો ધોબીના પોટલામાં મેળો જમ્યો હતો.

    ધોબી નદીકાંઠે મોટા પથ્થર પર પોટલાની ગાંઠ છોડી એક-એક કરીને કપડાં માંડ્યો ધોવા. ધબાધબ.... ધબાધબ.

    પાઘડીઓ ટોળે વળીને વાતે બળગી. વાતવાતમાં પાઘડીઓ વચ્ચે ટપાટપી શરૂ થઈ. રાજાની પાઘડી કહે : ‘તમે સૌ મને લળીલળીને સલામ ભરો છો ત્યારે મને બહુ મજા આવે.’

    આ સાંભળીને વજીરની પાઘડીથી ન રહેવાયું : ‘અમે અમારા રાજાને નમીએ છીએ. તને કોણ સલામ ભરે?’ બે-ચાર સૈનિકોની પાઘડીઓએ એમાં સૂર પુરાવ્યો એટલે વાત વધી પડી.

    રાજાની પાઘડી કહે : ‘હું તમારા સૌમાં મોટી. હું જ્યાં જાઉં ત્યાં સૌ મને જ જોયા કરે. બધાને મારી બહુ બીક.

    સેનાપતિની કડક પાઘડી વળ લેતાં-લેતાં કહે : ‘તારાથી કોઈ ન ડરે. મારી બીક તો આસપાસના રાજાઓનેય ખૂબ લાગે. ઊભાં-ઊભાં થથરે એટલે મારી તોલે કોઈ ન આવે.’

     ‘તું કંઈ થોડી એકલી લડવા જાય છે? ભાલા, તીર ને તલવાર તો અમારા માલિકો ચલાવે છે. અમારા વગર રાજા, વજીર કે તારા સેનાપતિ સાવ બિચારા થઈ જાય.’ સૈનિકોની પાઘડીઓ આ ઝઘડામાં વચ્ચે કૂદી પડી.

    થોડી વારમાં તો એક પાઘડી કહે : ‘હું મોટી.’ બીજી કહે : ‘હું..’  એક કહે કે મારા વિના મારો રાજા શોભે જ નહીં તો બીજી કહે કે મને જોઈને તો ભલભલા ગુનેગારો પાંદડાની જેમ થરથર ધ્રૂજવા માંડે. હુંસાતુંસી, ખેંચાખેંચ વધતી ગઈ. એક ડાહી પાઘડીએ બધી પાઘ઼ડીઓને શાંત કરતાં કહ્યું : ‘આ ધોબી જ્યારે આપણને ધોવા લાગે ત્યારે સૌ શાંતિથી નજર કરજો કે એ કઈ પાઘડીને ઘસી-ઘસીને ચોખ્ખી કરે છે? એની કાળજીથી જ ખબર પડી જશે કે આપણામાં કોણ મોટું ને કોણ નાનું? સૌને આ વાત જચી ગઈ, પણ તોયે કેટલીક પાઘડીઓ તો હું મોટીને તું નાની એવી ચણભણ એક ખૂણે કરતી જ રહી. મોટાં કપડાં ધોવાઈ રહ્યાં એટલે ધોબીએ પાઘડીઓને એકસાથે ઉપાડીને સીધી જ ઝબોળી નદીના વહેતા ઠંડા-ઠંડા પાણીમાં. પાઘડીઓને તો ઠંડી ચડી ગઈ. ધોબી તો પથ્થર પર એક પછી એક પાઘડીને ધબ... ધબાધબ... ધબ પટકવા માંડ્યો. એકેએક પાઘડીઓના સાંધા ઢીલા થઈ ગયા. કોઈ પાઘડીને બોલવાના હોશ ન રહ્યા. હજુ તો કળ વળે એ પહેલાં ધોબી એક-એક પાઘડીને નીચોવવા માંડ્યો. પાણીને નિતારવા ધોબી પાઘડીઓને એવા બળથી વળ દેતો કે પાઘડીઓ તો ‘ઓય.... વોય.... ઓય.... વોય....’ કરવા માંડી. રાજાની પાઘડી કહે : ‘મારી તો કેડ ભાંગી ગઈ.’ કોટવાળની પાઘડીએ તો મૂંગા-મૂંગા જ હાથપગ ભાંગી ગયાનો ઇશારો કર્યો. વજીરની પાઘડી કહે : ‘મારી સાથે આ સૈનિકોની પાઘડીઓનેય ધોબીએ જે ઢીબી છે. જે ઢીબી છે... મારાથી તો બોલી શકાય એવું જ નથી.’

    સૈનિકોની પાઘડી કહે : ‘આપણામાં કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી. આપણે સૌ સરખાં.’

     ‘હાં, જે સાચું કામ કરે, સારું કામ કરે એ જ મોટું. ભલેને એ સેનાપતિ હોય કે સૈનિક હોય’ એક પાઘડી ડહાપણ ડહોળવા લાગી.

    પાઘડીઓને આ વાત સાચી લાગી પણ ધોબીના મારથી કોઈ ઊંહકારો પણ કરી શકે એમ નહોતી, એટલે સૌ પાઘડીઓએ આ વાત જાણે સમજાઈ ગઈ હોય એમ ડોકું ધુણાવ્યું ને ભેદભાવ ભૂલી એકબીજાને વળગીને દુઃખ ઓછું કરવા લાગી. એ પછી બધી પાઘડીઓ ઝઘડવાનું નામ લેતાં પણ ભૂલી ગઈ.

સ્રોત

  • પુસ્તક : લપસણીની મજા (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : કિશોર વ્યાસ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2024