Kabutarono Sardar - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કબૂતરોનો સરદાર

Kabutarono Sardar

નગીનદાસ દેસાઈ નગીનદાસ દેસાઈ
કબૂતરોનો સરદાર
નગીનદાસ દેસાઈ

    એક દિવસે એક પારધીએ વનમાં દાણા વેર્યા અને ઉપર જાળ પાથરી દીધી. પછી એ થોડે દૂર ઝાડને ઓથે સંતાઈ ગયો. થોડી વારમાં કબૂતરોનું એક ટોળું ઊડતું ઊડતું ત્યાંથી જતું હતું. નીચે દાણા વેરાયેલા જોઈ ટોળામાંથી એક કબૂતર બોલ્યું, “નીચે કેટલા બધા દાણા છે! ચાલો, અહીં જ ઊતરીએ.”

    પણ કબૂતરોના સરદારે કહ્યું, “આ કાંઈ ખેતર નથી કે અહીં દાણા વેરાયેલા પડ્યા હોય. મને તો આમાં જોખમ લાગે છે. જોજો, વગર વિચાર્યે ઊતરતાં!”

    ત્યાં બીજું એક કબૂતર બોલ્યું, “ચોખ્ખા દાણા દેખાય છે. એમાં વિચાર શો કરવો હતો? એમ વિચાર કરવા રહી તો ભૂખે જ મરીએ ને!”

    બીજાં કબૂતરોને એની વાત ગમી. તેઓ બધાં ઊતરવા તૈયાર થયા.

    સરદાર સમજુ હતો. એણે કહ્યું, “તમારી સૌની મરજી છે તો ચાલો, ઊતરીએ. મારે તમને છોડીને જવું નથી.”

    તરત જ આખું ટોળું નીચે ઊતર્યું. ભોંય પર પગ મૂકતાં જ બધાંના પગ જાળમાં સપડાઈ ગયાં. સૌ સમજ્યા કે સરદારની વાત સાચી હતી. બધાં પેલા ઊતરવાનું કહેનારનો વાંક કાઢવા લાગ્યાં. પણ સરદારે કહ્યું, “હવે કોઈનો વાંક કાઢ્યે કાંઈ વળવાનું નથી. હવે તો જાળમાંથી કેમ છૂટવું તેનો જ વિચાર કરીએ. જુઓ, મને એક યુક્તિ સૂઝે છે. જો આપણે જોર કરીને એક સામટાં ઊડીશું તો આ જાળને ઉપાડી શકીશું અને પારધીના હાથમાંથી બચી જઈશું.”

    સરદારે, ‘એક, બે, ત્રણ’ કહ્યું ત્યાં બધાં કબૂતર એક સાથે જોર કરીને ઊડ્યાં અને સાથે જ જાળ ઊંચકાઈ! કબૂતર તો જાળ લઈને ચાલ્યાં!

    કબૂતરને ઊડી જતાં જોઈ પારધી તેમની પાછળ દોડવા લાગ્યો. પણ થોડી વારમાં એ થાકી ગયો અને પાછો ફર્યો.

    એણે તો પંખી ખોયાં, દાણા ખોયા અને જાળ પણ ખોઈ!

*

    પારધી પાછો વળ્યો, એટલે કબૂતરોએ સરદારને પૂછ્યું, “આમ જાળ લઈને ક્યાં સુધી ઊડીશું?”

    સરદારે કહ્યું, “હવે બહુ દૂર નહીં ઊડવું પડે. પણે નદીકાંઠે મારો મિત્ર રહે છે. તે આપણને છોડાવશે.”

    કબૂતરો નદીકાંઠે જઈ ઊતર્યાં. સરદારે બૂમ પાડી એટલે એક ઉંદર બહાર આવ્યો અને બોલ્યો, “ઓહો, આ તો મારો મિત્ર! કેમ, આજ આમ ક્યાંથી?”

    સરદારે બધી વાત માંડીને કહી સંભળાવી. તરત જ ઉંદર જાળ કાપીને એને છૂટો કરવા તૈયાર થયો. પણ એણે કહ્યું, “તું મને એકલાને છૂટો કરે એ ન ચાલે. હું આ બધાંનો સરદાર છું. પહેલાં એ બધાં, ને પછી હું.”

  “પણ મારા ઝીણા દાંત વડે આવડી મોટી જાળ હું શી રીતે કાપું?”

  “કપાય તોયે કાપ, ને ન કપાય તોયે કાપ. તું મારો મિત્ર છે.”

    ઉંદર સમજી ગયો. તે એકદમ જાળ કાપવા મંડી ગયો. એક પછી એક કબૂતરો છૂટાં થવા લાગ્યાં. છેલ્લો વારો સરદારનો આવ્યો. તે છૂટી ગયો ને પોતાના મિત્રને ભેટી પડ્યો.

    પછી ઉંદરે પોતાના મિત્રની અને એના સાથીઓની સારી પેઠે પરોણાગત કરી. સાંજે બધાં પાછાં જવા નીકળ્યાં, ત્યારે બન્ને મિત્રો ફરી ભેટી પડ્યા. બન્નેની આંખમાં ઝડઝળિયાં આવી ગયાં.

    કબૂતરોનો સરદાર જતાં જતાં બોલ્યો, “મિત્ર મળો તો તારા જેવા મળજો.”

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020